Thursday, September 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પત્ની પ્રેગ્નેન્ટ નથી થતી, તમે આવશો?’: પ્રેન્ક વિડીયો માટે RJએ લોકો સાથે...

    ‘પત્ની પ્રેગ્નેન્ટ નથી થતી, તમે આવશો?’: પ્રેન્ક વિડીયો માટે RJએ લોકો સાથે કરી આવી ‘મજાક’, વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો તો લોકોએ ઝાટકણી કાઢી

    અમુક પ્રેન્ક સ્ક્રિપ્ટેડ પણ હોય છે. આ પ્રેન્ક વિડીયો સ્ક્રિપ્ટેડ હતો કે નહીં તે જાણી શકાયું નથી. ઑપઇન્ડિયાએ તે વિશે જાણવા માટે RJ મિતનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ તેમનો ફોન સ્વિચ ઑફ આવતો હોવાથી સંપર્ક સ્થાપિત શક્યો નથી.

    - Advertisement -

    સોશિયલ મીડિયા હવે માત્ર મનોરંજનનું સાધન ન રહેતાં કમાણીનું પણ સાધન બન્યું છે. લોકો જાતજાતનું કન્ટેન્ટ પીરસતા રહે છે. પણ ઘણી વખત આ કન્ટેન્ટમાં મર્યાદા ચૂકી જવાય ત્યારે લોકો ઉધડો લઇ લેતા હોય છે. હવે તો ગુજરાતમાં પણ આવી ઘટનાઓ જોવા મળી રહી છે. તાજેતરમાં જ રેડિયો મિર્ચીના RJ મિત એક પ્રેન્કને લઈને વિવાદમાં ફસાયા છે. RJએ શનિવાર (4 મે)ના રોજ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પ્રેન્ક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે લોકો સાથે નિમ્ન સ્તરની મજાક કરી હતી. તેઓ પોતાના પિતાની ઉંમરના વ્યક્તિઓને રસ્તા પર ઊભા રાખીને પૂછતાં જોવા મળ્યા છે કે, “મારી પત્ની ગર્ભવતી નથી થતી, તમે મદદ કરશો?” હવે આ પ્રેન્ક વિડીયોને સોશિયલ મીડિયામાં લોકોએ તેમની ઝાટકણી કાઢી છે.

    RJએ લોકો સાથે આવી નિમ્ન કક્ષાની મજાક કરી અને પ્રેન્ક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેઓ રસ્તે ચાલી રહેલા લોકોને પૂછી રહ્યા હતા કે, “મારી પત્ની ગર્ભવતી નથી થતી, તમે મદદ કરશો? ડોકટરોએ કહ્યું છે મારામાં તકલીફ છે. તો જરા ચાલોને મદદ કરી આપોને.” સામેના વ્યક્તિ ના પાડીને ‘સૉરી…સૉરી…’ કહેતા આગળ વધી જાય છે, પરંતુ ત્યારપછી પણ RJ મિત ‘તમને કોઇ તકલીફ છે?’ અને ‘આવું ન કરો’ કહીને માથાકૂટ ચાલુ રાખે છે. જોકે, પછીથી સામેના વ્યક્તિ ઓળખી જાય છે. ત્યારબાદ તે બીજા માણસો પાસે પણ આવી જ વાતો લઈને જાય છે.

    હવે લોકોએ તેમના આ પ્રેન્ક વિડીયોને લઈને વાંધો ઉઠાવ્યો છે અને આવા વિડીયોને સસ્તી પબ્લિસિટી મેળવવાનો સ્ટંટ ગણાવ્યો છે. RJએ પોસ્ટ કરેલા પ્રેન્ક વિડીયોના કોમેન્ટ બોક્સમાં લોકોએ તેમની ઝાટકણી કાઢી છે અને આવી ઊતરતી કક્ષાના મજાક માટે તેમને આડેહાથ લીધા છે.

    - Advertisement -

    નેટિઝન્સે કાઢી ઝાટકણી

    સોશિયલ મીડિયાની દુનિયામાં ઘણા લોકોએ RJ પર સવાલ ઉઠાવ્યા છે તો ઘણા લોકોએ તો મેથીપાક આપવાની વાત પણ કહી દીધી છે. લોકો RJની આ હરકતને બીભત્સતા ગણાવી રહ્યા છે. આ સાથે લોકોએ RJને ગુજરાતની સંસ્કૃતિ અને ભારતની સંસ્કૃતિ વિશે પણ જ્ઞાન આપ્યું છે.

    એક ફેસબુક યુઝરે પ્રેન્ક વિડીયો પર કોમેન્ટ કરતાં લખ્યું કે, “બસ આ જ જોવાનું બાકી હતું. આટલી નીચી કક્ષાએ જઈને વિડીયો બનાવવા કેટલું યોગ્ય? કડક કાયદો વ્યવસ્થા આ બાબતે જરૂરી છે, બાકી ભારતીય સંસ્કૃતિની ઘોર ખોદી નાખી છે આ લોકોએ.” આ સાથે યુઝરે ચિંતા વ્યક્ત કરતાં લખ્યું છે કે, જો આવા લોકો પર લગામ લગાવવામાં નહીં આવે તો એક સમયે આખા ભારતની આ સ્થિતિ થઈ શકે છે. અન્ય એક યુઝરે લખ્યું કે, “વિનાશ કાલે વિપરીત બુદ્ધિ.”

    અન્ય એક ફેસબુક યુઝરે RJ મિતને સીધો સવાલ જ કર્યો છે. તેમણે પૂછ્યું છે કે, “આ હદે ઊતરતી કક્ષાએ જઈને પૈસા કમાવા છે?” આ સાથે અન્ય ઘણા લોકોએ આ ઘટનાને શરમજનક હરકત ગણાવી છે. અન્ય કેટલાકે RJને પોતાના પરિવાર અને મા-બહેન તથા દીકરીઓ વિશે વિચારવા પણ કહ્યું છે.

    અન્ય એક યુઝરે લખ્યું કે, “આ પ્રેન્ક કરીને તમે આજે હલકટ કામ કર્યું છે. વ્યુઝ માટે તમે આ સ્તર સુધી આવી ગયા. આપણે ગુજરાતી છીએ, આવા વિડીયો ઉતારતા શરમ આવવી જોઈએ. આવી રીતે તો તમારા ફોલોઅર્સ ઘટશે અને ઉપરથી હેટ મળશે તે અલગ.” આ સાથે અન્ય યુઝરોએ આ પ્રેન્કને વાહિયાત ગણાવ્યું છે.

    અન્ય એક યુઝરે RJના આ કૃત્યને સ્ત્રી મર્યાદાની વિરુદ્ધનું ગણાવ્યું છે. આ સાથે તેમણે કહ્યું છે કે, “મિતભાઈ, તમે આ પ્રકારનો નિમ્ન કક્ષાનો વિડીયો બનાવીને સ્ત્રીના સન્માનનું ખૂન કર્યું હોય તેવું કહી શકાય.” તેમણે કહ્યું કે, “સ્ત્રીની શારીરિક તકલીફની તમે જાહેરમાં આ રીતે પ્રેન્ક વિડીયો બનાવીને મજાક કરી છે અને સ્ત્રી સન્માનનું ખૂન કર્યું હોય તેવું લાગી રહ્યું છે.”

    અન્ય એક યુઝરે RJને આવા વિડીયો બનાવીને લોકોને ગેરમાર્ગે ન દોરવાની સલાહ આપી છે. યુઝરે લખ્યું કે, “ભાઈ, પ્રેન્ક બનાવો. કોમેડી સારી વસ્તુ છે. પરંતુ આવા વિડીયો બનાવીને બીજાને અવળા રવાડે ના ચડાવો. આ વિડીયો બધા જોતાં હોય છે. જે સ્ત્રીને સંતાન ના થતું હોય અને જે પુરુષને તકલીફ હોય તેમની લાગણીને દુઃખ પહોંચે તેવો હલકટ વિડીયો છે આ.” આ સાથે તેમણે કહ્યું કે, આ પ્રકારનો વિડીયો મૂક્યા બાદ પોતાની પત્ની પણ અન્ય લોકો સામે જતાં શરમ અનુભવે છે. તેમણે આ વિડીયોને નિમ્ન કક્ષાનો ગણાવ્યો છે.

    અન્ય એક યુઝરે લખ્યું કે, “હલકટ અને વાહિયાત વિડીયો..કોમેડીના નામ પર વલ્ગરપણું ફેલાવતા આ માણસની જેટલી ટીકા કરીએ તેટલી ઓછી છે. આવા લોકોને જાહેરમાં મેથીપાક આપવો જોઈએ.” આ સાથે તેમણે ‘#Boycottradiomirchi’ હેશટેગ પણ લખ્યું છે.

    આ ઉપરાંત અન્ય પણ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે RJની ટીકા કરતી કોમેન્ટ્સ કરી છે. કોમેન્ટ બોક્સ ચેક કરતાં તેમાં એકપણ વ્યક્તિ એવો નથી મળ્યો જેણે RJનું સમર્થન કર્યું હતું. મોટા ભાગના લગભગ બધા જ લોકોએ તેમની નિંદા કરી છે.

    જોકે, અમુક પ્રેન્ક સ્ક્રિપ્ટેડ પણ હોય છે. આ પ્રેન્ક વિડીયો સ્ક્રિપ્ટેડ હતો કે નહીં તે જાણી શકાયું નથી. ઑપઇન્ડિયાએ તે વિશે જાણવા માટે RJ મિતનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ તેમનો ફોન સ્વિચ ઑફ આવતો હોવાથી સંપર્ક સ્થાપિત શક્યો નથી. પ્રત્યુત્તર મળે તો રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં