
અમદાવાદની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ શાળાને સરકાર હસ્તક લઈ લેવામાં આવી છે. ઑગસ્ટ 2025માં શાળા એક હિંદુ વિદ્યાર્થીની હત્યાના કારણે વિવાદમાં સપડાઈ હતી. ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સમિતિ બનાવીને તપાસના આદેશ આપ્યા હતા, જેમાં શાળાની અન્ય પણ અનેક ગેરરીતિઓ બહાર આવતાં શાળાને સરકારના નિયંત્રણ હેઠળ લેવાની ભલામણ કરવામાં આવી હતી. આખરે રાજ્ય શિક્ષણ વિભાગે સત્તાવાર રીતે શાળાને સરકાર હસ્તક લઈને જિલ્લા શિક્ષણાધિકારીને વહીવટદાર નીમ્યા છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 15 ડિસેમ્બરના રોજ કરવામાં આવેલા એક ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, “શાળામાં હાલ ભણતા દસ હજારથી વધુ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને શાળામાં કોઈ પણ વિદ્યાર્થીને નવું એડમિશન ન આપવાની શરતે શાળાનો વહીવટ રાજ્ય સરકાર હસ્તક લેવાનું ઠરાવવામાં આવે છે અને જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ શહેરને શાળાના વહીવટદાર નીમવામાં આવે છે.”
આ પહેલાં ઑપઇન્ડિયાએ વિસ્તૃત અહેવાલમાં જણાવ્યું હતું કે કઈ રીતે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નિયુક્ત કરવામાં આવેલી સમિતિએ શાળાની ગેરરીતિઓ પર વિગતવાર રિપોર્ટ સુપરત કર્યો હતો. સમિતિના આ રિપોર્ટમાં શાળાના વહીવટમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનું અને અનેક નિયમોનો પણ ભંગ થઈ રહ્યો હોવાનું જણાવીને શાળાને સરકાર હસ્તક લેવા માટે ભલામણ કરવામાં આવી હતી.
તપાસમાં સામે આવ્યું હતું કે શાળાને માન્યતા માટેના સરકારના નિયમોનો ભંગ કર્યો હતો તેમજ વધારાના વર્ગો માટે પરવાનગી પણ લેવામાં આવી ન હતી. મેનેજમેન્ટ અને શાળાના પરિસરમાં ફેરફાર માટે જરૂરી મંજૂરી પણ લેવામાં આવી ન હતી. ઉપરાંત શાળાના સંચાલનમાં પણ વિસંગતતા જોવા મળી હતી. લઘુમતી શાળાનો દરજ્જો મેળવવામાં પણ અમુક ગેરરીતિ આચરવામાં આવી હોવાનું કમિટીની તપાસમાં સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઑગસ્ટ 2025માં એક દસમા ધોરણમાં ભણતા હિંદુ વિદ્યાર્થી નયન સંતાણીની શાળામાં જ ભણતા એક મુસ્લિમ વિદ્યાર્થીએ ચાકુ મારીને હત્યા કરી નાખી હતી. ઘટના બાદ વાલીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો અને શાળા પર ગંભીર આરોપ લાગ્યા હતા. ભૂતકાળની પણ અમુક ઘટનાઓ પ્રકાશમાં આવી અને વહીવટમાં ગેરરીતિ દાખવવામાં આવતી હોવાના પણ આરોપ લાગ્યા હતા.

