Tuesday, July 16, 2024
More
  હોમપેજગુજરાતભાજપ સાથે મનદુઃખ, મેશ્રામ સાથે મનમેળ: રૂપાલા વિવાદ બાદ ચર્ચામાં આવેલા રાજ...

  ભાજપ સાથે મનદુઃખ, મેશ્રામ સાથે મનમેળ: રૂપાલા વિવાદ બાદ ચર્ચામાં આવેલા રાજ શેખાવત બામસેફનો હાથ ઝાલી રાજસ્થાનથી લડી રહ્યા છે લોકસભા ચૂંટણી

  ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, રાજ શેખાવતે રાજસ્થાનની ઝુંઝુનુ લોકસભા બેઠક પરથી 27 માર્ચ, 2024ના રોજ નામાંકન દાખલ કર્યું હતું. તેમણે બહુજન મુક્તિ પાર્ટીના સમર્થનથી અપક્ષ ઉમેદવારી કરી છે.

  - Advertisement -

  કેન્દ્રીય મંત્રી અને રાજકોટથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની એક ટિપ્પણીને લઈને ગુજરાતનો રાજપૂત સમાજ વિરોધ કરી રહ્યો છે. નેતા ત્રણ વખત માફી માંગી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં તેમનો વિરોધ યથાવત છે અને ટીકીટ રદ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે મંગળવારે (9 એપ્રિલ) ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ચર્ચામાં આવ્યા, જ્યારે તેમને ગાંધીનગર સ્થિત ભાજપ મુખ્ય મથક કમલમ્ પર જતા રોકવામાં આવ્યા અને અટકાયત કરી લેવામાં આવી. 

  તાજેતરમાં રાજ શેખાવતે ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ્’નો ઘેરાવ કરવા માટેની ઘોષણા કરી હતી. ફેસબુક પરની એક પોસ્ટમાં તેમણે આ ઘોષણા કરીને 9 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે તમામ ક્ષત્રિયો અને સમર્થકોએ કેસરિયા ઝંડા અને દંડા લઈને કમલમ્ ખાતે પહોંચવા માટે જણાવ્યું હતું. 

  9 એપ્રિલે તેઓ કમલમ્ પર પહોંચીને પ્રદર્શન કરવા માટે અમદાવાદ પહોંચ્યા હતા, પરંતુ ગુજરાત પોલીસે એરપોર્ટ પરથી જ તેમની અટકાયત કરી લીધી હતી. જે મુદ્દો પછીથી ખૂબ ચર્ચાયો અને મીડિયામાં પણ ઘણું રિપોર્ટિંગ થયું.

  - Advertisement -

  અટકાયત બાદ રાજ શેખાવતે એક પોસ્ટ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો કે તેમની સાથે પોલીસ મથકે ખોટો વ્યવહાર કરવામાં આવ્યો અને પાઘડી નીચે નાખવાના પણ દાવા કર્યા.  સાથે ક્ષત્રિય સમાજને સંબોધીને શાસન અને પ્રશાસનને સમાજની તાકાત બતાવવાનું આહવાન કરવામાં આવ્યું. ત્યારબાદ તેમના અમુક સમર્થકો પોલીસ મથકની બહાર પહોંચ્યા પણ હતા અને રાજ શેખાવતના સમર્થનમાં નારાબાજી પણ કરી હતી. 

  રૂપાલા વિવાદનું કારણ ધરીને ભાજપમાંથી આપ્યું હતું રાજીનામું 

  રાજ શેખાવત રૂપાલા વિવાદમાં પહેલેથી વિરોધ કરી રહ્યા છે. તેઓ અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં હતા, પરંતુ ગત 30 માર્ચે પરષોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં પોતે પાર્ટી છોડી રહ્યા હોવાનું કહીને રાજીનામું આપી દીધું હતું. 

  1 એપ્રિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા ત્યાગપત્રમાં જણાવ્યું હતું કે, તેઓ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી તત્કાલ રાજીનામું આપે છે. આગળ લખ્યું કે, લોકસભા ચૂંટણીમાં ટીકીટ વિતરણમાં ક્ષત્રિયોની ઉપેક્ષા કરવામાં આવી, જેના કારણે સમાજ આક્રોશિત હતો અને તેમાં ભાજપના કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર દ્વારા જાણીજોઈને ક્ષત્રિય સમાજને લઈને ટિપ્પણી કરવામાં આવી અને ક્ષત્રિયોને અપમાનિત કરવામાં આવ્યા, જેનાથી સમાજમાં રોષ ફેલાયો.

  તેમણે આગળ કહ્યું કે, હું ભાજપમાં રહેતાં પણ સમાજને ન્યાય અપાવી શકતો નથી અને જે પાર્ટીના વરિષ્ઠ નેતા ક્ષત્રિયોના માન-સન્માન અને સ્વાભિમાન પર હુમલા કરે અને પાર્ટી કોઈ પણ દંડાત્મક કાર્યવાહી ન કરે, તે પાર્ટીમાં હું નથી રહી શકતો. ભાજપ પર તેમણે એક વરિષ્ઠ નેતાને બચાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, તેઓ પાર્ટી છોડી રહ્યા છે. 

  રાજીનામા પહેલાં જ રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી માટે ભરી દીધું હતું ફોર્મ 

  રસપ્રદ વાત એ છે કે રાજ શેખાવતે ભારતીય જનતા પાર્ટીમાંથી રુપાલા વિવાદનું કારણ ધરીને રાજીનામું આપ્યું તે પહેલાં જ તેઓ રાજસ્થાનની ઝુંઝનુ બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે અપક્ષ ઉમેદવારી કરી ચૂક્યા હતા. આ માટે તેમણે સમર્થન મેળવ્યું છે વામન મેશ્રામ જેના અધ્યક્ષ છે તે બામસેફ સાથે જોડાયેલી બહુજન મુક્તિ પાર્ટીનું. 

  ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, રાજ શેખાવતે રાજસ્થાનની ઝુંઝુનુ લોકસભા બેઠક પરથી 27 માર્ચ, 2024ના રોજ નામાંકન દાખલ કર્યું હતું. તેમણે બહુજન મુક્તિ પાર્ટીના સમર્થનથી અપક્ષ ઉમેદવારી કરી છે. તેમના એફિડેવિટમાં પણ બહુજન મુક્તિ પાર્ટીનો ઉલ્લેખ જોવા મળે છે. 

  રાજ શેખાવતે પણ પોતાની અનેક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ બાબતની જાણકારી આપી છે. જેમાં તેઓ જણાવે છે કે, તેઓ રાજસ્થાનની ઝુંઝુનુ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને તેમને બામસેફ અને બહુજન મુક્તિ પાર્ટીનું સમર્થન મળ્યું છે. 

  તેમના વામન મેશ્રામ સાથેના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેઓ બામસેફ પ્રમુખને નમન કરતા જોવા મળે છે. ફોટો ડિસેમ્બર, 2023ના એક કાર્યક્રમનો હોવાનું જાણવા મળે છે. 

  વામન મેશ્રામ રામ મંદિરથી માંડીને બ્રાહ્મણો વિરુદ્ધ કરી ચૂક્યા છે ટિપ્પણી  

  વાત બહુજન મુક્તિ પાર્ટીની કરવામાં આવે તો તે BAMCEF (ઑલ ઇન્ડિયા બેકવર્ડ એન્ડ માઇનોરીટી કોમ્યુનિટીઝ એમ્પ્લોય ફેડરેશન) સંગઠનની રાજકીય શાખા છે. આ બામસેફના અધ્યક્ષ વામન મેશ્રામ છે, જેઓ અવારનવાર પોતાનાં વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં આવે છે. ભૂતકાળમાં તેમણે હિંદુઓ વિરુદ્ધ ઘણાં નિવેદનો આપ્યાં છે. 

  ગુજરાતમાં જ એક સભા સંબોધતાં તેમણે બ્રાહ્મણો વિશે ટિપ્પણી કરીને કહ્યું હતું કે, “આપણે બ્રાહ્મણોને દેશમાં નબળા પાડવા જરૂરી છે. આ લોકો અંગ્રેજોથી વધુ ખતરનાક વિદેશી છે. અંગ્રેજો 200 વર્ષમાં ચાલ્યા ગયા, આ લોકો 2 હજાર વર્ષોથી અહીં છે.” આગળ તેમણે એમ પણ કહ્યું હતું કે, “બ્રહ્મા મને નથી રોકી શક્યો, તો બ્રાહ્મણ કઈ રીતે રોકી શકશે? બ્રહ્મા અવતાર લેશે તો મને નહીં રોકી શકે, બ્રાહ્મણની શું ઔકાત છે?”

  તેમણે રામ મંદિર મુદ્દે પણ એક ટિપ્પણી કરી હતી અને 22 જાન્યુઆરીના (જ્યારે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ) રોજ કાળો દિવસ ઉજવવા માટે અપીલ કરી હતી. સાથે કહ્યું હતું કે, મંદિર બ્રાહ્મણો દ્વારા અતિક્રમણ કરીને બનાવવામાં આવી રહ્યું છે. 

  રાજા-મહારાજાઓ વિશે પણ કરી હતી ટિપ્પણી 

  મેશ્રામે રાજા-મહારાજાઓ વિશે પણ ભૂતકાળમાં ટિપ્પણીઓ કરી છે. 20 નવેમ્બર, 2020ના રોજ ટીપુ સુલતાનની જન્મજયંતી પર તેમણે એક પોસ્ટ કરી હતી, જેમાં ટીપુને અંગ્રેજો અને બ્રાહ્મણવાદનો ખાતમો કરવા માટે લડનારો ગણાવ્યો હતો, જ્યારે રાજા-મહારાજાઓ વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં