Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાત‘સંકલન સમિતિ ગદ્દાર, તમારાથી શેકેલો પાપડ નથી ભાંગ્યો, હું પર્દાફાશ કરીશ’: હવે...

    ‘સંકલન સમિતિ ગદ્દાર, તમારાથી શેકેલો પાપડ નથી ભાંગ્યો, હું પર્દાફાશ કરીશ’: હવે પી. ટી જાડેજાનો ઑડિયો વાયરલ, પછીથી કહ્યું- થોડી નારાજગી હતી, રાજીનામું નહીં આપું

    સોશિયલ મીડિયા પર પી. ટી જાડેજાની અમુક ઑડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ સમિતિ પર આક્ષેપો કરીને કહે છે કે તેઓ સમાજ સાથે ગદ્દારી ન કરે. સાથે ‘કાલે ખુલ્લેઆમ મેદાનમાં આવું છું’ જેવી વાતો પણ કહેતા સંભળાય છે.

    - Advertisement -

    ‘સ્વાભિમાન’ અને ‘અસ્મિતા’ જેવા વિષયો પર શરૂ થયેલું ક્ષત્રિય સંકલન સમિતિનું આંદોલન હવે જુદા જ વિષયોને લઈને ચર્ચામાં રહેતું થઈ ગયું છે. સંકલન સમિતિના એક સભ્ય અને આ આંદોલનમાં શરૂઆતથી ચહેરો રહેલા પી. ટી જાડેજાની અમુક ઑડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં તેઓ સમિતિના નેતૃત્વ પર જ સવાલ ઉઠાવતા જોવા મળે છે. તેઓ તેમાં સમિતિમાંથી રાજીનામું આપવાની પણ વાત કહેતા સાંભળવા મળે છે અને સાથે કહે છે કે તેઓ આગામી સમયમાં ‘પર્દાફાશ’ કરશે. 

    સોશિયલ મીડિયા પર પી. ટી જાડેજાની અમુક ઑડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ સમિતિ પર આક્ષેપો કરીને કહે છે કે તેઓ સમાજ સાથે ગદ્દારી ન કરે. સાથે ‘કાલે ખુલ્લેઆમ મેદાનમાં આવું છું’ જેવી વાતો પણ કહેતા સંભળાય છે.

    ઑડિયોમાં સાંભળવા મળે છે કે, “સંકલન સમિતિ તમે થાય તે કરી લેજો. કાલે ખુલ્લેઆમ મેદાનમાં આવું છું. મારે કોઇના બાપની જરૂર નથી. મારે સમાજની જરૂર છે, હું સમાજને પૂછીશ. સંકલન સમિતિ મારી સાથે નથી, શું કામ નથી તે હું બતાવીશ. તમે 11 વર્ષથી દરેક જિલ્લામાં જાઓ છો. તમે 70 અને સામે 70. ક્યાંય 5 હાજર, 25 હજાર, લાખ-બે લાખ, પાંચ લાખ ભેગા થાય છે? તો રહેવા દો ને.. તમારી મદદની મારે જરૂર પણ નથી, ન કરતા….હું સામેથી કહું છું….હું કાલે કરીશ. જે થવું હોય તે થાય. તમારી પરીક્ષા લઇ લઈશ, પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી સાથે નથી, તમે છો કે નહીં. નથી….તો મારું રાજીનામું.”

    - Advertisement -

    આગળ તેમણે કહ્યું કે, “આ મારી વ્યથા છે, મારી પીડા છે, જે સમાજની છે. તમે સમાજ માટે હો કે ન હો તે મને ખબર નથી. જો હો તો મને જવાબ આપજો. મારું મોઢું બંધ કોઇ ન કરાવી શકે. આનું પરિણામ ખરાબમાં ખરાબ શું આવે? મરવાનું. તો હું તો મેદાનમાં પડ્યો જ છું.”

    તેઓ આગળ કહે છે કે, “મને તમે એક વાતનો જવાબ આપો. તમે આ કરવા શું કામ નથી માંગતા. મારી પાસે એટલા બધા પ્રૂફ છે…તમારાં બેન, ત્રણ અને બીજા બે પાંચ, શું કર્યું છે, શું નહીં, જે કંઈ હોય એ. મને મજબૂર ન કરો, નહીંતર તમારો પર્દાફાશ કરીશ. આ ધમકી નથી આપતો, વિનંતી કરું છું. આવી કોર કમિટી ન હોય, આવી સંકલન સમિતિ ન હોય.”

    આગળ કહ્યું કે, “મારે સંકલન સમિતિની કોઇ જરૂર નથી. સંકલન સમિતિ શું છે તેનો પર્દાફાશ હું કરીશ. હું 11 વર્ષથી કહેતો આવું છું કે તમે શેકેલો પાપડ નથી ભાંગ્યો. 1 સમિતિ આટલું કરી શકે તો 70 સમિતિ ભેગી થાય તો 70 ગણું કરી શકે. તમે શેકેલો પાપડ નથી ભાંગ્યો. સમાજને ક્યાં ખબર છે, સરકારને ક્યાં ખબર છે. મને જ ખબર છે. એનો પર્દાફાશ કરીશ. જવાબ આપજો. આ ધમકી જ છે, પણ સાચી છે, ખોટી નથી.”

    અંતે કહ્યું, “સંકલન સમિતિ એટલે સમાજ અને સમાજ એટલે સંકલન સમિતિ. સમાજે આટલો તમારી ઉપર ભરોસો રાખ્યો છે તો તમે ગદ્દાર ન થતા. તમે ગદ્દાર છો અને રહેવાના છો એ મને પણ ખબર છે. પણ કાલે હું તમારો પર્દાફાશ કરીશ. હું સંકલન સમિતિને બોલાવીશ. મને જવાબ આપજો. તમે કેવા છો ને શું છો તે મને જ ખબર છે, સમાજને ખબર નથી, એટલે જ સમાજે તમારી ઉપર ભરોસો મૂક્યો છે. પણ સંકલન સમિતિ ગદ્દાર છે.”

    આ આંતરિક મામલો, પતી ગયો છે: રામજુભા જાડેજા 

    સમગ્ર બાબતને લઈને ઑપઇન્ડિયાએ સંકલન સમિતિના અગ્રણી રામજુભા જાડેજાનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે, આ સમિતિનો આંતરિક મામલો છે અને બધું પતી ગયું છે. હાલ પી. ટી જાડેજાએ રાજીનામું નથી આપ્યું અને સમિતિ એક જ છે. તેમણે જણાવ્યું હતું કે મામલો 2 દિવસ જૂનો છે અને હવે કોઇ સમસ્યા નથી. અન્ય એક ચેનલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, પી. ટી જાડેજા ઉપર ખોટા અને નનામી મેસેજ આવતા હતા એટલે પરેશાન થયા હશે, બાકી બીજી બાબત છે નહીં. 

    થોડીઘણી નારાજગી હતી, હું રાજીનામું નથી આપવાનો: પી. ટી જાડેજા 

    આ ઑડિયો ક્લિપ વાયરલ થયા બાદ પી. ટી જાડેજાએ એક વિડીયો બાઈટ મારફતે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તેમણે રાજીનામું આપવાની વાત કહી હતી, પરંતુ આપ્યું નથી. નારાજગી હતી તે વ્યક્ત કરી હતી. તેનો અર્થ એ થયો કે વાયરલ થઈ રહેલી ઑડિયો ક્લિપ સાચી છે. 

    જાડેજાએ કહ્યું કે, “મેં રાજીનામું આપવાનું કહ્યું હતું, આપ્યું નથી અને આપવાનો પણ નથી. મારી થોડીઘણી નારાજગી હતી. સોશિયલ મીડિયામાં ગુજરાતભરમાંથી લાખો યુવાનો મારા સમર્થનમાં આવ્યા, પણ સંકલન સમિતિ ન આવી એટલે મારી થોડીઘણી નારાજગી હતી, તે મેં વ્યક્ત કરી હતી. હું રાજીનામું આપવાનો નથી, આપીશ નહીં. આ સંકલન સમિતિ હતી અને રહેશે અને મજબૂત બનશે.”

    આગળ તેમણે કહ્યું કે, “આ ક્લિપ મેં 14 વ્યક્તિઓના કમિટીના ગ્રુપમાં મૂકી છે, તો તેમાંથી કોણ ફૂટ્યું? મારો જે આક્ષેપ હતો તે ખોટો નથી. હું સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરીશ અને જાણીશ કે આ ગદ્દાર કોણ છે. મને સમિતિમાંથી ફોન આવ્યા અને કહ્યું કે, આ એક જ વ્યક્તિ છે, તેને આપણે ખુલ્લો પાડીશું અને જે હોય તેને દૂર કરીશું. એટલે મારી નારાજગી દૂર થઈ ગઈ. અમે સાંજે અથવા કાલે આ બાબતે બેઠકો કરીશું. પરંતુ હાલ હું સંદેશો આપવા માંગું છું કે, મેં રાજીનામું આપ્યું નથી અને આપવાનો પણ નથી. મારી જે નારાજગી હતી, તે જણાવી દીધી. આથી વિશેષ મારે બીજું કંઈ કહેવાનું થતું નથી.”  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં