Sunday, May 19, 2024
More
    હોમપેજગુજરાતબે દિવસ પહેલાં ભાજપને 10 બેઠકો પર હરાવવાની વાત કરતી ક્ષત્રિય સંકલન...

    બે દિવસ પહેલાં ભાજપને 10 બેઠકો પર હરાવવાની વાત કરતી ક્ષત્રિય સંકલન સમિતિ હવે 7 પર આવીને અટકી: દાવો સાચો પડે તેની શક્યતા કેટલી?

    ક્ષત્રિય સંકલન સમિતિ આ આંકડાકીય માહિતી ક્યાંથી લાવી અને કયા આધારે આ દાવો કર્યો એ તો ખબર નથી, પણ હાલનો માહોલ અને જે રીતે મતદાન થયું છે તેને જોતાં ભાજપ 7 બેઠકો ગુમાવશે તેમ કહેવું જરા વધારે પડતું છે. 

    - Advertisement -

    પહેલાં પરષોત્તમ રૂપાલા અને પછી ભારતીય જનતા પાર્ટી સામે પડેલી ક્ષત્રિય સંકલન સમિતિએ લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયા બાદ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી રાજ્યની 26માંથી 7 બેઠકો ગુમાવશે. મતદાન પૂર્ણ થયા બાદ સમિતિના હોદ્દેદારોએ એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી, જેમાં સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ આ વાત કહી. 

    કરણસિંહે એવો પણ દાવો કર્યો કે ક્ષત્રિય પ્રભુત્વવાળા વિસ્તારોમાં 8૦%થી વધુ મતદાન થયું છે. આગળ કહ્યું, અમારા આકલન મુજબ ભાજપ 7 બેઠકો ગુમાવે છે અને 4 બેઠકો પર રસાકસી રહેશે. બાકીની બેઠકો પર 5 લાખની નહીં પણ ઓછી લીડથી જીતશે તેમ પણ તેમણે દાવો કરી દીધો. સાથે એમ પણ કહ્યું કે, ક્ષત્રિય સમાજને અન્ય સમાજોનો પણ સહકાર મળ્યો છે. 

    અહીં નોંધવું જોઈએ કે માત્ર 2 દિવસ પહેલાં આ જ સંકલન સમિતિના આ જ કરણસિંહ ચાવડા ભાજપને 10 બેઠકો પર હરાવવાની વાત કરતા હતા. 5 મેના રોજ યોજેલી પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, હાલ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 10 ઉપરાંત બેઠકો ગુમાવી રહી છે. સાથે એવું પણ કહ્યું હતું કે અમે ગુજરાતભરમાં ભ્રમણ કરીને સંમેલનો કર્યાં, તેના આધારે આ કહી રહ્યો છું. માત્ર 2 દિવસમાં સમિતિના નેતાએ ત્રણ બેઠકોનો આંકડો ઘટાડી દીધો છે અને હવે મતદાન બાદ દાવો કર્યો છે કે ભાજપ 7 બેઠકો ગુમાવશે. 

    - Advertisement -

    ક્ષત્રિય સંકલન સમિતિ આ આંકડાકીય માહિતી ક્યાંથી લાવી અને કયા આધારે આ દાવો કર્યો એ તો ખબર નથી, પણ હાલનો માહોલ અને જે રીતે મતદાન થયું છે તેને જોતાં ભાજપ 7 બેઠકો ગુમાવશે તેમ કહેવું જરા વધારે પડતું છે. 

    ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, એટલે જ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીઓમાં પાર્ટીને 26માંથી 26 લોકસભા બેઠકો મળી. આ વખતે ક્ષત્રિય સંકલન સમિતિના વિરોધને કારણે પાર્ટીએ થોડોઘણું નુકસાન ભોગવવું પડી શકે છે. પરંતુ પહેલા દિવસથી એ વાત સ્પષ્ટ છે કે આ આંદોલનથી પાર્ટી કોઇ બેઠક ગુમાવશે તેવી શક્યતાઓ ઓછી છે. વિધાનસભા ચૂંટણી હોત તો અલગ વાત હતી, આ લોકસભા ચૂંટણી છે, જેમાં વોટનાં માર્જિન પણ મોટાં રહે છે. આમ તો કઈ જાતિની વસતી કેટલી છે અને ક્યાં વધુ-ક્યાં ઓછી છે તેના કોઇ સત્તાવાર આંકડા નથી, પરંતુ એ વાત તો સર્વવિદિત છે કે કોઇ લોકસભા બેઠક પર ક્ષત્રિય મતદારો બાજી પલટાવી શકે એટલી સંખ્યામાં નથી.

    વધુમાં નોંધવાનું એ પણ રહે કે સંકલન સમિતિએ આંદોલનની શરૂઆતમાં ભાજપવિરોધી માહોલ થોડોઘણો બનાવ્યો હતો, પણ જેમ-જેમ સમય ગયો તેમ અનેક કારણોના લીધે આંદોલનની તીવ્રતા ઘટતી ગઈ અને છેલ્લી ઘડીએ તો ઘણોખરો માહોલ ભાજપ અને મોદીના પક્ષે પણ થઈ ગયો હતો. ખાસ કરીને પીએમ મોદીની ગુજરાત મુલાકાત અને જામસાહેબ સાથેની મુલાકાત બાદ માહોલમાં પરિવર્તન આવ્યું હતું. 

    ગુજરાતમાં નરેન્દ્ર મોદી પણ એક મોટું ફેક્ટર છે. મોદીના નામે જ દર ચૂંટણીમાં મત પડે છે અને ભાજપને આ મોદીના નામનો ફાયદો પણ ઘણો થાય છે. પીએમ મોદીની સભાઓની પણ અસર પડી. બીજી તરફ, રામ મંદિરથી માંડીને મોદી સરકારનાં અમુક કામો અને લાભાર્થી યોજનાઓના નામે પણ મતદાન થયું જ હશે. આવા મતદાનનો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે. 

    અસર લીડ સુધી સીમિત રહે તેની શક્યતાઓ પ્રબળ

    ક્ષત્રિય વસ્તી ધરાવતી બેઠકો પર મતદાન વધુ થયું છે, જેથી ત્યાં અસર પડશે પરંતુ તે અસર લીડ પૂરતી જ સીમિત રહે તેની શક્યતાઓ વધારે છે. તે બેઠક ગુમાવવામાં પરિવર્તિત થાય તેમ લાગતું નથી. વધુમાં, ભૂતકાળમાં પણ ગુજરાતે જોયું છે કે જ્યારે-જ્યારે કોઇ એક સમુદાય ભાજપની સામે પડે છે ત્યારે બાકીના સમુદાયો એક થઈને પાર્ટીને સમસ્યામાંથી ઉગારી લે છે. 

    આ આંદોલનમાં ક્ષત્રિય સંકલન સમિતિ વિરુદ્ધ છેલ્લે-છેલ્લે જે ‘કોંગ્રેસ પ્રેરિત’ હોવાના આરોપ લાગ્યા, તેના કારણે ઘણુખરું નુકસાન થયું. તેનાં વ્યાજબી કારણો પણ હતાં. આંતરિક વિખવાદ અને અન્ય બીજાં થોડાં કારણોસર આંદોલન થોડું લાંબું પણ ખેંચાયું, જેથી તેની અસરકારકતા ધીમેધીમે ઘટતી ગઈ અને છેલ્લે તો માત્ર નામ પૂરતું જ રહી ગયું. 

    ઉપરાંત, આ આંદોલનને અન્ય સમાજનો સહકાર મળ્યો હોવાની વાતમાં પણ બહુ તથ્ય નથી. કદાચ ઔપચારિક સહકાર અપાયા પણ હોય તોપણ મતદાનમાં તેની નહિવત અસર જોવા મળે. બીજું, આ આંદોલનથી જાણ્યે-અજાણ્યે અન્ય સમુદાયના મતદારોને એક થઈ ગયા એમ કહીએ તોપણ ખોટું નથી. 

    ભાજપ 7 બેઠકો ગુમાવી પણ દે તો મળે કોને? કોંગ્રેસને?

    જોવાનું એ પણ રહે કે ભાજપ 7 બેઠકો ગુમાવશે તો સામે મળશે કોને? કોંગ્રેસને? જ્યાં અમુક બેઠકો પર તો પાર્ટીમાંથી કોણ લડી રહ્યું છે એ પણ ક્યાંય ચર્ચામાં નથી એવી પાર્ટી? 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે અત્યંત કંગાળ પ્રદર્શન કર્યું હતું. તેમાંથી હાલ કોઇ સુધારો જોવા મળ્યો હોય તેમ લાગતું નથી. બે-ત્રણ બેઠકો સિવાય કોઇ કોંગ્રેસી ઉમેદવારો ક્યાંય ચર્ચામાં પણ રહ્યા નહીં. આ પરિસ્થિતિમાં માત્ર એક આંદોલનના જોરે કોંગ્રેસ આખી સીટ જીતી લાવે એ વાતમાં દમ નથી. જો કોંગ્રેસ દરેક બેઠકો મજબૂત હોત અને આવી કોઇ સમિતિ કે સમાજનો સાથ મળ્યો હોત તો આવા દાવામાં કોઇ વાસ્તવિકતા પણ રહી હોત, પણ આમાં તો કોંગ્રેસ જ લડવા ખાતર લડી હોય તેમ લાગી રહ્યું હતું. 

    ધ્યાનમાં રાખવાનું એ પણ રહે કે ક્ષત્રિય સંકલન સમિતિના સમર્થનમાં રહીને 100% ક્ષત્રિય મતદારોએ મતદાન કર્યું તેમ માનવાનું પણ કોઇ કારણ નથી. ઘણખરા એવા પણ હશે, જેમણે આ મુદ્દાને (જેની ઉપર આંદોલન ચાલે છે) ભૂલીને મતદાન કર્યું હશે. 

    આ સંજોગો જોતાં ભાજપ 2019નું પુનરાવર્તન કરશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. ક્ષત્રિય આંદોલનની અસર જરૂર થશે, પરંતુ તે લીડ સુધી સીમિત રહેશે. જો વિધાનસભા ચૂંટણી હોત તો વાત અલગ હતી, પરંતુ લોકસભા ચૂંટણીમાં આંકડાઓનો ખેલ બદલાય જાય છે. એટલે સંકલન સમિતિના ભાજપને 7 બેઠકો પર હરાવવાના દાવામાં હાલ તો કંઈ તથ્ય દેખાતું નથી, 1-2 બેઠકોની વાત કરી હોત તો માન્યામાં પણ આવી હોત. બાકી તો સ્પષ્ટ ચિત્ર 4 જૂને જ ખબર પડશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં