Monday, May 20, 2024
More
  હોમપેજસંપાદકની પસંદશા માટે પહેલી મે ઓળખાય છે 'ગુજરાત સ્થાપના દિવસ' તરીકે? આજથી 64...

  શા માટે પહેલી મે ઓળખાય છે ‘ગુજરાત સ્થાપના દિવસ’ તરીકે? આજથી 64 વર્ષ પહેલાં બનેલી તે ઘટના જેણે એક સાથે બે રાજ્યોને આપ્યો જન્મ- જાણો શું હતો ઇતિહાસ

  1 મે, 1960ના રોજ મહાગુજરાત આંદોલનના નેતા રવિશંકર મહારાજ દ્વારા ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. તે સાથે જ મહાગુજરાત જનતા પરિષદને પણ વિખેરી નાખવામાં આવી હતી. નવી સરકારની રચના થઈ અને જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.

  - Advertisement -

  1 મેના રોજ દુનિયાભરના લોકો આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ મનાવે છે. પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના લોકો માટે આ દિવસ ખૂબ વિશેષ માનવામાં આવે છે. કારણ કે, આ જ દિવસે આજથી 64 વર્ષ પહેલાં બંને રાજ્યોની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાત સ્થાપના દિવસ પર રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવે છે. રાજ્યની મહાનતા, પ્રાચીન સંસ્કૃતિ અને ગુજરાતની ધરોહરને આ દિવસે યાદ કરવામાં આવે છે. સાથે જ મહાગુજરાત આંદોલનના વીર લડવૈયાઓને પણ આ દિવસે વિશેષ યાદ કરવામાં આવે છે. આ દિવસે રાજ્યની તમામ સરકારી કચેરીઓ પર વિશેષ ઉજવણી કરવામાં આવે છે.

  મહારાષ્ટ્રમાં પણ તે દિવસે જ મહારાષ્ટ્ર સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. છત્રપતિ શિવાજી મહારાજના મહાન મરાઠા સામ્રાજ્ય જેને હિંદવી સામ્રાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું મહિમામંડન કરવામાં આવે છે. બંને રાજ્યોમાં 1 મે વિશેષ ઉત્સાહ લઈને આવે છે. કારણે કે, બંને રાજ્યોનો જન્મ એકસાથે અને એક સમયે જ થયો હતો. 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી બે ભૂભાગ છૂટા પડ્યા હતા. આજે આપણે તેને ગુજરાત અને મહારાષ્ટ્ર તરીકે ઓળખીએ છીએ. 1960થી દરવર્ષે 1 મેના દિવસે ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

  પ્રાચીન ગુજરાત- આનર્ત દેશ અને ગુર્જર ધરા

  ગુજરાતના સંપૂર્ણ ઇતિહાસની વાત કરવામાં આવે તો તેનો ઇતિહાસ વૈદિક યુગ સાથે પણ સંકળાયેલો છે. વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતું હતું. પૌરાણિક ઇતિહાસ અને સમકાલીન ગ્રંથોમાં આનર્ત દેશનો ઉલ્લેખ વારંવાર જોવા મળ્યો છે. જેમાં ખાસ કરીને સોમનાથ મંદિર, ગરવો ગઢ ગિરનાર વગેરે જેવા ઐતિહાસિક સ્થળોનો ઉલ્લેખ વિશેષ જોવા મળે છે. તે સમયે ગુજરાતના સૌરાષ્ટ્રને સુરાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવતું હતું.

  - Advertisement -

  ઇતિહાસકારો તો ત્યાં સુધી પણ કહે છે કે, એક સમયે સરસ્વતી નદી પણ ગુજરાત સુધી વહેતી હોય શકે છે. એ ઉપરાંત મહાભારતમાં પણ ગુજરાતનો ઉલ્લેખ જોવા મળે છે. પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન અને ભીષ્મપર્વમાં મહાભારત યુદ્ધ દરમિયાન દ્વારકા અને ગુજરાત વિશે માહિતી આપવામાં આવી છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકા નગરી વસાવી હતી અને યદુવંશના સામ્રાજ્યની સ્થાપના કરી હતી. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન જે વિરાટનગરીમાં રહેતા હતા, તે પણ ગુજરાતના કચ્છમાં આવી હશે એવું અનુમાન લગાવી શકાય છે.

  ઐતિહાસિક ગુજરાત (દ્વારકા સંસ્કૃતિ અને સિંધુ ખીણની સંસ્કૃતિ)

  ઐતિહાસિક દ્રષ્ટિએ પણ ગુજરાતનો વારસો ઉન્નત અને ભવ્ય માનવામાં આવે છે. પ્રાચીન કાળથી જ ગુજરાત આર્યવ્રતનું આર્થિક હબ ગણાતું હતું. વિશાળ દરિયા કિનારેથી પ્રાચીન મિસ્ત્રની સાથે અનેક્ વિદેશી સભ્યતાઓ સાથે ગુજરાતનો વ્યાપાર ચાલતો હતો. એ સાથે જ લોથલ અને ધોળાવીરા જેવા અન્ય 50 સ્થળોએથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પણ મળી આવ્યા છે. વાસ્તવમાં સિંધુ ખીણની સભ્યતા દ્વારકાની સભ્યતાનો જ એક ભાગ હતો. લોથલ અને ધોળાવીરામાંથી મળી આવેલા અવશેષોથી સાબિત થાય છે કે, પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ ભવ્ય અને સમૃદ્ધ હતો.

  ગુજરાતના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યના બંદરો અને વ્યાપાર કેન્દ્રો માટે જાણીતા હતા. ગુજરાતે અનેક રાજાઓ અને નવાબોના શાસન જોયા છે. તેમ છતાં હજુ સુધી તેની લોકસંસ્કૃતિ વિસરાઈ નથી. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે પણ લોકમુખે ગુજરાત અને તેની પ્રાચીન લોકસંસ્કૃતિ વહેતી રહે છે. રાજપૂત યુગ (સોલંકી, વાઘેલા વગેરે રાજાઓ) સુધી ગુજરાતની શાન બરકરાર રહી હતી. તે પછી ગુજરાતમાં ઈસ્લામિક શાસન પણ લાગુ થયું હતું. જેથી ગુજરાતમાં મઝહબી કટ્ટરતા પ્રસરી હતી. ત્યારબાદ 18મી સદીમાં ગુજરાત પર મરાઠા સામ્રાજ્યનું શાસન ચાલ્યું હતું. તે પછી અંગ્રેજોએ પણ ગુજરાતમાં શાસન કર્યું હતું.

  સ્વતંત્રતા અને બૃહદ મુંબઈ રાજ્યની સ્થાપના

  15 ઓગસ્ટ, 1947ના રોજ દેશને સ્વતંત્રતા મળી હતી. તે પછી સમય હતો દેશના અલગ-અલગ થયેલા વિભાગોને એકસાથે લાવવાનો. આ ભગીરથ કાર્ય લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ફાળે ગયું હતું. આટલે સુધી તો બધુ બરાબર હતું. પરંતુ હવે રાજ્યોની રચના કયા પરિબળોના આધારે કરવી તે પર વિચારણા ચાલુ થઈ હતી. તે પછી જવાહરલાલ નહેરુની આગેવાનીમાં સરકાર રાજ્યોની રચના માટેની યોજના બનાવી રહી હતી. 1947માં જ તત્કાલીન સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાઓને ભેગા કરીને ત્રણ રાજ્યોની સ્થાપના કરી હતી. આ રાજ્યોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતા.

  તે પછી 1953માં સમગ્ર દેશમાં ભાષાકીય અલગ રાજ્યોની માંગણી કરવામાં આવી. ડિસેમ્બર, 1953માં વડાપ્રધાન નહેરુએ ભાષાવાર રાજ્યોની રચના માટે ‘સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન કમિશન’ (SRC)ની રચના કરી હતી. આ સમિતિ ન્યાયાધીશ ફઝલ અલીના નેતૃત્વ હેઠળ હતી. તેથી તેને ફઝલ અલી કમિશન પણ કહેવાયું. 1956માં આ સમિતિએ ભારતના રાજ્યોની પુનઃરચના માટેનો અહેવાલ રજૂ કર્યો હતો. આ સાથે જ અહેવાલના આધારે મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્ય પ્રદેશના કેટલાક ભાગો ઉમેરવામાં આવ્યા અને તેને બૃહદ મુંબઈ રાજ્ય નામ આપવામાં આવ્યું.

  મહાગુજરાત આંદોલન અને સંયુકત મહારાષ્ટ્ર આંદોલન

  નવા બનાવેલા બૃહદ મુંબઈ રાજ્યના ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. ઉપરાંત રાજ્યમાં કચ્છી ભાષા અને કોંકણી ભાષા બોલતા લોકો પણ હતા. કચ્છી ભાષા બોલતા લોકોએ પોતાને ગુજરાતી ગણાવ્યા અને કોંકણી ભાષાના લોકોએ મરાઠી આંદોલનનું સમર્થન કર્યું. ટૂંકમાં મુખ્ય આંદોલન ગુજરાતી અને મરાઠી ભાષાના લોકોનું હતું. તે સમયે બંને ભાષાના લોકોમાં ભાષાના આધારે ભેદભાવો શરૂ થઈ ગયા હતા.

  મહાગુજરાત આંદોલન

  ગુજરાતી અને મરાઠી બંને લોકોએ અલગ ભાષાવાર રાજ્યોની જલદ માંગણી કરી હતી અને અનેક જગ્યાએ તે માટે પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. સ્થિતિ ખૂબ ગંભીર બની ગઈ હતી. કારણ કે, ગુજરાતી પ્રજા અલગ રાજ્યની માંગ કરી હતી અને મરાઠી પ્રજા અલગ રાજ્યની. પરંતુ તેનાથી વધુ મુશ્કેલી તો ત્યારે સર્જાઇ જ્યારે બંને પ્રજાએ આર્થિક રાજધાની મુંબઈને પોતાના રાજ્યમાં સામેલ કરવાની માંગણી કરી.

  તે સમયે નહેરુએ આ પરિસ્થિતિ નિવારવા માટે ત્રણ રાજ્યોની સ્થાપના કરવાનું સૂચન કર્યું હતું. મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્ર દ્વારા સંચાલિત શહેર- મુંબઈ રાજ્ય. મુંબઈ અને અન્ય મરાઠી જિલ્લાઓમાં અલગ મરાઠી રાજ્ય માટેની માંગણી સાથે વિરોધ ફાટી નીકળ્યો હતો. જે પછીથી ‘સંયુકત મહારાષ્ટ્ર આંદોલન’ તરીકે ઓળખાયો હતો.

  મહાગુજરાત આંદોલનના નેતા ઇન્દુલાલ યાજ્ઞિક

  આ આંદોલન સમયે નિર્ણાયક વળાંક ત્યારે આવ્યો, જ્યારે 8 ઓગસ્ટ, 1956ના દિવસે અમદાવાદમાં કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ લાલ દરવાજા ખાતે આવેલા કોંગ્રેસના સ્થાનિક કાર્યાલયમાં અલગ રાજ્યની માંગણી લઈને ગયા હતા. ત્યારે મોરારજી દેસાઈએ તેમને સાંભળ્યા નહીં અને પોલીસ કાર્યવાહીમાં 5થી 8 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા. તેના પડઘા તમામ ગુજરાતી પ્રજા પર પડ્યા. ઇન્દુલાલ યાજ્ઞિક નિવૃત્તિમાંથી બહાર આવ્યા અને આંદોલનને દિશા આપવા માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી. ઇન્દુલાલ યાજ્ઞિક અને દિનકર મહેતા જેવા ઘણા આંદોલનકારીઓની ધરપકડ પણ થઈ હતી.

  ગુજરાત અને મહારાષ્ટ્રનો જન્મ

  ગુજરાત અને મહારાષ્ટ્રની માંગ સાથે બંને ભાષાના લોકોએ આંદોલન શરૂ કર્યા હતા. જેમાં ક્યારેક વાત હિંસા સુધી પણ પહોંચી ચૂકી હતી. પરંતુ ગુજરાત આંદોલન અહિંસા સાથે ચાલતું હતું. જેમાં ઉપવાસ અને પ્રદર્શન જેવા મહત્વના નિર્ણયો લેવામાં આવતા હતા. મહાગુજરાત આંદોલનામાં મહત્વના આંદોલકારીઓમાં ઇન્દુલાલ યાજ્ઞિક (આંદોલનના નેતા), સનન મહેતા, દિનકર મહેતા, વિદ્યાગૌરી નીલકંઠ, શારદાબેન મહેતા, અશોક ભટ્ટ, બુદ્ધિબેન ધ્રુવ, રવિશંકર મહારાજ, બ્રહ્મકુમાર ભટ્ટ, પ્રબોધ રાવલ, હરિહર ખાંભોળજા, દિનકર અમીન, રમણીકલાલ મણિયાર, રણજીતરાય શાસ્ત્રી અને માર્કંડ શાસ્ત્રીનો સમાવેશ થાય છે. આંદોલનના મોટા ભાગના નેતાઓ લેખકો, કવિઓ અને ચિત્રપટ નિર્માતાઓ હતા.

  ભાષાકીય મતભેદોના કારણે રાજ્યના વિકાસ અને પવિત્રતાને વારંવાર આંચકો લાગ્યો હતો. બંને તરફથી આંદોલન થઈ રહ્યા હતા. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનોની ગતિને જોતાં તત્કાલીન સરકારે બૉમ્બે પુનર્ગઠન અધિનિયમ તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો. સંસદમાં બિલ રજૂ થઈ ગયા બાદ તેને કાયદાનું રૂપ મળી ગયું. 1 મે, 1960ના રોજ કાયદો અમલમાં આવ્યો અને બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા. તે સમયે આર્થિક રાજધાની મુંબઈ મહારાષ્ટ્રને આપવામાં આવી અને ડાંગ ગુજરાતને.

  1 મે, 1960ના રોજ મહાગુજરાત આંદોલનના નેતા રવિશંકર મહારાજ દ્વારા ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. તે સાથે જ મહાગુજરાત જનતા પરિષદને પણ વિખેરી નાખવામાં આવી હતી. નવી સરકારની રચના થઈ અને જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. જ્યારે બીજી તરફ મહારાષ્ટ્ર રાજ્યની પણ તે જ દિવસે સ્થાપના કરવામાં આવી. ત્યારથી 1 મેના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

  નોંધનીય છે કે, ગુજરાત સરકારે 1 મેના દિવસને ‘ગુજરાત ગૌરવ દિવસ’ તરીકે ઘોષિત કર્યો છે અને દરવર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઉજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ કરવામાં આવે છે. સ્કૂલોમાં પણ આ દિવસે ગુજરાતનો ઇતિહાસ જેવા વિષયો પર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં