Saturday, July 27, 2024
More
    હોમપેજરાજકારણ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ’: મા અંબાના ચરણોમાં પ્રાર્થના સાથે PM...

    ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ’: મા અંબાના ચરણોમાં પ્રાર્થના સાથે PM મોદીએ રાજ્યમાં શરૂ કર્યો ચૂંટણી પ્રચાર, કોંગ્રેસ સામે ફેંક્યો પડકાર

    PM મોદીએ કોંગ્રેસને ટાર્ગેટ કરીને કહ્યું કે, "તે 'મહોબ્બતની દુકાન' લઈને નીકળ્યા હતા, પરંતુ તેમણે મહોબ્બતની દુકાનમાં ફેક વિડીયોનો વેપાર ચાલ કરી દીધો છે. ચૂંટણીમાં તે લોકોની વાતો નથી ચાલી રહી, તેથી તે હવે નકલી વિડીયો બનાવીને ફેલાવી રહ્યા છે. તેમની મહોબ્બતની દુકાન ફેક ફેક્ટરી બની ચૂકી છે."

    - Advertisement -

    લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. તમામ રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી અભિયાનમાં લાગી ગયા છે. ગુજરાતમાં પણ 7 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. જેને લઈને હવે ગુજરાત સ્થાપના દિવસ પર PM મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. તેમણે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત ડીસાથી કરી છે. તેમણે સંબોધનમાં કોંગ્રેસ અને INDI ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કોંગ્રેસને પડકાર પણ ફેંક્યો છે.

    બુધવારે (1 મે, 2024) PM મોદીએ ડીસાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. ડીસામાં તેમણે સંબોધનની શરૂઆત મા અંબાના જયકાર સાથે કરી હતી. તેમણે કહ્યું કે, “મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી ચૂંટણી સભા સંબોધન કરવાની મને તક મળી છે. ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર, શિક્ષણ અને લાંબા સમય સુધી મુખ્યમંત્રી રાખીને અનુભવની તક આપી છે, એ બધુ આજે દિલ્હીમાં લેખે લાગે છે. બધા કહે છે PM, પણ PM તો દિલ્હીમાં હોય. અહીં તો આપણાં નરેન્દ્રભાઈ આવ્યા છે.”

    તેમણે ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ આપતાં કહ્યું કે, “ગુજરાત સ્થાપના દિવસે આપણે સંકલ્પ લઈએ કે, વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત બનાવવામાં કોઈ કમી રહેવા નહીં દઈએ.” આ સાથે તેમણે તેમની સરકારના ત્રીજા કાર્યકાળમાં ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની ગેરંટી આપી છે. આ સાથે જ તેમણે મતદાતાઓને પણ અપીલ કરી છે, તમામ લોકોએ મત આપીને સરકારને મજબૂત બનાવવાની છે.

    - Advertisement -

    ‘બે-બે હાથ કરો, બતાવી દઈશું’

    આ સાથે PM મોદીએ ડીસાથી કોંગ્રેસને ચેલેન્જ આપી છે. તેમણે સંબોધન દરમિયાન કહ્યું કે, “ગુજરાતની પ્રજાએ ક્યારેય અહીં અસ્થિર સરકાર નથી આવવા દીધી. કોંગ્રેસને ગુજરાતમાંથી હટાવી છે, તો ફરી તેને પગ મૂકવા દીધો નથી. કોંગ્રેસ પાસે નથી મુદ્દા, નથી વિઝન અને કામ કરવાનો હોંશ પણ નથી.” આ સાથે તેમણે ફેક વિડીયોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે ચેલેન્જ આપી કે, “હિંમત હોય તો સામે વાર કરો, આ ફેક વિડીયો નહીં, હિંમત હોય તો સામે આવીને બે-બે હાથ કરો, બતાવી દઈશું દાળભાત ખાવાવાળો શું કરી શકે છે. હવે ચૂંટણીમાં તેમની વાત નથી ચાલી રહી તો ફેક વિડીયો વાયરલ કરે છે.”

    સાથે તેમણે કોંગ્રેસને ટાર્ગેટ કરીને કહ્યું કે, “તે ‘મહોબ્બતની દુકાન’ લઈને નીકળ્યા હતા, પરંતુ તેમણે મહોબ્બતની દુકાનમાં ફેક વિડીયોનો વેપાર ચાલ કરી દીધો છે. ચૂંટણીમાં તે લોકોની વાતો નથી ચાલી રહી, તેથી તે હવે નકલી વિડીયો બનાવીને ફેલાવી રહ્યા છે. તેમની મહોબ્બતની દુકાન ફેક ફેક્ટરી બની ચૂકી છે.”

    ‘ક્યારેય ધર્મના આધારે અનામતનો ખેલ નહીં ખેલવા દઉં’

    તેમણે સંબોધનમાં કહ્યું કે, “આ મોદી છે. મોદી જ્યાં સુધી જીવે છે, ત્યાં સુધીમાં ધર્મના આધારે અનામતનો ખેલ નહીં ખેલવા દે. SC, ST, OBC અને સામાન્ય વર્ગના ગરીબોને જે આરક્ષણ મળ્યું છે તે બંધારણના કારણે મળ્યું છે. બાબાસાહેબના આશીર્વાદથી મળ્યું છે. તેમાં રતીભાર પણ કોઈ લૂંટ કરી શકશે નહીં. કોંગ્રેસની હિંમત છે તો ઘોષણા કરીને દેખાડી દે, હું ચેલેન્જ આપું છું.”

    આ સાથે જ તેમણે કહ્યું કે, “કોંગ્રેસના શહેજાદાએ ગર્વ સાથે આખા મોદી સમાજને, આખા ઓબીસી સમાજને ચોર કહી દીધો. એટલું જ નહીં. તે મારા માતા-પિતાને પણ ખરુંખોટું કહેવામાં પાછા નથી પડ્યા. હવે 2024માં કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન એવું જૂઠ લઈને આવી છે કે, બંધારણ દેખાડે છે, અનામત લઈ લેશે.. તેનો ડર બતાવે છે. આ જ તેમનું કામ છે. પહેલાં ચરણમાં ઇન્ડી ગઠબંધન પુસ્ત થયું, હવે બીજા ચરણમાં સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયું છે.”

    વડાપ્રધાન મોદી બુધવારે (1 મે) અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ બનાસકાંઠા જવા રવાના થયા. ત્યાં તેમણે સભા સંબોધી હતી. અન્ય એક સભા સાબરકાંઠામાં પણ યોજી. ગુરુવારે તેઓ એક જ દિવસમાં ચાર સભાઓ કરશે. બે દિવસમાં કુલ 6 સભામાં તેઓ 14 લોકસભા બેઠકોને આવરી લેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં