Monday, July 22, 2024
More
  હોમપેજગુજરાતવિવાદોમાં ઘેરાયેલી ક્ષત્રિય સંકલન સમિતિએ આખરે આંદોલનને ‘વિરામ’ આપવાની જાહેરાત કરી: ભાજપને...

  વિવાદોમાં ઘેરાયેલી ક્ષત્રિય સંકલન સમિતિએ આખરે આંદોલનને ‘વિરામ’ આપવાની જાહેરાત કરી: ભાજપને 7 બેઠકો પર હરાવવાની વાત કરનાર કરણસિંહે હવે કહ્યું- રિઝલ્ટ જે આવે એ!

  કરણસિંહે કહ્યું કે, ક્ષત્રિય સમાજનું આંદોલન વ્યક્તિગત કે રાજકીય ન હતું, પરંતુ સમાજની અસ્મિતાની લડાઇ માટેની ચળવળ હતી. હવે તેને વિરામ આપવામાં આવે છે.

  - Advertisement -

  રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદન વિરુદ્ધ શરૂ થયેલું અને ભાજપના વિરોધ અને કોંગ્રેસના સમર્થન સુધી પહોંચેલું ક્ષત્રિય સંકલન સમિતિનું આંદોલન આખરે ઔપચારિક રીતે સ્થગિત કરવામાં આવ્યું છે. આંદોલનની બાગડોર જેના હાથમાં હતી તેવી રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા આંદોલનને વિરામ આપવાની આ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 

  ગુરુવારે (16 મે) ક્ષત્રિય સંકલન સમિતિએ એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. જેમાં પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, તેઓ આંદોલનને વિરામ આપી રહ્યા છે. સાથે કહ્યું કે, ચૂંટણીનાં પરિણામો જે આવે તે તેનાથી અસ્મિતાને કોઇ અસર નહીં થાય. જોકે એવું પણ કહ્યું કે, ભવિષ્યમાં સમયની સાથે કોઇ નવા પ્રશ્ન ઉભા થશે તો સમિતિ અવાજ ઉઠાવશે.

  કરણસિંહે કહ્યું કે, ક્ષત્રિય સમાજનું આંદોલન વ્યક્તિગત કે રાજકીય ન હતું, પરંતુ સમાજની અસ્મિતાની લડાઇ માટેની ચળવળ હતી. હવે તેને વિરામ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, સમિતિ રાજકીય પાર્ટીઓ અને સમાજના આગેવાનોને જાણ કરે છે કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે રાગદ્વેષ ન રાખે અને તે પ્રકારે વાણીવિલાસ પણ ન કરે. સાથે ‘આ આંદોલન કોઇ વ્યક્તિઓ કે સરકાર સામે ન હતું’ તેમ કહીને એવી ચીમકી પણ ઉચ્ચારી કે અમારા સભ્યો, નેતાઓને રંજાડવાના પ્રયાસ થશે તો આંદોલન બમણા વેગથી શરૂ થશે. 

  - Advertisement -

  કરણસિંહે આગળ કહ્યું કે, “રિઝલ્ટ જે આવે તે. અમે નથી કહેતા કે પરિણામ શું આવશે. રૂપાલા હારે કે જીતે તે બે નંબરની બાબત છે. અમે રૂપાલા હારે તે માટે તમામ પ્રયાસો કર્યા છે. પરંતુ પરિણામથી અમારી અસ્મિતાની લડાઈને કોઇ આંચ આવવાની નથી. અમે આંદોલનને વિરામ આપીએ છીએ. ઘણા મને પૂછે કે આ આંદોલન પૂર્ણ થઈ ગયું? ના. આ આંદોલનને અમે વિરામ આપીએ છીએ. કોઇ સમાજ એવું ન કહી શકે કે તેના તમામ પ્રશ્નો પતી ગયા. કાલે નવા પ્રશ્નો ઉભા થશે.”

  અહીં કરણસિંહ ચાવડા કહી રહ્યા છે કે પરિણામોથી આંદોલનને કોઇ અસર ન થશે, પરંતુ નોંધવું જોઈએ કે 7 મેના રોજ મતદાન પૂર્ણ થયા બાદ યોજેલી એક પ્રેસ કૉન્ફરસમાં સંકલન સમિતિના આ જ કરણસિંહ ચાવડાએ દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી 7 બેઠકો પર હારશે અને બાકીની 4 બેઠકો પર ટક્કર જોવા મળશે. 

  તાજેતરમાં પી. ટી જાડેજાના ઑડિયોના કારણે વિવાદમાં આવી હતી ક્ષત્રિય સંકલન સમિતિ 

  7 મેના રોજ ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ જતાં ક્ષત્રિય સંકલન સમિતિ અને તેનું આંદોલન બંને અપ્રાસંગિક બની ગયાં હતાં, પરંતુ થોડા દિવસ પહેલાં સમિતિ ફરી વિવાદમાં આવી હતી, જ્યારે તેના એક સભ્ય અને જાણીતા આગેવાન પી. ટી જાડેજાના અમુક ઑડિયો વાયરલ થયા હતા. આ વાયરલ ઑડિયોમાં પી. ટી જાડેજા ક્ષત્રિય સંકલન સમિતિને ‘ગદ્દાર’ ગણાવે છે અને કહે છે કે તેઓ તમામનો પર્દાફાશ કરશે. સાથે તેમણે અન્ય ઘણી સ્ફોટક વાતો કહી હતી, જેના કારણે સમિતિ વિવાદમાં સપડાઇ ગઈ હતી. જોકે, પછીથી જાડેજાએ એક વિડીયો મારફતે જણાવ્યું હતું કે તેમને અમુક નારાજગી હતી, પણ પોતે સંકલન સમિતિ સાથે જ રહેશે. 

  પછીથી ક્ષત્રિય સંકલન સમિતિએ પણ ભીનું સંકેલવાના પ્રયાસ કર્યા, પરંતુ પ્રશ્નો પૂછાતા જ રહ્યા કે આખરે શા માટે તેઓ આ વિશે કશું કેમ બોલતા નથી. તે પહેલાં પણ કોંગ્રેસને સમર્થન આપવાથી લઈને રાહુલ ગાંધીનો વિરોધ ન કરવા જેવી બાબતોને લઈને સતત સમિતિને સવાલો કરવામાં આવતા રહ્યા હતા. 

  મતદાન બાદ ક્ષત્રિય સંકલન સમિતિએ કહ્યું હતું કે તેઓ ભાજપને 7 બેઠકો પર હરાવશે. પરંતુ હવે પરિણામોની પણ રાહ જોવામાં આવી નથી અને આંદોલનને વિરામ આપી દેવામાં આવ્યો છે. સાથે એમ પણ કહેવામાં આવ્યું કે આંદોલન રાજકીય ન હતું અને પરિણામો આવે તેનાથી તેમને કોઇ ફેર પડતો નથી. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં