Saturday, May 4, 2024
More
    હોમપેજદેશ'મોહમ્મદપુર' ગામમાં ખોદકામ દરમિયાન મળી 400 વર્ષ જૂની લક્ષ્મીનારાયણની મૂર્તિઓ: હરિયાણાની ઘટના,...

    ‘મોહમ્મદપુર’ ગામમાં ખોદકામ દરમિયાન મળી 400 વર્ષ જૂની લક્ષ્મીનારાયણની મૂર્તિઓ: હરિયાણાની ઘટના, સ્થાનિકોએ મંદિર બનાવી મૂર્તિઓ સ્થાપિત કરવાની કરી માંગ

    પોલીસે કહ્યું કે મૂર્તિઓની શોધ થયા પછી, ગ્રામીણો તે જગ્યાએ મંદિર બનાવવા માંગતા હતા, પરંતુ તેમની અને જમીન માલિક વચ્ચે મતભેદોને કારણે, હજી સુધી કંઈ થઈ શક્યું નથી.

    - Advertisement -

    હરિયાણાના ગુરુગ્રામની પાસે આવેલા માનેસરમાં બાંધકામ માટેના પ્લોટના ખોદકામ દરમિયાન ત્રણ પ્રાચીન મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓમાંથી એક ભગવાન વિષ્ણુની છે અને બીજી માતા લક્ષ્મીની છે. જ્યારે ત્રીજી મૂર્તિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની બેઠેલી સ્થિતિમાં છે. આ તમામ મૂર્તિઓ લગભગ 400 વર્ષ જૂની હોવાનું કહેવાય છે. ગામનું નામ મોહમ્મદપુર બાઘાંકી છે.

    આ ઘટના માનેસરના મોહમ્મદપુર બાઘાંકી ગામમાં બની હતી. આ જગ્યાએ રહેતા પ્રભુ દયાલે એક પ્લોટ ખરીદ્યો હતો. આ પ્લોટ પર મકાન બનાવવા માટે તેઓ બુલડોઝર વડે ખોદકામ કરી રહ્યા હતા. આ મૂર્તિઓ ખોદકામ દરમિયાન ત્યાં કામ કરતા કામદારોને મળી આવી હતી. ત્રણેય મૂર્તિઓ જમીનમાં 15 ફૂટની ઉંડાઈમાંથી મળી આવી હતી. આ કાંસાની ધાતુથી બનેલી હોય છે, જે ઘણી મોંઘી ગણાય છે.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે શરૂઆતમાં પ્લોટના માલિકે બુલડોઝર ડ્રાઇવરને લાલચ આપી અને આ મૂર્તિઓ વિશે કોઈને કહેવાની ના પાડી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે આ મૂર્તિઓ પોતાના ઘરમાં સ્થાપિત કરવા માંગતો હતો. પ્લોટમાંથી મૂર્તિ નીકળવાનો મામલો બે-ત્રણ દિવસ સુધી દબાયેલો રહ્યો. જ્યારે ડ્રાઈવરને પૈસા ન મળ્યા તો તેણે બિલાસપુર પોલીસ સ્ટેશનને જાણ કરી.

    - Advertisement -

    આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૂર્તિઓને પોતાની કસ્ટડીમાં લઈ લીધી. આ પછી ગામલોકોને આ મૂર્તિઓ વિશે ખબર પડી. પોલીસે આ મૂર્તિઓ વિશે ચંદીગઢમાં પુરાતત્વ વિભાગને જાણ કરી હતી. આ પછી, સોમવારે (22 એપ્રિલ 2024) પુરાતત્વ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર બનાની ભટ્ટાચાર્ય અને ડૉ. કુશ ઢેબર બિલાસપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

    અહીં ત્રણેય મૂર્તિઓ સત્તાવાર રીતે તેમને સોંપવામાં આવી હતી. પુરાતત્વ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રતિમાઓ લગભગ 400 વર્ષ જૂની હોવાનું જણાય છે. જો કે તેમની સાચી ઉંમર તપાસ બાદ જ જાણી શકાશે. આ પ્રતિમાઓમાં ભગવાન વિષ્ણુની ઉંચાઈ 1.5 ફૂટ અને માતા લક્ષ્મીની મૂર્તિની ઊંચાઈ લગભગ 1 ફૂટ છે.

    ગામજનોએ તે સ્થાને મંદિર બનાવવાની કરી માંગ

    સાથે જ ગ્રામજનોએ આ મૂર્તિઓ ગ્રામજનોને સોંપવા વિનંતી કરી હતી. ગ્રામજનો માને છે કે આ પ્રતિમાઓ તેમના ગામની ધરોહર છે. જ્યાંથી મૂર્તિઓ મળી હતી તે જગ્યાએ તેઓ મંદિર બનાવવા માંગે છે, જેથી તેઓને ત્યાં સ્થાપિત કરી શકાય. જોકે, પોલીસે ગ્રામજનોને મૂર્તિઓ આપવાનો ઈન્કાર કર્યો હતો.

    પોલીસનું કહેવું છે કે જમીન ખોદતી વખતે મળેલી વસ્તુઓ ભારત સરકારની મિલકત છે. આવી સ્થિતિમાં આ મૂર્તિઓ પર પુરાતત્વ વિભાગનો અધિકાર છે. સાથે સાથે પ્લોટમાં વધુ ખોદકામ કરવા ગ્રામજનોએ માંગ કરી છે. આ અંગે પુરાતત્વ વિભાગના નાયબ નિયામક ભટ્ટાચાર્યએ વહીવટીતંત્રની દેખરેખ હેઠળ ખોદકામ હાથ ધરવા જણાવ્યું છે.

    મ્યુઝિયમ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ડો.બનાની ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે આ મૂર્તિઓને પુરાતત્વ વિભાગના મ્યુઝિયમમાં રાખવામાં આવશે અને તેને ત્યાં પ્રદર્શિત કરવામાં આવશે. બનાનીએ કહ્યું કે તેઓએ તે સ્થળની પણ તપાસ કરી છે જ્યાં તે મૂર્તિઓ મળી આવી હતી. એવું લાગે છે કે તે લગભગ 400 વર્ષ પહેલાં ગામમાં લાવવામાં આવી હશે.

    ન્યૂઝ18ના જણાવ્યા અનુસાર, પોલીસનું કહેવું છે કે પ્રભુ દયાલને સોનાનું વાસણ અને સિક્કાઓનો થોકડો પણ મળી આવ્યો હતો, પરંતુ તે પરત મળ્યા નથી. પોલીસે કહ્યું કે મૂર્તિઓની શોધ થયા પછી, ગ્રામીણો તે જગ્યાએ મંદિર બનાવવા માંગતા હતા, પરંતુ તેમની અને જમીન માલિક વચ્ચે મતભેદોને કારણે, હજી સુધી કંઈ થઈ શક્યું નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં