Sunday, May 19, 2024
More
    હોમપેજસ્પેશ્યલરૂપાલાને ધમકી, EVM તોડવાની વાત, આંતરિક વિખવાદ અને બેવડાં વલણો: એ બાબતો...

    રૂપાલાને ધમકી, EVM તોડવાની વાત, આંતરિક વિખવાદ અને બેવડાં વલણો: એ બાબતો જેના કારણે ક્ષત્રિય સંકલન સમિતિના આંદોલનને પહોંચી અસર

    આજે ક્ષત્રિય સમિતિનું આ આંદોલન ખાસ અસરકારક રહ્યું નથી. સમાજના એક વર્ગને ભલે લાગતું હોય કે આંદોલન હજુ પણ એટલું જ તીવ્ર છે, પણ તટસ્થ મૂલ્યાંકન કરવામાં આવે તો તેની તીવ્રતા સાવ ઘટી ગઈ છે અને નામ પૂરતું જ ચાલી રહ્યું છે તેમ કહીએ તોપણ ખોટું નથી.

    - Advertisement -

    છેલ્લા લગભગ દોઢ મહિનાથી ક્ષત્રિય સંકલન સમિતિ રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહી છે. આ વિરોધ હવે જોકે માત્ર રૂપાલા સુધી સીમિત ન રહેતાં ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં ફેરવાઈ ચૂક્યો છે. રાજ્યભરમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના અને ક્યાંક કોંગ્રેસના સમર્થનમાં મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ બહુ ચર્ચાઓ ચાલે છે. મીડિયામાં પણ આંદોલનને ઘણું કવરેજ મળી રહ્યું છે. 

    આ આંદોલન શરૂ થયું ત્યારે મુદ્દો ‘લાગણી’ અને ‘અસ્મિતા-સ્વાભિમાન’નો હોવાના કારણે ક્ષત્રિય સંકલન સમિતિને સમાજ સિવાય બહારથી પણ કાં તો સમર્થન મળ્યું હતું અથવા તો વિરોધ થયો ન હતો કે કોઈએ આંદોલન પર પ્રશ્ન ઉઠાવ્યા ન હતા. પણ જેમ-જેમ આગળ વધતું ગયું તેમ અમુક બાબતોમાં અતિશયોક્તિ, અમુક વિવાદાસ્પદ નિવેદન, અંદરોઅંદરના વિખવાદ અને બીજાં અમુક કારણોસર આંદોલનને અસર પહોંચતી ગઈ. 

    આજે ક્ષત્રિય સમિતિનું આ આંદોલન ખાસ અસરકારક રહ્યું નથી. સમાજના એક વર્ગને ભલે લાગતું હોય કે આંદોલન હજુ પણ એટલું જ તીવ્ર છે, પણ તટસ્થ મૂલ્યાંકન કરવામાં આવે તો તેની તીવ્રતા સાવ ઘટી ગઈ છે અને નામ પૂરતું જ ચાલી રહ્યું છે તેમ કહીએ તોપણ ખોટું નથી. એ જ કારણ છે કે છેલ્લા ઘણા દિવસથી સમિતિએ ઠેરઠેર ભાજપના ઉમેદવારોનો વિરોધ કરવાનું પણ માંડી વાળ્યું છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પણ પણ હવે વિરોધી અવાજ કે આંદોલનને પ્રશ્ન કરતા અવાજ ઊઠવા માંડ્યા છે. 

    - Advertisement -

    આંદોલન નબળું પડવાનાં ઘણાં કારણો છે. એમાં એક કારણ એ પણ છે કે સમય જતાં માત્ર મુદ્દો સામાજિક ન રહ્યો અને રાજકારણ પણ આવી ગયું. ઓછામાં પૂરું સમિતિએ બીજી પાર્ટીના નેતાઓ બોલ્યા ત્યારે ખાસ વિરોધ કર્યો નહીં. જેમણે આંદોલન શરૂ કર્યું હતું તેમને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા તેમજ અમુક નેતાઓએ એવાં નિવેદનો આપ્યાં, જેનાથી છાપ ખરડાઈ. 

    મુદ્દાને નકામો લાંબો ખેંચવો 

    આંદોલનની શરૂઆત પરષોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં થઈ હતી. જોકે, તેમણે ઘણી વખત માફી માંગી, પરંતુ આંદોલનકારીઓ રૂપાલાની ટીકિટ રદ કરવાની માંગ પર અડગ રહ્યા. બીજી તરફ, ભાજપે એ દિશામાં પગલાં ન ભર્યાં, જેથી આંદોલન કરનારાઓને શૂરાતન ચડ્યું અને આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવ્યું. સમિતિ રૂપાલાની ટીકિટ રદ કરવાની જ માંગ પર અડગ રહી અને એવી દલીલો આપી કે પાર્ટી એક સમાજ માટે કે વ્યક્તિની ટીકિટ કેમ પરત ન કરી શકે.

    પરંતુ પછીથી જેમ-જેમ મુદ્દો લાંબો ખેંચાતો ગયો તેમ એક એવો ગણગણાટ શરૂ થઈ ગયો કે રૂપાલાએ માફી માંગી લીધી હોવા છતાં શા માટે આટલું ખેંચવામાં આવી રહ્યું છે. દરમ્યાન, હિંદુત્વનો મુદ્દો પણ ચર્ચાયો અને લોકોએ કહ્યું કે હિંદુ એકતા માટે અને સૌ જાતિઓ એક રહે તે માટે આ વિષય પર પૂર્ણવિરામ મૂકાવું જોઈએ. પરંતુ તેમ ન થયું. સામાન્ય લોકોમાં આ પ્રશ્ન કાયમ ચર્ચાયો કે આટલી વખત માફી માંગી લીધા બાદ પણ કેમ આંદોલન ચાલુ રાખવામાં આવ્યું? કારણ કે આવા વિષયોમાં સામાન્ય રીતે માફી બાદ પૂર્ણવિરામ મૂકી દેવામાં આવતું હોય છે. 

    રૂપાલાને મારી નાખવાની ધમકી 

    આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે જ યુ-ટ્યુબ ચેનલ સાથેની વાતચીત દરમિયાન એક મહિલા ક્ષત્રિય નેતાએ ‘પરષોત્તમ રૂપાલા જીતે તોપણ જીવતો નહીં રહે’, તે પ્રકારનું અતિશય વિવાદાસ્પદ નિવેદન આપી દીધું. ત્યાં સુધી નેતાઓ નૈતિકતાની અને શાલીનતાની વાત કરીને રૂપાલાનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ આ નિવેદનથી પાણી ફરી ગયું અને ખૂબ ટીકા થઈ. લોકોએ કાયદાકીય કાર્યવાહી કરવાની પણ અપીલ કરી. 

    મહિલા નેતાએ કહ્યું હતું કે, “તમારા માધ્યમથી કહું છું કે જો હવે રૂપાલાને જીવતું રહેવું છે, તો પછી વિચારે કે ટીકીટ પરત ખેંચવી છે કે મારે આમાંથી હટવું છે. હું તો કહું છું રાજકારણમાંથી હટવું છે કે નથી હટવું.” આગળ ધમકીના સ્વરમાં કહે છે કે, “બાકી રૂપાલા જો આવી ગયો તો વધારે ટાઇમ જીવતો નથી રહેવાનો હવે.”

    આ નિવેદનની અવળી અસર થઈ અને ખરેખર શું મનસૂબા છે તે પૂછવાનું શરૂ કરી દેવામાં આવ્યું, જેનો આંદોલન કરનારાઓ પાસે જવાબ ન હતો. 

    રાજ શેખાવત અને કરણી સેના 

    આ આંદોલનમાં ક્ષત્રિય કરણી સેનાના રાજ શેખાવતે પણ શરૂઆતમાં બહુ હોબાળો મચાવ્યો હતો, પણ પછી શાંત થઈ ગયા. હમણાં ફરી તેઓ જાગ્યા છે. શેખાવતે 30 માર્ચના રોજ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું અને કારણ ધર્યું હતું પરષોત્તમ રૂપાલા વિવાદનું. પણ મજાની વાત એ છે કે તેઓ 27 માર્ચના રોજ જ રાજસ્થાનની ઝૂંઝનુ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી આવ્યા હતા. તેમણે સમર્થન કોનું લીધું? વામન મેશ્રામની બામસેફ અને બહુજન મુક્તિ પાર્ટીનું, જેઓ હિંદુવિરોધી નિવેદનો માટે જાણીતા છે. 

    દરમ્યાન, મેશ્રામ સાથેના શેખાવતના ફોટા પણ ફરતા થઈ ગયા અને લોકોએ એમ પણ પૂછ્યું કે જે મેશ્રામ બ્રહ્માનો અને હિંદુઓ વિરુદ્ધ આટલું બોલે છે, જેમણે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને ‘કાળો દિવસ’ ગણાવ્યો હતો, તેનું ચૂંટણીમાં સમર્થન લેવાની આખરે જરૂર શું પડી? દરમ્યાન, શેખાવતે ‘દંડા અને ઝંડા’ લઈને કમલમ પર જવાની ચીમકી ઉચ્ચારી, પરંતુ તે પહેલાં જ તેમની અટકાયત કરી લેવામાં આવી. 

    પછીથી તેઓ રાજસ્થાનમાં ચૂંટણી લડવામાં વ્યસ્ત થઈ ગયા, પરંતુ હમણાં તેમણે ખેડામાં યોજાયેલા એક ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે સંબોધન કરતાં કહ્યું કે, મતદાનના દિવસે જો ભાજપ કોઇ બૂથ પર ગડબડ કરે તો EVM તોડી નાખવામાં આવે. આવા ઉશ્કેરણીજનક નિવેદનથી આંદોલન પર સવાલ ઉભા થાય તે સ્વભાવિક છે. 

    પદ્મિનીબા વાળા સાઈડલાઈન થયાં, આંતરિક વિખવાદ સામે આવ્યો 

    રાજકોટનાં પદ્મિનીબા વાળા શરૂઆતમાં આ આંદોલનનો મુખ્ય ચહેરો હતાં. 14 એપ્રિલના રોજ રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન યોજાયું, ત્યાં સુધી તો બહુ ઠીક ચાલતું હતું, પણ તેના બીજા જ દિવસે એક ઑડિયો વાયરલ થયો, જે પદ્મિનીબા વાળાનો હતો. જેમાં તેઓ સંકલન સમિતિ પર આરોપ લગાવતાં સાંભળવા મળ્યાં અને પ્રશ્ન કર્યા કે આખરે તેઓ શા માટે રાહ જોઈ રહ્યા છે. 

    ત્યારબાદ પદ્મિનીબા સંકલન સમિતિથી અલગ થઈ ગયાં અને મીડિયામાં સામે આવીને સ્પષ્ટપણે પોતાનો વિરોધ દર્શાવ્યો. તેમણે રોષ ઠાલવતાં સમિતિ પર રાજકારણ ઘૂસાડવાના પણ આરોપ લગાવ્યા અને કહ્યું કે આંદોલન હવે સ્વાભિમાન માટે લડવામાં આવી રહ્યું હોય તેવું લાગતું નથી. પછીથી તેમણે વડાપ્રધાન મોદીનું પણ સમર્થન કર્યું અને કહ્યું કે રૂપાલાના વિરોધ સુધી ઠીક હતું, પણ મોદી સુધી પહોંચી જવાની જરૂર ન હતી. 

    આ બધાં નિવેદનોથી સ્પષ્ટ થયું કે સમિતિ અને આંદોલનકારીઓ જ એક નથી અને ક્યાંક રાજકારણ પણ હવે રમાઈ રહ્યું છે. 

    રાહુલ ગાંધીના નિવેદન વખતે ટીકા કરીને સંતોષ માની લીધો, માત્ર રૂપાલા અને ભાજપનો જ વિરોધ 

    ક્ષત્રિય સંકલન સમિતિ રાજા-રજવાડાં પર પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ કરી રહી છે, પરંતુ આ આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો પણ એક વિડિયો સામે આવ્યો, જેમાં તેઓ રાજા-મહારાજાઓને જમીન ઉઠાવી લઇ જનારાઓ કહી રહ્યા હતા. આ વિડીયો જૂનો હોય તેમ પણ ન હતું, 26 એપ્રિલના રોજ તેમને કર્ણાટકના બેલ્લારીમાં આપેલા ભાષણનો જ હતો. 

    સામાન્ય રીતે તો કોઇ સમાજ પક્ષો કે વ્યક્તિઓ જોઈને વિરોધ કરતો નથી, એટલે ક્ષત્રિય સંકલન સમિતિને પણ પૂછવામાં આવ્યું કે તેઓ રાહુલ ગાંધીનો વિરોધ કરશે કે કેમ. જેમાંથી અમુક નેતાઓએ રાહુલની ટીકા કરી ખરી, પણ ત્યાં જ સંતોષ માની લીધો અને આગળ કોઇ પગલાં ન લીધાં. અમુક નેતાઓ તો એવા પણ નીકળ્યા જેમણે રાહુલ ગાંધીના વિડીયોને જૂનો અને એડિટેડ ગણાવી દીધો, જે હતું જ નહીં. 

    સંકલન સમિતિનાં આવાં બેવડાં વલણ જોઈને પ્રશ્ન ઉઠવા માંડ્યા કે આખરે ભાજપ અને તેના નેતાઓ સામે જ કેમ આટલો વિરોધ થઈ રહ્યો છે અને બીજા સામે કેમ નહીં? એ તો ઠીક, પણ પદ્મિનીબા વાળા જેવા નેતાઓએ પણ સમિતિને સવાલ કર્યા અને કહ્યું કે હવે તેઓ રાહુલ ગાંધી પાસે પણ માફી મંગાવે. જોકે, હજુ સુધી સમિતિએ રાહુલને માફી મંગાવવા માટે કશું જ કર્યું નથી, ભવિષ્યમાં કંઈ કરે તેવું જણાતું પણ નથી. 

    ભાજપનો વિરોધ, કોંગ્રેસને સમર્થન 

    ક્ષત્રિય સંકલન સમિતિએ 14 એપ્રિલના મહાસંમેલનમાં ભારતીય જનતા પાર્ટીને 19 એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો અને કહ્યું હતું કે જો પરષોત્તમ રૂપાલાની ટીકિટ પરત ખેંચવામાં નહીં આવે તો તેઓ પાર્ટ-2 જાહેર કરશે. આખરે ભાજપે રૂપાલાને જ લડાવવાનો નિર્ણય કર્યો તો સમિતિએ પાર્ટ-2 ઘોષિત કર્યો, જેમાં દરેક બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાનું જાહેર કરવામાં આવ્યું. 

    અહીં ભાજપનો વિરોધ કરીને જે સક્ષમ ઉમેદવાર હોય તેને મત આપવા માટે અપીલ કરવામાં આવી. પરંતુ પછીથી સ્પષ્ટ થઈ ગયું કે આ ‘સક્ષમ ઉમેદવારો’ એટલે કોણ. સોશિયલ મીડિયાથી માંડીને ઘણી જગ્યાઓએ કોંગ્રેસને ખુલ્લેઆમ સમર્થન અપાવા માંડ્યું. રાજકોટમાં ક્ષત્રિય ધર્મરથ ગયો તો ત્યાં પણ લોકોને કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા. 

    એક પાર્ટીનો વિરોધ કરવો અલગ વાત થઈ અને બીજીને સમર્થન કરવું અલગ. સમિતિને પૂછાવા માંડ્યું કે ભાજપનો વિરોધ હોય તેથી કોંગ્રેસને સમર્થન કરવાનું શું કારણ છે. સમિતિ કે તેમના સમર્થકો ભલે ગમે તે કારણો આપે, પણ આ સવાલો વ્યાજબી છે. ઘણા લોકો એવા પણ છે જેઓ ભાજપ સાથે નારાજગી હોય, પણ કૉંગ્રેસના સમર્થનમાં મતદાન નહીં જ કરે. તેઓ સમય જોઈને અલગ થવા માંડ્યા. આ સિવાય, લગભગ 45 રજવાડાંએ પણ પીએમ મોદી અને ભાજપને સમર્થન જાહેર કર્યું છતાં સમિતિ પોતાના સ્ટેન્ડ પર અડગ રહી. જેથી એવી પણ ચર્ચા ચાલી કે શું જે સમિતિ રાજા-રજવાડાંના અપમાન બદલ લડવા નીકળી હતી તે હવે તેમનું જ નહીં સાંભળે?

    આ સિવાય વાત કરવામાં આવે તો સમિતિ સાથે સંકળાયેલા અમુક નેતાઓના બેફામ વાણીવિલાસ કરતા વિડીયો પણ સામે આવવા માંડ્યા, જેમાં કોઈએ કહ્યું કે ઉત્તર ગુજરાતના ક્ષત્રિયો ‘શુદ્ધ’ નથી તો કોઈએ વળી પાટીદારો, બ્રાહ્મણો અને અન્ય સમાજો વિશે ટિપ્પણીઓ કરી. વચ્ચે-વચ્ચે આંતરિક વિખવાદ દર્શાવતા ઑડિયો પણ સામે આવતા રહ્યા. જેનાથી એવી છાપ પણ ઉપસી કે આંદોલન સંપૂર્ણપણે સામાજિક નથી જ. 

    હવે આ લખાય રહ્યું છે ત્યારે મતદાનને થોડા જ કલાકો રહ્યા છે. બહુ જલ્દી પ્રચાર પણ થંભી જશે. 7 મેના રોજ મતદાન થશે. પરંતુ હાલ ઘણોખરો માહોલ બદલવામાં ભાજપ સફળ રહ્યો છે. સમિતિ કેટલું નુકસાન કરી શકે તે તો પરિણામ બાદ જ ખબર પડશે, પણ એટલું ચોક્કસ છે કે જે આંદોલન શરૂ થયું હતું તે પૂર્ણ થતાં સુધીમાં મહત્વ અને અસરકારકતા બંને ગુમાવી ચૂક્યું છે. કારણો ઉપર જણાવ્યાં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં