Tuesday, May 21, 2024
More
    હોમપેજદેશAAP સાથે રહેવામાં શરમ આવતા કોંગ્રેસના બે પૂર્વ MLAએ આપ્યું રાજીનામું: નસીબ...

    AAP સાથે રહેવામાં શરમ આવતા કોંગ્રેસના બે પૂર્વ MLAએ આપ્યું રાજીનામું: નસીબ સિંઘ અને નીરજ બસોયાએ ગઠબંધનને ગણાવ્યું અપમાનજનક, કેજરીવાલની પાર્ટીને કહી ભ્રષ્ટાચારી

    કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નસીબ સિંઘ અને નીરજ બસોયાએ ભ્રષ્ટાચારી કોંગ્રેસ સાથેના ગઠબંધનના કારણે રાજીનામું આપ્યું હોવાનું પત્રમાં લખવામાં આવ્યું છે. આ સાથે જ તેમણે ગઠબંધનને અપમાનજનક પણ ગણાવ્યું છે.

    - Advertisement -

    દેશમાં એક તરફ લોકસભા ચૂંટણીનું વાતાવરણ જામ્યું છે તો બીજી તરફ કોંગ્રેસમાં ભંગાણ પણ યથાવત છે. અત્યાર સુધીમાં ઘણા મોટા નેતાઓ અને કાર્યકર્તાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. અનેક લોકો પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થઈ ગયા છે. પણ હવે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓને AAP સાથેનું ગઠબંધન પણ અપમાનજનક લાગી રહ્યું છે. દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંઘ લવલીએ રાજીનામું આપ્યા બાદ હવે દિલ્હી કોંગ્રેસના પૂર્વ MLA નસીબ સિંઘ અને નીરજ બસોયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. બંને ધારાસભ્યોએ AAP સાથેના કોંગ્રેસના ગઠબંધનને કારણે રાજીનામું આપ્યું છે.

    દિલ્હી કોંગ્રેસના પૂર્વ MLA નસીબ સિંઘ અને નીરજ બસોયાએ રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમણે રાજીનામાંમાં AAP સાથેના ગઠબંધનને કારણભૂત ગણાવ્યું છે. આ ઉપરાંત તેમણે બહારના ઉમેદવારોને ટિકિટ આપવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. બંને નેતાઓ કોંગ્રેસના AAP સાથેના ગઠબંધનને લઈને છેલ્લા ઘણા સમયથી નારાજ જોવા મળી રહ્યા હતા. આ સાથે તેમણે પત્ર લખીને પાર્ટી હાઈકમાન્ડને રાજીનામાંનું કારણ પણ જણાવ્યું છે. તાજેતરમાં જ પંજાબના ધુરીથી પૂર્વ ધારાસભ્ય દલવીર સિંઘ ગોલ્ડીએ પણ રાજીનામું આપી દીધું હતું.

    નસીબ સિંઘે રાજીનામાંનું કારણ દર્શાવતો પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, “આજે AAPએ દેવિન્દર યાદવને DPCC ચીફ નિયુક્ત કર્યા છે. AICC (પંજાબ પ્રભારી) તરીકે તેમણે પંજાબમાં પૂર્ણ રીતે અરવિંદ કેજરીવાલના જુઠા એજન્ડા પર હુમલા કરવાના આધાર પર એક અભિયાન ચલાવ્યું છે અને આજે દિલ્હીમાં તેમને AAP અને તેમના પ્રમુખ અરવિંદ કેજરીવાલની પ્રશંસા અને સમર્થન કરવાની જવાબદારી આપવામાં આવી છે. પાર્ટીમાં હાલના ઘટનાક્રમથી ખૂબ જ દુઃખી અને અપમાનિત થઈને હું પાર્ટીમાંથી રાજીનામું આપું છું.”

    - Advertisement -

    આ સાથે નીરજ બસોયાએ પણ રાજીનામું આપ્યું છે અને તેમણે પણ પત્રમાં લખ્યું છે કે, AAP સાથે ચાલી રહેલું આપણું ગઠબંધન ખૂબ જ અપમાનજનક છે, કારણ કે, AAP છેલ્લા 7 વર્ષોમાં અનેક કૌભાંડો સાથે સંકળાયેલી રહી છે. AAPના ત્રણ ટોચના નેતા- અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયા પહેલાંથી જ જેલમાં બંધ છે. AAP પર દિલ્હી દારૂ નીતિ કૌભાંડ અને દિલ્હી જલ બોર્ડ કૌભાંડ જેવા અનેક મુદ્દાઓ પર ગંભીર આરોપો લાગ્યા છે.”

    નોંધવા જેવુ છે કે, આ પહેલાં દિલ્હી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અરવિંદર સિંઘ લવલીએ પણ રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસે AAP સાથે ગઠબંધન કર્યા બાદથી જ કાર્યકર્તાઓમાં પણ અનેક વિરોધ જોવા મળ્યા હતા. તેવામાં આમ આદમી પાર્ટી પર અનેક કૌભાંડનો આરોપ લાગતાં તે વિરોધમાં ગતિ જોવા મળી હતી. માત્ર દિલ્હી કે પંજાબમાં જ નહીં પરંતુ દેશભરમાં ઇન્ડી ગઠબંધનની આ જ સ્થિતિ જોવા મળી રહી છે.

    ગુજરાતમાં પણ આવો જ છે ઘાટ

    ગુજરાતમાં AAP અને કોંગ્રેસના ગઠબંધન બાદ એવું નક્કી થયું હતું કે, ભાવનગર અને ભરૂચ લોકસભા બેઠકો સિવાયની ગુજરાતની તમામ 24 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે. જ્યારે ભરૂચ અને ભાવનગર પરથી AAPના ઉમેદવારો ચૂંટણી લડશે. સહમતી સધાયા બાદ ભરૂચ બેઠક પર વિવાદિત AAP નેતા ચૈતર વસાવાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જેને લઈને ભરૂચમાં કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પુત્રોએ વાંધો ઉઠાવ્યો હતો અને AAP માટે પ્રચાર કરવાની ના કહી દીધી હતી. હવે આ ઘટના બાદ સ્થાનિક કાર્યકરો અને નેતાઓએ પણ AAPનો વિરોધ દર્શાવ્યો હતો અને ચૈતર વસાવા માટે ચૂંટણી પ્રચાર કરવાનો ઇનકાર કરી દીધો હતો.

    તેમ છતાં ગુજરાતમાં AAP અને કોંગ્રેસનું ગઠબંધન રડ્યું-ખડ્યું ટકી રહ્યું હતું. પરંતુ હવે દેશભરમાં તેના પરિણામો સામે આવી રહ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસના 3 દિગ્ગજ નેતાઓએ રાજીનામાં આપી દીધા છે તો પંજાબમાં પણ હવે તેની અસર વર્તાવવાની ચાલુ થઈ ગઈ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં