
ગુજરાતના વડોદરાની માંજલપુર સહિત ત્રણ વિધાનસભા બેઠકો પર 30 જુલાઈના રોજ યોજાયેલી પેટાચૂંટણીમાં આજે મતગણતરી થઈ રહી છે. જેમાં માંજલપુરમાં ભાજપ ઉમેદવારની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. બાંકીપુર બેઠક પર જન સુરાજ ઉમેદવાર પ્રશાંત કિશોર આગળ ચાલી રહ્યા છે. મધ્ય પ્રદેશની દતિયા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર આગળ છે.
ગુજરાતની 145 માંજલપુર બેઠક પરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થતાં બેઠક ખાલી પડી હતી. ભાજપે અહીંથી સતીશ પટેલને ટિકિટ આપી હતી. કોંગ્રેસમાંથી ભીખાભાઈ રબારી ચૂંટણી લડ્યા. આ લખાય રહ્યું છે ત્યારે 19માંથી 13 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને ભાજપ ઉમેદવાર સતીશ પટેલ 21000 કરતાં વધુ મતથી આગળ ચાલી રહ્યા છે. તેઓ સરળતાથી જીત મેળવી લેશે અને ભાજપ વિધાનસભામાં સંખ્યાબળ જાળવી રાખશે.

બિહારની બાંકીપુર બેઠક ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની બેઠક છે. તેમણે અહીંથી રાજીનામું આપતાં પેટાચૂંટણી થઈ રહી છે. અહીંથી ભાજપે નીરજ કુમારને ટિકિટ આપી હતી. જન સુરાજ પાર્ટીમાંથી સ્થાપક પ્રશાંત કિશોર સ્વયં ચૂંટણી લડ્યા હતા.

બપોરે 1 વાગ્યાની સ્થિતિએ બાંકીપુર પર 31માંથી 10 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ છે અને પ્રશાંત કિશોર 6 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. બીજા ક્રમે ભાજપ ઉમેદવાર છે. ત્રીજા ક્રમે RJD ઉમેદવાર છે. હાલ ભાજપ અને જન સુરાજ વચ્ચે ટક્કર છે.
પ્રશાંત કિશોરની જીત થાય તો મોટો અપસેટ સર્જાશે. બાંકીપુર ભાજપનો ગઢ માનવામાં આવે છે. જન સુરાજ બિહાર વિધાનસભા ચૂંટણી લડી હતી પણ એક પણ બેઠક મળી ન હતી અને વોટશેર પણ તદ્દન નબળો રહ્યો હતો. જો આ ચૂંટણી પ્રશાંત કિશોર જીતે તો પાર્ટી બિહારમાં પહેલી વખત કોઈ સીટ જીતશે. જોકે હાલ ગણતરી ચાલી રહી છે અને ઘણા રાઉન્ડની ગણતરી બાકી છે.

મધ્ય પ્રદેશની દતિયા બેઠક પર 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ હતી. અહીંથી પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન નરોત્તમ મિશ્રા ચૂંટણી લડ્યા હતા પણ પરાજય થયો હતો. આ વખતે ભાજપે અહીંથી આશુતોષ તિવારીને ટિકિટ આપી હતી. 15માંથી 6 રાઉન્ડની ગણતરીમાં કોંગ્રેસના ઘનશ્યામ સિંઘ હાલ આગળ ચાલી રહ્યા છે. જોકે વોટનું માર્જિન માત્ર 1700 મત જેટલું છે. જેથી અહીં પણ કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

