હોમપેજગુજરાતહિંદુ વિદ્યાર્થીની હત્યાથી લઈને શાળા સરકાર હસ્તક થવા સુધી: વાંચો અમદાવાદની સેવન્થ...

હિંદુ વિદ્યાર્થીની હત્યાથી લઈને શાળા સરકાર હસ્તક થવા સુધી: વાંચો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ વિવાદનો સમગ્ર ઘટનાક્રમ, જેમાં ઑપઇન્ડિયા રહ્યું સૌથી મુખર

15 ડિસેમ્બર 2025ના રોજ ગુજરાત સરકારે શાળાનો વહીવટ પોતાના હસ્તક લીધો છે. અમદાવાદ DEOને એડમિનિસ્ટ્રેટર બનાવવામાં આવ્યા છે, નવા એડમિશન પર રોક છે, પરંતુ 10,000થી વધુ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને શાળા ચાલુ રાખવામાં આવી છે.

- Advertisement -

અમદાવાદના ખોખરા મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદનું કેન્દ્ર બની છે. આ શાળા અમેરિકામાં મુખ્યમથક ધરાવતી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચના વૈશ્વિક શૈક્ષણિક નેટવર્કનો એક ભાગ છે અને તેનું સંચાલન સ્થાનિક ટ્રસ્ટ અને અન્ય એન્ટિટીઓ દ્વારા કરવામાં આવે છે. ઑગસ્ટ, 2025માં આ શાળા વિવાદમાં આવી હતી. વિવાદ પાછળનું કારણ હતું હિંદુ વિદ્યાર્થીની મુસ્લિમ સગીર દ્વારા કરવામાં આવેલી ઘાતકી હત્યા. હત્યાની આ ઘટનાએ ન માત્ર શાળાની વહીવટી બેદરકારી ઉજાગર કરી, પરંતુ તેની સાથે જોડાયેલા ભૂતકાળના વિવાદો, ધર્માંતરણના આરોપોને વહીવટી અનિયમિતતાઓ પણ સામે આવી. 

આ ઘટનાઓની વિસ્તૃત તપાસ માટે એક સમિતિ પણ બનાવવામાં આવી હતી. તપાસ બાદ સમિતિએ DEO સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો અને અંતે 15 ડિસેમ્બર, 2025ના રોજ ગુજરાત સરકારે શાળાનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો છે. હવેથી આ શાળાનું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવશે. સરકારના પ્રતિનિધિ તરીકે DEO આ શાળાનું સંચાલન કરશે. જોકે, તેની સાથે અનેક શરતો અને નિયમો પણ જોડવામાં આવ્યા છે. પરંતુ એક નજર સમગ્ર ઘટનાક્રમ પર મારીએ. 

હિંદુ વિદ્યાર્થીની નિર્મમ હત્યા અને વિવાદમાં આવી શાળા

આ શાળા આમ તો અમદાવાદ વિસ્તારમાં જાણીતી હતી, પરંતુ ઑગસ્ટમાં હિંદુ વિદ્યાર્થીની હત્યા બાદ દેશભરમાં તેની ચર્ચા થવા લાગી હતી. વાસ્તવમાં 19 ઑગસ્ટ, 2025ના રોજ શાળા છૂટ્યા પછી ધોરણ 10ના હિંદુ વિદ્યાર્થી પર ધોરણ 8ના એક મુસ્લિમ સગીરે થર્મોકોલ કટર કે અન્ય તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો અને આ હુમલાના કારણે હિંદુ વિદ્યાર્થી મૃત્યુ પામ્યો હતો. એક નાનકડા ઝઘડાના કારણે આ હુમલો થયો હતો, જોકે તે પૂર્વનિયોજિત કાવતરું હોવાના સંકેત પણ મળ્યા હતા. 

- Advertisement -

દરમિયાન લોહીથી લથબથી રહેલા હિંદુ વિદ્યાર્થીને શાળા કે શાળાના અન્ય કર્મચારીઓ દ્વારા હોસ્પિટલ સુધી પણ લઈ જવામાં આવ્યો ન હતો. બાદમાં પરિવાર અને તેના અન્ય મિત્રોએ રિક્ષામાં તેને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો હતો. 20 ઑગસ્ટના રોજ હોસ્પિટલમાં જ હિંદુ વિદ્યાર્થીનું મોત થયું હતું. શાળા પ્રશાસન પર આરોપ લાગ્યા હતા કે તેમણે તાત્કાલિક એમ્બ્યુલન્સ ન બોલાવી કે બાળકને હોસ્પિટલ લઈ જવાના પ્રયાસ પણ ન કર્યા. વધુમાં લોહીના ડાઘા સાફ કરી દઈને પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. 

આરોપીની ઇન્સ્ટાગ્રામ ચેટ થઈ હતી વાયરલ

ઘટનાના થોડા જ સમયમાં આરોપી મુસ્લિમ સગીરની ઇન્સ્ટાગ્રામ ચેટ પણ વાયરલ થઈ હતી, જેમાં તેને ન તો મોતનો પસ્તાવો હતો ન તો કોઈ ભય. ચેટમાં તેણે હત્યાની કબૂલાત કરી હતી. ચેટમાં તે કહેતો હતો કે, “હા..તો..” અને “છોડ હવે..જે થઈ ગયું એ થઈ ગયું”. તેના મિત્રે ચેટ ડિલીટ કરવાની સલાહ પણ આપી હતી. પોલીસે આરોપીને જુવેનાઇલ એક્ટ હેઠળ અટકાયતમાં લીધો હતો અને તેની જામીન અરજી પણ નકારી દેવામાં આવી હતી, કારણ કે તે કુખ્યાત ગુનેગાર પાબ્લો એસ્કોબારને આદર્શ માની રહ્યો હતો.

ઑપઇન્ડિયાએ આ સમગ્ર ઘટનાક્રમને ગ્રાઉન્ડ પર જઈને કવર કર્યો હતો. મૃતકના દાદા અને મૃતકના સહપાઠીઓએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, આ જ સેવન્થ ડે શાળામાં અગાઉ મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા બુલિંગ, ધમકીઓ અને મટન ખવડાવવાની ઘટનાઓ બની હતી, પરંતુ શાળાએ ફરિયાદો અવગણી હતી અને કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. 

વ્યાપક વિરોધ અને પ્રારંભિક તપાસ

ઘટના બાદ વાલીઓ, સિંધી સમાજ અને હિંદુ સંગઠનોએ શાળા બહાર વિરોધ કર્યો હતો, જેમાં તોડફોડ અને સ્ટાફ સાથે મારપીટ થઈ હોવાનું પણ સામે આવ્યું હતું. 23 ઑગસ્ટે જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિએ શાળાની બરોબર સામે જ મૃતક વિદ્યાર્થી માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં હજારો લોકો અને વિશ્વ હિંદુ પરિષદના અગ્રણીઓ જોડાયા હતા. સમિતિએ હેલ્પલાઇન નંબર જાહેર કરીને અન્ય પીડિતોને ફરિયાદ કરવા અપીલ પણ કરી હતી. હિંદુ સંગઠનોની અપીલ બાદ આ ઘટનાને લઈને અમદાવાદના ઘણા વિસ્તારોમાં બંધ પણ પાળવામાં આવ્યો હતો.

ઘટના બાદ શાળા બંધ કરવામાં આવી અને વિદ્યાર્થીઓના ઓનલાઇન વર્ગો શરૂ થયા. વાલીઓએ શાળાના વિદેશી ચર્ચ કનેક્શન પર પણ પ્રશ્ન ઉઠાવ્યા, જેમાં ધર્માંતરણના આરોપો પણ સામેલ હતા. જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિએ DEO, મેયર અને AMCને અરજી કરીને શાળાની માન્યતા રદ કરવા અને લીઝ કેન્સલ કરવાની માંગ કરી હતી. આ સમયે લગભગ 160 વિદ્યાર્થીઓના વાલીઓએ ટ્રાન્સફર સર્ટિફિકેટ માંગ્યા હતાં.

ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર (DEO) રોહિત ચૌધરીએ શાળાના પ્રિન્સિપાલ જી. ઇમ્માન્યુઅલ, એડમિનિસ્ટ્રેટર મયુરિકા પટેલ અને અન્ય સ્ટાફને બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો, કારણ કે તેમણે ગંભીર બેદરકારી દાખવી હતી. DEOએ અનેક નોટિસ જારી કરીને શાળા પાસેથી દસ્તાવેજો માંગ્યા, જેમાં બિલ્ડિંગ યુઝ પરમિશન, માઇનોરિટી સ્ટેટસ સર્ટિફિકેટ અને ટ્રસ્ટની સ્પષ્ટતા સામેલ હતી. તે સિવાય RTE હેઠળ એક તપાસ સમિતિ પણ બનાવવામાં આવી હતી અને તેને શાળાની તપાસ સોંપવામાં આવી હતી. 

તપાસ અને કાર્યવાહીઓ

DEOએ શાળાને અનેક નોટિસ જારી કરી અને પ્રિન્સિપાલ જી. ઇમ્માન્યુઅલ, એડમિન હેડ મયુરિકા પટેલ સહિત સ્ટાફને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો, કારણ કે તેમણે ઘાયલ વિદ્યાર્થીને લાંબા સમય સુધી પડ્યો રહેવા દીધો હતો અને તપાસમાં અવરોધ ઊભો કર્યો હતો. શાળાએ DEOના આદેશ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી પણ કરી હતી, પરંતુ કોર્ટે ફટકાર લગાવીને તપાસમાં સહકાર આપવાનો આદેશ આપ્યો હતો.

ઘટના બાદ RTE એક્ટ હેઠળ રચાયેલી તપાસ સમિતિએ ઑક્ટોબર 2025માં રિપોર્ટ સબમિટ કર્યો હતો, જેમાં ગંભીર અનિયમિતતાઓ જણાવવામાં આવી હતી. શાળા અનધિકૃત રીતે ચાલતી હતી– વર્ગો વધારવા માટે મંજૂરી નહોતી, ટ્રસ્ટની અસ્પષ્ટતા હતી (જેમ કે Ashlock Trust, Council of Seventh Day Adventist Educational Institute અને India Financial Association વચ્ચે વિસંગતતા), પ્રાઇમરી સેક્શન માટે માઇનોરિટી સ્ટેટસ સર્ટિફિકેટ નહોતું અને બિલ્ડિંગ યુઝ પરમિશન અધૂરી હતી. શાળા બે શિફ્ટમાં ચાલતી હતી પરંતુ તેની મંજૂરી નહોતી. 

આ ઉપરાંત, શાળાની જમીન AMCએ 2003માં 99 વર્ષની લીઝ પ આપી હતી, પરંતુ લીઝની શરતોનો ભંગ થયો હતો કારણ કે અલગ એન્ટિટી શાળા ચલાવતી હતી. તેના કારણે AMCએ પણ લીઝ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી અને શાળાને નોટિસ ફટકારી હતી.

વિદેશી કનેક્શન અને ભૂતકાળના વિવાદો

આ મામલે ઑપઇન્ડિયાએ વ્યાપક તપાસ કરતા શાળાને લઈને અનેક માહિતી પણ સામે આવી હતી. સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલનું સંચાલન વૈશ્વિક સ્તરે અમેરિકાના મેરીલેન્ડમાં મુખ્યમથક ધરાવતી સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ ચર્ચ દ્વારા થતું હતું. આ સંસ્થા વિશ્વભરમાં 7,800થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે અને તેના મૂલ્યો ખ્રિસ્તી પંથ આધારિત છે. 

અમદાવાદની આ શાળા 1979માં નાના સ્કેલ પર શરૂ થઈ હતી અને 2003માં વર્તમાન કેમ્પસમાં ખસી આવી. તે CISCE અને ગુજરાત બોર્ડ સાથે જોડાયેલી છે અને પ્રિન્સિપાલ જી. ઇમ્માન્યુઅલ જેવા ખ્રિસ્તી વ્યક્તિઓ તેનું નેતૃત્વ કરે છે. સ્થાનિક સ્તરે તેને એશલોક ટ્રસ્ટ, કાઉન્સિલ ઓફ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ અને ઇન્ડિયા ફાયનાન્શિયલ એસોસિયેશન જેવી અલગ-અલગ એન્ટિટીઓ દ્વારા સંચાલિત કરવામાં આવે છે, જેમાં વિસંગતતાઓ જોવા મળી હતી.

શાળા પર ધર્માંતરણના ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. વાલીઓ અને સ્થાનિકોએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે મોરલ સાયન્સના ક્લાસમાં ખ્રિસ્તી પંથનો પ્રચાર કરવામાં આવતો હતો અને વિદ્યાર્થીઓને ધર્મ પરિવર્તન માટે પ્રોત્સાહિત કરવામાં આવતાં હતાં. એક આરોપમાં કહેવાયું કે વાલીઓ પાસેથી ₹2 લાખ લઈને વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરાવવામાં આવતા હતા. આ ઉપરાંત, શાળાની જમીન અગાઉ મંદિરની હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.

આ શાળા અગાઉ પણ અનેક વિવાદોમાં ફસાઈ હતી. 2016માં ધોરણ 4ના વિદ્યાર્થીને શિક્ષક મોસેસ એડલાએ માર માર્યો હતો, જેમાં બાળક લોહીલુહાણ થયો હતો. આ પછી શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. 2024માં શાળાએ વિદ્યાર્થીઓને વોટર પાર્ક ટ્રિપ પર લઈ જવા માટે DEOની પરવાનગી લીધા વગર નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. તાજેતરમાં મુસ્લિમ વિદ્યાર્થીઓએ મટનને પનીર કહીને હિંદુ વિદ્યાર્થીઓને ખવડાવ્યું હોવાના આરોપો પણ હતા, જેના પર કાર્યવાહી પણ થઈ ન હતી.

શાળા સરકાર હસ્તક થઈ

જોકે, વાલીઓ અને સ્થાનિકો સતત માંગણી કરી રહી રહ્યા હતા કે આ શાળાની ગતિવિધિઓ વિવાદિત છે, તેથી તેનું સંચાલન સરકારે પોતાના હાથમાં લઈ લેવું જોઈએ. આ તમામ તપાસ અને અનિયમિતતાઓને ધ્યાનમાં રાખીને 15 ડિસેમ્બર 2025ના રોજ ગુજરાત સરકારે શાળાનો વહીવટ પોતાના હસ્તક લીધો છે. અમદાવાદ DEOને એડમિનિસ્ટ્રેટર બનાવવામાં આવ્યા છે, નવા એડમિશન પર રોક છે, પરંતુ 10,000થી વધુ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને શાળા ચાલુ રાખવામાં આવી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં