Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદમાં રિક્ષાચાલકે ટુરિસ્ટ પાસેથી 5.5 કિમીના રૂ. 647 વસૂલ્યા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ...

    અમદાવાદમાં રિક્ષાચાલકે ટુરિસ્ટ પાસેથી 5.5 કિમીના રૂ. 647 વસૂલ્યા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માફી માગતાં કહ્યું- હું વ્યક્તિગત રીતે તપાસ કરીશ

    દિપાંશુ સેંગર નામના આ ટુરિસ્ટે બાદમાં પોતાનો કડવો અનુભવ ટ્વિટર પર શેર કર્યો હતો. આ ટ્વીટ પર રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી હતી.

    - Advertisement -

    અમદાવાદ સહિતના મોટા શહેરોમાં મોંઘવારીને કારણે સામાન્ય ચીજવસ્તુથી લઈને ટ્રાન્સપોર્ટેશનના ભાડાં સુદ્ધાં વધી ગયા છે. જોકે, આમાં કેટલીક વખત ટ્રાન્સપોર્ટેશનના નામે ડ્રાઈવરો બેફામ લૂંટ ચલાવતા પણ જોવા મળે છે. આમાં સૌથી વધુ ભોગ અજાણ્યા ટુરિસ્ટ બને છે. રિક્ષાભાડાં મામલે રોજેરોજ રકઝક કરતા લોકો તમે આસપાસ જોયા જ હશે. તાજેતરમાં અમદાવાદમાં અજાણ્યા ટુરિસ્ટને લોકલ ટ્રાન્સપોર્ટેશનનો આવો જ કડવો અનુભવ થયો હતો અને તેણે આ અંગે ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ધ્યાનમાં લીધી છે.

    ગુજરાત ફરવા આવેલા એક ટુરિસ્ટને અમદાવાદમાં રિક્ષાની મુસાફરી કરવાનો કડવો અનુભવ થયો હતો. આ રિક્ષાચાલકે દાદાગીરી કરીને ટુરિસ્ટ પાસેથી સાડા પાંચ કિમીની મુસાફરીનું રૂ. 647 ભાડું વસૂલ્યું હતું. એટલું જ નહીં, ટુરિસ્ટે સામે દલીલ કરતાં રિક્ષાચાલકે તેને ધમકી આપી હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે. દિપાંશુ સેંગર નામના આ ટુરિસ્ટે બાદમાં પોતાનો કડવો અનુભવ ટ્વિટર પર શેર કર્યો હતો. આ ટ્વીટ પર રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટુરિસ્ટની માફી માગીને મદદની ખાતરી આપી છે.

    ‘ગુજરાતમાં આવનારા દરેક પ્રવાસી અમારા મહેમાન છે’

    હર્ષ સંઘવીએ ટ્વીટના રિપ્લાયમાં લખ્યું હતું કે, “અંકિત વોરા, આ ઘટના મારા ધ્યાનમાં મૂકવા બદલ આભાર. દિપાંશુ સેંગર, સૌપ્રથમ તો હું તમારી અસુવિધા માટે માફી માગું છું. હું વ્યક્તિગત રીતે આ બાબતની તપાસ કરીશ. તમને સંપૂર્ણ મદદની ખાતરી આપું છું. ગુજરાતમાં આવનારા દરેક પ્રવાસી અમારા મહેમાન છે, ચિંતા ન કરશો. અહીં મજા માણો અને હું વચન આપું છું કે તમે સારી યાદો લઈને પાછા ફરશો.”

    - Advertisement -

    ટુરિસ્ટે ટ્વીટમાં શું લખ્યું હતું?

    18 એપ્રિલના રોજ દિપાંશુ સેંગર નામના એક ટુરિસ્ટે ટ્વીટ કર્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે, અમદાવાદ એવું સ્થળ બની રહ્યું છે જ્યાં રોજિંદા ધોરણે ટુરિસ્ટને લૂંટવામાં આવે છે. મેં એક ઓટો રિક્ષા કરી હતી. રિક્ષાચાલકે મારી પાસેથી 5.5 કિમીનો ચાર્જ રૂ. 647 વસૂલ્યો હતો અને ધમકી પણ આપી હતી. મેં CTM થી ગીતા મંદિર સુધીની રિક્ષા કરી હતી અને મારી પાસેથી રિક્ષાવાળાએ 647 રૂપિયા લીધા હતા.

    ટુરિસ્ટે એવું પણ જણાવ્યું હતું કે, “આ રિક્ષાચાલકનું નામ કદાચ રેહાન હતું. મેં પોલીસ હેલ્પલાઈન નંબર પર કોલ કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. મેં આ રિક્ષાની નંબર પ્લેટનો ફોટો પાડી લીધો હતો.” થોડા જ સમયમાં દિપાંશુ સેંગરની આ ટ્વીટ વાયરલ થઈ ગઈ હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં