Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતોડકાંડમાં છઠ્ઠા આરોપી અલ્ફાઝખાન પઠાણ ઉર્ફે રાજુની ધરપકડ: AAP નેતા યુવરાજસિંહ જાડેજા...

    તોડકાંડમાં છઠ્ઠા આરોપી અલ્ફાઝખાન પઠાણ ઉર્ફે રાજુની ધરપકડ: AAP નેતા યુવરાજસિંહ જાડેજા સાથે મળીને 1 કરોડનો તોડ કરવાનો આરોપ

    પ્રદીપ બારૈયા અને પ્રકાશ દવે સાથે થયેલી ડીલ વખતે રાજુ મિટિંગમાં હાજર હતો અને પ્રદીપ બારૈયા સાથે 55 લાખ રૂપિયાની ડીલમાં તેણે અગત્યનો ભાગ ભજવ્યો હતો.

    - Advertisement -

    ડમીકાંડ ખુલ્લું પાડવા માટેની પ્રેસ કોન્ફરન્સમાં નામો જાહેર કરવાની ધમકી આપીને 2 વ્યક્તિઓ પાસેથી કરોડ રૂપિયા પડાવી લેવાના કેસમાં આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ તોડકાંડમાં યુવરાજ સહિત પાંચ આરોપીઓ પકડાયા બાદ હવે છઠ્ઠા આરોપી અલ્ફાઝ પઠાણ ઉર્ફે રાજુની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. 

    પ્રદીપ બારૈયા અને પ્રકાશ દવે સાથે થયેલી ડીલ વખતે રાજુ મિટિંગમાં હાજર હતો અને પ્રદીપ બારૈયા સાથે 55 લાખ રૂપિયાની ડીલમાં તેણે અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેના કહેવાથી જ પ્રદીપ 55 લાખ યુવરાજને આપવા માટે સહમત થયો હતો. 

    1 કરોડના તોડકાંડ મામલે ભાવનગર પોલીસે 6 ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં યુવરાજસિંહ જાડેજા, તેમના બંને સાળા કાનભા અને શિવુભા, વચેટિયાઓ ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદી અને રાજુનો સમાવેશ થાય છે. અલ્ફાઝ ઉર્ફે રાજુની ધરપકડ સાથે આ તોડકાંડમાં સામેલ તમામ આરોપીઓ પકડાઈ ગયા છે. 

    - Advertisement -

    SITની ટીમે અલ્ફાઝ ખાન ઉર્ફે રાજુ પઠાણની ધરપકડ કરી લીધી હતી. તેની ઉપર પણ બળજબરીથી 2 વ્યક્તિઓ પાસેથી 1 કરોડ રૂપિયા પડાવી લેવાનો આરોપ છે. તેની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 

    શું છે કેસ? 

    આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજા અને અન્યો સામે ડમી કાંડ ઉજાગર કરવાની પ્રેસ કોન્ફરન્સમાં નામો જાહેર કરવાની ધમકી આપીને બે વ્યક્તિઓ પ્રકાશ દવે અને પ્રદીપ બારૈયા પાસેથી 1 કરોડ રૂપિયા ખેરવી લેવાનો આરોપ લાગ્યો છે. આ તમામ વચ્ચે ડીલ થઇ હતી અને પૈસા પહોંચાડવામાં આવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજે બંનેનાં નામ લીધાં ન હતાં. 

    પરંતુ તેમ છતાં કોઈક રીતે બંનેનાં નામ સામે આવી જતાં ભાવનગર પોલીસે તેમની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસ સામે પ્રદીપ અને પ્રકાશે કબૂલાત કરી હતી કે યુવરાજસિંહે તેમના માણસો સાથે તેમની પાસેથી પૈસા લીધા હતા. ત્યારબાદ યુવરાજને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ પોલીસ સામે હાજર તો થયા હતા પરંતુ સંતોષકારક જવાબો ન આપતાં પોલીસે ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી અને સંડોવાયેલા અન્ય ઈસમોને પણ આરોપી બનાવ્યા હતા. 

    અત્યાર સુધીની તપાસમાં તમામ આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. જેમાંથી યુવરાજના સાળા કાનભાએ પોલીસ સમક્ષ સ્વીકાર્યું હતું કે તેણે યુવરાજસિંહની સૂચનાથી પૈસા લીધા હતા અને તેમાંથી 38 લાખ તેના ભાઈ શિવુભાના એક મિત્રના ફ્લેટ પર રાખ્યા હતા. તેની દોરવણીથી પોલીસે જઈને તપાસ કરતાં આ રકમ મળી આવી હતી. 

    બીજી તરફ, ધરપકડ બાદ ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદીએ પણ કમિશન પેટે પાંચ-પાંચ લાખ લીધા હોવાની કબૂલાત કરી લીધી હતી. જ્યારે શિવુભાએ તાજેતરમાં જ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. હવે છઠ્ઠો આરોપી રાજુ પઠાણ પણ આજે પકડાઈ ગયો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં