Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરતના ઓલપાડમાં હિંદુ સગીરાને ભગાડી લઇ ગયો મુસ્લિમ યુવક, સ્થાનિક હિંદુઓની કડક...

    સુરતના ઓલપાડમાં હિંદુ સગીરાને ભગાડી લઇ ગયો મુસ્લિમ યુવક, સ્થાનિક હિંદુઓની કડક કાર્યવાહીની માંગ: બે જૂથ સામસામે આવી જતાં પથ્થરમારો

    સગીરાના જણાવ્યા પ્રમાણે સોહિલ તેને ભગાડીને અજમેર તરફ લઇ જવા માંગતો હતો પરંતુ પોલીસ સક્રિય થઇ જતાં અધવચ્ચેથી જ બંને પરત આવી ગયાં હતાં અને યુવક તેને મૂકીને ફરાર થઇ ગયો હતો.

    - Advertisement -

    સુરતના ઓલપાડમાં એક મુસ્લિમ યુવક હિંદુ સગીરાને ભગાડી જતાં પંથકમાં તણાવ સર્જાયો છે. પ્રકરણમાં હિંદુ સગીરાને શોધી કાઢવામાં આવી છે પરંતુ આરોપી યુવક હજુ પણ ફરાર હોઈ હિંદુ સંગઠનોમાં નારાજગી જોવા મળી રહી છે. દરમ્યાન, ગુરુવારે સાંજે નગરમાં બે ટોળાં સામસામે આવી જતાં પથ્થરમારો પણ થયો હતો. જોકે, પછીથી પોલીસે સ્થિતિ કાબૂમાં લઇ લીધી હતી. 

    મામલાની વધુ વિગતો એવી છે કે ગત મંગળવારે (25 એપ્રિલ, 2023) ઓલપાડમાં રહેતો એક ઈસમ 17 વર્ષીય હિંદુ સગીરાને ભગાડી ગયો હતો. રિપોર્ટ્સમાં તેનું નામ સોહિલ શબ્બીર પૂનાગિરી જણાવવામાં આવ્યું છે. આ મામલે પરિવાર અને હિંદુ સંગઠનોને જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી. 

    પોલીસની તપાસમાં મહોલ્લામાં જ રહેતો સોહિલ સગીરાને ભગાડી લઇ ગયો હોવાની માહિતી સામે આવી હતી. આ ઈસમના પરિજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી તો બીજી તરફ હિંદુ સંગઠનો પણ સક્રિય થયાં હતાં. દરમ્યાન, તે જ રાત્રે સગીરા ઓલપાડમાંથી જ મળી આવી હતી. 

    - Advertisement -

    અજમેર લઇ ગયો હતો, પરંતુ પોલીસ સક્રિય થતાં અધવચ્ચેથી પરત ફર્યાં

    રિપોર્ટ્સ અનુસાર, સગીરાના જણાવ્યા પ્રમાણે સોહિલ તેને ભગાડીને અજમેર તરફ લઇ જવા માંગતો હતો પરંતુ પોલીસ સક્રિય થઇ જતાં અધવચ્ચેથી જ બંને પરત આવી ગયાં હતાં અને યુવક તેને મૂકીને ફરાર થઇ ગયો હતો. સગીરા મળી આવ્યા બાદ તેના નિવેદનનના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સોની કલમ પણ ઉમેરીને આગળની તપાસ હાથ ધરી છે.

    એક તરફ આરોપીની શોધખોળ માટે પોલીસની ટીમ રવાના થઇ છે તો બીજી તરફ હજુ સુધી તે ન પકડાતાં સ્થાનિક હિંદુઓ વિરોધ કરી રહ્યા છે. આ જ ક્રમમાં ગુરુવારે હિંદુ સંગઠનોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ મુસ્લિમ ટોળાં પણ સામે આવી જતાં માહોલ તંગ બન્યો હતો. 

    200થી વધુનું ટોળું એકઠું થયું

    ગુરુવારે રાત્રે હિંદુ-મુસ્લિમ ટોળાં સામસામે આવી ગયાં હતાં અને પથ્થરમારો પણ થયો હતો. 200થી વધુ લોકોના ટોળાએ પેટ્રોલ પમ્પ પાસે આવેલા શાકભાજી માર્કેટમાં ધસી જઈને ધમાલ મચાવી હતી અને શાકભાજીની કેટલીક લારીઓ પણ ઉંધી વાળી દીધી હતી. ઉપરાંત, રસ્તાની બાજુમાં પાર્ક કરવામાં આવેલાં અમુક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.

    આ ઘટનામાં એક હિંદુ યુવાનને ઇજા થયાના પણ સમાચાર છે. બીજી તરફ, ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસનો કાફલો ઓલપાડ ધસી ગયો હતો અને ઉચ્ચ અધિકારીઓ પણ મોડી રાત્રે પહોંચ્યા હતા. પોલીસે ટોળાં વિખેરીને સ્થિતિ પર કાબૂ મેળવીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. હાલ વિસ્તારમાં શાંતિ હોવાનું જાણવા મળી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં