Monday, September 9, 2024
More
    હોમપેજરાજકારણફરી બેલેટ પેપરના યુગમાં નહીં જાય દેશ, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી: VVPAT...

    ફરી બેલેટ પેપરના યુગમાં નહીં જાય દેશ, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી: VVPAT અને EVMના ડેટાના 100% વેરિફિકેશનની માંગ પણ રદ

    “સિસ્ટમ કે સંસ્થાઓનાં મૂલ્યાંકનમાં એક સંતુલિત પરિપેક્ષ્ય જાળવી રાખવો મહત્વપૂર્ણ છે, પણ સિસ્ટમની કોઇ પણ બાબત પર આંખ બંધ કરીને અવિશ્વાસ કરવો સંશય પેદા કરી શકે છે અને તેનાથી કાર્યપ્રણાલીને અસર થાય છે.”

    - Advertisement -

    મતગણતરી દરમિયાન EVMના ડેટાનો VVPAT (વૉટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ) રેકોર્ડ સાથે 100% ક્રોસ વેરિફિકેશન કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ સિવાય બેલેટ પેપરથી મતદાનની માંગ પણ ફગાવી દેવામાં આવી છે અને સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પ્રક્રિયા પણ હાલ ચાલે છે તેમ જ ચાલશે અને મતગણતરી પણ તેમ જ યોજાશે. જોકે, કોર્ટે 2 નિર્દેશો કર્યા છે. શુક્રવારે (26 એપ્રિલ) કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. 

    જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠ મામલાની સુનાવણી કરી રહી હતી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે હાલ મતગણતરી સમયે ચૂંટણી પંચ કોઇ પણ 5 મતદાન મથકોમાં EVM અને VVPATના ડેટાને સરખાવે છે. તેના સ્થાને દરેક મતદાન મથક પર દરેક મત માટે આ પ્રક્રિયા થવી જોઈએ. આ સિવાય મતદાન માટે ફરી બેલેટ પેપર પદ્ધતિ અપનાવવા માટે પણ માંગ કરવામાં આવી હતી. 

    નોંધવું જોઈએ કે VVPAT એ EVM સાથે જ મતદાન દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતું એક યુનિટ છે, જે મતદારે કોને મત આપ્યો તે જણાવવામાં મદદરૂપ થાય છે. EVMમાં મતદાન કર્યા બાદ બાજુમાં રાખવામાં આવેલા VVPATમાં એક કાપલી જોવા મળે છે, જેમાં ઉમેદવારનું ચૂંટણી ચિહ્ન અને નામ હોય છે. અમુક સેકન્ડ માટે તે યુનિટમાં દેખાય છે, જે જોઈને મતદાર ખાતરી કરી શકે કે તેણે પોતે જેને મત આપ્યો છે તેના જ ખાતામાં નોંધાયો છે. 

    - Advertisement -

    અત્યારે પદ્ધતિ એવી છે કે મતગણતરી દરમિયાન EVMના ડેટા સાથે VVPAT યુનિટનો 100% ડેટા સરખાવવામાં આવતો નથી, કારણ કે તે લાંબી અને જટિલ પ્રક્રિયા છે. પરંતુ કોઇ પણ પાંચ મતદાન મથકો પર EVM-VVPATનો ડેટા સરખાવવામાં આવે છે અને પુષ્ટિ કરવામાં આવે છે કે બંને સમાન પરિણામ આપે છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને તમામ મતની ખરાઈ કરવા માટે માંગ કરવામાં આવી હતી. 

    આ મામલે કોર્ટે ગત 18 એપ્રિલના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. જોકે, પછી પણ અમુક ટેકનિકલ બાબતો માટે જાણકારી મેળવવાની હોઈ કોર્ટે 24 એપ્રિલના રોજ વધુ એક સુનાવણી કરીને ચૂંટણી પંચ પાસેથી જવાબ લીધા હતા. આખરે હવે ચુકાદો આપવામાં આવ્યો છે. બંને જજોએ 2 જુદા-જુદા ચુકાદા આપ્યા છે, પરંતુ બંને એક જ મત ધરાવે છે. 

    ખંડપીઠે ચુકાદો આપતાં કહ્યું કે, “અમે ત્રણ અરજી પર સુનાવણી કરી છે. જેમાં માંગ કરવામાં આવી છે કે ફરી પેપર બેલેટ સિસ્ટમ લાગુ કરવી જોઈએ, VVPAT મશીન પર જે કાપલી છપાય છે તે મતદારને આપવી જોઈએ, જે બેલેટ બોક્સમાં નાખશે, જેથી પછીથી તેની ગણતરી થઈ શકે અને ઈલેક્ટ્રોનિક કાઉન્ટિંગ સિવાય VVPATની કાપલીઓની 100 ટકા ગણતરી થવી જોઈએ. અમે પ્રોટોકોલ, તકનીકી પાસાં અને ડેટાને ધ્યાનમાં લઈને આ તમામ અરજીઓ ફગાવી દીધી છે.

    જસ્ટિસ દત્તાએ કહ્યું કે, “સિસ્ટમ કે સંસ્થાઓનાં મૂલ્યાંકનમાં એક સંતુલિત પરિપેક્ષ્ય જાળવી રાખવો મહત્વપૂર્ણ છે, પણ સિસ્ટમની કોઇ પણ બાબત પર આંખ બંધ કરીને અવિશ્વાસ કરવો સંશય પેદા કરી શકે છે અને તેનાથી કાર્યપ્રણાલીને અસર થાય છે.”

    કોર્ટે શું નિર્દેશ કર્યા?

    કોર્ટે આ સાથે 2 નિર્દેશ આપ્યા છે. જે અનુસાર, 1 મે, 2024 પછી VVPATના સિમ્બોલ લૉડિંગ યુનિટને સીલ કરીને સુરક્ષિત રાખવાનું રહેશે. આ યુનિટને EVM સાથે સ્ટ્રોંગ રૂમમાં મતગણતરી પૂર્ણ થયાના 45 દિવસ સુધી રાખવાનું રહેશે. જો કોઇ સમસ્યા સર્જાય તો તેને ફરીથી ખોલીને પરિક્ષણ કરી શકાશે. 

    અન્ય એક નિર્દેશ અનુસાર, મતગણતરી પૂર્ણ થયા બાદ 2 અને 3 નંબરે રહેલા ઉમેદવારોની લેખિત વિનંતી પર 5% EVM એટલે કે બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને VVPATના બર્ન્ટ મેમરી સેમીકન્ટ્રોલરની EVM નિર્માતા એન્જિનિયરોની ટીમ સમીક્ષા કરશે. આ માટે ઉમેદવારો કે તેમના પ્રતિનિધિઓ મતદાન મથકો કે સિરિયલ નંબરના આધારે VVPATની પસદંગી કરી શકશે અને ખરાઈ સમયે તેમને હાજર રહેવાની પરવાનગી હશે. પરંતુ આવી વિનંતી પરિણામ ઘોષિત થયાના 7 દિવસની અંદર કરવાની રહેશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં