Friday, May 17, 2024
More
    હોમપેજગુજરાતરૂપાલાનો વિરોધ હવે ધાનાણીના સમર્થનમાં ફેરવાયો, રાજકોટમાં ક્ષત્રિય ધર્મરથ યાત્રામાં કોંગ્રેસ ઉમેદવાર...

    રૂપાલાનો વિરોધ હવે ધાનાણીના સમર્થનમાં ફેરવાયો, રાજકોટમાં ક્ષત્રિય ધર્મરથ યાત્રામાં કોંગ્રેસ ઉમેદવાર માટે મતદાન કરવા શપથ લેવડાવાયા: રાજવીઓની અપીલ પણ કાને નહીં ધરે સંકલન સમિતિ?

    ભાજપ સામેના આંદોલન પાર્ટ-2ના ભાગરૂપે ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા રાજ્યભરમાં ધર્મરથ ફેરવવામાં આવી રહ્યો છે. આ રથ બુધવારે (1 મે) રાજકોટમાં આવી પહોંચ્યો હતો, જ્યાંથી આ સમગ્ર વિવાદ શરૂ થયો.

    - Advertisement -

    રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સંકલન સમિતિ છેલ્લા દોઢેક મહિનાથી વિરોધ કરી રહી છે. કારણ તેમનું રાજા-રજવાડાં પરનું એક નિવેદન છે. જોકે, તેઓ ચાર વખત માફી માંગી ચૂક્યા છે અને રાજ્યના લગભગ 45 જેટલા રાજવીઓ પણ તેને બાજુ પર મૂકીને રાષ્ટ્રના હિતમાં વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરી ચૂક્યા છે. પરંતુ સંકલન સમિતિ હજુ પણ ભાજપના વિરોધમાં જ ચાલી રહી છે અને હવે કોંગ્રેસ ઉમેદવારને સમર્થન કરવાની વાત પણ થવા માંડી છે. 

    ભાજપ સામેના આંદોલન પાર્ટ-2ના ભાગરૂપે ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા રાજ્યભરમાં ધર્મરથ ફેરવવામાં આવી રહ્યો છે. આ રથ બુધવારે (1 મે) રાજકોટમાં આવી પહોંચ્યો હતો, જ્યાંથી આ સમગ્ર વિવાદ શરૂ થયો. રાજકોટમાં રથ ફેરવતી વખતે પરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ કરવાની તો વાત થઈ જ, પણ સાથોસાથ કોંગ્રેસને સમર્થન આપવા પણ કહેવાયું અને શપથ પણ લેવડાવવામાં આવ્યા. 

    આ ધર્મરથ યાત્રા દરમિયાન ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવા પહોંચેલી મીડિયા સંસ્થા ‘ટપરી મીડિયા’એ એક વિડીયો શૅર કર્યો છે, જેમાં શપથ જોવા-સાંભળવા મળે છે. આ વિડીયો રાજકોટનો હોવાનું જાણવા મળ્યું છે. વિડીયોમાં એક વ્યક્તિ બાકીનાને ભાજપનો વિરોધ કરવા અને કોંગ્રેસનું સમર્થન કરવા માટે અપીલ કરે છે અને શપથ લેવડાવે છે. 

    - Advertisement -

    તેઓ કહે છે કે, “હું મા ભગવતીની સાક્ષીએ આજે શપથ લઉં છું કે જે નારી અસ્મિતા ઉપર ઘા થયો છે, તે સાંખી લેવામાં નહીં આવે. તો મા ભગવતીની સાક્ષીએ હું શપથ લઉં છું કે આ વખતે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરીને, માતૃશક્તિને વંદન કરીને, ભાજપની સામે જે સક્ષમ ઉમેદવાર છે, તેમને વિજયી બનાવીશ.”

    આગળ કહે છે કે, “કોંગ્રેસને મતદાન કરીને, હું પરેશભાઈ ધાનાણીને વિજયી બનાવીશ.” 

    અહીં ખાસ નોંધવું જોઇએ કે ક્ષત્રિય સંકલન સમિતિ અત્યાર સુધી ભાજપના વિરોધમાં જે ‘સક્ષમ ઉમેદવાર’ હોય તેના પક્ષે મતદાન કરવાની અપીલ કરતી આવી છે, પરંતુ હવે આ ‘સક્ષમ ઉમેદવાર’ ખરેખર કોણ છે તે પણ જણાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. 

    45 રાજવીઓએ ‘ચિંતન બેઠક’ યોજીને પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું, કહ્યું- સ્વતંત્રતા બાદ પહેલી વખત આવા નેતા પ્રાપ્ત થયા છે

    નોંધનીય બાબત એ પણ છે કે તાજેતરમાં જ રાજકોટના રાજવી માંધાતાસિંહની અધ્યક્ષતામાં રાજ્યભરના લગભગ 15 રાજવીઓએ ચિંતન બેઠક યોજી હતી. ત્યારબાદ તેમણે એક પ્રેસ કૉન્ફરન્સ પણ કરી. જેમાં તેમણે જણાવ્યું કે 15 રાજવીઓએ ઉપસ્થિત રહીને અને બાકીના રાજવીઓએ સમર્થન પત્ર મોકલીને જણાવ્યું છે કે રાષ્ટ્રના હિતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન કરવામાં આવે. 

    રાજવીઓએ કહ્યું કે, 2024ની લોકસભા ચૂંટણી એ સામાન્ય ચૂંટણી નથી અને ધર્મ અને સનાતન સંસ્કૃતિ, ભારત દેશ અને ભાવિ પેઢીના સ્થિર, સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્યના સૂર્યોદય માટેની ચૂંટણી છે. સ્વતંત્રતા પ્રાપ્તિના દાયકાઓ બાદ ભારતને એક સજાગ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી પ્રાપ્ત થયા એ ભારતવાસીઓએ કરેલાં પુણ્યનો ઉદય છે. હવે નૂતન ભારતના નિર્માણ માટે સૌનું નૈતિક કર્તવ્ય બને છે કે આ ચૂંટણીમાં સૌ સાથે મળીને પ્રચંડ મતદાન કરીને ફરી એક વખત નરેન્દ્રભાઈ મોદીને દેશભરમાંથી દૈવીય સિંહાસન સ્વરુપ 400+ કમળની ભેટ અર્પણ કરીએ અને પૂર્ણ બહુમતી સાથેની સરકારનું સુકાન તેમને અર્પણ કરીએ. 

    જોકે, સંકલન સમિતિએ જુદી જ રાહ પકડી છે અને ભાજપ ઉમેદવારોની વિરુદ્ધ મતદાન કરાવવા માટે શપથ લેવડાવવા માંડ્યા છે. હાલ સમિતિ અને રાજવીઓ જુદા-જુદા માર્ગે જણાય રહ્યા છે. એક તરફ રાજવીઓ રાષ્ટ્રહિતમાં બાકીની બાબતો ભૂલી જઈને નરેન્દ્ર મોદીનું સમર્થન કરવા અપીલ કરે છે, જ્યારે સમિતિ ભાજપનો વિરોધ કરવાની હઠ પકડીને બેઠી છે. જોકે, હજુ રાજવીઓના નિવેદન પર સમિતિનું કોઇ નિવેદન આવ્યું હોય તેવું ધ્યાને નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં