Friday, April 3, 2026
More
    Home Blog Page 912

    અયોધ્યા: રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખનું એલાન, આ તારીખે ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે ભગવાન: રામનવમીના દિવસે સૂર્યકિરણોથી કરાશે અભિષેક

    અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય મંદિરમાં ભગવાન રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આગામી 24 જાન્યુઆરી 2024ના રોજ કરવામાં આવશે. આ માટે ગર્ભગૃહનું નિર્માણકાર્ય આગામી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરી લેવાનું લક્ષ્યાંક છે. શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને ટાંકીને મીડિયા અહેવાલોમાં આ જાણકારી આપવામાં આવી છે. 

    ચંપત રાયે જણાવ્યું હતું કે, ભગવાન રામલલાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા માટે અનેક તિથિઓ અંગે વિચારણા કરવામાં આવી. આખરે રામલલાને ગર્ભગૃહમાં સ્થાયીરૂપે પ્રતિષ્ઠિત કરવા માટે 22 જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. યોગી સરકારના મંત્રી સુરેશ ખન્નાએ પણ આ બાબતની જાણકારી આપતું એક ટ્વિટ કર્યું હતું. 

    જાન્યુઆરીમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોઈ ઓક્ટોબર, 2023 સુધીમાં ગર્ભગૃહનું નિર્માણકાર્ય પૂર્ણ કરી દેવામાં આવશે. રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, નેપાળથી લાવવામાં આવેલી શાલિગ્રામ શિલામાંથી ભગવાન રામની મૂર્તિ બનાવવાનું કાર્ય પણ ત્યાં સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. 

    ભગવાન રામના આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે તેવી શક્યતા છે. હાલ મંદિરનું નિર્માણકાર્ય 60 ટકા જેટલું પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને બાકીનું કામ પુરજોશથી ચાલી રહ્યું છે. 

    સૂર્યના કિરણોથી રામલલાનો અભિષેક કરવામાં આવશે 

    જાન્યુઆરીમાં રામલલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવ્યા બાદ રામનવમીના દિવસે રામલલાની પ્રતિમા પર સૂર્ય કિરણોનો અભિષેક થશે. ગર્ભગૃહમાં પ્રતિમા એ જ પ્રમાણે સ્થાપિત કરવામાં આવશે જેથી સૂર્યકિરણો સીધા ભગવાનના મસ્તિષ્ક પર પડે. રામનવમીના દિવસે 5 મિનિટ સુધી ભગવાનના લલાટ પર સૂર્યકિરણો રહેશે. આ માટે વૈજ્ઞાનિકોએ તેમનું કામ પૂર્ણ કરી લીધું છે અને પ્રયોગ સફળ પણ થઇ ચૂક્યો છે. સ્વયં પીએમ મોદી આ બાબતની દેખરેખ રાખી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. 

    સોનાના આસાન પર બિરાજમાન થશે ભગવાન

    ગર્ભગૃહમાં રામલલા જ્યાં બિરાજમાન થશે તે આસાન સંપૂર્ણ સોનાનું બનાવવામાં આવશે. ઉપરાંત, હાલ ભગવાન રામલલાની મૂર્તિ ઘણી નાની છે. જેના કારણે મોટા અને ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં ભગવાન બિરાજમાન થયા બાદ શ્રદ્ધાળુઓ બરાબર દર્શન કરી શકે તે માટે તેની મોટી પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવશે, જે અઢીથી ત્રણ ફિટ ઊંચી હોય શકે છે. આ માટે દેશભરના મોટા મૂર્તિકારોનો સંપર્ક કરવામાં આવ્યો છે. 

    મંદિરના પહેલા તબકનું કામ ડિસેમ્બર 2023 સુધીમાં, બીજા તબક્કાનું કામ ડિસેમ્બર 2024 સુધીમાં અને ત્રીજા તબક્કાનું કામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થશે. મંદિરના નિર્માણ કાર્ય માટે 1,800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે. સામે 9 હજાર કરોડ રૂપિયાનું દાન પહેલેથી આવી ગયું છે.

    સુરતના ઓલપાડમાં હિંદુ સગીરાને ભગાડી લઇ ગયો મુસ્લિમ યુવક, સ્થાનિક હિંદુઓની કડક કાર્યવાહીની માંગ: બે જૂથ સામસામે આવી જતાં પથ્થરમારો

    સુરતના ઓલપાડમાં એક મુસ્લિમ યુવક હિંદુ સગીરાને ભગાડી જતાં પંથકમાં તણાવ સર્જાયો છે. પ્રકરણમાં હિંદુ સગીરાને શોધી કાઢવામાં આવી છે પરંતુ આરોપી યુવક હજુ પણ ફરાર હોઈ હિંદુ સંગઠનોમાં નારાજગી જોવા મળી રહી છે. દરમ્યાન, ગુરુવારે સાંજે નગરમાં બે ટોળાં સામસામે આવી જતાં પથ્થરમારો પણ થયો હતો. જોકે, પછીથી પોલીસે સ્થિતિ કાબૂમાં લઇ લીધી હતી. 

    મામલાની વધુ વિગતો એવી છે કે ગત મંગળવારે (25 એપ્રિલ, 2023) ઓલપાડમાં રહેતો એક ઈસમ 17 વર્ષીય હિંદુ સગીરાને ભગાડી ગયો હતો. રિપોર્ટ્સમાં તેનું નામ સોહિલ શબ્બીર પૂનાગિરી જણાવવામાં આવ્યું છે. આ મામલે પરિવાર અને હિંદુ સંગઠનોને જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી. 

    પોલીસની તપાસમાં મહોલ્લામાં જ રહેતો સોહિલ સગીરાને ભગાડી લઇ ગયો હોવાની માહિતી સામે આવી હતી. આ ઈસમના પરિજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી તો બીજી તરફ હિંદુ સંગઠનો પણ સક્રિય થયાં હતાં. દરમ્યાન, તે જ રાત્રે સગીરા ઓલપાડમાંથી જ મળી આવી હતી. 

    અજમેર લઇ ગયો હતો, પરંતુ પોલીસ સક્રિય થતાં અધવચ્ચેથી પરત ફર્યાં

    રિપોર્ટ્સ અનુસાર, સગીરાના જણાવ્યા પ્રમાણે સોહિલ તેને ભગાડીને અજમેર તરફ લઇ જવા માંગતો હતો પરંતુ પોલીસ સક્રિય થઇ જતાં અધવચ્ચેથી જ બંને પરત આવી ગયાં હતાં અને યુવક તેને મૂકીને ફરાર થઇ ગયો હતો. સગીરા મળી આવ્યા બાદ તેના નિવેદનનના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સોની કલમ પણ ઉમેરીને આગળની તપાસ હાથ ધરી છે.

    એક તરફ આરોપીની શોધખોળ માટે પોલીસની ટીમ રવાના થઇ છે તો બીજી તરફ હજુ સુધી તે ન પકડાતાં સ્થાનિક હિંદુઓ વિરોધ કરી રહ્યા છે. આ જ ક્રમમાં ગુરુવારે હિંદુ સંગઠનોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ મુસ્લિમ ટોળાં પણ સામે આવી જતાં માહોલ તંગ બન્યો હતો. 

    200થી વધુનું ટોળું એકઠું થયું

    ગુરુવારે રાત્રે હિંદુ-મુસ્લિમ ટોળાં સામસામે આવી ગયાં હતાં અને પથ્થરમારો પણ થયો હતો. 200થી વધુ લોકોના ટોળાએ પેટ્રોલ પમ્પ પાસે આવેલા શાકભાજી માર્કેટમાં ધસી જઈને ધમાલ મચાવી હતી અને શાકભાજીની કેટલીક લારીઓ પણ ઉંધી વાળી દીધી હતી. ઉપરાંત, રસ્તાની બાજુમાં પાર્ક કરવામાં આવેલાં અમુક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.

    આ ઘટનામાં એક હિંદુ યુવાનને ઇજા થયાના પણ સમાચાર છે. બીજી તરફ, ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસનો કાફલો ઓલપાડ ધસી ગયો હતો અને ઉચ્ચ અધિકારીઓ પણ મોડી રાત્રે પહોંચ્યા હતા. પોલીસે ટોળાં વિખેરીને સ્થિતિ પર કાબૂ મેળવીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. હાલ વિસ્તારમાં શાંતિ હોવાનું જાણવા મળી રહ્યું છે.

    મહારાષ્ટ્રમાં હિંદુ સાથે ફરવા ગયેલી મુસ્લિમ છોકરીની ઇસ્લામી કટ્ટરપંથીઓએ કરી છેડતી: હિજાબ ખેંચીને મોબાઈલ ઝૂંટવી લેવાનો કર્યો પ્રયાસ, વિડીયો વાયરલ થયા બાદ ત્રણની ધરપકડ

    મહારાષ્ટ્રમાં ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા છેડતીનો ઘૃણાસ્પદ વિડીયો સામે આવ્યો છે. આ કટ્ટરપંથીઓએ મુસ્લિમ છોકરીની છેડતી માત્ર એટલા માટે કરી કારણકે તે એક હિંદુ છોકરા સાથે હતી. આ ઘટના મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર (પહેલા ઔરંગાબાદ)ની છે. અહીં હિજાબ પહેરેલી છોકરીની રસ્તા પર છેડતી કરવાના આરોપમાં પોલીસે ત્રણ કટ્ટરપંથીઓને પકડ્યા છે. આ કટ્ટરપંથીઓએ દૂર સુધી મુસ્લિમ છોકરીનો પીછો કર્યો, તેનો મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો અને તેને ગાળો પણ આપી હતી. આવું તેમણે એટલા માટે કર્યું, કારણકે છોકરી એક હિંદુ છોકરા સાથે બીબી કા મકબરા જોવા ગઈ હતી.

    ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા છેડતીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ

    આ ઘટના સોમવારે (24 એપ્રિલ 2023) બેગમપુરા વિસ્તારમાં બની હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસે કેસ દાખલ કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. વિડીયોમાં જોવા મળે છે કે ઇસ્લામી કટ્ટરપંથીઓ કોલેજની વિદ્યાર્થીનીને અટકાવી રહ્યા છે. તેઓ છોકરીનો હાથ પકડે છે, તેનો બેગ છીનવી લેવાનો પ્રયાસ કરે છે અને તેનો હિજાબ પણ ખેંચે છે. છોકરી રસ્તા પર જોરજોરથી ‘મને છોડી દો, મને છોડી દો’ એવી બૂમ પાડે છે. પરંતુ, છોકરાઓ આટલે સુધી ન અટકતા તેનો ફોન પણ ઝૂંટવી લે છે.

    ‘તું શા માટે બીજા કોઈ ધર્મના છોકરા સાથે છો?’

    ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ છોકરીની છેડતી માત્ર એ કારણોસર થઈ કારણકે તે અન્ય ધર્મના છોકરા સાથે હતી. વિડીયોમાં કટ્ટરપંથીઓ એ છોકરીને એવું પૂછે છે કે, “એ છોકરો કોણ છે? તું બીજા કોઈ ધર્મના છોકરા સાથે શા માટે છો?” ત્યારબાદ તેઓ છોકરીને હેરાન કરવા લાગે છે. એમાંથી એક તો છોકરીનો હાથ પકડી લે છે અને છોકરી હાથ છોડાવવાનો પ્રયત્ન કરે છે.

    છોકરીએ ફરિયાદ કરવાની ના પાડી દીધી

    મુસ્લિમ છોકરી સાથે થયેલી ગેરવર્તણૂકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બેગમપુરા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દીપક ગિર્હેએ જણાવ્યું હતું કે, “ત્રણેય વિરુદ્ધ મહિલાનું અપમાન કરવા, તેનો પીછો કરવા, ચોરીનો પ્રયાસ કરવા, ઈજા પહોંચાડવા અને ધમકી આપવાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.” પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી મહિલાની ઓળખ કરી હતી અને તેને ફરિયાદ નોંધાવવા કહ્યું હતું. પરંતુ તેણે ના પાડી દીધી. આ પછી, પોલીસે સ્વસંજ્ઞાન લીધું અને કેસ નોંધ્યો.

    રિપોર્ટ મુજબ, પીડિતા અહેમદનગરની રહેવાસી છે, જે સંભાજી નગરમાં રહીને અભ્યાસ કરી રહી છે. છોકરીને એક પરિવારે બચાવી હતી અને તેમને પોતાના ઘરે લઈ ગયા હતા. બાદમાં પોલીસ તેને સ્ટેશન લઈને આવી હતી. ઈન્સ્પેક્ટર શિવાજી તવારેએ જણાવ્યું કે, થોડી પૂછપરછ બાદ છોકરીને તેના ઘરે પહોંચાડવામાં આવી હતી.

    ‘રાજ ઠાકરેની જેમ હું પણ મારા કાકાનું ધ્યાન રાખીશ’ – અજીત પવાર; ‘હવે રોટલી પલટાવવાનો સમય આવી ગયો છે’ – શરદ પવાર: કાકા-ભત્રીજા બંનેએ આપ્યા સૂચક સંકેતો

    મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી બગાવતના એંધાણ છે. શિવસેનામાં થયેલા બળવાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં જ પવાર પરિવારમાં કડવાશ બળવાનું સ્વરૂપ લે તેવી શક્યતા છે. ઉદ્ધવ ઠાકરેને સલાહ આપનારા NCP વડા શરદ પવાર પોતે ભત્રીજા અજીત પવારની સામે ઊભા છે. તાજેતરમાં શરદ પવાર અને અજીત પવારના નિવેદનોએ NCPમાં ફરી તિરાડના સંકેતો આપ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી NCPમાં બીજા નંબરના મુખ્ય નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી અજીત પવારના ભાજપમાં જોડાવાની અફવાએ જોર પકડ્યું છે. ખુદ શરદ પવારના દીકરી સુપ્રિયા સુલેએ પણ સંકેત આપ્યા હતા આવનારા દિવસોમાં રાજકારણમાં મોટો વિસ્ફોટ થવાનો છે. જોકે, ત્યારે અજીત પવારે ભાજપ સાથે હાથ મિલાવવાની વાત ફગાવી દીધી હતી. પરંતુ, હવે ફરી અજીત પવારે બળવાના સીધા સંકેત આપી દીધા છે.

    તો NCPમાં રાજ ઠાકરે અને બાળા સાહેબ ઠાકરેવાળી થઈ શકે છે

    અજીત પવારે એવું નિવેદન આપ્યું છે કે જે રીતે રાજ ઠાકરેએ પોતાના કાકા બાળા સાહેબનું ધ્યાન રાખ્યું, તેમ તેઓ પણ પોતાના કાકા એટલે કે શરદ પવારનું ધ્યાન રાખશે. ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરેએ પોતાના કાકા અને શિવસેના સામે બળવો કરીને નવી પાર્ટી બનાવી હતી. વાસ્તવમાં ઉદ્ધવ ઠાકરેએ અજીત પવારને સલાહ આપતા કહ્યું હતું કે, તેમણે પોતાના કાકાનું એ જ રીતે ધ્યાન રાખવું જોઈએ જે રીતે તેઓ બહારના લોકોનું રાખે છે. અજીત પવારે આને લઈને પલટવાર કર્યો હતો કે, તેઓ પણ રાજ ઠાકરેની જેમ પોતાના કાકાનું ધ્યાન રાખશે.

    ઠાકરેની જેમ શરદ પવારે પણ ભત્રીજાના દમ પર રાજનીતિ કરી

    પવાર ફેમિલી અને ઠાકરે ફેમિલીમાં એક બાબત સમાન છે કે બંને પરિવારના વડાએ પોતપોતાના ભત્રીજાના દમ પર રાજનીતિ કરી છે. પરંતુ જ્યારે પણ સત્તા સોંપવાની વાત આવી ત્યારે પોતાના બાળકોને આગળ રાખ્યા. MNS પ્રમુખ રાજ ઠાકરેને શિવસેનામાં મહત્વ ન મળતાં તેમણે કાકાથી રસ્તો અલગ કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની રચના કરી હતી. શરદ પવાર પણ પોતાનો રાજકીય વારસો અજીત પવારને નહીં, પણ દીકરી સુપ્રિયા સુલેને સોંપવા માગે છે. આ વાત અજીત પવારને ખટકી રહી છે જે યોગ્ય પણ છે. સુપ્રિયા સાંસદ ભલે હોય, પણ એનસીપી કે મહારાષ્ટ્રના રાજકારણમાં તેમનું કદ અજીત પાવર જેટલું નથી.

    શરદ પવારે પણ આપ્યા રોટલી પલટવાના સંકેત

    એક તરફ અજીત પવારના નિવેદનથી મહારાષ્ટ્રનો રાજકીય માહોલ ગરમાયો છે તો બીજી તરફ NCP વડા શરદ પવારે પણ આવા જ કંઈક સંકેત આપ્યા છે. તેમણે પાર્ટીની યુથ વિંગને સંબોધિત કરતા કહ્યું હતું કે, “કોઈએ મને કહ્યું છે કે રોટલી પલટવાનો સમય આવી ગયો છે. જો યોગ્ય સમયે એ ન પલટાય તો કડવાશ આવી જાય.” હવે આ રોટલીની કડવાશ અજીત પવાર સાથેના કડવા સંબંધોને લઈને છે એ કોઈપણ વ્યક્તિ સમજી જાય. આ મામલે શિંદે જૂથ તરફથી નિવેદન આવ્યું છે કે, શરદ પવાર અજીત પવારને સાઈડલાઈન કરવાના મૂડમાં છે.

    ધારા 144 લાગુ હોવા છતાં કાનપુરમાં સેંકડો લોકોએ રોડ પર ઈદની નમાજ પઢી: પ્રશાસન સામે મનમાની કરવા બદલ 1700 વિરુદ્ધ FIR

    કાનપુરમાં હજારો મુસ્લિમોએ રોડ પર ઈદની નમાજ પઢી હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં જાજમાઉ ખાતે મોટી ઈદગાહની બહાર દાદા મિયાં મઝાર રોડ પર પ્રશાસનની મનાઈ હોવા છતાં મોટી સંખ્યામાં મુસ્લિમોએ નમાજ પઢી હતી, જે બદલ અંદાજે 200 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે બેનાઝાબર સ્થિત મરકઝી ઈદગાહ બહાર 1500થી વધુ મુસ્લિમોએ નમાજ પઢી હતી, જેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    કાનપુરમાં રોડ પર નમાજ પઢવાની આ ઘટનામાં મોટી ઈદગાહ અને મરકઝી ઈદગાહ બહાર નમાજ પઢવાવાળા 1500 લોકોએ ધારા 144નું ઉલ્લંઘન કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ગત 22 એપ્રિલના રોજ જાજમાઉ, બાબૂપુરવા અને બેનાઝાબર વિસ્તારમાં ધારા 144 લાગુ હોવા છતાં અંદાજે 1700 લોકોએ ભીડ ભેગી કરીને નમાજ પઢી હતી.

    અહેવાલો અનુસાર 22 એપ્રિલ 2023એ ઈદના રોજ સવારે 8 વાગે આ તમામ જગ્યાઓએ નમાજ શરૂ થાય તે પહેલાં જ અચાનક જ મુસ્લિમોના ટોળા ઉમટી પડ્યા હતા અને આ રોડ પર કબજો જમાવી દીધો હતો. ત્યારબાદ નમાજ શરૂ કરી દેવામાં આવી હતી. આટલું જ નહીં પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કરતા તેમણે પોલીસની સામે જ બળજબરીથી નમાજ પઢી હતી.

    અહીં વિચારવા જેવી બાબત તે છે કે આ દરમિયાન આખા કાનપુર જિલ્લામાં ધારા 144 લાગુ હતી, આ મામલે પોલીસે ઈદગાહ કમિટીના સભ્યો અને બળજબરીથી નમાજ પઢનાર લોકો વિરુદ્ધ ગંભીર ધારાઓ લગાવીને તપાસ શરૂ કરી છે. પોલીસ નમાજ પઢનાર ઈસમોની ઓળખ કરવા CCTVનો પણ ઉપયોગ કરી રહી છે.

    નોંધનીય છે કે કાનપુરમાં રોડ પર નમાજ પઢવાની આ આખી ઘટનામાં જાજમાઉમાં 200થી 300, બાબૂપુરવામાં 40થી 50 અને બજરિયા પોલીસ સ્ટેશનમાં 1500 એમ કુલ 1700 નમાઝીઓ વિરુદ્ધ ધારા 186 (સરકારી કામમાં અડચણ ઉભી કરવી) ધારા 188 (ધારા 144નું ઉલંઘન કરીને ટોળા એકઠા કરવા), ધારા 283 (ભીડ ભેગી કરીને રસ્તો રોકવો) ધારા 341 (સદોષ અવરોધ) અને લોક સેવામાં અડચણ ઉભી કરવા અને ધારા 353 અંતર્ગત ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

    રાત્રે 10 પછી કોઈને પણ રૂમમાં નહીં લઇ જઈ શકે દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ: મહિલા સાથે દુર્વ્યવહાર બાદ ફ્રેન્ચાઇઝીએ બદલ્યા નિયમો, કોડ ઑફ કંડક્ટ લાગુ કર્યો

    IPLમાં દિલ્હી કેપિટલ્સ ટીમે પોતાના ખેલાડીઓ માટે ‘કોડ ઓફ કંડક્ટ’ લાગુ કર્યો છે. પોતાની પાર્ટીમાં એક મહિલા સાથે દુર્વ્યવહાર થવા બદલ ફ્રેન્ચાઇઝીએ આ પગલું ઉઠાવ્યું છે. આમ કરનાર ખેલાડી તેમની જ ટીમનો હતો.

    ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLમાં દિલ્હી કેપિટલ્સ ટીમે બનાવેલા નવા નિયમો અનુસાર ફ્રેન્ચાઇઝીની છબી ન બગડે તે માટે ‘કોડ ઓફ કંડકટ’ની આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. જેમાં ચુસ્ત નિર્દેશો આપવામાં આવ્યા છે કે ટીમના કોઈ પણ ખેલાડીએ રાત્રે 10 વાગ્યા બાદ કોઈ પણ વ્યક્તિને પોતાના રૂમમાં બોલાવી શકશે નહીં, પછી ભલે તે વ્યક્તિ ખેલાડીનો પરિચિત પણ કેમ ન હોય.

    ‘કોડ ઑફ કંડકટ’ મુજબ જો કોઈ ખિલાડી પોતાના અંગત મહેમાનોને સમયસીમા બાદ મળવા બોલાવવા માંગતા હોય તો તેમણે આ મુલાકાત હોટલના રેસ્ટોરેન્ટ કે કૉફી શોપમાં ગોઠવવાની રહેશે. આ ઉપરાંત જો કોઈ ખેલાડીને કોઈને મળવા બહાર જવું હોય, તો તેના માટે પણ તેને દિલ્હી કેપિટલ્સના અધિકારીઓને જાણકારી આપવાની રહેશે.

    આ એડવાઈઝરી સોમવાર (24 એપ્રિલ 2023)ના રોજ હૈદરાબાદ સનરાઈઝર સાથેની મેચ બાદ ફ્રેન્ચાઇઝી અધિકારીઓએ જાહેર કરી હતી. આ દરમિયાન ખેલાડીઓને ચેતવણી પણ આપવામાં આવી હતી કે જે કોઈ આ નિયમોનું ઉલંઘન કરશે તો તેના પર દંડ લાદવામાં આવશે, આ સિવાય તે ખેલાડીનો કોન્ટ્રકટ પણ રદ થઈ શકે છે.

    અહેવાલો અનુસાર કોડ ઑફ કંડક્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ ખેલાડી કોઈ વ્યક્તિને પોતાના રૂમમાં લઈ જવા ઈચ્છતો હોય તો પહેલાં તેણે ટીમના ઈંટીગ્રેટ ઓફિસરને આ વિશે જાણકારી આપવાની રહેશે તેમજ સાથે આવનાર વ્યક્તિનું ઓળખપત્ર પણ મેનેજમેન્ટને આપવાનું રહેશે.

    ફ્રેન્ચાઈઝીના કોડ ઓફ કંડકટમાં ખેલાડીઓને પોતાની પત્ની, પ્રેમિકા તેમજ સહયોગી સ્ટાફ સાથે મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ તેનો ખર્ચ જે તે ખેલાડીએ પોતે ઉઠાવવાનો રહેશે અને તેની તમામ જાણકારી અધિકારીઓને અગાઉથી જ આપવાની રહેશે.

    આ ઉપરાંત ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમના સભ્યોને તમામ કાર્યક્રમોમાં હાજર રહેવાના નિર્દેશ આપ્યાં છે અને અધિકારીઓએ પહેલેથી જ તમામ ખેલાડીઓને નિયમિત રહેવાની સૂચનાઓ આપેલી છે. IPL ટીમ દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીએ જણાવ્યું છે કે ખેલાડીઓ દ્વારા કરવામાં આવતી સમયની અનિયમિતતા ચલાવી લેવામાં આવશે નહીં.

    ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને ફિલ્મફેર એવોર્ડ્સની 7 કેટેગરીમાં નોમિનેશન મળ્યું, ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી બોલ્યા- આ એવોર્ડ્સ અનૈતિક અને સિનેમા વિરોધી છે- જાણીએ કારણ

    બહુચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ અને ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને જાણીતા ‘ફિલ્મફેર એવોર્ડ્સ’ની સાત કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. 68મા ફિલ્મફેર એવોર્ડ્સમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ સ્ક્રીનપ્લે માટે વિવેક અગ્નિહોત્રી, બેસ્ટ એક્ટર માટે અનુપમ ખેર, બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલ માટે દર્શન કુમાર અને મિથુન ચક્રવર્તી, બેસ્ટ એડિટિંગ માટે શંખ રાજાધ્યક્ષને નોમિનેટ કરવામાં આવ્યા છે. જોકે, સાત કેટેગરીમાં નોમિનેશન મળવા છતાં ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ આ એવોર્ડ્સથી પોતાને દૂર રાખ્યા છે.

    વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ મૂકીને આવા એવોર્ડ્સને સિનેમા વિરોધી અને અનૈતિક કહ્યા છે, તેમજ એવોર્ડ સમારંભમાં સામેલ થવાનો પણ ઇનકાર કર્યો છે. તેમણે એવું પણ કહ્યું કે, ધીમે-ધીમે એક બીજી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ રહી છે. વિવેક અગ્નિહોત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “મને મીડિયાના માધ્યમથી ખબર પડી છે કે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને 68મા ફિલ્મફેર એવોર્ડ્સ માટે 7 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. પરંતુ હું વિનમ્રતાપૂર્વક આ અનૈતિક અને સિનેમા વિરોધી એવોર્ડ્સનો ભાગ બનવાનો ઇનકાર કરું છું.”

    ‘ફિલ્મફેર માટે માત્ર સ્ટાર્સનો ચહેરો જ મહત્વનો’

    વિવેકનું કહેવું છે કે, “ફિલ્મફેર માટે માત્ર સ્ટાર્સ એટલે કે એક્ટર્સનો ચહેરો જ મહત્વ ધરાવે છે. એટલે જ તેમની ચાપલૂસીવાળી દુનિયામાં સંજય લીલા ભણસાલી કે સૂરજ બડજાત્યા જેવા નિર્દેશકોનો ચહેરો નથી. સંજય ભણસાલીને આલિયા ભટ્ટ, સૂરજને મિસ્ટર બચ્ચન અને અનીસ બઝમીના નોમિનેશનને કાર્તિક આર્યનના ચહેરા સાથે પ્રસ્તુત કરવામાં આવે છે. એટલે બોલિવુડના ભ્રષ્ટ, અનૈતિક અને ચમચાગીરી વાળા એવોર્ડ સમારોહના વિરોધમાં મેં આવા એવોર્ડ્સથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. હું આવા એવોર્ડ્સ નહીં સ્વીકારું.”

    ‘એકટર્સ સિવાયના લોકો સાથે ગુલામ જેવો વ્યવહાર કરવામાં આવે છે’

    વિવેક અગ્નિહોત્રીએ બોલિવુડના સ્ટાર કલ્ચરને વખોડતા કહ્યું કે, તેઓ એવી કોઈપણ સંસ્થા કે સમારંભનો ભાગ નહીં બને જે ફિલ્મમાં કામ કરતા ડિરેક્ટર, લેખક, એચઓડી અને અન્ય ક્રૂ મેમ્બર્સને મહત્વ નથી આપતા. જ્યાં ફિલ્મ સાથે જોડાયેલા લોકો સાથે સ્ટાર્સના ગુલામ જેવો વ્યવહાર કરવામાં આવે છે. ફિલ્મફેર પુરસ્કારોથી ફિલ્મ નિર્માતાઓને ખ્યાતિ કે સન્માન પ્રાપ્ત નથી થતા, પરંતુ તેમના કામથી થાય છે. આ અપમાનજનક વ્યવસ્થાનો અંત આવવો જોઈએ.”

    વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મફેરના ટ્વિટર અકાઉન્ટ પરથી કેટલાક સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા. તેમાં બેસ્ટ નિર્દેશક માટેની કેટેગરીમાં નોમિનેટ થયેલા એકેય ડિરેક્ટરનો ફોટો જોવા નથી મળતો. માત્ર ફિલ્મ સ્ટાર્સના ફોટોઝ છે. વિવેક અગ્નિહોત્રીનું કહેવું છે કે, સારી વાત અહીં એ છે કે તેઓ એકલા નથી. ભલે ધીમે-ધીમે, પણ બોલિવુડ સમકક્ષ એક અન્ય હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ રહી છે. પોસ્ટના અંતમાં ડિરેક્ટરે દુષ્યંત કુમારની પંક્તિઓ પણ ટાંકી છે કે,

    સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં,

    મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિએ.

    મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી,

    હો કહીં ભી આગ, લેકિન આગ જલની ચાહિએ.

    ઉલ્લેખનીય છે કે, 68મા ફિલ્મફેર એવોર્ડનું આયોજન આજે ગુરુવારે (27 એપ્રિલ, 2023) જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, બીકેસી, મુંબઈમાં થઈ રહ્યું છે. આ વખતે એવોર્ડ ફંક્શનને સલમાન ખાન હોસ્ટ કરશે અને આયુષ્માન ખુરાના, મનીષ પૌલ જેવા એન્કર તેને સાથ આપશે.

    10.78 લાખનાં કમોડ, 91 લાખનાં શાવર ટૂલ્સ: કેજરીવાલના ઘરમાં ટોયલેટ-બાથરૂમ પાછળ ખર્ચાયા દોઢ કરોડ, AAPએ કહ્યું- PM મોદી સામે પ્રદર્શન કરીશું

    દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી નેતા અરવિંદ કેજરીવાલે કોરોનાના સમયમાં પોતાના નિવાસસ્થાનનું રિનોવેશન કરવા માટે 44 કરોડનો ખર્ચ કર્યો હોવાની વિગતો સામે આવ્યા બાદ આ મુદ્દો ચર્ચામાં છે. હવે એક તાજા રિપોર્ટમાં સામે આવ્યું છે કે કેજરીવાલના ઘરમાં 1.45 કરોડ માત્ર ટોયલેટ-બાથરૂમ બનાવવા માટે ખર્ચવામાં આવ્યા હતા. 

    ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર, અરવિંદ કેજરીવાલના ઘરમાં 15 જેટલાં ટોયલેટ-બાથરૂમ બનાવવામાં આવ્યાં છે અને આ દરેકને બનાવવા પાછળ 15 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જેમાંથી 10.78 લાખ રૂપિયા સેનિટરી ઈન્સ્ટોલેશન (કમોડ) માટે, 91 લાખ સ્પેશિયલ શાવર ટૂલ્સ માટે, હોટ વોટર જનરેટર માટે 25 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 

    જેથી રિપોર્ટ્સ અનુસાર કેજરીવાલે દોઢ કરોડ રૂપિયા માત્ર બાથરૂમ બનાવવા પાછળ ખર્ચી નાંખ્યા હતા. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ બાથરૂમમાં લગાવવામાં આવેલાં ટોયલેટ્સ એકદમ હાઈટેક છે અને રિમોટ કન્ટ્રોલથી પણ ચાલે છે. 

    રિપોર્ટ્સમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ રિનોવેશન માટે પહેલી વખત 7.92 કરોડ, બીજી વખત 1.64 કરોડ, ત્રીજી વખત 8.17 કરોડ અને પાંચમી વખત 9.34 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. દર વખતે રકમ 10 કરોડ રૂપિયાથી ઓછી હતી જેના કારણે ટેન્ડર બહાર પાડવાની જરૂર જ પડી ન હતી. 

    કેજરીવાલના આ 44 કરોડના રિનોવેશનનો ભાંડો ફૂટ્યા બાદ આમ આદમી પાર્ટી પર માછલાં ધોવાઈ રહ્યાં છે અને ભાજપ સતત પ્રહારો કરી રહ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ આજે મૌન તોડ્યું હતું અને સ્પષ્ટતા કરવાની જગ્યાએ દર વખતની આદત અનુસાર પીએમ મોદી પર હુમલો કર્યો હતો. 

    આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ જાહેરાત કરી હતી કે તેઓ જનતાના પૈસાનો વેડફાડ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રદર્શન કરશે! પ્રેસ કોન્ફરન્સમાં દૂધ, ગેસ, પેટ્રોલ-ડિઝલ, સિલિન્ડર વગેરેના ભાવો વધી ગયા હોવાનું જણાવીને દાવો કર્યો કે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. એવો પણ દાવો કર્યો કે પીએમ મોદીએ આ મોંઘવારી વધારીને એકઠો કરેલો પૈસો પોતાના એશોઆરામમાં લગાવી દીધો જેથી તેઓ તેમની સામે પ્રદર્શન કરશે. 

    રાઘવ ચઢ્ઢાના દાવા અનુસાર, પીએમ મોદીએ નવું આવાસ બનાવવા, એર પ્લેન માટે, વિદેશી યાત્રાઓ અને નિવાસસ્થાનના રિનોવેશન માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યા હોવાના કારણે તેઓ તેમની સામે વિરોધ પ્રદર્શન કરશે. 

    ‘મેં વધુ એક વખત તમને નિરાશ કર્યા છે, જેટલું કર્યું તે બદલ આભાર’: માતાપિતાની નજરોમાં નિષ્ફળ હોવાનું માની અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીમાં ભણતા વડોદરાના વિદ્યાર્થીનો આપઘાત

    દરેક માતાપિતાને પોતાનું સંતાન જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને સફળ વ્યક્તિ બને તેવી ઝંખના હોય છે. તો બીજી તરફ સંતાનો પણ પોતાના માવતરની ઈચ્છા પૂરી કરવા પોતાના અસ્તિત્વને ભૂલી જતાં હોય છે. આ બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજણ અને સંવાદનો અભાવ ન થવાની ઘટનાઓને નોતરે છે. આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીમાં ભણતા વડોદરાના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે.

    મળતી માહિતી અનુસાર સેપ્ટ યુનિવર્સિટીમાં ભણતા જે વિદ્યાર્થીએ આપઘાત કર્યો તે મૂળ વડોદરાનો રહેવાસી છે અને અહીં તે બેચલર્સ ઓફ આર્કિટેક્ચર પ્રોગ્રામના 10મા સેમેસ્ટરનો વિદ્યાર્થી હતો. 23 વર્ષીય શિવ મિસ્ત્રીએ 25 એપ્રિલના રોજ રાત્રે 12 વાગ્યે અમદાવાદમાં આવેલા ધ્રુવીન એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી. તે કોલેજ કેમ્પસની બહાર એક બિલ્ડિંગના બીજા માળે રૂમમેટ સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. ટેરેસ પરથી કૂદીને જીવન ટુંકાવ્યું હતું.

    આ બનાવની જાણ થતાં જ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમને ફ્લેટમાંથી અંગ્રેજી ભાષામાં લખેલી અલગ-અલગ સુસાઇડ નોટ્સ પણ મળી આવી હતી. સુસાઇડ નોટમાં મૃતકે આત્મહત્યા કરવા પાછળ પોતાની હતાશા દર્શાવી હતી. સાથે જ શિવે હાથ પર જિંદગીથી નિરાશ થયેલા ઇમોજી ટેટુ બનાવડાવ્યું હતું. હાલ આ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

    સ્યુસાઇડ નોટમાં લખ્યું- ‘હું તમારું અવાંછિત સંતાન’

    શિવ મિસ્ત્રીએ આત્મહત્યા પહેલાં લખેલી સ્યુસાઇડ નોટમાં તેના મનની તમામ વ્યથાઓ લખી હતી. તેણે લખ્યું કે, “પ્રિય મમ્મી પપ્પા, હું તમને પ્રેમ કરું છું, હું જે કરી રહ્યો છું એ બદલ તમારી માફી માંગુ છું. મેં વધુ એક વખત તમને નિરાશ કર્યા છે. મને હંમેશા એમ લાગતું કે જીવન પૈસા અને ભૌતિક ચીજો માટે નથી પરંતુ તમે જીવનમાં શું કરો છો તેના માટે છે. મારે જીવનમાં જે કરવું હતું એ માટે હું સક્ષમ ન હતો અને હું જે કરી રહ્યો છું તેના કારણે હું પરેશાન હતો. મને તમારી આંખોમાં મારા માટે નિરાશા દેખાય છે. મને કોઈ પ્રેમ નથી કરતું, મને લાગે છે કે હું તમારું અવાંછિત સંતાન છું. સેપ્ટમાં પરત આવવાનો નિર્ણય મારો હતો. મને લાગતું હતું કે હું આર્કિટેક્ચરનું ભણતર પુરૂં કરીશ પણ હવે મને લાગે છે કે, આ નિર્ણય મેં ઘરેથી દૂર રહેવા માટે કર્યો હોય.”

    હું ભાઈની અવેજીમાં હોઉં તેવું લાગતું

    આત્મહત્યા કરનાર શિવે આગળ લખ્યું હતું કે, “ઘરના વર્કશોપમાં વર્ષો સુધી કામ કર્યા બાદ મારામાં આક્રોશ અને નિરાશા છે. ઘરમાં સતત ચાલતા ઝઘડાને કારણે ઊભા થયેલા માહોલનો કોઈ ઉકેલ આવે તે માટે મેં આ પગલું ભર્યું છે. હું પોતાનો અલગ રસ્તો બનાવવા માગતો હતો. તમે મને મારી રીતે વર્કશોપમાં કામ કરવા દીધું હોત તો આ શક્ય બની શકત. પણ ત્યાં હું હંમેશાં ભાઈની અવેજીમાં હોવ તેવું લાગતું. હું જે કરવા માગતો હતો તે ન થઈ શક્યું, માટે આ પગલું ભરી રહ્યો છું. મને માફ કરજો મારો ઈરાદો તમને જવાબદાર ઠેરવવાનો નથી. તમે મારા માટે જે કર્યું તેના માટે હું ઋણી છું, થેંક્યુ યુ મોમ એન્ડ ડેડ. આઈ લવ યુ.”

    ‘નરેન્દ્ર મોદી હજારો વર્ષ જીવે, આપણો દેશ મહાન છે’: યુદ્ધગ્રસ્ત સુડાનથી પરત ફરેલાં વૃદ્ધ મહિલાએ ભાવુક થઈને વડાપ્રધાન મોદીનો આભાર માન્યો- વિડીયો

    યુદ્ધગ્રસ્ત સુડાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા માટે કેન્દ્ર સરકારે ‘ઑપરેશન કાવેરી’ શરૂ કર્યું છે અને વાયુસેનાનાં વિમાન અને જહાજો મારફતે તેમને ભારત લાવવામાં આવી રહ્યા છે. આવી જ એક ફ્લાઇટમાં સુડાનથી ભારત પરત આવેલા મુસાફરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારનો આભાર માન્યો હતો. જેમાંથી એક વૃદ્ધ મહિલાએ પીએમને આશીર્વાદ આપતાં કહ્યું કે, તેઓ હજારો વર્ષ જીવે.

    સુડાનથી પરત આવેલ એક વૃદ્ધ મહિલાએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરી હતી. તેમને અનુભવ પૂછવામાં આવતાં ભાવુક થઇ ગયાં હતાં અને યુદ્ધ વચ્ચેથી પણ સુરક્ષિત પરત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનીને તેમને આશીર્વાદ આપ્યા હતા. 

    વૃદ્ધ મહિલાએ કહ્યું કે, “આપણો ભારત દેશ મહાન છે….આપણા નરેન્દ્ર મોદી સો વર્ષ જીવે, તેઓ હજારો વર્ષ જીવે.” તેમને પૂછવામાં આવ્યું કે સુડાનથી અહીં પરત ફરીને તેમને કેવું લાગી રહ્યું છે ત્યારે કહ્યું કે, હવે મને ખૂબ રાહત થઇ છે. 

    એક વ્યક્તિએ કહ્યું કે, “અમે સરકારનો આભાર માનીએ છીએ. અમને બધાને આરામથી લઇ આવ્યા. ખાવાપીવાથી માંડીને તમામ સગવડોની વ્યવસ્થા કરવામાં આવી હતી. હું સૌનો આભાર વ્યક્ત કરું છું. બધી જ વ્યવસ્થા શ્રેષ્ઠ હતી… જવાનો પણ બહુ સારી વર્તણૂંક કરી રહ્યા હતા. અમે બહુ ખુશ છીએ.” 

    ‘નજીકમાં જ બ્લાસ્ટ થઇ રહ્યા હતા પણ અમને બચાવી લેવાયા, સરકારનો આભાર’

    સુડાનથી પરત ફરેલા અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, “અમારી એકદમ નજીક જ બ્લાસ્ટ થતા હતા. દૂતાવાસે બહુ મુશ્કેલીથી અમને બહાર કાઢ્યા છે….હવે ઘરે આવીને બહુ સારું લાગે છે.” તેમણે જણાવ્યું કે, અન્ય દેશોના પણ ઘણા નાગરિકો સુડાનમાં ફસાયેલા છે અને કેટલાક ભારતીયો પણ છે પરંતુ તેમને ઝડપથી રેસ્ક્યુ કરીને પરત લાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, રેસ્ક્યુ બહુ ઝડપથી થઇ રહ્યું છે અને સરકારની કામગીરીથી અમે બહુ સંતુષ્ટ છીએ. 

    ઉલ્લેખનીય છે કે સુડાન પર હાલ ગૃહયુદ્ધનું સંકટ તોળાઈ રહ્યું છે. જેની વચ્ચે ભારતે પોતાના નાગરિકોને પરત લાવવા માટે ઑપરેશન કાવેરી શરૂ કર્યું છે. આ ઑપરેશન હેઠળ આજે ભારતીય નાગરિકોને લઈને બીજી ફ્લાઇટ આવી પહોંચી હતી. જેમાં કુલ 246 લોકો પરત ફર્યા છે. હજુ અન્ય લોકોને લાવવા માટેની કામગીરી ચાલી રહી છે. 

    ભારતીય દૂતાવાસની વેબસાઈટ અનુસાર, સુડાનમાં કુલ 2,800 ભારતીય નાગરિકો વસવાટ કરે છે. જેમાંથી 1200 લોકોનો એક સમુદાય ત્યાં કાયમી વસવાટ કરે છે અને જેમના પરિવારો સુડાનમાં છેલ્લાં 150 વર્ષથી વસવાટ કરી રહ્યા છે. જોકે, અમુક રિપોર્ટ્સમાં સુડાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સંખ્યા 4 હજાર સુધીની પણ જણાવવામાં આવી છે.