
NEET-UG 2026માં તાજેતરમાં સામે આવેલી ગડબડીઓના નામે દિલ્હીમાં પ્રદર્શન ચાલુ છે. આ ઘટનાના દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (21 જુલાઈ) નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના (NDA) સાંસદોને અપીલ કરતા જણાવ્યું હતું કે બાળકોને કે યુવાનોને ભડકાવવાને બદલે તેમને સાચો રસ્તો બતાવવો જોઈએ.
સંસદ લાઈબ્રેરી બિલ્ડિંગના જી.એમ.સી. બાલયોગી ઓડિટોરિયમ ખાતે આયોજિત NDA પાર્લામેન્ટરી પાર્ટીની બેઠકને સંબોધિત કરતી વખતે વડા પ્રધાને આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે દેશના યુવાવર્ગની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સાંસદોને જવાબદારીઓનું ભાન કરાવતા દેશના ભવિષ્ય સમાન યુવાનો પ્રત્યે સકારાત્મક અને જવાબદાર વલણ અપનાવવા હાકલ કરી હતી.
બેઠક દરમિયાન PM મોદીએ ભારપૂર્વક કહ્યું કે, “ખોટા રસ્તે જવું ખૂબ સરળ છે, પરંતુ ફરીથી સાચા રસ્તે પાછા ફરવું ઘણું મુશ્કેલ હોય છે. આ બાળકોને સાચા માર્ગ પર લાવવાની જવાબદારી આપણી છે.” તેમણે ઉમેર્યું હતું કે હાલમાં દેશના યુવાનોને ‘ગેરમાર્ગે દોરવામાં’ આવી રહ્યા છે, તેથી તેમને ઉશ્કેરવાના બદલે યોગ્ય માર્ગદર્શન આપી સાચી દિશા બતાવવી એ આપણી પ્રાથમિક ફરજ હોવી જોઈએ.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વડા પ્રધાનના સંબોધન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પીએમ મોદીએ પેપર લીક માટે જવાબદાર ગુનેગારો સામે સખતમાં સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે. વડા પ્રધાને દેશમાં એક પારદર્શી અને કડક પરીક્ષા પદ્ધતિ બનાવવા માટે સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો હતો. આ સાથે જ તેમણે તમામ NDA ભાગીદારોને એકજૂથ રહેવા અને વિપક્ષી પક્ષોને પણ રાજકીય મતભેદો બાજુ પર મૂકી સંસદમાં દેશના યુવાનોના ભવિષ્ય અને કલ્યાણ માટે રચનાત્મક રીતે સહયોગ આપવા વિનંતી કરી હતી.

