Wednesday, September 11, 2024
More
    હોમપેજરાજકારણમુખ્યમંત્રી આવાસમાં મહિલા સાંસદ સાથે દુર્વ્યવહાર, છતાં આટલી ગંભીર ઘટના પર મૌન...

    મુખ્યમંત્રી આવાસમાં મહિલા સાંસદ સાથે દુર્વ્યવહાર, છતાં આટલી ગંભીર ઘટના પર મૌન શા માટે?: ઘણા સવાલ, સ્વાતિ માલિવાલ-કેજરીવાલ ક્યારે આપશે જવાબ

    એક મુખ્યમંત્રી આવાસમાં મુખ્યમંત્રીના PA દ્વારા એક રાજ્યસભા મહિલા સાંસદ સાથે મારપીટ થાય તે તો આમ તો એક બહુ મોટી અને ગંભીર ઘટના કહેવાય, પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે તદ્દન ફાલતુ બાબતો પર ઉહાપોહ મચાવતી રહેતી આખી એક ઇકોસિસ્ટમ આવી ઘટના પર એકદમ ચૂપ છે.

    - Advertisement -

    એક નેશનલ પાર્ટીનાં રાજ્યસભા સાંસદ, જેઓ પોતે પણ મહિલા આયોગનાં અધ્યક્ષ રહી ચૂક્યાં હોય તેમની સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં મારપીટ જેવી ગંભીર ઘટના બને અને તેની કોઇ ક્યાંય ચર્ચા પણ ન થાય તેવું બને તે આમ તો આશ્ચર્યજનક કહેવાય પણ એવું બન્યું છે એ વાસ્તવિકતા છે. સોમવારે (13 મે) સવારે દિલ્હીના મુખ્યમંત્રી નિવાસસ્થાનમાંથી દિલ્હી પોલીસને એક ફોન ગયો અને તેમાં ફરિયાદ કરવામાં આવી કે તેમની સાથે મારપીટ કરવામાં આવી છે. પછીથી આ ફોન AAPનાં રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગનાં પૂર્વ ચેરમેન સ્વાતિ માલિવાલ તરફથી કરવામાં આવ્યો હોવાનું મીડિયામાં સામે આવ્યું. 

    પછીથી સામે આવ્યું કે સ્વાતિએ તેમની સાથે મુખ્યમંત્રી કેજરીવાલના PA બિભવ કુમારે મારપીટ કરી હોવાની ફરિયાદ કરી હતી. જાણકારી મળતાં જ પોલીસ સ્થળ પર પહોંચી. ત્યારબાદ સ્વાતિ પણ પોલીસ મથકે પહોંચ્યાં, પણ ત્યાં જઈને ફરિયાદ ન નોંધાવી. મીડિયા રિપોર્ટ્સ કહે છે કે, ત્યાં તેમને અમુક ફોન કોલ આવ્યા અને પછી તેઓ ત્યાંથી ફરિયાદ નોંધાવ્યા વગર જ ચાલ્યાં ગયાં. તેમણે પોલીસ અધિકારીઓને કહ્યું કે, તેઓ ફરિયાદ નોંધાવવા માટે ફરી આવશે, પણ આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં તેમણે ફરી જઈને ફરિયાદ નોંધાવી હોવાનું ધ્યાને નથી. 

    આટલી ગંભીર ઘટના અને એક ઈકોસિસ્ટમનું સૂચક મૌન

    એક મુખ્યમંત્રી આવાસમાં મુખ્યમંત્રીના PA દ્વારા એક રાજ્યસભા મહિલા સાંસદ સાથે મારપીટ થાય તે તો આમ તો એક બહુ મોટી અને ગંભીર ઘટના કહેવાય, પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે તદ્દન ફાલતુ બાબતો પર ઉહાપોહ મચાવતી રહેતી આખી એક ઇકોસિસ્ટમ આવી ઘટના પર એકદમ ચૂપ છે અને એક અક્ષર પણ મોઢામાંથી નીકળી રહ્યો નથી. ન તો કોઇ સ્વાતિ માલિવાલ માટે અવાજ ઉઠાવી રહ્યું છે કે ન કેજરીવાલને કોઇ સવાલ કરી રહ્યું છે. 

    - Advertisement -

    વાત રાજકારણની નથી, પરંતુ અહીં જો મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીનો હોત અને સાંસદ પણ ભાજપનાં હોત તો મીડિયામાં બેસીને ગામ આખાને સલાહ આપતા છોકરા-છોકરીઓએ કેવો ઉત્પાત મચાવ્યો હોત તે અલગથી કહેવાની જરૂર નથી. ગુજરાતી મીડિયામાં પણ જેઓ કાયમ સ્ત્રી સશક્તિકરણ અને અન્ય બાબતોને લઈને જ્ઞાન આપતા રહે છે તેમણે પણ આ મુદ્દામાં ફેવિકોલ પી લીધું છે અને કોઇ કશું બોલી રહ્યું નથી. અડધા તો એવા પણ છે, જેમણે આ સમાચારને વાચકો કે દર્શકો સુધી પહોંચાડવા પણ યોગ્ય નથી માન્યા! આ વિદૂષકો બીજાને ‘ગોદી મીડિયા’નાં પ્રમાણપત્રો આપીને પોતાને ‘તટસ્થ’ ગણાવતા રહે છે, પરંતુ વાસ્તવિકતા શું છે? તો આ રહી. 

    સ્વાતિ માલિવાલ મૌન કેમ?

    અહીં પ્રશ્ન સ્વાતિ માલિવાલ પર પણ ઉઠે છે. તેઓ પોતે મહિલા આયોગનાં અધ્યક્ષ રહી ચૂક્યાં છે. ભૂતકાળમાં અનેક એવા કેસમાં તેમણે તંત્રથી માંડીને સરકારોને સવાલો પૂછ્યા છે. સવાલો પૂછવા ખોટા પણ નથી, તેમનું તે કામ છે. પરંતુ જ્યારે તેમની જ સાથે આવી ઘટના બની ત્યારે તેઓ શા માટે મૌન છે? કયું પરિબળ તેમને બહાર આવીને બોલતાં રોકે છે? અનેક બાબતોમાં તેમણે સરકારી તંત્રથી માંડીને તેમના અધિકારક્ષેત્રમાં ન આવતી હોય તેવી બાબતોમાં પણ હસ્તક્ષેપ કર્યો છે, પણ જ્યારે પોતાની વાત આવી ત્યારે બહાર આવીને કે સોશિયલ મીડિયા પર એક શબ્દ પણ ન લખ્યો? 

    સ્વાતિ માલિવાલ અત્યાર સુધી મહિલાઓ માટે લડવાની વાત કરતાં રહ્યાં છે, પણ આ કેસમાં હજુ તેમણે ફરિયાદ પણ નોંધાવી નથી, જેનાથી FIR થઈ શકે. હવે તેઓ કયા મોઢે બહાર આવીને કહેશે કે તેઓ મહિલાઓના અધિકારો માટે લડી રહ્યાં છે. પહેલો પ્રશ્ન એ જ થશે કે પોતાની સાથે ઘટના બની ત્યારે કેમ તેઓ મૌન રહ્યાં હતાં? શું તેમને કોઇ જોખમ હોય શકે? 

    આમ આદમી પાર્ટી અને કેજરીવાલ પર પણ સવાલ

    સવાલ અહીં આમ આદમી પાર્ટી સામે પણ ઉઠે છે. સ્વાતિ સાથે આ ઘટના બની તેના લગભગ 24 કલાક પછી પાર્ટીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી. આટલા સમયમાં ન તો કોઇ નેતાએ નિવેદન આપ્યું કે ન પાર્ટી તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી. પ્રેસ કૉન્ફરન્સમાં પણ કેજરીવાલને જાણે એક રીતે ક્લીન ચિટ આપી દઈને તેમના PA બિભવ કુમાર પર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો. પણ પ્રશ્ન એ છે કે શું એક PA કક્ષાનો માણસ આ રીતે રાજ્યસભા સાંસદ અને પાર્ટીનાં આ કક્ષાનાં નેતા સાથે આવું વર્તન કરી શકે? તે સમયે કેજરીવાલ ઘરમાં હાજર હતા કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે. 

    અરવિંદ કેજરીવાલ પાર્ટી અને સરકાર બંનેના નેતા છે અને આમ સામાન્ય અને તદ્દન ફાલતુ મુદ્દાઓ ઉપર પણ પ્રેસ કૉન્ફરન્સ કરી નાખે છે, પણ આ મુદ્દે તેમણે મૌન સેવી લીધું છે. ન તો એક ટ્વિટ કરવામાં આવ્યું કે ન બહાર આવીને તેમણે પ્રતિક્રિયા આપી છે. માત્ર પાર્ટીએ કહી દીધું કે મુખ્યમંત્રીએ સંજ્ઞાન લીધું છે અને તેઓ કાર્યવાહી કરશે. પરંતુ આટલી ગંભીર ઘટનામાં આટલું પૂરતું ન જ હોય. જો કેજરીવાલની કોઇ ભૂમિકા ન હોય તો તેઓ બહાર આવીને બોલી રહ્યા કેમ નથી?

    પ્રશ્નો ઘણા છે. આમ આદમી પાર્ટી હમણાં સવાલોના કઠેડામાં છે. પરંતુ તેમને એક ફાયદો ઈકોસિસ્ટમનો મળે છે, જેઓ પોતાના માણસો સામે બિલકુલ અવાજ કરતા હોતા નથી. એ જ કારણ છે કે આટલી ગંભીર ઘટનાની પણ ચર્ચા જોવા મળી રહી નથી. હકીકતે તો તેમણે ન સ્ત્રીઓના અધિકાર માટે લડવું છે કે ન અવાજ ઉઠાવવો છે, આવા દરેક મુદ્દા માત્ર રાજકારણ રમવાની એક તક જ હોય છે. જ્યાં તેઓ પાર્ટી અને વિસ્તાર જોઈને નક્કી કરે છે કે ક્યાં કેટલો કચાટ કરવો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં