દિલ્હી મહિલા આયોગનાં પૂર્વ અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં થયેલી મારપીટ મુદ્દે આખી એક ઇકોસિસ્ટમ મોઢામાં મગ ભરીને બેઠી છે. આટલી ગંભીર ઘટના પછી પણ AAPએ માત્ર એક પ્રેસ કૉન્ફરન્સ કરીને કેજરીવાલના PA પર દોષનો ટોપલો ઢોળવાના પ્રયાસ કર્યા તો બીજી તરફ નેતાઓથી માંડીને સ્વયં કેજરીવાલ પણ આ મુદ્દે કશું બોલી રહ્યા નથી. અન્ય મુદ્દાઓ પર બહુ ઘોંઘાટ કરતા વિપક્ષના નેતાઓ પણ તદ્દન ચૂપ છે. ન તો કોઇ પ્રેસ કૉન્ફરન્સ કરી રહ્યું છે, ન કોઇ સોશિયલ મીડિયા પર કંઈ લખી રહ્યું છે. ઉપરથી પ્રશ્ન પૂછવામાં આવે છે તો જવાબ મળે છે કે તેના કરતાં પણ મહત્વની ઘણી બાબતો છે.
ગુરુવારે (16 મે) અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવની સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં આ મુદ્દો ઊછળ્યો. એક પત્રકારે સ્વાતિ માલીવાલ સાથે બનેલી ઘટનાનો ઉલ્લેખ કરીને કેજરીવાલને પ્રશ્ન કર્યો તો તેમણે જવાબ આપવાનું પણ મુનાસિબ ન માન્યું અને માઇક અખિલેશ યાદવ સામે ધરી દીધો. બધાને હતું કે અખિલેશ કશુંક જવાબ આપશે, પણ તેમણે કહ્યું કે, “તેનાથી વધુ જરૂરી બીજી બાબતો પણ છે.” ત્યારબાદ દર વખતની જેમ ભાજપ પર આરોપો લગાવવા માંડ્યા, જે પાર્ટીને આ વિષય સાથે કશું જ લાગતું-વળગતું નથી.
#WATCH | Lucknow, UP: Delhi CM Arvind Kejriwal refuses to answer when asked about AAP Rajya Sabha MP Swati Maliwal's assault case.
— ANI (@ANI) May 16, 2024
SP chief Akhilesh Yadav says "There are other issues that are more important than this…" pic.twitter.com/0FDkRiFhrs
પછીથી આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંઘે આ મુદ્દે જવાબ આપવાના પ્રયાસ કર્યા, પરંતુ તેમણે પણ પછીથી બીજી બાબતો વચ્ચે ઘૂસાડી દીધી. તેઓ શરૂઆતમાં મણિપુરનો મુદ્દો લઇ આવ્યા અને કહ્યું કે મોદી શા માટે મૌન રહ્યા? ત્યારબાદ પ્રજ્વલ રેવન્નાનો મુદ્દો લાવ્યા. ત્યારબાદ પહેલવાનોના પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો અને છેલ્લે સ્વાતિ માલીવાલના મુદ્દે કહ્યું કે, તેની ઉપર રાજકારણ ન થવું જોઈએ! તો ભલા માણસ તમે ઉપરના મુદ્દાઓ ઉપર શું કર્યું હતું? આપણે કરીએ તે બધું જ યોગ્ય અને બીજા પ્રશ્ન કરે એટલે રાજકારણ ન રમવાની સલાહ, આ જ વિપક્ષોનું વલણ રહ્યું છે.
સ્વાતિ માલીવાલના મુદ્દે આખો વિપક્ષ હમણાં ચૂપ છે. જેઓ મણિપુરથી માંડીને બીજી અમુક ઘટનાઓ ઉપર સરકારને કડક પ્રશ્નો કરવા માટે લાઇન લગાવીને ઉભા રહ્યા હતા તેઓ હવે આ મુદ્દે બોલતા નથી. અહીં કહેવાનો આશય એ નથી કે મણિપુર મુદ્દે પ્રશ્ન ન પૂછવા જોઈએ. ચોક્કસથી પૂછાવા જોઈએ, પણ આવા મુદ્દાઓ ઉપર મૌન રહીને વિપક્ષી પાર્ટીઓ શું સંદેશ આપી રહી છે? એ જ કે, તેમના માત્ર સ્ત્રી સશક્તિકરણ કે મહિલા સન્માનનો મુદ્દો પણ એકમાત્ર રાજકારણનો જ વિષય છે.
#WATCH | Lucknow, UP: On AAP Rajya Sabha MP Swati Maliwal's assault case, AAP MP Sanjay Singh says "The entire country was in pain after seeing what happened in Manipur but PM Modi was silent on the issue. Prajwal Revanna raped thousands of women but PM Modi was asking for votes… pic.twitter.com/nQu73jcqNQ
— ANI (@ANI) May 16, 2024
જો તેમના માટે આ વિષય રાજકારણનો ન હોય તો દરેક મુદ્દે મોં ખૂલવું જોઈએ. પોતાના ગઠબંધનની જ સદસ્ય પાર્ટીનાં સાંસદ સાથે તે જ પાર્ટીના સુપ્રીમોના નિવાસસ્થાને મારપીટની ઘટના બની હોય ત્યારે મૌન ન રહેવાય, પણ પ્રશ્ન પૂછવા જોઈએ. અવાજ ઉઠાવવો જોઈએ. પરંતુ વિપક્ષે ફરી સાબિત કર્યું કે તેમનું એકમાત્ર કામ રાજકારણ શોધી કાઢવાનું છે, પછી મુદ્દો ભલે ગમે તે હોય.
યાદ રહે કે, જે અખિલેશ યાદવ અત્યારે કહી રહ્યા છે કે એક મહિલા સાથે મારપીટ થવાના મામલા સિવાય પણ ઘણી મહત્વની બાબતો છે, તેમના પિતા મુલાયમ યાદવે એક વખત વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું, જે વર્ષો સુધી તેમની સાથે જોડાયેલું રહ્યું. તેમણે 2014માં મોરાદાબાદમાં એક રેલી સંબોધતાં રેપ વિશે વાત કરતાં કહ્યું હતું કે, “લડકે, લડકે હૈ, ગલતી હો જાતી હૈ.’ તેમણે કહ્યું હતું કે, “યુવતીઓ પહેલાં મિત્રતા કરે છે. યુવક-યુવતી વચ્ચે મતભેદ થઈ જાય છે. મતભેદ થયા બાદ તેને રેપનું નામ આપી દે છે. છોકરાઓથી ભૂલ થઈ જાય છે, શું રેપ કેસમાં ફાંસી આપી દેશો?” આ નિવેદનનો ત્યારે ખૂબ વિરોધ થયો હતો.