Friday, April 3, 2026
More
    Home Blog Page 913

    પહેલાં ‘રાવણ’ કહ્યા અને હવે ‘ઝેરીલા સાપ’: સામી ચૂંટણીએ કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની પીએમ મોદી વિશે વધુ એક વિવાદાસ્પદ ટિપ્પણી

    રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરવામાં કોંગ્રેસ નેતાઓ અણછાજતી ટિપ્પણીઓ કરી નાંખતા હોય છે. હવે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને ‘ઝેરીલા સાપ’ ગણાવી દીધા છે.

    કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે હાલ પ્રચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કલબુર્ગીમાં પાર્ટીના પ્રચાર માટે એક જનસભા સંબોધવા માટે પહોંચ્યા હતા. અહીં ભાષણ દરમિયાન તેમણે પીએમ મોદી વિશે આ ટિપ્પણી કરી હતી. તેમણે આ ભાષણ કન્નડ ભાષામાં આપ્યું હતું. 

    મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ઝેરીલા સાપ’ જેવા છે. તમે વિચારો કે તે ઝેરી છે કે નહીં અને ચાખી લો તો તમારું મોત થઇ જશે.”

    કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદન બાદ ભાજપે વળતો પ્રહાર કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ખડગેના મગજમાં જ ઝેર ભર્યું છે. તેઓ પીએમ મોદી અને ભાજપ પ્રત્યે પૂર્વગ્રહથી પીડિત છે. તેઓ રાજકીય રીતે લડવામાં અસમર્થ છે અને પોતાનું જહાજ ડૂબતું દેખાઈ રહ્યું છે જેના કારણે હતાશામાં આવાં નિવેદનો કરી રહ્યા છે. જનતા તેમને પાઠ ભણાવશે. 

    કોંગ્રેસ અધ્યક્ષના નિવેદનને લઈને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, “વારંવાર ચૂંટણીમાં હારના કારણે કોંગ્રેસ બૌખલાઈ ગઈ છે અને મોદીજીને અપમાનિત કરવાની તેમની મજબૂરી બની ગઈ છે. સોનિયા ગાંધીથી લઈને અત્યારના અધ્યક્ષ સુધીના કોંગ્રેસ નેતાઓ ક્યારેક તેમને મોતના સોદાગર કહે છે તો ક્યારેક કોઈ સાપ કહે છે અને કોઈ કહે છે કે, ‘મોદી તેરી કબ્ર ખુદેગી.’ દેશના વડાપ્રધાન પ્રત્યે આવી ભાષાનો પ્રયોગ? એ પણ એવા નેતા જેમને દેશની જનતાએ વારંવાર પૂર્ણ બહુમતથી દેશના વડાપ્રધાન બનાવ્યા. તેમણે કહ્યું કે, કોંગ્રેસે વડાપ્રધાન માટે આ પ્રકારની ભાષા વાપરવા બદલ માફી માંગવી પડશે નહીં તો કર્ણાટકની જનતા તેમની ડિપોઝીટ જપ્ત કરાવીને જડબાતોડ જવાબ આપશે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ કોંગ્રેસ નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અનેક અભદ્ર ટિપ્પણીઓ કરી ચૂક્યા છે. તાજેતરમાં જ દિલ્હી એરપોર્ટ પર પાર્ટીના નેતાઓએ ‘મોદી તેરી કબ્ર ખુદેગી’ના નારા લગાવ્યા હતા. ઉપરાંત, તે પહેલાં પણ મણિશંકર ઐયરથી માંડીને સાનિયા ગાંધી સુધીના નેતાઓએ મોદી વિશે ટિપ્પણીઓ કરી હતી. વર્ષ 2007માં ગુજરાત ચૂંટણી વખતે સોનિયા ગાંધીએ 2002નાં રમખાણો મુદ્દે મોદી પર પ્રહાર કરવા તેમને ‘મોતના સોદાગર’ કહ્યા હતા. જોકે, તેનો ફાયદો ઓછો ને નુકસાન વધુ ગયું હતું. 

    તાજેતરની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પીએમ વિશે ટિપ્પણી કરી હતી. તેમણે વડાપ્રધાનની સરખામણી રાવણ સાથે કરી હતી. જેની ઉપર પીએમ મોદીએ પણ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસમાં મોદીને કોણ વધુ ગાળો આપી શકે તેની સ્પર્ધા ચાલે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ વધારે કાદવ ઉછાળશે તેટલું જ કમળ વધુ ખીલશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 156 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસ 17 બેઠકોમાં સમેટાઈ ગઈ હતી. 

    નવાઝુદ્દીન સિદ્દીકી સામે બંગાળી સમુદાયનું અપમાન કરવા બદલ કેસ થયો, સોફ્ટ ડ્રિંક કંપનીએ માફી માગવી પડી; અભિનેતા સામે પત્ની પણ કેસ દાખલ કરી ચૂકી છે

    બોલિવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી મોટાભાગે પોતાના અભિનયને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી અભિનેતા વિવાદોને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. નવાઝુદ્દીનની પત્નીએ તેની સામે ગંભીર આરોપો લગાવ્યા છે અને કેસ પણ દાખલ કર્યો છે. હવે અભિનેતા વધુ એક કાનૂની વિવાદમાં ફસાઈ ગયા છે. એક સોફ્ટ ડ્રિંકની જાહેરાતને પગલે નવાઝુદ્દીન સિદ્દીકી સામે કેસ થયો છે. અભિનેતા પર બંગાળી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

    અભિનેતાની સોફ્ટ ડ્રિંકની જાહેરાતને પગલે વિવાદ સર્જાયો

    જાણીતી સોફ્ટ ડ્રિંક કંપની ‘સ્પ્રાઇટ’ની એક જાહેરાતને લીધે નવાઝુદ્દીન સિદ્દીકી સામે કેસ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં સ્પ્રાઇટની આ નવી એડ એ કેમ્પેઈનનો ભાગ છે જેમાં ગ્રાહકને QR કોડ સ્કેન કરીને જોક સાંભળવાની સુવિધા મળે છે. આમ તો એડવર્ટાઈઝમેન્ટ મૂળ હિંદીમાં છે, પરંતુ તેના બંગાળી વર્ઝનને લઈને કોલકાતાના એક વકીલે વાંધો ઉઠાવ્યો છે. તેમના મતે જાહેરાત બંગાળી સમુદાયનું અપમાન કરે છે. આને લઈને કોલકાતાના વકીલ દિબ્યાયન બેનર્જીએ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને કોકા કોલાના ભારતીય વિભાગના CEO સામે ફરિયાદ નોંધાવી છે.

    વકીલે કહ્યું: ‘જાહેરાતના હિંદી વર્ઝન સામે કોઈ વાંધો નથી’

    કોલકાતા હાઈ કોર્ટના વકીલ દિબ્યાયન બેનર્જીએ કોર્ટને જણાવ્યું હતું કે, “કોકા-કોલાના પ્રોડક્ટ સ્પ્રાઇટની મૂળ જાહેરાત હિંદીમાં હતી, જેની સામે અમને કોઈ વાંધો નથી. અમને માત્ર બંગાળી ડબિંગથી સમસ્યા છે જે વિવિધ ટીવી ચેનલો અને વેબસાઈટ પર બતાવવામાં આવી રહી છે. નવાઝુદ્દીન સિદ્દીકી આ બંગાળી વર્ઝનમાં એક જોક પર હસી રહ્યા છે જેનો અર્થ થાય છે, ‘જો સીધી આંગળીએ ઘી ન નીકળે તો બંગાળી ભૂખ્યા જ સૂઈ જાય છે.’ અમારા મતે આનાથી બંગાળી સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે. અમે ઇચ્છીએ છીએ કે આ પ્રકારના છીછરા કૃત્યને ભવિષ્યમાં પ્રોત્સાહન ન મળે.”

    કંપનીએ માફી માગી અને કહ્યું: ‘બંગાળી ભાષાનું સન્માન કરીએ છીએ’

    બંગાળી સમુદાય દ્વારા વિરોધ થવાની બીકે કંપનીએ માફી માગી છે અને એડવર્ટાઈઝમેન્ટના બંગાળી વર્ઝનને પણ હટાવી લીધું છે. સ્પ્રાઇટ ઇન્ડિયા તરફથી કહેવામાં આવ્યું છે કે, “કોલ્ડ ડ્રિંકના તાજેતરના એડ કેમ્પેઈન અંગે અમને પસ્તાવો છે અને કંપની બંગાળી ભાષાનું સન્માન કરે છે.”

    નવાઝુદ્દીન પર પહેલાંથી આટલા કેસ નોંધાયેલા છે

    નવાઝુદ્દીનની પત્ની આલિયા સિદ્દીકીએ અભિનેતા પર ઘરેલુ હિંસા, બળાત્કાર વગેરે ગંભીર આરોપો મૂકીને કેસ દાખલ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી કાયદાકીય લડાઈ ચાલી રહી છે. આ મામલે નવાઝુદ્દીને પોતાના ભાઈ અને પત્ની સામે માનહાનિનો કેસ કર્યો હતો.

    ઉત્તરાખંડનું માણા ભારતનું અંતિમ નહીં પરંતુ પ્રથમ ગામ: વડાપ્રધાન મોદીના એલાન બાદ મોટું પરિવર્તન, લોકોએ કહ્યું- પછાત માનસિકતાથી સનાતન શાશ્વત તરફનું પગલું

    એક સમયે દેશના અંતિમ ગામ તરીકે ઓળખાતું ઉત્તરાખંડનું માણા હવે ભારતનું અંતિમ નહીં પરંતુ પ્રથમ ગામ બની ગયું છે. રાજ્યના ચમોલી સ્થિત આ ગામને પહેલા દેશનું અંતિમ ગામ તરીકે જાણવામાં આવતું હતું. પરંતુ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગત સોમવારે ચીનની સીમાને અડીને આવેલા આ ગામની બહારનું સાઈન બોર્ડ ફેરવી નાંખ્યું હતું. જે બોર્ડમાં પહેલા “ભારતનું અંતિમ ગામ માણા” લખેલું હતું, ત્યાં હવે ભારતનું “પ્રથમ ગામ માણા” લખેલું છે.

    આ પરિવર્તન આવવા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2022માં 21 ઓક્ટોબરના રોજ માણા ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં તેમણે કરેલી ઘોષણા છે. તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, માણા ગામ દેશનું અંતિમ ગામ નથી પરંતુ પ્રથમ ગામ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે દેશની સીમાઓ પર વસેલા તમામ ગામો દેશના પ્રથમ ગામ કહેવાશે.

    પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, પહેલા જે વિસ્તારોને દેશની સીમાઓનો અંત માનીને તેમના પર ધ્યાન નહોતું આપવામાં આવતું, અમે ત્યાંથી દેશની સમૃદ્ધિનો આરંભ માનવાનું શરુ કરી દીધું છે. લોકો માણા આવે અને જુએ કે અહી ડીજીટલ ટેકનોલોજીનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તે પહેલા વડાપ્રધાને 21મી સદીના ત્રીજા દશકાને ઉત્તરાખંડનો નવો દશકો ગણાવ્યો હતો. વડાપ્રધાન મોદીની આ જ વાત જણાવતા રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અમારી સરકાર સીમા ક્ષેત્રોના સર્વાંગી વિકાસ માટે સદા સમર્પિત છે અને હવે અંતિમ નહી, પરંતુ ભારતનું પ્રથમ ગામ છે માણા.

    સોશિયલ મીડિયામાં લોકોએ મોદી સરકારના નિર્ણયને વધાવ્યો

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા માણાને ભારતનું પ્રથમ ગામ જાહેર કરવાના નિર્ણયને સોશિયલ મીડિયામાં લોકોએ વધાવીને ટીપ્પણીઓ કરી હતી.

    રાજેશ વર્મા નામના યુઝરે વડાપ્રધાન મોદીએ સીમાડાઓની દ્રષ્ટિકોણ બદલતા આ નિર્ણયને ટાંકતા લખ્યું હતું કે, “ઉત્તરાખંડ: ચમોલીનું માણા ગામ ભારતનું અંતિમ નહી પરંતુ ભારતના પ્રથમ ગામ તરીકે ઓળખાશે, શબ્દોનું પરિવર્તન વિચારો અને લાગણીઓને કેટલા બદલી નાંખે છે, પછાત માનસિકતાથી સનાતન શાશ્વત તરફનું પગલું.”

    અન્ય એક યુઝર ત્રિભુવન શર્માએ કોંગ્રેસ પર નિશાન સાધીને વડાપ્રધાન મોદીના નિર્ણયને વધાવ્યો હતો. તેઓ લખે છે, “કોંગ્રેસે આને અંતિમ ગામ કહ્યું હતું, મોદી સરકારે તેને પ્રથમ ગામ બનાવી દીધું. ઉત્તરાખંડનું માણા ગામ હવે અંતિમ ગામની જગ્યાએ ‘ફર્સ્ટ ઈન્ડીયન વિલેજ’ના નામે ઓળખાશે, આ ગામ ચમોલી જિલ્લામાં છે, અને ચીનની સીમા પાસે આવેલું છે.”

    તો સુદીપ કુમાર નામના યુઝરે પણ વડાપ્રધાન મોદીના નિવેદનનો ઉલ્લેખ કરી આ ગામને પ્રથમ ગામ ઘોષિત કરવામાં આવ્યું હોવાની માહિતી આપી હતી, તેઓ લખે છે, “ઉત્તરાખંડનું માણા ગામ જે પહેલા ભારતનું અંતિમ ગામ હતું તે હવે ભારતનું પ્રથમ ગામ બની ગયું છે. BRO દ્વારા ગામના પ્રવેશદ્વાર પર અંતિમ ગામનું સાઈન બોર્ડ હટાવીને પ્રથમ ગામનું બોર્ડ લગાવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે સીમા પર વસેલા તમામ ગામો દેશના પ્રથમ ગામ હશે.”

    ભારત-ચીન સીમાથી માત્ર 24 કિલોમીટર દુર

    ભારતનું પ્રથમ ગામ માણા ચીનની સરહદથી માત્ર 24 કિલોમીટર જેટલાં અંતરે આવેલું છે. આ ગામ સમુદ્રની સપાટીથી 3,219 મીટરની ઉંચાઈએ વસેલું છે. અત્યારસુધી પર્યટકોને અહી “ભારતનું અંતિમ ગામ” કે પછી “ઈન્ડીયાઝ લાસ્ટ કૉફી એન્ડ ટોફી કોર્નર”ના સાઈન બોર્ડ નજરે પડતા હતા, પરંતુ વડાપ્રધાન મોદીના વિઝને અંતિમને પ્રથમ હરોળમાં મુક્યા બાદ હવે પ્રકૃતિની સુંદરતા માણવા આવતા પર્યટકોને અહી ભારતના પ્રથમ ગામના સાઈન બોર્ડ જોવા મળશે.

    ભારતના પ્રથમ ગામ માણામાં પ્રવાસ માટે મે મહિનાથી નવેમ્બરની શરૂઆતનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણકે ઉંચાઈ પર વસેલું આ ગામ શિયાળાની ઠંડીમાં બરફની ચાદર નીચે ઢંકાઈ જાય છે. જેથી માત્ર ઉનાળાના સમયમાં અહી પ્રવાસ કરવો શક્ય બને છે, અને ઉનાળામાં જ અહી બદ્રીનાથની યાત્રા કરી શકાય છે. ચોમાસામાં પણ માણા ગામના રસ્તાઓ પ્રવાસ લાયક નથી હોતા, અને શિયાળામાં ગામના સ્થાનિક રહેવાસીઓ પણ નીચાણ વાળા વિસ્તારોમાં ચાલ્યા જાય છે.

    માણા ગામ પહોંચવા માટે સરળ રૂટ

    સડક માર્ગે અહી પહોંચવા માટેનો રસ્તો હરિદ્વારથી શરુ થઈને માણા સુધી પહોંચે છે, ત્યાર બાદ NH-58થી આપ જોશીમઠ પહોંચી શકો છો. જોશીમઠથી 20 કિલોમીટરના અંતરે ગોવિંદઘાટ અને ત્યાંથી 25 કિલોમીટરનો સફર ખેડીને બદ્રીનાથ જઈ શકાય છે. બદ્રીનાથથી માણા ગામ માત્ર 4 કિલોમીટર દુર છે. જો આપ હવાઈ મુસાફરી કરીને ભારતના પ્રથમ ગામે જવા માંગતા હોવ તો સહુથી નજીકનું એરપોર્ટ દેહરાદુન જોલી ગ્રાન્ટ એરપોર્ટ છે. ત્યાંથી માણા ગામનું અંતર લગભગ 341 કિલોમીટર છે. એરપોર્ટથી ટેક્સી લઈને માણા પહોંચી શકો છો. જયારે ટ્રેન મારફતે આપે હરિદ્વાર સ્ટેશન ઉતરવું પડશે અને ત્યાંથી 275 કિલોમીટરનો રસ્તો બસ કે ટેક્સી દ્વારા કાપવો પડશે.

    ભારતનું પ્રથમ ગામ માણા મહાભારત સાથે સંકળાયેલું, જાણીએ શું છે વિશેષતા

    ભારતનું પ્રથમ ગામ માણા અદ્ભુત સંસ્કૃતિક અને ધાર્મિક વારસો ધરાવે છે, અને તે ઉપરાંત ત્યાં મળતી કેટલી વસ્તુઓના કારણે પણ આ ગામ પર્યટકોને આકર્ષે છે. માણા ગામ ઘેટાના ઉનના વસ્ત્રો જેવા કે શાલ, ટોપી, મફલર, આસન, પંખી (ઘેટાના ઉનમાંથી બનેલો પાતળો ધાબળો) અને ગાલીચા માટે પ્રખ્યાત છે. આ સિવાય અહીની પ્રાકૃતિક સુંદરતા પણ પ્રવાસીઓના મન મોહે છે.

    અહીંથી પ્રવાસીઓ સરસ્વતી નદીના ઉદગમ સ્થાન સુધી પહોંચી શકે છે, અને અહી સરસ્વતી નદીને અલકનંદા નદીમાં પ્રવાહિત થતી જોઈ શકાય છે, જેના કારણે આ પવિત્ર સ્થળને કેશવ પ્રયાગ પણ કહેવામાં આવે છે. અહી એક પથ્થરનો પુલ પણ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે, જેને “ભીમ પુલ” તરીકે ઓળખવામાં આવે છે. તેવી માન્યતા છે કે પાંચ પાંડવોમાં વચેટ મહાબલી ભીમે આ પુલનું નિર્માણ કર્યું હતું. એક માન્યતા તેવી પણ છે કે જયારે પાંડવો પોતાની સ્વર્ગની અંતિમ યાત્રા પર હતા તે સમયે તેમણે માણા ગામનો પણ પ્રવાસ કર્યો હતો. આ રીતે ઉત્તરાખંડમાં સ્થિત ભારતનું આ પ્રથમ ગામ મહાભારત કાળથી પોતાનું આગવું અસ્તિત્વ ધરાવે છે તેમ કહી શકાય.

    સુરત: પતિ વાજિદ જેલમાં ગયો અને જેઠ આરિફ-જાવેદે 1 વર્ષ સુધી બળાત્કાર કર્યો: પરિવારની મરજી વિરુદ્ધ નિકાહ કરનાર હિંદુ યુવતીની ફરિયાદ, બળજબરીથી ધર્માંતરણનો આરોપ

    સુરત ખાતે પરિવારની મરજી વિરુદ્ધ મુસ્લિમ યુવક સાથે નિકાહ કરનાર હિંદુ યુવતીએ હવે છ વર્ષ પછી પતિ અને સાસરિયાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ તેના બે જેઠ ઉપર શારીરિક શોષણ કરવાનો અને સાસુ-સસરા અને જેઠાણી વિરુદ્ધ આ બાબત અવગણીને ઉપરથી તેને જ ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. ઉપરાંત, તેનું ધર્માંતરણ કરાવીને નમાજ-કુરાન પઢવા દબાણ કરવામાં આવતું હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. 

    મામલાની ફરિયાદ સુરતના લિંબાયત પોલીસ મથકે નોંધવામાં આવી છે. પોલીસે IPCની યોગ્ય કલમો હેઠળ મહિલાના પતિ અને તેના પરિવાર સામે કેસ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. 

    રિપોર્ટ્સ અનુસાર, ફરિયાદમાં હિંદુ મહિલાએ જણાવ્યું હતું કે, છ મહિના પહેલાં તેણે માતા-પિતાથી વિરુદ્ધ જઈને સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતા વાજિદ નામના ઈસમ સાથે નિકાહ કર્યાં હતાં. નિકાહ બાદ વાજિદ તેને સંયુક્ત કુટુંબમાં રહેવા લઇ ગયો હતો. જ્યાં પહેલા બે મહિના તેને સારી રીતે રાખવામાં આવતી હતી પરંતુ પછીથી તેની ઉપર ધર્માંતરણ માટે દબાણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. તેમજ ઘરની અન્ય બાબતોને લઈને પણ તેને ત્રાસ આપવાનો શરૂ કરી દેવાયો હતો. 

    ઇસ્લામ અપનાવવા દબાણ, મંદિરે જવાની મનાઈ 

    યુવતીની ફરિયાદ અનુસાર, પતિ અને તેના પરિવારે તેને ઇસ્લામ અપનાવવા માટે દબાણ કરીને બળજબરીથી ધર્મપરિવર્તન કરાવી લીધું હતું. તેમજ તેને નમાજ પઢવા અને કુરાન વાંચવા માટે પણ સતત દબાણ કરવામાં આવતું હતું. જાણવા મળ્યા અનુસાર, નિકાહ બાદ તેનું નામ પણ બદલી નાંખવામાં આવ્યું હતું તેમજ તેને મંદિરે જવાની પણ ના પાડવામાં આવતી હતી. 

    બીજી તરફ, મરજી વિરુદ્ધ નિકાહ કર્યા હોવાને લીધે યુવતીનો પરિવાર પણ તેની સાથે સબંધો રાખતો ન હોવાના કારણે તેનો ફાયદો ઉઠાવીને મુસ્લિમ યુવકના પરિવારે ત્રાસ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવાવમાં આવ્યું છે. તેમજ ઘરના અન્ય સભ્યો દ્વારા અપાતા ત્રાસની ફરિયાદ જ્યારે તે પતિને કરતી ત્યારે તે પરિવારનો પક્ષ લેતો અને તેમની સામે કંઈ પણ બોલવા પર ઘરે મોકલી આપવાની ધાકધમકી આપતો હતો. 

    વાજિદ જેલમાં ગયો અને જાવેદ-આરિફે મહિલા પર બળાત્કાર કર્યો, સાસુ-સસરાએ કહ્યું- અમારામાં આ બધું સામાન્ય 

    પહેલેથી જ માથાભારે ગણાતો વાજિદ વચ્ચે 15 મહિના માટે એક ગુનાહિત કેસમાં જેલમાં પણ રહી આવ્યો હતો. યુવતીએ ફરિયાદમાં ગંભીર આરોપો લગાવતાં જણાવ્યું છે કે જ્યારે તેનો પતિ જેલમાં હતો ત્યારે તેને બે જેઠ જાવેદ અને આરિફે તેનું શારીરિક શોષણ કર્યું હતું અને વારંવાર બળાત્કાર કર્યો હતો. આ બાબતની જાણ જ્યારે તેણે સાસુ-સસરાને કરી ત્યારે તેમણે ‘અમારામાં આ બધું સામાન્ય’ છે તેમ કહીને વાત ટાળી દીધી હતી. ઉપરાંત જ્યારે પતિ જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે તેને ફરિયાદ કરતાં તેણે પણ આ વાત અવગણી દીધી હતી. 

    પતિ આવ્યાના એકાદ મહિનામાં તે ગર્ભવતી બની ગઈ હતી. પરંતુ તેના પતિએ તે બાળક પોતાનું ન હોવાનું કહીને અબોર્શન કરવા માટે દબાણ કર્યું હતું. જેનો મહિલાએ ઇનકાર કરતાં પતિએ માર માર્યો હતો. વારંવારના ત્રાસથી કંટાળીને પીડિતાએ આખરે લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

    પોલીસે મહિલાના પતિ, સાસુ-સસરા, બે જેઠ અને જેઠાણી સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. 

    અમદાવાદમાં રિક્ષાચાલકે ટુરિસ્ટ પાસેથી 5.5 કિમીના રૂ. 647 વસૂલ્યા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માફી માગતાં કહ્યું- હું વ્યક્તિગત રીતે તપાસ કરીશ

    અમદાવાદ સહિતના મોટા શહેરોમાં મોંઘવારીને કારણે સામાન્ય ચીજવસ્તુથી લઈને ટ્રાન્સપોર્ટેશનના ભાડાં સુદ્ધાં વધી ગયા છે. જોકે, આમાં કેટલીક વખત ટ્રાન્સપોર્ટેશનના નામે ડ્રાઈવરો બેફામ લૂંટ ચલાવતા પણ જોવા મળે છે. આમાં સૌથી વધુ ભોગ અજાણ્યા ટુરિસ્ટ બને છે. રિક્ષાભાડાં મામલે રોજેરોજ રકઝક કરતા લોકો તમે આસપાસ જોયા જ હશે. તાજેતરમાં અમદાવાદમાં અજાણ્યા ટુરિસ્ટને લોકલ ટ્રાન્સપોર્ટેશનનો આવો જ કડવો અનુભવ થયો હતો અને તેણે આ અંગે ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ધ્યાનમાં લીધી છે.

    ગુજરાત ફરવા આવેલા એક ટુરિસ્ટને અમદાવાદમાં રિક્ષાની મુસાફરી કરવાનો કડવો અનુભવ થયો હતો. આ રિક્ષાચાલકે દાદાગીરી કરીને ટુરિસ્ટ પાસેથી સાડા પાંચ કિમીની મુસાફરીનું રૂ. 647 ભાડું વસૂલ્યું હતું. એટલું જ નહીં, ટુરિસ્ટે સામે દલીલ કરતાં રિક્ષાચાલકે તેને ધમકી આપી હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે. દિપાંશુ સેંગર નામના આ ટુરિસ્ટે બાદમાં પોતાનો કડવો અનુભવ ટ્વિટર પર શેર કર્યો હતો. આ ટ્વીટ પર રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટુરિસ્ટની માફી માગીને મદદની ખાતરી આપી છે.

    ‘ગુજરાતમાં આવનારા દરેક પ્રવાસી અમારા મહેમાન છે’

    હર્ષ સંઘવીએ ટ્વીટના રિપ્લાયમાં લખ્યું હતું કે, “અંકિત વોરા, આ ઘટના મારા ધ્યાનમાં મૂકવા બદલ આભાર. દિપાંશુ સેંગર, સૌપ્રથમ તો હું તમારી અસુવિધા માટે માફી માગું છું. હું વ્યક્તિગત રીતે આ બાબતની તપાસ કરીશ. તમને સંપૂર્ણ મદદની ખાતરી આપું છું. ગુજરાતમાં આવનારા દરેક પ્રવાસી અમારા મહેમાન છે, ચિંતા ન કરશો. અહીં મજા માણો અને હું વચન આપું છું કે તમે સારી યાદો લઈને પાછા ફરશો.”

    ટુરિસ્ટે ટ્વીટમાં શું લખ્યું હતું?

    18 એપ્રિલના રોજ દિપાંશુ સેંગર નામના એક ટુરિસ્ટે ટ્વીટ કર્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે, અમદાવાદ એવું સ્થળ બની રહ્યું છે જ્યાં રોજિંદા ધોરણે ટુરિસ્ટને લૂંટવામાં આવે છે. મેં એક ઓટો રિક્ષા કરી હતી. રિક્ષાચાલકે મારી પાસેથી 5.5 કિમીનો ચાર્જ રૂ. 647 વસૂલ્યો હતો અને ધમકી પણ આપી હતી. મેં CTM થી ગીતા મંદિર સુધીની રિક્ષા કરી હતી અને મારી પાસેથી રિક્ષાવાળાએ 647 રૂપિયા લીધા હતા.

    ટુરિસ્ટે એવું પણ જણાવ્યું હતું કે, “આ રિક્ષાચાલકનું નામ કદાચ રેહાન હતું. મેં પોલીસ હેલ્પલાઈન નંબર પર કોલ કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. મેં આ રિક્ષાની નંબર પ્લેટનો ફોટો પાડી લીધો હતો.” થોડા જ સમયમાં દિપાંશુ સેંગરની આ ટ્વીટ વાયરલ થઈ ગઈ હતી.

    સૌથી વધુ શિક્ષિત રાજ્ય કેરળમાં પહેલી જ સફર દરમિયાન વંદે ભારત એક્સપ્રેસ પર કોંગ્રેસ સાંસદનાં પોસ્ટરો લાગ્યાં, કેસ દાખલ: પીએમ મોદીએ બતાવી હતી લીલી ઝંડી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેરળની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. તેના બીજા જ દિવસે આ ટ્રેન વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. કારણ એ છે કે આ ટ્રેનના પહેલા જ રન દરમિયાન અમુક કોંગ્રેસ સમર્થકોએ તેની ઉપર કેરળ કોંગ્રેસના સ્થાનિક સાંસદનાં પોસ્ટરો ચોંટાડી દીધાં હતાં. 

    ન્યૂઝ એજન્સી ANI દ્વારા શૅર કરવામાં આવેલા વિડીયોમાં વંદે ભારત એક્સપ્રેસના કોચની બારીઓ પર કોંગ્રેસ સાંસદ વીકે શ્રીકંદનનાં પોસ્ટરો લગાવવામાં આવતાં જોઈ શકાય છે. ટ્રેન તિરૂવનંતપુરમથી શોરનૂર જંકશન પહોંચી ત્યારે અહીં હાજર કોંગ્રેસ સમર્થકોએ કોંગ્રેસ સાંસદનાં પોસ્ટરો ચોંટાડી દીધાં હતાં અને તેમના સમર્થનમાં નારાબાજી પણ કરી હતી. 

    તિરૂવનંતપુરમથી કાસરગોડને જોડતી વંદે ભારત એક્સપ્રેસ 11 સ્ટેશનો પરથી પસાર થાય છે. જેમાં કોલ્લમ, કોટ્ટાયમ, એર્નાકુલમ ટાઉન, ત્રિશૂર, શોરનૂર, કોઝિકોડ, કન્નૂર અને કાસરગોડ સામેલ છે. ટ્રેનના પહેલા રન દરમિયાન શોરનૂર જંક્શન પર તેના સ્વાગત માટે કોંગ્રેસ નેતા શ્રીકંદન અને તેમના સમર્થકો હાજર હતા. દરમ્યાન આ ઘટના બની હતી. 

    અહેવાલોમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, અગાઉ ટ્રેનના મૂળ શિડ્યુલ મુજબ શોરનૂર જંકશન પર હોલ્ટ આપવામાં આવ્યો ન હતો, જેનો કોંગ્રેસ સાંસદ શ્રીકંદને વિરોધ કર્યો હતો અને રેલવે વિભાગને રજૂઆત કરી તેના પ્રથમ રન દરમિયાન લાલ ઝંડા ફરકાવીને વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. અનુમાન છે કે આ બાબતનો શ્રેય પોતાના નેતાને આપવા માટે કોંગ્રેસ સમર્થકોએ કેરળ રાજ્યની પહેલી વંદે ભારત એક્સપ્રેસ પર આ પોસ્ટરો ચોંટાડ્યાં હશે. 

    વિવાદને લઈને કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેમણે આવું કરવા માટે કોઈને પણ કહ્યું ન હતું અને કહ્યું કે, ઘટનાને એ રીતે દર્શાવવામાં આવી રહી છે જાણે કોઈએ રાજદ્રોહનો ગુનો કરી દીધો હોય. 

    ઘટના બાદ રેલવે પ્રોટેક્શન ફોર્સે મામલાનું સંજ્ઞાન લઈને કેસ દાખલ કરીને મામલાની તપાસ શરૂ કરી હતી. ઉપરાંત, તાત્કાલિક પોલીસકર્મીઓએ ટ્રેન પરથી કોંગ્રેસ નેતાનાં પોસ્ટરો હટાવી દીધાં હતાં. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસ્વીરો-વિડીયોમાં પણ RPFના જવાનો પોસ્ટરો હટાવતા જોવા મળે છે. 

    કેરળની પહેલી વંદે ભારત એક્સપ્રેસને મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન તિરૂવનંતપુરમથી કાસરગોડનું 586 કિલોમીટર અંતર 8 કલાક અને 5 મિનિટમાં કાપે છે અને રાજ્યોનાં મુખ્ય-મુખ્ય સ્ટેશનોને જોડે છે. દેશનાં અનેક રાજ્યોમાં અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડી રહી છે. ગુજરાતમાં પણ પાટનગર ગાંધીનગરથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના પાટનગર મુંબઈ સુધી વંદે ભારત એક્સપ્રેસ નિયમિત દોડે છે. 

    ‘હું મરી જાઉં તો બ્રિજેશને કંઈ ન કરતા’: સહિસ્તાની સ્યુસાઈડ નોટ મળી પરંતુ આત્મહત્યા કરી હોવા છતાં પોલીસને જાણ કર્યા વગર કેમ દફનાવી તેનું રહસ્ય હજી પણ અકબંધ

    નવસારી પ્રેમ પ્રકરણ હાલ રાજ્યભરમાં ચર્ચાસ્પદ બન્યું છે. નવસારીના ખેરગામમાં રહેતા બ્રિજેશ પટેલની પ્રેમિકા સહિસ્તાનું ગત દિવસોમાં મૃત્યુ થયું હતું. બ્રિજેશે સુરત રેન્જ આઇજીને ફરિયાદ કરી હતી કે, સહિસ્તાની હત્યા કર્યા બાદ તેના પરિવારજનોએ તેને દફનાવી દીધી છે. બાદમાં પોલીસને સહિસ્તાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેને કબરમાં દફનાવવામાં આવી હતી. બ્રિજેશની માંગણી પ્રમાણે સહિસ્તાનું પોસ્ટ મોર્ટમ પણ કરવામાં આવ્યું હતું.

    બ્રિજેશે સહિસ્તાના પરિવાર પર લગાવ્યો ઓનર કિલિંગનો આરોપ

    નવસારી પ્રેમ પ્રકરણ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે બ્રિજશે તેની પ્રેમિકા સહિસ્તાના પરિવાર પર ઓનર કિલિંગનો આરોપ લગાવ્યો હતો. બ્રિજેશે એવી માંગણી કરી હતી કે સહિસ્તાને પોસ્ટમોર્ટમ વગર દફનાવી દેવામાં આવી હોવાથી તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે. બ્રિજેશે સુરત રેન્જ આઇજીને કરેલી ફરિયાદના આધારે નવસારી પોલીસે કબરમાં દફનાવવામાં આવેલા સહિસ્તાના મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.

    પિતાએ પોલીસને કહ્યું: ‘સહિસ્તાએ આત્મહત્યા કરી છે’

    બ્રિજેશનું કહેવું હતું કે સહિસ્તાના પરિવારે તેની હત્યા કરીને કબરમાં દફનાવી દીધી છે. જોકે, સહિસ્તાના પિતા સઈદ શેખે પોલીસને જણાવ્યું હતું કે, દીકરીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે અને સ્યુસાઈડ નોટ પણ લખી છે. સહિસ્તાની આત્મહત્યા અંગે પરિવારે પોલીસને જાણ કર્યા વગર જ મૃતદેહને કલથાણ ગામના કબ્રસ્તાનમાં દફનાવી દીધો હતો. નવસારી પોલીસ હાલ સ્યુસાઈડ નોટની પણ તપાસ કરી રહી છે.

    સહિસ્તાના પરિવારે બ્રિજેશને ધમકી આપી હતી

    ખેરગામનો બ્રિજેશ અને અબ્રામા ગામની સહિસ્તા છેલ્લા પાંચ વર્ષથી પ્રેમમાં હતા. સહિસ્તા 20 એપ્રિલે તેના ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ તેના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે જઈને સહિસ્તાને શોધવા લાગ્યા હતા. તેમણે બ્રિજેશને માર મારવાની ધમકી આપી અને સહિસ્તાને લઈ આવવા જણાવ્યું હતું.

    બ્રિજેશના જણાવ્યા અનુસાર, સહિસ્તા તેને મળ્યા બાદ વલસાડ પહોંચી હતી અને જ્યારે તેના પરિવારના સભ્યો બ્રિજેશ સાથે હતા ત્યારે જ તેને કોલ કર્યો હતો. સહિસ્તાએ ફોન કોલમાં બ્રિજેશને કહ્યું હતું કે તે તેને લઈ જાય. પરંતુ સહિસ્તાના પરિવારે બ્રિજેશને સૂચના આપી કે તે સહિસ્તાને લઈ આવે, પણ તલવાડા તળાવ પાસે અમને સોંપી દે.

    બ્રિજેશે આ સૂચનાનું પાલન પણ કર્યું, પરંતુ બીજા દિવસે સહિસ્તાના મૃત્યુના સમાચાર જાણીને તે આઘાતમાં સરી પડ્યો હતો. તેણે સહિસ્તાના પરિવાર વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી હતી. જોકે, સ્યુસાઈડ નોટ અને પોસ્ટમોર્ટમને ધ્યાનમાં રાખીને પોલીસે જણાવ્યું છે કે, મૃતકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

    ‘હું મરી જાઉં તો બ્રિજેશને કંઈ કરતા નહીં’

    સહિસ્તાએ સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, “મમ્મા પપ્પા સોરી. મને માફ કરી દો, પણ મારી તો કંઈ ભૂલ જ નથી. મેં તો ખાલી મોહબ્બત કરી. બ્રિજેશને કહેજો કે, સોરી એણે મને કસમ આપીને રોકી હતી પણ મારે જીવવાથી કંઈ ફાયદો નથી. બ્રિજેશે મને કીધું હતું કે, હું જે દિવસે પૈસા કમાતો થઈ જઈશ ત્યારે તને લઈ જઈશ. હું મરી જાઉં તો બ્રિજેશને કંઈ કરતા નહીં. એને મારી મૈય્ય્ત પર બોલાવજો અને મારો ચહેરો બતાવજો.”

    ‘ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે’: બિહારના DyCM તેજસ્વી યાદવ સામે અમદાવાદમાં માનહાનિનો કેસ દાખલ, રાહુલ ગાંધી બાદ RJD નેતાની મુશ્કેલીઓ વધી શકે છે, 1 મેએ સુનાવણી

    પૂર્વ સાંસદ રાહુલ ગાંધી બાદ હવે RJD નેતા તેજસ્વી યાદવ માનહાનિ કેસ મામલે ફસાઈ ગયા છે. તેજસ્વી યાદવે પોતાના એક નિવેદનમાં ગુજરાતીઓને ઠગ અને ધૂતારા કહ્યા હતા. આને લઈને તેમની સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં કેસ દાખલ થયો છે. તેજસ્વીએ PNB કૌભાંડમાં ભાગેડુ મેહુલ ચોક્સીને ‘ગુજરાતી ઠગ’ કહ્યો હતો, જેને લીધે બિહારના ડેપ્યુટી CM સામે કેસ થયો છે અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

    ‘આજે દેશમાં ગુજરાતી જ ઠગ હોઈ શકે છે’

    તેજસ્વી યાદવે આ નિવેદન ગત મહિને CBI અને ઇડીની કાર્યવાહી તેમજ પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી ઉપર રેડ ક્રોસ નોટિસ હટ્યા બાદ આપ્યું હતું. ત્યારે તેજસ્વી યાદવે કહ્યું હતું કે, આજે દેશની જે સ્થિતિ છે તે જોતાં ગુજરાતી જ ઠગ હોઈ શકે છે. આ ઠગ બેન્કના પૈસા, LICના પૈસા લઈને ભાગી જાય છે તો એના માટે કોણ જવાબદાર છે. તેજસ્વીએ એવું પણ કહ્યું હતું કે, BJPવાળા પણ ભાગી ગયા તો શું કરશો. એવા ઘણાં લોકો છે જે ભ્રષ્ટાચાર કરે છે પણ તેમની સામે પોપટ બહાર નથી નીકળતો. ઉલ્લેખનીય છે કે, ડેપ્યુટી CMએ CBI અને EDને પોપટ કહ્યા હતા. હવે તેજસ્વી યાદવ માનહાનિ કેસ મામલે કડક કાર્યવાહીનો સામનો કરે તેવી શક્યતા છે.

    તેજસ્વી યાદવે સમગ્ર ગુજરાતી સમાજનું અપમાન કર્યું

    તેજસ્વી યાદવના નિવેદન અંગે ફરિયાદ નોંધાવનારા હરેશ મહેતાએ કહ્યું કે, કોઈ નેતાને જરા પણ હક નથી કે તે ગુજરાતીઓને ઠગ અને ધૂતારા કહી શકે. તેમને કોઈ એક વ્યક્તિ સામે વાંધો હોઈ શકે, પરંતુ તેના કારણે આખા રાજ્ય અને તેના લોકોનું આ રીતે અપમાન કરવું કોઈ પણ રીતે યોગ્ય નથી.

    1 મેના સુનાવણી હાથ ધરવામાં આવશે

    તેજસ્વી યાદવ સામે અમદાવાદની મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ થયો છે. તેની સુનાવણી 1 મેના કરવામાં આવશે. રિપોર્ટ મુજબ, કેસ દાખલ કરનાર હરેશ મહેતા ઓલ ઇન્ડિયા એન્ટી કરપ્શન એન્ડ ક્રાઈમ પ્રિવેન્ટીવ કાઉન્સિલ ગુજરાતના ઉપપ્રમુખ છે. તેમણે ફરિયાદમાં તેજસ્વી યાદવનું નિવેદન શબ્દશઃ ટાંક્યું છે. જેનો ગુજરાતીમાં અર્થ થાય કે, જે બે ઠગ છે એને ઠગાઈ કરવાની અનુમતિ છે. આજે દેશની સ્થિતિ જોઈએ તો માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે. તેમની ઠગાઈને માફ કરવામાં આવશે.

    રાહુલ ગાંધીની જેમ તેજસ્વી યાદવને પણ પોતાનું પદ ગુમાવવું પડી શકે છે

    તેજસ્વી યાદવ સામે આઈપીસી 499, 500 હેઠળ ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો છે. જો ગુનો સાબિત થયો તો તેજસ્વી યાદવની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ‘મોદી સરનેમ’ મામલે રાહુલ ગાંધી સામે જે કલમો હેઠળ કેસ દાખલ થયો હતો તે જ કલમો તેજસ્વી સામે લાગી છે એટલે આરજેડી નેતાને પણ પોતાનું પદ ગુમાવવું પડી શકે છે.

    શું ભંગ કરવામાં આવશે રાષ્ટ્રીય વક્ફ વિકાસ નિગમ લીમીટેડ? સ્મૃતિ ઈરાનીનું મોટું એલાન, નુપુર શર્મા વિશે કહ્યું- એક મહિલાને ઘરમાં કેદ થવાની ફરજ પડી, કારણકે…

    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઈશારો કર્યો છે કે અગામી સમયમાં ‘રાષ્ટ્રીય વક્ફ વિકાસ નિગમ લીમીટેડ (NAWADCO)’ને ભંગ કરવામાં આવી શકે છે. સ્મૃતિ ઈરાનીએ રિપબ્લિક સમિટમાં ભાગ લેતા કહ્યું હતું કે અલ્પસંખ્યક સમુદાય કોઈ ખતરામાં નથી, પરંતુ અલ્પસંખ્યક તૃષ્ટિકરણની રાજનીતિ હવે ખતરામાં છે. સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે કોંગ્રેસ અલ્પસંખ્યકો અને તેમાં ખાસ કરીને મુસ્લિમોમાં ડર ફેલાવીને તેમને અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે.

    શું અગામી સમયમાં રાષ્ટ્રીય વક્ફ વિકાસ નિગમ લીમીટેડ ભંગ કરવામાં આવશે? આ સવાલ પર ઈરાનીએ NAWADCO વિશે માહિતી આપતા કહ્યું કે આની સ્થાપના મનમોહન સરકારમાં સામાન્ય ચૂંટણીઓ પહેલા વર્ષ 2014માં કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે NAWADCO દેશની એક માત્ર સેક્શન 25 કંપની છે, જેને ટેક્સ પેયર્સથી પ્રાપ્ત રૂપિયા મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જેથી વકફની સંપત્તિઓનો વિકાસ અને સારસંભાળ લઈ શકાય. દેશમાં આવી કોઈ પણ સેક્શન 25 સંસ્થા નથી, જે ટેક્સપેયરના પૈસા વાપરીને કોઈ ખાસ મઝહબની ખાનગી સંપત્તિઓની સારસંભાળ કરતી હોય.

    સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે એક સમિટમાં વહીવટી નિર્ણયો લેવામાં નથી આવતા. પરંતુ હું તમને ખાતરી આપું છું કે જો કોઈ કારણસર દેશના અન્ય ધર્મોના અનુયાયીઓ સાથે ભેદભાવ રાખવામાં આવશે, તો અમે તેને નિષ્ક્રિય કરવાનું કામ કરીશું. અમે સમાનતાની સ્થાપના કરીશું. તેમણે કહ્યું કે, હું સુનિશ્ચિત કરવા માંગુ છું કે કાયદાની દ્રષ્ટિએ તમામ ભારતીયો સમાન હોય.

    કેન્દ્રીય મંત્રીએ આગળ જણાવ્યું કે, કોંગ્રેસે આ દેશમાં હંમેશાં ધર્મના નામે રાજકારણ કર્યું છે. જો કોંગ્રેસના આવા નિર્ણયોથી જનતા ખુશ હોત તો લોકોએ ક્યારેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું સમર્થન ન આપ્યું હોત. લોકોએ બે વાર ફેરફારો માટે તેમને ટેકો આપ્યો છે અને મોટા બદલાવ કરવામાં આવી રહ્યા છે.

    ભાજપના મહિલા નેતાએ આ દરમિયાન નૂપુર શર્માનો પણ ઉલ્લેખ કર્યો હતો. અર્નબની વાત પર જવાબ આપતા તેમણે કહ્યું કે દેશમાં એવા પ્રસંગો બન્યા છે કે જ્યારે કોઈ મહિલાને તેના ઘરમાં કેદ થવું પડ્યું હોય, કારણ કે તે એક ટીવી ડિબેટનો ભાગ બની હતી. તો મારી સામે તે પ્રકારનું વાતાવરણ ઊભું થાય તેવી વાત ન કરો. આ શોને હોસ્ટ કરી રહેલા અર્નબ ગોસ્વામીએ કહ્યું કે આપ વિરુદ્ધ આવી વાતો પહેલાથી જ થઇ રહી છે. તને ધમકી મળતી જ રહે છે.

    આ ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ લઘુમતીના નામે થઈ રહેલા રાજકારણ અને અવધારણાઓ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં મુસ્લિમોને લઘુમતી માનવામાં આવે છે. શીખો, પારસી અને અન્ય ધર્મોની ચર્ચા કરવામાં આવતી નથી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે “મને ગર્વ છે કે હું એક એવા પક્ષનો ભાગ છું જે આ ધારણાને દૂર કરે છે.”

    મોરબીમાં વધુ એક હિંદુ સગીરા બળાત્કારનો ભોગ બની: હસન સંધીએ ફોટા વાયરલ કરવાની ધમકી આપી દેવ ફનવર્લ્ડના મીટર રૂમમાં પીડિતાને પીંખી

    મોરબી પંથકમાં હિંદુ સગીરાઓના શોષણ બંધ થવાનું નામ નથી લઈ રહ્યા, તાજેતરમાં જ બિલાલ નામના એક મુસ્લિમ યુવકે ધમકીઓ આપીને હિંદુ સગીરા પર બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવી હતી. તેવામાં મોરબીમાં દેવ ફનવર્લ્ડના મીટર રૂમમાં હસન સંધીએ હિંદુ સગીરા પર બળાત્કાર આચર્યો હોવાની ઘટનાથી આખા પંથકનો હિંદુ સમાજ રોષે ભરાયો છે. પહેલાની જેમ જ આ ઘટનામાં પણ આરોપીએ પીડિતાના વાંધાજનક ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપીને પોતાની હવસ સંતોષી હતી.

    મળતી માહિતી અનુસાર શહેરના કાલિકા પ્લોટ ખાતે રહેતા હાસન સંધીએ પોશ વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં ભણતી એક હિંદુ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેના વાંધાજનક ફોટા પાડી લીધા હતા. ત્યાર બાદ તે ફોટા વાયરલ કરવાની ધમકી આપીને મોરબીના દેવ ફનવર્લ્ડના મીટર રૂમમાં હસન સંધીએ સગીરા પર બળાત્કાર આચર્યો હતો. આરોપી હસને 22 જુન 2022 અને 13 એપ્રિલ 2023ના રોજ પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો પીડિતાના પરિવારે પોલીસ ફરિયાદમાં કર્યો હતો.

    ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી અવારનવાર ફોન કરી પીડિતાને મળવા બોલાવતો હતો અને ધમકીઓ આપતો હતો. બાદમાં પીડિતાએ અને તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું અને મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. તે છતાં હસને કોઈ રીતે પીડિત સગીરાને ધમકીઓ આપી એક બંધ દુકાનમાં લઈ ગયો હતો અને દુકાનમાં પણ જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. હસનથી ત્રાસી ગયેલી સગીરાએ સમગ્ર આપવીતી માતાને કહી હતી.

    એક જ મોડસઓપરેન્ડીથી ફસાવાય છે હિંદુ સગીરાઓને: હિંદુ સંગઠનો

    આ મામલે વધુ માહિતી મેળવવા અમારી ટીમે સ્થાનિક હિંદુ સંગઠનોનો સંપર્ક કર્યો હતો, સ્થાનિક આગેવાનો સાથે વાત કરતા તેઓએ ચોંકાવનારા ખુલાસો કર્યા હતા. તેમના જણાવ્યાં અનુસાર થોડા દિવસો અગાઉ જે બિલાલે સગીરા પર બળાત્કાર આચર્યો હતો, અને તાજા કિસ્સામાં જે હસન નામનો આરોપી છે તે તમામ એક જ ટુકડીના સભ્યો છે. અને એક જ મોડસઓપરેન્ડી વાપરીને હિંદુ સગીરાઓને ફસાવે છે. બિલાલે સગીરાનો બળાત્કાર કરીને તેને ધમકી આપી અન્ય 7 થી 8 જેટલી સગીરાઓને ફ્સાવડાવી હતી, તેમ હિંદુ સંગઠનના અગ્રણીએ જણાવ્યું હતું.

    આ મામલે માહિતી આપતા હિંદુ યુવા વાહિનીના અગ્રણીએ અમને જણાવ્યું હતું કે, “શરૂઆતમાં પીડીતાનો પરિવાર પોલીસ ફરિયાદ કરવામાં ડરી રહ્યો હતો, પરંતુ હિંદુ જાગરણ મંચ અને હિંદુ યુવા વાહિનીએ પરિવારને હિંમત આપતા તેઓ ફરિયાદ કરવા તૈયાર થયા હતા. પીડિતા ટ્યુશન કલાસીસ જતી હતી તે સમયે હસનના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ તેણે પીડિતા સાથે મિત્રતા કરીને તેને વિશ્વાસમાં લીધી હતી. ત્યાર બાદ ફરવા લઈ જવાના બહાને દેવ ફનવર્ડમાં સગીરા પર બળાત્કાર આચર્યો હતો.”

    તેમના જણાવ્યાં અનુસાર આરોપીનું 7 થી 8 જણાનું ગ્રુપ છે, જેઓ આ પ્રકારે હિંદુ સગીરાઓને ફોસલાવી અને પ્રેમજાળમાં ફસાવીને તેમનું શોષણ કરે છે. તેમણે અમારી ટીમને જણાવ્યું કે, “આ આખું એક પ્રકારનું રેકેટ ચાલી રહ્યું છે. હિંદુ છોકરીઓને ફસાવીને તેમના ફોટા અને વિડીયો બનાવી તેમને બદનામ કરવાની ધમકીઓ આપવામાં આવે છે. અને હિંદુ બાળકીઓ તેમના ચક્રવ્યૂહમાં ઊંડે સુધી ફસાતી જાય છે. આ આરોપીઓ એક બીજાની મદદથી શાળા કોલેજોમાં ભણતી વિદ્યાર્થીનીઓને ટાર્ગેટ કરે છે, જે રીતે બિલાલે પીડિતાની બહેનોને મારી નાંખવાની ધમકીઓ આપીને તેનું શોષણ કર્યું, તે જ રીતે આ ટોળકીના સભ્યો એક છોકરીને ફસાવીને અન્યને ફસાવવા ફોટા કે અન્ય રીતે બ્લેકમેલ કરતા હોવાનું અમારા ધ્યાને આવ્યું છે.”

    હિંદુ સંગઠનો અગામી સમયમાં વિદ્યાર્થીનીઓની જાગૃતિ માટે કાર્યક્રમો કરશે

    આ મામલે વધુ માહિતી આપતા હિંદુ સંગઠનના અગ્રણીએ અમારી ટીમને જણાવ્યું હતું કે, “ભોગ બનનારી મોટાભાગની પીડીતાઓ સગીર વયની છે, અને આ બાબતે સમાજમાં જાગૃતિ લાવવી ખુબ જરૂરી બની છે. તેના માટે મોરબીના સ્થાનિક હિંદુ સંગઠનો શહેર તથા આસપાસની શાળા કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમો કરવા માટે યોજના બનાવી રહ્યાં છે. જે અંતર્ગત વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીનીઓને લવ જેહાદ અને અન્ય આ પ્રકારના દુષણોથી સચેત કરવા માટેની માહિતીઓ આપવામાં આવશે.”

    આ સમગ્ર મામલે હાલ મોરબી સીટીના A ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સગીર વયની હિંદુ વિદ્યાર્થીની પર બળાત્કાર બદલ આરોપી હસન સંધી વિરુદ્ધ બળાત્કાર તેમજ પોક્સો સહીતનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપી હસનની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજુ કરી તેના રિમાન્ડની માંગણી કરવા કાર્યવાહી હાથ ધરી છે.

    આ પહેલા બિલાલે હિંદુ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું

    મોરબીમાં હિંદુ સગીરા પર બળાત્કાર થયો હોય તેવી આ પહેલી ઘટના નથી, આ પહેલા થોડા સમય અગાઉ જ બિલાલ નામના મુસ્લિમ યુવકે હિંદુ સગીરાને ફોસલાવીને ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવ્યો હતો. આરોપીએ પીડિતાને ઉપાડી લઇ જઈને રેપ કર્યો હતો અને ત્યારબાદ ધમકી આપી હતી. આરોપીની ઓળખ બિલાલ આદમ માણેક (ઉંમર- 22 વર્ષ) તરીકે થઇ છે. પીડિત સગીરાની માતાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ FIR દાખલ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    ફરિયાદમાં પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, તેમની પુત્રી જ્યારે શાળાએ જતી હતી ત્યારે આરોપી બિલાલ તેનો પીછો કરતો હતો અને આંટાફેરા કરતો રહેતો હતો. એક દિવસ તે તેને લલચાવી-ફોસલાવીને વિસીપરા ખાતેના પોતાના મકાને લઇ ગયો હતો અને જ્યાં બળાત્કાર કર્યો હતો.

    એક જ વખત નહીં પરંતુ ચાર વર્ષમાં બિલાલે અનેક વખત સગીરા સાથે બળાત્કાર કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ઉપરાંત, તેણે સગીરાને તેની બહેન અને પિતરાઈ બહેનને ઉપાડી લઇ જવાની પણ ધમકી આપી હતી અને ‘મારા માણસોને લઈને ઘરે આવીશ અને જોઈ લઈશ’ તેમ કહીને પણ તેને ધમકાવી હતી.