
પ્રતિબંધિત ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસે (SFJ) કોકરોચ જનતા પાર્ટી માટે એક મિલિયન ડૉલર (₹9.65 કરોડ) ફન્ડિંગ આપવાની જાહેરાત કરી છે.
એક X પોસ્ટમાં શીખ્સ ફોર જસ્ટિસે આ ઘોષણા કરી અને સાથે કહ્યું કે આ પૈસા મોદીના ભાજપને સત્તામાંથી ઉખાડી ફેંકવા માટે અને 15મી ઑગસ્ટના રોજ વડા પ્રધાનને સંબોધન કરતા રોકવા માટે ફાળવવામાં આવી રહ્યા છે. સાથે લખ્યું, “સરકારનું ભંગ થવું અને મોદીનું જવું હવે નિશ્ચિત છે.”
આગળ લખ્યું કે, “અમે ફરી કહીએ છીએ કે ઝૂમ મિટિંગમાં ચર્ચા થયા અનુસાર શીખ્સ ફોર જસ્ટિસ વિદ્યાર્થીઓની આ ચળવળને 1 મિલિયન ડૉલર આપવા માટે તૈયાર છે.” સાથે અમુક શરતો મૂકવામાં આવી છે.

શરતોમાં જણાવવામાં આવ્યું છે કે કોકરોચ જનતા પાર્ટી મોદી સરકાર સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવાની ના પાડી દે અને 15 ઑગસ્ટ સુધી પોતાનું આંદોલન ચાલુ રાખે. સાથે કહ્યું કે 15મી ઑગસ્ટ એ કોઈ સ્વતંત્રતા દિવસ નથી.
પોસ્ટમાં લખ્યું, “આપણે 15 ઑગસ્ટના દિવસે દિલ્હીના લાલ કિલ્લા પર ઉજવણી નહીં થવા દઈએ અને વડા પ્રધાનને પણ નહીં પહોંચવા દઈએ. ત્યારબાદ 16મી ઑગસ્ટથી ભારતમાં પંજાબને અલગ કરવા માટે એક ખાલિસ્તાન રેફરન્ડમ કરાવવામાં આવશે. સાથે CJPને કહ્યું કે તેઓ મોદીને સત્તા પરથી હટાવવા માટે રેફરેન્ડમની ઘોષણા કરે.
શીખ્સ ફોર જસ્ટિસ ભારતમાં પ્રતિબંધિત છે અને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. તેનો ચીફ ગુરપતવંત સિંઘ પન્નુ નામનો ખાલિસ્તાની આતંકવાદી છે. હાલ તે અમેરિકામાં રહે છે અને ભારત વિરુદ્ધ અવારનવાર ઝેર ઓકતો રહે છે.
આ જ સંગઠને હવે કોકરોચ જનતા પાર્ટી માટે ફન્ડિંગની જાહેરાત કરી છે. કોકરોચ જનતા પાર્ટી અને તેના માણસો અત્યાર સુધી પોતે કોઈ પાર્ટી સાથે ન સંકળાયેલા હોવાનું કહેતા રહ્યા અને NEET અને વિદ્યાર્થીઓના અન્ય મુદ્દે પ્રદર્શન કરતા હોવાનું રટણ કરતા રહ્યા છે, પરંતુ કઈ રીતે વિદ્યાર્થીઓના મુદ્દાની આડમાં બીજા જ મકસદ પૂરા કરવા માટે સમગ્ર આંદોલનને જન્મ આપવામાં આવ્યો એ હવે સામે આવતું જાય છે.

