Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાત‘મને રંજ છે, બે હાથ જોડીને માફી માંગું છું’: રાજપૂત સમાજની બેઠકમાં...

    ‘મને રંજ છે, બે હાથ જોડીને માફી માંગું છું’: રાજપૂત સમાજની બેઠકમાં પરષોત્તમ રૂપાલાએ માફી માંગી, જયરાજસિંહે કહ્યું- આ વિવાદ પૂર્ણ થયો, તેમની ભૂલને ભૂલવાની છે

    જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે, પરષોત્તમ રૂપાલાએ બે વખત ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે. આ સાથે જ અહીં મુદ્દો પૂર્ણ થઈ ગયો છે. હવે સમાજમાં કોઇ રોષ નથી. સમાજે માતાજીની હાજરીમાં હાથ ઊંચા કરીને ટેકો જાહેર કર્યો છે.

    - Advertisement -

    કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા એક નિવેદન બાદ ભારે વિવાદ સર્જાયો હતો અને રાજ્યભરમાંથી રાજપૂત સમાજે વિરોધ કર્યો હતો. જોકે, વિવાદ બાદ તેમણે માફી માંગતો એક વિડીયો પોસ્ટ કર્યો હતો, પરંતુ તેમ છતાં સમાધાન ન થતાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલે સમાજના આગેવાનો સાથે એક બેઠક કરી હતી. ત્યારબાદ શુક્રવારે (29 માર્ચ) ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને રાજપૂત સમાજ અગ્રણી જયરાજસિંહ જાડેજાના ઘરે એક બેઠક યોજાઈ હતી. 

    બેઠકમાં પરષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા. તેમણે અહીં રાજપૂત સમાજની બે હાથ જોડીને માફી માંગી હતી. તેમણે કહ્યું કે, “મારા નિવેદનના કારણે કારણે ક્ષત્રિય સમાજમાં જે રોષ ફેલાયો છે તેની મેં અનુભૂતિ કરી છે. મેં ત્યારે પણ કહ્યું હતું કે મારી એવી કોઇ ભાવના હતી નહીં, પરંતુ માફી માંગવા માટે તૈયાર છું.” 

    આગળ કહ્યું કે, “મને એક વાતનો મોટો રંજ છે કે મારી જીભથી આ વાત નીકળી. મેં જીવનમાં કોઇ નિવેદન કર્યું હોય અને પાછું ખેંચ્યું હોય તેવું બન્યું નથી. પરંતુ આ મારા ઉચ્ચારણથી મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો તેનાથી મોટો અફસોસ કે દુઃખ બીજી કોઈ વાતનું નથી. હું આ સમાજ સામે બે હાથ જોડીને માફી માંગું છું. આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત છે અને તેનો જવાબદાર હું જ છું.” 

    - Advertisement -

    તેમણે બેઠકમાં બોલાવવા બદલ જયરાજસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો અને અપીલ કરીને કહ્યું કે સમાજ તેમને માફ કરી દે. 

    આ બેઠકમાં જયરાજસિંહ જાડેજાએ પણ સંબોધન કર્યું. તેમણે કહ્યું કે, “પરષોત્તમ રૂપાલાના નિવેદનથી મને પણ દુઃખ થયું હતું, મારી લાગણીને પણ ઠેસ પહોંચે હતી. પરંતુ મારી તેમની સાથે વાત થઈ અને માત્ર 40 મિનીટની અંદર તેમણે વિડીયો મૂકી દીધો.”

    તેમણે ઉમેર્યું કે, “આપણે તેમની (રૂપાલાની) જે ભૂલ થઈ છે તેને ભૂલવાની છે. આપણો ક્ષાત્ર ધર્મ કહે છે કે આપણા બાપુજીનું માથું વાઢી નાખ્યું હોય તે પણ આપણી શરણે આવે ત્યારે આપણે એક થાળીમાં જમીએ છીએ. આ ઇતિહાસમાં બની ચૂક્યું છે.” આગળ એમ પણ કહ્યું કે, આ નિર્ણય તેમનો પોતાનો નહીં પરંતુ સમગ્ર રાજપૂત સમાજનો છે.

    તેમણે ઉમેર્યું કે પરષોત્તમ રૂપાલાએ બે વખત ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે. આ સાથે જ અહીં મુદ્દો પૂર્ણ થઈ ગયો છે. હવે સમાજમાં કોઇ રોષ નથી. સમાજે માતાજીની હાજરીમાં હાથ ઊંચા કરીને ટેકો જાહેર કર્યો છે. આ સાથે જ વિવાદ અહીં સમાપ્ત થયો છે.

    તેમણે એવી પણ અપીલ કરી કે સોશિયલ મીડિયા પર સમાજને ગેરમાર્ગે દોરવામાં ન આવે અને આ વિવાદ અહીં પૂર્ણ કરવામાં આવે. સાથે એમ પણ કહ્યું કે, ભાજપે ક્ષત્રિય સમાજને ઘણું આપ્યું છે. રાજ્યસભામાં પણ પ્રતિનિધિત્વ આપ્યું છે. તેમજ નરેન્દ્ર મોદીની આ દેશને જરૂર છે અને રૂપાલા તેમના પ્રતિનિધિ છે તેમ પણ ઉમેર્યું હતું. 

    શું છે વિવાદ? 

    થોડા દિવસ પહેલાં પરષોત્તમ રૂપાલાએ વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં બોલતી વખતે રજવાડાંનો ઉલ્લેખ કરીને એક નિવેદન આપી દીધું હતું, જેનાથી રાજપૂત સમાજમાં રોષ ફેલાયો હતો. જોકે, ત્યારબાદ તેમણે માફી પણ માંગી લીધી હતી. 

    એક વિડીયો પોસ્ટ કરીને તેમણે કહ્યું હતું કે, “વિડીયો અંગે ક્ષત્રિય સમાજના અનેક આગેવાનોના પ્રતિભાવ મને મળ્યા છે અને તેમને ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારો વિશેના મારા નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી છે. મારો આશય વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ પર થયેલા જુલમો વિશે જણાવવાનો હતો. છતાં મારા નિવેદનથી ક્ષત્રિય કે રાજવી પરિવારને કોઇ નારાજગી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું અને દિલથી માફી માંગું છું અને આ વિષય અહીં જ પૂર્ણ કરવામાં આવે તેવી વિનંતી કરું છું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં