Tuesday, March 31, 2026
More
    હોમપેજગુજરાતઅમદાવાદની સેવન્થ ડે સ્કૂલ વિરુદ્ધ તપાસમાં અનેક ઘટસ્ફોટ: ભાડાકરાર, ફીના નિયમોનો ભંગ,...

    અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ વિરુદ્ધ તપાસમાં અનેક ઘટસ્ફોટ: ભાડાકરાર, ફીના નિયમોનો ભંગ, સંચાલન કરતા ટ્રસ્ટ વિશે પણ અસ્પષ્ટતા; સરકાર હસ્તક લેવા માટે ભલામણ–એક્સક્લુઝિવ

    તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે શાળાનું સંચાલન ચોક્કસ કયા ટ્રસ્ટ કે સોસાયટી દ્વારા કરવામાં આવી રહ્યું છે તેની પણ વિગતો આપવામાં આવી નથી. સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોમાં શાળાના સંચાલક તરીકે અલગ-અલગ ટ્રસ્ટ-સોસાયટીનાં નામો જોવા મળે છે.

    - Advertisement -

    અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હિંદુ વિદ્યાર્થિની મુસ્લિમ સહપાઠી દ્વારા કરવામાં આવેલી હત્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ નિયુક્ત કરેલી સમિતિએ પોતાનો વિગતવાર અહેવાલ સુપરત કર્યો છે. અહેવાલમાં શાળાના વહીવટમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનું અને અનેક નિયમોનો પણ ભંગ થઈ રહ્યો હોવાનું જણાવીને શાળાને સરકાર હસ્તક લેવા માટે ભલામણ કરવામાં આવી હતી. આ રિપોર્ટ શિક્ષણાધિકારીએ રાજ્ય સરકારને મોકલી આપ્યો છે. હવે સરકાર આગળ કાર્યવાહી કરશે.

    તપાસમાં સામે આવ્યું છે કે શાળાને માન્યતા માટેના સરકારના નિયમોનો ભંગ કર્યો હતો તેમજ વધારાના વર્ગો માટે પરવાનગી પણ લેવામાં આવી ન હતી. મેનેજમેન્ટ અને શાળાના પરિસરમાં ફેરફાર માટે જરૂરી મંજૂરી પણ લેવામાં આવી ન હતી. ઉપરાંત શાળાના સંચાલનમાં પણ વિસંગતતા જોવા મળી છે. લઘુમતી શાળાનો દરજ્જો મેળવવામાં પણ અમુક ગેરરીતિ આચરવામાં આવી હોવાનું કમિટીની તપાસમાં સામે આવ્યું હતું.

    અનેક મંજૂરીઓનો અભાવ

    તપાસમાં જણાવવામાં આવ્યું છે કે હાલ શાળા જે સ્થળ પર કાર્યરત છે તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભાડાપટ્ટા પર વર્ષ 2003માં આપવામાં આવ્યું હતું. પરંતુ શાળાએ 80ના દાયકામાં અમુક વર્ગોની મંજૂરી મેળવી હતી, તે સ્થળ આ નથી કે ન સમિતિને આ સ્થળના વર્ગોની મંજૂરીના આધારો રજૂ કરવામાં આવ્યા હતા. જેથી સમિતિએ ઠેરવ્યું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ આ શાળા જ અમાન્ય છે.

    - Advertisement -

    ઉપરાંત પછીથી શાળામાં અમુક વધારાના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા, જેની નિયમાનુસાર બોર્ડ પાસેથી પૂર્વમંજૂરી લેવી પડે છે, પરંતુ શાળાએ આ પ્રકારની કોઈ કાર્યવાહી કરી ન હતી.

    નિયમો મુજબ, મેનેજમેન્ટ, ટ્રસ્ટ કે શાળાના પરિસરમાં અમુક ફેરફારો કરવા માટે જે-તે સંબંધિત બોર્ડની મંજૂરી લેવી જરૂરી હોય છે, પરંતુ આ કિસ્સામાં તેવા પણ કોઈ દસ્તાવેજો રજૂ કરવામાં ન આવ્યા હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ઉપરાંત, બે પાળીમાં શાળા ચલાવવી હોય તોપણ બોર્ડની પૂર્વમંજૂરી આવશ્યક છે. આ કિસ્સામાં એ મંજૂરી લીધા વગર બે શિફ્ટમાં વર્ગો ચલાવવામાં આવતા હતા.

    તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે શાળાનું સંચાલન ચોક્કસ કયા ટ્રસ્ટ કે સોસાયટી દ્વારા કરવામાં આવી રહ્યું છે તેની પણ વિગતો આપવામાં આવી નથી. સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોમાં શાળાના સંચાલક તરીકે ઇન્ડિયા ફાયનાન્સિયલ એસોસિએશન ઑફ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ્સ, ધ કાઉન્સિલ ઑફ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ્સ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ અને એશ્લોક એજ્યુકેશન ટ્રસ્ટ જેવાં અલગ-અલગ નામો જોવા મળે છે. એટલે ચોક્કસ કયું ટ્રસ્ટ કે સોસાયટી સંચાલન માટે જવાબદાર છે એ પણ સ્પષ્ટ નથી.

    શાળાએ લઘુમતીનો દરજ્જો મેળવવામાં પણ અમુક નિયમો પાળ્યા ન હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. જે અનુસાર, એશ્લોક એજ્યુકેશન સોસાયટી દ્વારા સપ્ટેમ્બર 2020માં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં લઘુમતીનો દરજ્જો મેળવવાનું પ્રમાણપત્ર મેળવવાની દરખાસ્ત કરી હતી. આ સોસાયટી પુણેમાં નોંધાયેલી છે અને મહારાષ્ટ્ર સરકારે 14 માર્ચ, 2013ના રોજ તેને ‘માઈનોરિટી સ્ટેટ્સ’ આપ્યું હતું, જે માત્ર મહારાષ્ટ્ર પૂરતું જ માન્ય છે. ઉપરાંત, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંસ્થા દ્વારા પ્રાથમિક વિભાગ માટે લઘુમતી શૈક્ષણિક સંસ્થા હોવાનો દરજ્જો પણ સ્પષ્ટપણે રજૂ કરવામાં આવ્યો નથી, જેના કારણે આર્થિક રીતે નબળા વર્ગના 25% બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો નથી અને તે RTE એક્ટનું ઉલ્લંઘન છે.

    ભાડાકરારનો ભંગ: મંજૂરી અન્ય ટ્રસ્ટે લીધી, સંચાલન અલગ ટ્રસ્ટ દ્વારા

    શાળાએ ભાડાકરારનો ભંગ કર્યો હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે. શાળા જે જમીન પર આવેલી છે એ મહાનગરપાલિકા દ્વારા ‘ધ ઇન્ડિયા ફાઇનાન્શિયલ એસોશિએશન ઑફ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ્સ’ને શૈક્ષણિક હેતુ માટે ભાડાપટ્ટે આપવામાં આવી હતી. પરંતુ શાળાનું સંચાલન બીજી જ સંસ્થાઓ કરી રહી છે. એટલે જમીન ભાડાપટ્ટે અલગ સંસ્થાએ લીધી હતી અને શાળાનું સંચાલન અલગ સંસ્થાઓ કરી રહી છે.

    તપાસમાં ફી નિયમન કાયદાના ભંગ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે સંસ્થાએ ફી નિયમન સમિતિને રજૂ કરેલા દસ્તાવેજોમાં ભાડું 1,59,000/- દર્શાવ્યું હતું, પણ વાસ્તવમાં મહાનગરપાલિકાએ 10,000/-માં ભાડાપટ્ટે જમીન આપી હતી.

    શાળાના કેમ્પસમાં જ MBA અને બેચલર ઑફ સાયન્સ અને આર્ટ્સની કોલેજો પણ કાર્યરત છે. નિયમાનુસાર આ માટે જે-તે બોર્ડ પાસેથી NOC મેળવવું પડે છે. શાળાએ 2022માં ICSE પાસેથી NOC મેળવ્યું હતું, પરંતુ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું કોઈ NOC મેળવ્યું ન હતું.

    આ સિવાય પણ અમુક ગેરરીતિઓ સામે આવી છે, જેમકે નિયમો અનુસાર શાળા પરિસરમાં પુસ્તકોનું વેચાણ કરવું એ નફાખોરીમાં આવે છે. પરંતુ ઓડિટ હિસાબમાં પુસ્તકોનું વેચાણ થતું હોવાનું જણાવવામાં આવ્યું છે.

    સરકાર હસ્તક લેવા માટે ભલામણ

    રિપોર્ટમાં સમિતિએ જણાવ્યું છે કે તમામ મુદ્દાઓને ધ્યાનમાં લેતાં શાળા દ્વારા માન્યતાની શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ જણાય છે. ઉપરાંત શિક્ષણ વિભાગ, FRC, વાલીઓ અને વિદ્યાર્થીઓની વિશ્વસનીયતાનો ભંગ કરીને ખોટા આધારો રજૂ કરીને છેતરપિંડી કરવામાં આવી હોવાનું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

    સમિતિએ ભલામણ કરી છે કે શાળામાં ભણતા દસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લેતાં શાળાનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવામાં આવવો જોઈએ, અન્યથા અન્ય કોઈ ટ્રસ્ટને સોંપી દેવો જોઈએ.  આ રિપોર્ટ શિક્ષણાધિકારીએ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. આવનાર સમયમાં વધુ નિર્ણયો લેવાઈ શકે છે.

    હિંદુ વિદ્યાર્થીની હત્યા બાદ વિવાદમાં આવી હતી શાળા

    ઉલ્લેખનીય છે કે ઑગસ્ટ 2025માં એક દસમા ધોરણમાં ભણતા હિંદુ વિદ્યાર્થી નયન સંતાણીની શાળામાં જ ભણતા એક મુસ્લિમ વિદ્યાર્થીએ ચાકુ મારીને હત્યા કરી નાખી હતી. ઘટના બાદ વાલીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો અને શાળા પર ગંભીર આરોપ લાગ્યા હતા. ભૂતકાળની પણ અમુક ઘટનાઓ પ્રકાશમાં આવી અને વહીવટમાં ગેરરીતિ દાખવવામાં આવતી હોવાના પણ આરોપ લાગ્યા હતા.

    ઘટના બાદ DEOએ તપાસના આદેશ આપ્યા હતા. જોકે તેની વિરુદ્ધ શાળા ગુજરાત હાઇકોર્ટ પણ પહોંચી હતી, પણ કોર્ટે પણ કોઈ રાહત ન આપીને તપાસમાં સહયોગ આપવા માટે સૂચના આપી હતી. હવે સમિતિએ રિપોર્ટ સુપરત કર્યા બાદ બોલ જિલ્લા શિક્ષણાધિકારી અને સરકારની કોર્ટમાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં