Wednesday, May 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોદી સમાજના અપમાન મામલે રાહુલ ગાંધીને થયેલી સજા જાળવી રાખતી સુરતની સેશન્સ...

    મોદી સમાજના અપમાન મામલે રાહુલ ગાંધીને થયેલી સજા જાળવી રાખતી સુરતની સેશન્સ કોર્ટ; લોકસભાનું સભ્યપદ પરત નહીં મળે

    કર્ણાટકના કોલારમાં 2019ની લોકસભાની ચૂંટણી દરમ્યાન પ્રચાર કરતા રાહુલ ગાંધીએ મોદી સમાજનું અપમાન કરતી ટીપ્પણી કરી હતી એ મામલે આજે સુરતની સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો આપી દેવામાં આવ્યો છે અને સજાને યથાવત રાખવામાં આવી છે.

    - Advertisement -

    બધાં જ મોદી ચોર છે એમ કહીને સમગ્ર મોદી સમાજનું અપમાન કરતાં વિવાદાસ્પદ નિવેદનને લીધે સુરતથી ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય પુર્ણેશ મોદીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. ગયા મહીને રાહુલ ગાંધીને આ મામલે સુરતની નીચલી અદાલતે ગુનેગાર માનતા બે વર્ષની સજા ફટકારી હતી, પરંતુ એક મહિનામાં ઉપલી કોર્ટમાં અપીલ કરવાની છૂટ આપતાં જામીન અપાઈ દીધા હતાં.

    આજે સુરતની સેશન્સ કોર્ટમાં પણ આ મામલે ફેસલો આવી ગયો છે અને રાહુલ ગાંધીની સજા કોર્ટે જાળવી છે. જસ્ટીસ આર.પી.મોગરાએ મોદી સમાજનું અપમાન કરવાના મામલે રાહુલ ગાંધીની સજા અંગે થોડા સમય અગાઉ પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. આમ રાહુલ ગાંધીનું વાયનાડનું સંસદ સભ્ય પદ પણ તેમને પરત નહીં મળી શકે. પૂર્વ સંસદ સભ્ય પાસે હજી પણ આ ચૂકાદા વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટ અને ત્યાંથી પણ જો નિરાશા સાંપડે તો સુપ્રિમ કોર્ટ સુધી જવાનો રસ્તો છે.

    સેશન્સ કોર્ટમાં પોતાની દલીલો દરમ્યાન રાહુલ ગાંધીના વકીલ આરએસ ચીમા એ કહ્યું હતું કે સમગ્ર કેસ ઈલેક્ટ્રોનિક પુરાવા પર આધારિત છે, ટીવી ચેનલ ઉપર રાહુલ ગાંધીનું નિવેદન જોયા બાદ 100 કિલોમીટર દૂર બેઠેલા વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તેમની એવી દલીલ પણ હતી કે નીચલી કોર્ટે જે મહત્તમ સજા (બે વર્ષની) કરી છે તે યોગ્ય નથી અને તે વિચિત્ર તેમજ બિનજરૂરી પણ હતી.

    - Advertisement -

    તો બીજી તરફ પુર્ણેશ મોદીનાં વકીલ હર્ષિત ટોલિયાની દલીલ હતી કે રાહુલ ગાંધી પર ફક્ત અપમાનજનક ટીપ્પણી જ નહીં પરંતુ તેનું પુનરાવર્તન કરવાનો પણ આરોપ છે. પોતે સંસદ સભ્ય હોવા છતાં અને સંસદમાં જ કાયદાઓ બનતા હોવા છતાં તેમણે સંસદના નિયમો અને કાયદાઓનું પાલન કર્યું ન હતું. આ રીતે એક ખોટો સંદેશ લોકોમાં જાય છે.

    2019ની લોકસભાની ચૂંટણી દરમ્યાન કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીએ પોતાના પ્રચારમાં ઉલ્લેખ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? ત્યારબાદ સુરતથી ભાજપ ધારાસભ્ય પુર્ણેશ મોદીએ સુરતની અદાલતમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનીનો કેસ કર્યો હતો.

    આટલું જ નહીં પરંતુ બિહાર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ બિહારની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ આ જ મામલે માનહાનીનો કેસ કર્યો છે. પૂર્વ IPL કમિશનર અને ઉદ્યોગપતિ લલિત મોદીએ પણ યુકેની કોર્ટમાં રાહુલ ગાંધી પર માનહાનીનો દાવો કરવાની વાત કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં