Monday, May 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘તારું નામ પ્રેસ કોન્ફરન્સમાં લઈશ તો આખી જિંદગી જેલમાં જશે': યુવરાજસિંહ અને...

  ‘તારું નામ પ્રેસ કોન્ફરન્સમાં લઈશ તો આખી જિંદગી જેલમાં જશે’: યુવરાજસિંહ અને તેમના માણસોએ કઈ રીતે પડાવ્યા હતા પૈસા?- વાંચો 1 કરોડના તોડકાંડની વિસ્ફોટક વિગતો

  FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. રિપોર્ટમાં વિગતે જાણીશું કે કઈ રીતે યુવરાજસિંહ અને અન્યોએ મળીને પ્રકાશ દવે ઉર્ફે પીકે અને પ્રદીપ બારૈયા નામના બે વ્યક્તિઓ પાસેથી કુલ 1 કરોડ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી.

  - Advertisement -

  ભાવનગર પોલીસે શુક્રવારે (21 એપ્રિલ, 2023) 1 કરોડ રૂપિયાના તોડકાંડમાં આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી લીધી હતી. યુવરાજ અને તેમના માણસો વિરુદ્ધ IPCની કલમ 386 (બળજબરીથી વસૂલી કરવી), 388 (સજાપાત્ર ગુનાનો આરોપ લગાવવાની ધમકી આપીને ખંડણી ઉઘરાવવી) અને 120B (ગુનાહિત ષડ્યંત્ર) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

  આ ગુનામાં યુવરાજસિંહ જાડેજા, તેમના બે સાળા શિવુભા અને કાનભા, ઘનશ્યામ લાધવા, બિપિન ત્રિવેદી અને રાજુ નામનો વ્યક્તિ એમ કુલ છ ઈસમો સામે ફરિયાદ થઇ છે. આ તમામ સામે બે વ્યક્તિઓને ડમી વિદ્યાર્થીનો વિડીયો બતાવીને આયોજનબદ્ધ રીતે ડરાવીને, તેમની માનસિક સ્થિતિનો લાભ લઈને આજીવન કારાવાસ જેવી સજાઓ ધરાવતા ગુનાઓમાં ફસાવી દઈને જીવવા લાયક ન છોડવાની ધમકી આપીને એક કરોડ રૂપિયા પડાવી લેવાના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે. 

  ભાવનગરના નિલમબાગ પોલીસ મથકે દાખલ થયેલી આ FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. રિપોર્ટમાં વિગતે જાણીશું કે કઈ રીતે યુવરાજસિંહ અને અન્યોએ મળીને પ્રકાશ દવે ઉર્ફે પીકે અને પ્રદીપ બારૈયા નામના બે વ્યક્તિઓ પાસેથી કુલ 1 કરોડ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી અને આ પાછળ શું મોડ્સ ઓપરેન્ડી રહી હતી. 

  - Advertisement -

  પ્રકાશ દવે પાસેથી 45 લાખ પડાવ્યા 

  25 માર્ચની આસપાસ યુવરાજસિંહે તેમના માણસો દ્વારા ભાવનગર વિસ્તારમાં ફરીને ઋષિત બારૈયા નામના એક ડમી વિદ્યાર્થીનો વિડીયો ઉતારી લેવડાવ્યો હતો. જેમાં પ્રકાશ દવેએ ડમી ઉમેદવારો બેસાડેલા હોવાની પુષ્ટિ થતી હતી. યુવરાજના સાથી ઘનશ્યામ લાધવાએ આ વિડીયો પ્રકાશ દવેની પત્નીને બતાવીને જણાવ્યું હતું કે યુવરાજસિંહ તેને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે અને જેમાં પ્રકાશનું નામ પણ ખૂલશે. આ બાબતની જાણ થતાં પ્રકાશ ડરી ગયો હતો અને સંપર્કો લગાવીને રસ્તો કાઢવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા. 

  આ દરમિયાન ઘનશ્યામે પોતે યુવરાજસિંહ સાથે વાત કરશે તેવું આશ્વાસન આપ્યું હતું અને ત્યારબાદ 26 અને 27 એમ બે દિવસ પ્રકાશ અને તેની પત્નીને પ્રેશરમાં રાખીને તેઓ ડીલ નક્કી કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેવું દેખાડ્યું હતું. 

  આખરે 28 માર્ચે સવારે ઘનશ્યામે પ્રકાશને તેના ઘરે જઈને કહ્યું હતું કે, યુવરાજસિંહ બપોરે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને તેનું નામ જાહેર કરશે, જેથી તે સસ્પેન્ડ થવાની તૈયારી કરી લે અને કચેરીએ જે કોઈ કામ બાકી હોય તે પૂરું કરી નાંખે. જ્યાંથી ઘનશ્યામે યુવરાજને ફોન કર્યા હતા, જેમાં યુવરાજે જણાવ્યું હતું કે, તે દિવસની પ્રેસ કોન્ફરન્સમાં પ્રકાશને ચીતરવા અને કૌભાંડ ખુલ્લાં પાડવા જઈ રહ્યા છે. તેમ કહીને ફોન કાપી નાંખ્યો હતો.

  ‘હું કહું તેમ કર નહીં તો પૂરેપૂરો ફસાઈ જઈશ, જીવવા લાયક નહીં રહે અને જિંદગી જેલમાં જશે’

  યુવરાજ સિંહે આમ કહેતાં પ્રકાશ ડરી ગયો હતો અને તેણે ગમે તેમ કરીને તેને બચાવી લેવા માટે ઘનશ્યામને આજીજી કરી હતી. ત્યારે ઘનશ્યામે તેને કહ્યું હતું કે, તું તારો ફોન આપીને ફરાર થઇ જા અને હું કહું તેમ કર નહીં તો પૂરેપૂરો ફસાઈ જઈશ, જીવવા લાયક નહીં રહે અને આખી જિંદગી જેલમાં જ પૂરી થઇ જશે. 

  યુવરાજસિંહે પીસી મોકૂફ કરીને સાંજે પ્રકાશ સાથે બેઠક કરી હતી 

  થોડીવાર પછી યુવરાજે ફરીથી ઘનશ્યામને ફોન કરીને જણાવ્યું હતું કે, તેઓ પ્રેસ કોન્ફરન્સ મોકૂફ રાખે છે અને સાંજે ભાવનગરમાં બેઠક કરશે. ત્યારબાદ તે દિવસે સાંજે યુવરાજસિંહના સાળા શિવુભાની ઓફિસે બેઠક કરી હતી, જેમાં પ્રકાશ, તેના કાકા, ઘનશ્યામ લાંધવા, બિપિન ત્રિવેદી, યુવરાજસિંહ અને તેમના બંને સાળા અને રાજુ નામનો વ્યક્તિ હાજર હતા. 

  બેઠકમાં યુવરાજસિંહે કહ્યું હતું કે પ્રકાશને તેઓ ડમીકાંડ કરનાર વ્યક્તિ તરીકે જ ચીતરવાના હતા પરંતુ બિપિન, ઘનશ્યામ અને અન્યોની શરમે પોતે મિટિંગમાં આવ્યા છે. આ સાંભળીને પ્રકાશે તરત જ શરણાગતિ સ્વીકારી લઈને નાણાકીય વ્યવહારો અંગે પૂછતાં યુવરાજે શિવુભા અને કાનભા સાથે વાતચીત કરવા માટે જણાવ્યું હતું. 

  વાતચીત દરમિયાન 70 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ રકઝકને અંતે 45 લાખ રૂપિયાની ડીલ ફાઇનલ થઇ હતી. જેના બીજા દિવસે પ્રકાશે તેના સસરા, માસીયાઈ ભાઈ અને અન્ય સબંધીઓ પાસેથી તેમજ અંગત મૂડીમાંથી કુલ 45 લાખ ભેગા કરીને ઘનશ્યામ લાંધવાને પહોંચાડી દીધા હતા. જે ઘનશ્યામે આગળ પહોંચાડી દીધા હતા. 

  પાંચમી એપ્રિલે ઘનશ્યામે ફરીથી પ્રકાશને બોલાવ્યો હતો અને તેની સામે યુવરાજને ફોન કરતાં તેમણે જણાવ્યું હતું કે તે પ્રેસ કોન્ફરન્સમાં કુલ સાત નામો બોલશે અને જે તમામ બોલી પણ સંભળાવ્યાં હતાં, પરંતુ તેમાં પોતાનું નામ ન હોતાં પ્રકાશ દવેને હાશકારો થયો હતો. 

  પ્રદીપ બારૈયા પાસેથી કઈ રીતે પૈસા પડાવ્યા હતા?

  પ્રદીપ બારૈયા પોતે કોર્ટમાં કલાર્કની નોકરી કરે છે. અગાઉ 2021માં પણ તેની સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશને 2021ની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ખરીદવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

  મહિના પહેલાં પ્રદીપને જાણવા મળ્યું હતું કે યુવરાજસિંહે એક ઋષિત નામના યુવકનો વિડીયો બનાવી લીધો છે અને તેના આધારે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે. આ જ સમય દરમિયાન ઘનશ્યામ લાધવાએ પ્રદીપને જણાવ્યું હતું કે યુવરાજસિંહ તેનું પણ નામ જાહેર કરશે, જેથી તેણે પણ પ્રકાશની જેમ પોતાને બચાવી લેવા માટે આજીજી કરી હતી. 

  બીજા દિવસે ઘનશ્યામે યુવરાજસિંહને મળીને તેને પણ બાકાત રાખવાની ભલામણ કરશે તેમ કહીને પ્રદીપને આશ્વાસન આપ્યું હતું અને એક દિવસ પછી 30મી માર્ચે પ્રદીપની મિટિંગ યુવરાજસિંહ સાથે ગોઠવી આપી હતી. જેમાં પ્રદીપ, ઘનશ્યામ, બિપિન, યુવરાજ અને શિવુભા-કાનભા હાજર હતા. 

  યુવરાજે ધમકાવીને કહ્યું- તારું નામ બોલીશ તો જેલમાં જવું પડશે 

  મીટીંગની શરૂઆતમાં યુવરાજે પ્રદીપને ડાયરી બતાવીને ધમકાવવાનું શરૂ કરીને કહ્યું હતું કે હું તારું પણ નામ પ્રેસ કોન્ફરન્સમાં બોલીશ તો તારી આખી જિંદગી જેલમાં જશે. આ સાંભળીને ડરી ગયેલા પ્રદીપે વચલો રસ્તો કાઢવાનું કહીને 10 લાખની ઓફર કરી હતી. પરંતુ યુવરાજના માણસો તરફથી 60 લાખની માંગ કરવામાં આવી હતી. આટલા રૂપિયા આપવા અશક્ય લાગતાં પ્રદીપ રડવા માંડ્યો હતો. આખરે ઘણી રકઝકને અંતે ડીલ 55 લાખ રૂપિયામાં નક્કી થઇ હતી. 

  મિટિંગ બાદ તે જ દિવસથી પ્રદીપ પૈસા ભેગા કરવા માંડ્યો હતો અને કોઈક પાસેથી પ્લોટ લેવાના બહાને તો કોઈ પાસે ઉછીના એમ કરીને કુલ 55 લાખ ભેગા કરીને પહોંચતા કર્યા હતા. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજે તેનું પણ નામ લીધું ન હતું. 

  આમ ડમી વિદ્યાર્થીના વિડીયોના આધારે બે વ્યક્તિઓને ડરાવી-ધમકાવીને એક પાસેથી 45 લાખ અને બીજા પાસેથી 55 લાખ એમ કુલ એક કરોડ રૂપિયા પડાવી લેવા મામલે યુવરાજસિંહ અને તેમના માણસો સામે ગુનો નોંધાયો છે અને હાલ કાર્યવાહી ચાલી રહી છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં