Saturday, May 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે પહોંચી CBIની ટીમ, જમ્મુ-કાશ્મીરમાં બે ફાઈલોની મંજૂરી...

    પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે પહોંચી CBIની ટીમ, જમ્મુ-કાશ્મીરમાં બે ફાઈલોની મંજૂરી માટે રૂ. 300 કરોડની લાંચ ઓફર થયાનો કર્યો હતો દાવો

    CBIની એક ટીમ આ મામલે સવારે લગભગ 11.45 વાગ્યે દિલ્હીના આરકેપુરમ વિસ્તારમાં સોમ વિહાર સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી હતી.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા સત્યપાલ મલિકના ઘરે CBIની ટીમ પહોંચી હતી. કેન્દ્રીય તપાસ એજન્સી જમ્મુ-કાશ્મીરમાં કથિત વીમા કૌભાંડ મામલે તેમના ઘરે પહોંચી હતી. આ કૌભાંડ રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ સંબંધિત છે. આ કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે મલિકે એવો આરોપ લગાવ્યો હતો કે યોજના સંબંધિત ફાઈલોને મંજૂરી આપવા માટે તેમને લાંચ ઓફર કરવામાં આવી હતી.

    સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે, તેઓ 23 ઓગસ્ટ 2018થી 30 ઓક્ટોબર 2019 દરમિયાન જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ તરીકે કાર્યરત હતા ત્યારે તેમની પાસે બે ફાઈલો આવી હતી. આ બે ફાઈલોને મંજૂરી આપવા માટે તેમને 300 કરોડ રૂપિયા લાંચ તરીકે ઓફર કરવામાં આવ્યા હતા. મલિકનો દાવો છે કે તેમણે આ ઓફર ઠુકરાવી દીધી હતી.

    અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે, શુક્રવારે (28 એપ્રિલ, 2028) વીમા કૌભાંડની તપાસના સંબંધમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની પૂછપરછ થશે. CBIની એક ટીમ આ મામલે સવારે લગભગ 11.45 વાગ્યે દિલ્હીના આરકેપુરમ વિસ્તારમાં સોમ વિહાર સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી હતી.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત મહિનામાં સત્યપાલ મલિકની બીજી વખત પૂછપરછ થઈ છે. અગાઉ ઓક્ટોબર 2022માં CBI દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. બિહાર, જમ્મુ-કાશ્મીર, ગોવા અને મેઘાલયમાં રાજ્યપાલ રહી ચૂકેલા સત્યપાલ આ કેસમાં શંકાસ્પદ નથી. આ કેસમાં CBIએ દેશમાં કેટલાક સ્થળોએ દરોડા પણ પાડ્યા હતા.

    ‘મને 150-150 કરોડ રૂપિયાની લાંચ ઓફર કરવામાં આવી હતી’

    સત્યપાલ મલિકે 17 ઓક્ટોબર 2021ના રોજ રાજસ્થાનના ઝુંઝનુમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “હું શ્રીનગરના બે કેસ માટે વડાપ્રધાન પાસે ગયો હતો. બંને ખોટા હતા, રદ થયા. મને 150-150 કરોડ રૂપિયાની લાંચ ઓફર કરવામાં આવી હતી. મારે કંઈ નથી જોઈતું. હું 5 કુર્તા-પાયજામામાં આવ્યો હતો, એમાં જ જતો રહીશ.”

    સત્યપાલ મલિકે એવો આક્ષેપ કર્યો હતો કે મહેબૂબા મુફ્તી-ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલ એક RSS સાથે જોડાયેલ વ્યક્તિની ફાઇલ અને અંબાણી સંબંધિત એક ફાઇલ ક્લિયર કરવા માટે તેમને રૂ. 300 કરોડની લાંચ ઓફર કરવામાં આવી હતી. એટલું જ નહીં, તેમણે ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના એ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક હોવાનો પણ દાવો કર્યો હતો.

    ત્યારબાદ તાજેતરમાં સત્યપાલ મલિકે કરણ થાપરને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે RSS અને બીજેપી નેતા રામ માધવ રિલાયન્સ ઇન્શ્યોરન્સ દ્વારા પ્રસ્તાવિત યોજના પસાર કરાવવાના હેતુથી તેમને મળ્યા હતા. પરંતુ તેમણે યોજના રદ કરી દીધી હતી. સત્યપાલ મલિકે આરોપ મૂક્યો હતો કે, ‘અંબાણી’ સંબંધિત બે ફાઇલો પાસ કરવા માટે રામ માધવે તેમને 300 કરોડ રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો.

    જોકે, સંઘના નેતા રામ માધવે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને સત્યપાલ મલિકને માનહાનિની નોટિસ મોકલી હતી. તેમણે કહ્યું હતું કે, મલિક પ્રાસંગિક બની રહેવા માટે આ પ્રકારનાં નિવેદનો આપી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં