Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદેશ અને મહારાષ્ટ્રના રાજકારણમાં આવનારા 15 દિવસમાં મોટો રાજકીય વિસ્ફોટ થશે: શરદ...

    દેશ અને મહારાષ્ટ્રના રાજકારણમાં આવનારા 15 દિવસમાં મોટો રાજકીય વિસ્ફોટ થશે: શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલેએ કરી ભવિષ્યવાણી

    પત્રકારોને સલાહ આપતાં સુપ્રિયાએ કહ્યું હતું કે તમારે એક આખું યુનિટ અજીત પવાર પાછળ લગાવી દેવું જોઈએ જેથી એમની પળેપળની માહિતી તમને મળતી રહે.

    - Advertisement -

    NCPમાં બધું સારું નથી ચાલી રહ્યું અને આ બાબતની ખાતરી ખુદ NCPના સર્વેસર્વા શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલેએ આપી છે. પત્રકારો સાથે વાતચીત કરતાં સુપ્રિયા સુલેએ કહ્યું છે કે આવનારા 15 દિવસમાં મહારાષ્ટ્ર અને દેશના રાજકારણમાં બહુ મોટો વિસ્ફોટ થવાનો છે.

    અત્રે એ નોંધપાત્ર છે કે શરદ પવારના ભત્રીજા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેમજ હાલનાં વિધાનસભામાં વિપક્ષના નેતા એવા અજીત પવાર ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં આ ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે કે ‘અજીત દાદા’ હવે NCPમાં થોડા જ દિવસો રહેશે.

    થોડા દિવસો અગાઉ અજીત પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના વખાણ પણ કર્યા હતાં તેમજ EVM પર તેમનો સંપૂર્ણ વિશ્વાસ છે એમ કહ્યું હતું અને ત્યારબાદ આ પ્રકારની અટકળોને વેગ મળ્યો હતો. સુપ્રિયા સુલેનું એમ કહેવું હતું કે આગામી બે પખવાડિયામાં એક મહારાષ્ટ્રમાં અને બીજો દિલ્હીમાં એમ બે વિસ્ફોટ થવાના છે, પરંતુ તેમણે એમ પણ ઉમેર્યું હતું કે અજીત પવાર NCPથી નારાજ નથી.

    - Advertisement -

    પત્રકારોને સલાહ આપતાં સુપ્રિયાએ કહ્યું હતું કે તમારે એક આખું યુનિટ અજીત પવાર પાછળ લગાવી દેવું જોઈએ જેથી એમની પળેપળની માહિતી તમને મળતી રહે. અજીત પવાર અંગે ચાલી રહેલી અટકળો વિષે બાદમાં તેમણે કહ્યું હતું કે આ વાત તમે ખુદ અજીત પવારને પૂછો મારી પાસે ગોસીપ કરવા માટે સમય નથી.

    જ્યારે NCPના મહારાષ્ટ્રના પ્રમુખ જયંત પાટીલે કહ્યું હતું કે અજીત પવાર ભાજપમાં સામેલ નહીં થાય. ભાજપ અને શિંદેની સરકાર પાસે પૂર્ણ બહુમત છે અને સરકાર સ્થિર છે અને તેમને વધારે વિધાનસભ્યોની જરૂર નથી તો શા માટે અજીત પવાર તેમાં સામેલ થાય?

    જો કે ગઈકાલે મળેલા સમાચાર અનુસાર મહા વિકાસ આઘાડીના એક મોટા નેતાએ જણાવ્યું હતું કે બહુ જલ્દીથી મહારાષ્ટ્ર NCPના 13 વિધાનસભ્યો ભાજપમાં જોડાઈ જશે. ફક્ત અજીત પવાર જ નહીં પરંતુ શરદ પવારે પણ અદાણીને લઈને મોદી સરકાર પર થતાં પ્રહારને ખોટા ગણાવ્યા હતાં. પવારે આ અંગે કરેલી ટીપ્પણીને વિપક્ષી એકતા માટે એક મોટા ઝટકા સમાન પણ ગણાવવામાં આવી રહ્યું છે.

    સુપ્રિયા સુલેના નિવેદનનો એક અર્થ એવો પણ લેવામાં આવી રહ્યો છે કે કદાચ ખુદ NCP સામે ચાલીને NDAમાં જોડાઈ જાય અને આ રીતે મહારાષ્ટ્ર અને દિલ્હી એમ બંને જગ્યાએ બે મોટા રાજકીય વિસ્ફોટ થાય.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં