CJPના હિંસક પ્રદર્શન દરમ્યાન થયેલી પોલીસ કાર્યવાહી વિરુદ્ધની અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, CJIએ કહ્યું– ‘અમારો સમય ન બગાડો’

કોકરોચ જનતા પાર્ટીની (CJP) ગેરકાયદેસર સંસદ માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓ વિરુદ્ધ થયેલી પોલીસ કાર્યવાહી મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે અરજદારના વકીલને કહ્યું કે ન કોર્ટ પાસે વિડીયો જોવાનો સમય છે, ન કોર્ટ પોતાનો સમય બગાડવા માગે છે.

મુખ્ય ન્યાયાધીશની બેન્ચ સમક્ષ એક વકીલે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ થયેલી પોલીસ કાર્યવાહી મામલે અરજી દાખલ કરી હતી. અરજીમાં દલીલ કરવામાં આવી કે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ પોલીસ અત્યાચાર કરી રહી હોય તેવા વિડીયો પુરાવા તરીકે ઉપલબ્ધ છે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી પર વિચાર કરવાનો ઈનકાર કરી દીધો હતો અને અરજદારને અરજી આગળ ન વધારવા જણાવ્યું હતું.

કોર્ટે કહ્યું, “અમારો સમય ન બગાડો અને તમારો સમય પણ ન બગાડો. તમારો સમય અમારા કરતાં કિંમતી છે.”

જ્યારે કોર્ટ આગલા કેસ તરફ આગળ વધી ગઈ ત્યારે વકીલે ફરી એક વખત વિનંતી કરીને કહ્યું કે તેઓ પોલીસે બળપ્રયોગ કર્યો હોય તેવા વિડીયો પુરાવા તરીકે રજૂ કરી શકે છે.

અહીં CJI સૂર્યકાંતે વકીલને ટકોર કરતાં કહ્યું કે, “અમને વિડીયો જોવામાં કોઈ રસ નથી. વિડીયો જોવાનો અમારી પાસે સમય પણ નથી.” કોર્ટે ત્યારબાદ સુનાવણી બંધ કરી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે જે કોકરોચ જનતા પાર્ટીના બેનર હેઠળ આ ગેરકાયદેસર સંસદ માર્ચ યોજાઈ અને પછીથી હિંસક ચળવળમાં ફેરવાઈ એ સટાયરિકલ પોલિટિકલ આઉટફિટની સ્થાપના એક આમ આદમી પાર્ટી માટે કામ કરી ચૂકેલા માણસે કરી હતી અને તેના માટે આધાર મુખ્ય ન્યાયાધીશની એક ટિપ્પણીનો લેવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશે દેશના યુવાનોને ‘કોકરોચ’ કહ્યા હોવાના મીડિયા અહેવાલો ફરતા થયા બાદ આ કોકરોચ જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી.

બીજા દિવસની કોર્ટમાં CJIએ સ્પષ્ટ કર્યું હતું કે તેમને વાસ્તવમાં મિસક્વોટ કરવામાં આવ્યા હતા અને તેમણે યુવાનોને નહીં પરંતુ બોગસ ડિગ્રી સાથે બારમાં (લીગલ પ્રોફેશન) ઘૂસી જતા લોકો વિશે કહ્યું હતું. પરંતુ ત્યારબાદ કોકરોચ જનતા પાર્ટી અન્ય વિપક્ષી પાર્ટીઓના પ્રોત્સાહનથી ચર્ચામાં આવી ગઈ અને પછીથી NEET વગેરે મુદ્દે પ્રદર્શન કરવા માંડી. જંતર-મંતર પર દિવસો સુધી પ્રદર્શન કર્યા બાદ સંસદ માર્ચની ઘોષણા કરવામાં આવી. પોલીસે આ માર્ચની પરવાનગી આપી ન હોવા છતાં વિદ્યાર્થીઓને આગળ વધવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.

પ્રદર્શનકારીઓએ જ્યારે પોલીસ સાથે માથાકૂટ શરૂ કરી અને પથ્થરમારો શરૂ કર્યો ત્યારે પોલીસ અને અન્ય સુરક્ષાબળોએ બળપ્રયોગ કરવો પડ્યો હતો. હવે આ બધા વિડીયો લઈને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા પરંતુ કોર્ટે સ્પષ્ટ ના પાડી દીધી છે.