Monday, March 9, 2026
More
    હોમપેજગુજરાતDEOએ લીધેલાં પગલાં વિરુદ્ધ હાઇકોર્ટ ગઈ હતી અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ, કોર્ટે...

    DEOએ લીધેલાં પગલાં વિરુદ્ધ હાઇકોર્ટ ગઈ હતી અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ, કોર્ટે લગાવી ફટકાર, કહ્યું– તપાસમાં સહયોગ આપો

    બેદરકારીને કારણે DEOએ સ્કૂલના પ્રિન્સિપાલ, એડમિનિસ્ટ્રેટર અને અન્ય સ્ટાફને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય શાળામાં શિક્ષણની પ્રક્રિયા પણ ઑનલાઇન કરી દેવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત, શાળા પાસે અમુક દસ્તાવેજો પણ માગવામાં આવ્યા હતા.

    - Advertisement -

    અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલ એક મુસ્લિમ વિદ્યાર્થીએ હિંદુ કિશોરની હત્યા કર્યા બાદ વિવાદમાં સપડાઈ હતી. આ શાળાએ તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરીને જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા લેવામાં આવેલાં પગલાંને પડકાર્યાં હતાં. કોર્ટે આ અરજી પર સુનાવણી કરતાં શાળાને ફટકાર લગાવીને તપાસમાં સહયોગ આપવા માટે આદેશ કર્યો છે. આ મામલે મંગળવારે (9 સપ્ટેમ્બર) હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

    19 ઓગસ્ટના રોજ સેવન્થ ડે સ્કૂલમાં ધો.8ના એક મુસ્લિમ વિદ્યાર્થીએ ધો.10ના એક વિદ્યાર્થીની હત્યા કરી દીધી હતી. ત્યારપછી શરૂ થયેલી તપાસ દરમિયાન ખુલાસો થયો કે સ્કૂલ ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક મદદ પૂરી પાડવામાં નિષ્ફળ રહી હતી અને DEOની કચેરીને ઘટના વિશે જાણ પણ નહોતી કરી. આ બેદરકારીને કારણે DEOએ સ્કૂલના પ્રિન્સિપાલ, એડમિનિસ્ટ્રેટર અને અન્ય સ્ટાફને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય શાળામાં શિક્ષણની પ્રક્રિયા પણ ઑનલાઇન કરી દેવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત, શાળા પાસે અમુક દસ્તાવેજો પણ માગવામાં આવ્યા હતા.

    સ્કૂલ પ્રશાસનએ આ કાર્યવાહીને પડકારવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ કોર્ટે સુનાવણી દરમિયાન DEOની કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે. કોર્ટે અવલોકન કર્યું કે સેવન્થ ડે સ્કૂલે જાણીજોઈને DEO અને સરકારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. શાળાએ તપાસમાં સહકાર આપવાની જગ્યાએ માહિતી છુપાવી હતી. હાઇકોર્ટે શાળાને આદેશ આપ્યો છે કે તે તાત્કાલિક અસરથી સરકારની કાર્યવાહીમાં સંપૂર્ણ સહકાર આપે.

    - Advertisement -

    નોંધનીય છે કે DEOએ શાળાને 4 નોટિસ મોકલી છે. જેમાં 23 ઑગસ્ટ, 25 ઑગસ્ટ, 28 ઑગસ્ટ અને 29 ઑગસ્ટની અરજીઓનો સમાવેશ થાય છે. કોર્ટે કહ્યું હતું કે, DEOએ પહેલી બે નોટિસ ઘટનાના સંદર્ભમાં અને બીજી બે નોટિસ જરૂરી ડોક્યુમેન્ટના સંદર્ભમાં મોકલી હતી. શાળા પ્રશાસનના કહ્યા મુજબ તેમણે DEO એ માંગેલી માહિતી આપી હતી.

    બીજી તરફ, સુનાવણી દરમિયાન સરકારી વકીલે શાળા પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય સમગ્ર ઘટના અંગે DEOને જાણ કરવામાં વિલંબ થયો, વિદ્યાર્થીને સારવાર પૂરી પાડવામાં પણ વિલંબ થયો હોવાનું જણાવ્યું હતું. સરકારી વકીલે સ્પષ્ટ કહ્યું હતું કે શાળાને નોટિસ મોકલ્યા પછી પણ જવાબ આવવામાં મોડું થયું હતું. આ સિવાય વિદ્યાર્થી શાળામાં હથિયાર લઈને આવે છે, જે શાળાની બેદરકારી હતી.

    સરકારી વકીલે જણાવ્યું હતું કે સેવન્થ ડે સ્કૂલની ઘટના બાદ રાજ્યની તમામ શાળાઓમાં શિસ્ત કમિટીની રચના કરવા કહ્યું છે. જેમાં મહિલા અને પુરુષ મેમ્બર્સ હોય, જે આવી ઘટના ના બને તેની તકેદારી રાખશે.

    કોર્ટની ટિપ્પણીઓ

    આ મામલે કોર્ટે કહ્યું હતું કે, “લોકોની જવાબદારી રાજ્યોની હોય છે. સેવન્થ ડે શાળામાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની હત્યાને લોકોને ઝકઝોળ્યા છે. DEOને તપાસ કરવા દો, જો કંઈ ખામી નીકળે તો શાળા તેને સુધારે.” કોર્ટે કહ્યું હતું કે, “આપણા ત્યાં આવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે શિક્ષકોને કે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ મળતી નથી. જો ટ્રેનિંગ મળી હોત તો પરિસ્થિતિ અલગ હોત.”

    કોર્ટે આગળ કહ્યું કે, “કોઈ પણ પગલાં કાયદા મુજબ હોય તે જોવાનું કામ કોર્ટનું હોય છે. શાળાના માઈનોરિટી સંસ્થા હોવાના દાવા સાથે DEOની નોટિસ સામે રક્ષણ માંગી રહી છે. પરંતુ આવી સ્થિતિમાં રાજ્યમાં શું કરે? શાળાએ તપાસમાં સહકાર આપવો પડશે. જો તપાસ બાદ કાનૂની પ્રશ્ન ઉભો થાય તો શાળા કોર્ટમાં આવી શકશે. આ બનાવ દુઃખદ છે, પણ શાળામાં ભણતા 10 હજાર બાળકોનો શું વાંક? શાળા અને DEO વચ્ચે મિટિંગ ગોઠવો, જેથી શાળા પહેલાંની જેમ ફરી શરૂ કરાય. કોર્ટને 10,000 બાળકોની ચિંતા છે.”

    કોર્ટે આ અરજી લંબિત રાખી છે. આગામી સુનાવણી 16 સપ્ટેમ્બરે થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં