Tuesday, April 30, 2024
More
    હોમપેજગુજરાત‘અમને શું હાથા બનાવવાના છે? ગાંધીગીરી કરવી હોય તો આવાં આંદોલન ન...

    ‘અમને શું હાથા બનાવવાના છે? ગાંધીગીરી કરવી હોય તો આવાં આંદોલન ન કરાય’: ક્ષત્રિય આંદોલન વચ્ચે પદ્મિનીબાનો ઑડિયો વાયરલ, સંકલન સમિતિ સામે નારાજગી વ્યક્ત કરતાં સાંભળવા મળ્યાં

    સોશિયલ મીડિયા પર આ ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં પદ્મિનીબા રાજપૂત સંકલન સમિતિ પર સવાલ ઉઠાવતાં જોવા મળે છે કે આખરે તાજેતરમાં રાજકોટમાં યોજાઈ ગયેલા સંમેલનમાં કોઇ નિર્ણય શા માટે ન આવ્યો.

    - Advertisement -

    પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ ગુજરાતના ક્ષત્રિય સમાજ દ્વારા ચાલતા આંદોલન વચ્ચે એક ઑડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઑડિયો ક્લિપ આંદોલનનો ચહેરો બની ગયેલાં મહિલા નેતા પદ્મિનીબા વાળાનો હોવાનું કહેવાય છે. આ વાયરલ ઑડિયો ક્લિપમાં પદ્મિનીબા તાજેતરમાં રાજકોટમાં યોજાઈ ગયેલા ક્ષત્રિય મહાસંમેલનની ચર્ચા કરતાં ને સંકલન સમિતિ પ્રત્યે પણ નારાજગી દર્શાવતાં સાંભળવા મળે છે. 

    સોશિયલ મીડિયા પર આ ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં પદ્મિનીબા રાજપૂત સંકલન સમિતિ પર સવાલ ઉઠાવતાં જોવા મળે છે કે આખરે તાજેતરમાં રાજકોટમાં યોજાઈ ગયેલા સંમેલનમાં કોઇ નિર્ણય શા માટે ન આવ્યો અને એમ પણ કહે છે કે સંકલન સમિતિ નેતૃત્વ કરી રહી છે પરંતુ દંડા તેમણે ખાવાના છે. સાથે એવો પણ આરોપ લગાવ્યો કે રાજકોટના સંમેલનમાં અન્ય નેતાઓ તેમને બોલવા દેવા માંગતા ન હતા. 

    શું છે વાયરલ ઑડિયો ક્લિપમાં? 

    વાયરલ ક્લિપમાં પદ્મિનીબા કહેતાં સાંભળવા મળે છે કે, “કાલે આટલું પબ્લિક ભેગું થયું હતું તો તે આશાના કિરણ સાથે આવ્યું હતું કે કંઈકને કંઈક નિર્ણય આજે આવશે. પણ નિર્ણય તો એક પણ ન થયો, તો શું આ લોકો ભાષણો સાંભળવા માટે આવ્યા હતા? ભાષણો તો કેટલાં સંમેલનોમાં થયાં. એકનાં એક ભાષણો જ બધે થયાં છે. તો ખાલી સ્ટેજ ઉપર ચડીને ભાષણો જ કરવાનાં છે? લડત જીતવાની કઈ રીતે છે?”

    - Advertisement -

    આગળ તેઓ કહે છે કે, “પહેલી બાબત એ છે કે આપણે રૂપાલાભાઈને (પરષોત્તમ રૂપાલા, રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર) ફોર્મ (ચૂંટણી માટેનું નામાંકન પત્ર) જ શું કામ ભરવા દેવું જોઈએ? ફોર્મ ભરી દેશે તો ગેરેન્ટી કોણ લેશે કે રૂપાલાભાઈ ફોર્મ પરત ખેંચી લેશે, અથવા તો એવી ગેરેન્ટી છે કે રૂપાલાભાઈ હારી જ જશે?” નોંધવું જોઈએ કે ભાજપ નેતા પરષોત્તમ રૂપાલા આગામી 16 એપ્રિલના રોજ (મંગળવાર) ફોર્મ ભરવા જઈ રહ્યા છે. જ્યારે રવિવારે (14 એપ્રિલ) યોજાયેલા મહાસંમેલનમાં રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી કે રૂપાલા ફોર્મ ભર્યા બાદ પરત ન ખેંચી લે તો પાર્ટી સામે મોરચો ખોલવામાં આવશે.

    ઓડિયો ક્લિપની વાત કરવામાં આવે તો, પદ્મિનીબાએ આગળ કહ્યું કે, “હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી તો સંકલન સમિતિ રાજકોટ આવે અને રાજકોટ રહે….. અહીં રાજકોટમાં દંડા ખાવા અમારે જવાનું, જેલમાં અમારે જવાનું, અટકાયત અમારી થાય, બહાર અમારે નીકળવાનું, તો પછી સંકલન સમિતિ કઈ રીતે જીત અપાવવાની છે?”

    “આ (આંદોલન) દિવસે-દિવસે ઠંડુ પડતું જાય છે” એમ કહેતાં તેઓ આગળ કહે છે કે, “હવે આટલું પબ્લિક ભેગું નહીં થાય, જેટલું કાલે (રાજકોટમાં થયેલા મહાસંમેલન વિશે) થયું હતું.” આગળ કહે છે કે, “આ બધું લોઢાના ચણા ચાવવા જેવું થઈ ગયું છે. હવે આમાં શું કરવાનું છે એ હું સમાજને પ્રશ્ન પૂછું છું. અમે તો સત્યની લડાઇ લઈને બેઠા છીએ. આમાં શું ગૂંચવાડો થયો છે એ ખબર નથી પડતી.” ત્યારબાદ તેઓ કહેતાં સાંભળવા મળે છે કે, “કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે એટલે અમારે શું કરવાનું…..અમે તો સામે પડવાના જ છીએ, લડવાના જ છીએ, પણ હાથા અમને બનાવવાના છે?”

    “મને તો રોકવામાં આવી હતી, પરાણે સ્પીચ આપી હતી”

    વાયરલ ક્લિપમાં પદ્મિનીબા રવિવારે (14 એપ્રિલ) રાજકોટમાં યોજાઇ ગયેલા મહાસંમેલનને લઈને પણ નારાજગી વ્યક્ત કરતાં સાંભળવા મળ્યાં. તેમણે કહ્યું, “મારે તો કાલે વાત મૂકવાની જ હતી, મને તો એ લોકો સ્પીચ પણ આપવા દેવા માંગતા ન હતા. મેં પરાણે સ્પીચ આપી છે. મારું તો વક્તામાં નામ જ ન હતું કે પદ્મિનીબાની સ્પીચ જ નહીં….તો શું કામ મને આ લોકો રોકે છે?” અહીં નોંધવું જોઈએ કે વાયરલ ક્લિપમાં તેઓ પોતાનું જ સંબોધન કરીને પદ્મિનીબા નામ લેતાં સાંભળવા મળે છે. 

    તેમણે કહ્યું કે, “હું સંકલન સમિતિને પ્રશ્ન કરું છું કે તમે બધા મને શું કામ રોકો છો? તમે બધા પાઘડીઓ અને સાફા બાંધીને ઉપર ચડી ગયા હતા, સ્પીચ આપી હતી…. પણ હવે કાલે રૂપાલાભાઈને ફોર્મ શું કામ ભરવા દેવું જોઈએ? હવે લાંબું શું કામ કરો છો? હવે કહો છો કે 19 તારીખે અમારે પાર્ટ-2 ચાલુ થશે. હવે જો પાર્ટ-2 રોડ ઉપર ઉતરવાનું જ હોય તો અત્યારે જ કરો….હું એમ પૂછવા માંગું છું કે હવે રાહ શેની જોવામાં આવી રહી છે? પછી શું રૂપાલાભાઈને ઘરે કહેવા જશો કે ફોર્મ પરત ખેંચી જ લો. ફોર્મ પાછું ખેંચાય એવી ખાતરી કોણ આપે છે? રૂપાલાભાઈ એક વખત ફોર્મ ભરી જ દે, પછી નક્કી કોણ કરશે કે તેઓ નહીં હારે કે જીતશે તેમ છે કે નહીં? એ બધું રાજકોટમાં છે અને અમારે જોવાનું છે.”

    “આમાં શું ખીચડી પાકી રહી છે તે મને ખબર નથી પડતી” તેમ કહીને ઉમેરે છે કે, “કાલે સ્ટેજ પર જે ખેંચાખેંચી થતી હતી તે બધા કાલે રાજકોટ આવો….ફોર્મ ભરાવું ન જોઈએ. ફોર્મ જ શું કામ ભરાવા દેવું જોઈએ? આવી ગાંધીગીરી કરવી હોય તો આવાં આંદોલન ન કરાય, ઘરે બેસી જવાય. આમાં અમારા જેવાને મરવા જેવું થઈ જશે. અમારે જીવ દેવા પડશે. તમને કોઇ ફેર નહીં પડે.”

    નોંધનીય છે કે પદ્મિનીબા વાળા પરષોત્તમ રૂપાલા સામે ચાલતા ક્ષત્રિય આંદોલનનો એક ચહેરો રહ્યાં છે. પરંતુ હવે જે ઑડિયો ક્લિપ ફરી રહી છે તેમાં તેમની નારાજગી સ્પષ્ટ રીતે બહાર આવી છે. 

    મીડિયા રિપોર્ટ અનુસાર- પદ્મિનીબાએ ઑડિયોની પુષ્ટિ કરી 

    ઑપઇન્ડિયા આ વાયરલ ક્લિપની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શક્યું નથી, પરંતુ અખબાર દિવ્ય ભાસ્કરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પદ્મિનીબાએ તેમની સાથે વાતચીતમાં ઑડિયો તેમનો જ હોવાની પુષ્ટિ કરી છે. ભાસ્કરના રિપોર્ટ અનુસાર, પદ્મિનીબાએ કહ્યું કે, “આ લડતની શરૂઆત અમે 10 મહિલાઓએ કરી હતી, પરંતુ જ્યાં સંમેલન થઈ રહ્યું છે ત્યાં અમને બોલતાં રોકવામાં આવે છે.” એમ પણ કહ્યું કે, અમને સલાહની નહીં પરંતુ સહકારની જરૂર છે. સાથે એવું પણ કહ્યું કે, તેઓ લડત આપવાનું ચાલુ રાખશે પરંતુ સંકલન સમિતિનો પાર્ટ-2 શું છે તેની તેઓ મૂંઝવણમાં છે. આ ઉપરાંત, ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં પણ પદ્મિનીબાએ વાયરલ ઑડિયો ક્લિપમાં પોતાનો જ અવાજ હોવાની પુષ્ટિ કરી હતી.

    વાચકોને જાણ થાય કે સંકલન સમિતિ એટલે રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની વાત થાય છે, જે આ આંદોલનનું નેતૃત્વ કરી રહી છે. જેમાં ક્ષત્રિય સમાજની તમામ નાની-મોટી સંસ્થાઓના પ્રતિનિધિઓ સામેલ છે. હાલ ચાલતા આંદોલનના તમામ નિર્ણયો આ સમિતિ કરે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં