અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ વિરુદ્ધ સમિતિએ સોંપ્યો પોતાનો રિપોર્ટ, સરકાર હસ્તક લેવાય એવી સંભાવના: મુસ્લિમ સગીરે કરી હતી હિંદુ વિદ્યાર્થીની હત્યા

એક મુસ્લિમ વિદ્યાર્થી દ્વારા એક હિંદુ સહપાઠીની હત્યા બાદ વિવાદમાં આવેલી અમદાવાદની શાળા સેવન્થ ડે સ્કૂલ વિરુદ્ધ તપાસ માટે જિલ્લા શિક્ષણાધિકારીએ નિયુક્ત કરેલી સમિતિએ પોતાનો અહેવાલ સુપરત કરી દીધો હોવાની જાણકારી મળી રહી છે. રિપોર્ટ પછીથી રાજ્ય સરકારને પણ મોકલવામાં આવ્યો હતો.

ઑગસ્ટ 2025માં અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક હિંદુ વિદ્યાર્થિની તે જ શાળામાં ભણતા એક મુસ્લિમ સગીરે ચાકુ મારીને કરપીણ હત્યા કરી નાખી હતી. બનાવ શાળા પરિસરમાં જ બન્યો હતો અને પછીથી વિદ્યાર્થીને સમયસર સારવાર માટે ન પહોંચાડવામાં આવતાં શાળા પર પણ સવાલો ઉઠ્યા હતા.

બનાવ બાદ વાલીઓ અને સ્થાનિકોના શાળા વિરુદ્ધ આક્રોશ અને ત્યારબાદ લગાવવામાં આવેલા અન્ય પણ આરોપોની તપાસ માટે શિક્ષણાધિકારીએ એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ પોતાની સમગ્ર તપાસ બાદ તાજેતરમાં જિલ્લા શિક્ષણાધિકારીને પોતાનો વિગતવાર રિપોર્ટ સોંપ્યો છે. જેમાં બનાવ તેમજ અન્ય અનિયમિતતાઓ અને ગેરરીતિઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ રિપોર્ટ પછીથી શિક્ષણ નિયામકને પણ સુપરત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સંભાવનાઓ એવી પણ છે કે શાળાના વહીવટમાં અનિયમિતતાઓ અને ગેરવહીવટને જોતાં સ્કૂલ સરકાર હસ્તક લઈ લેવામાં આવે. આ મામલે હાલ પ્રશાસનિક સ્તરે કાર્યવાહી ચાલી રહી છે. જોકે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી.

એ પણ નોંધનીય છે કે બનાવ બાદ DEOએ નોટિસ પાઠવીને શાળા પ્રશાસન પાસે અમુક જવાબો માગ્યા હતા, પરંતુ શાળાના સત્તાધીશો હાઇકોર્ટ પહોંચી ગયા હતા. હાઇકોર્ટે જોકે શાળાને ફટકાર લગાવીને કોઈ રાહત આપી ન હતી અને જવાબો રજૂ કરવા માટે અને તપાસમાં સહયોગ આપવા માટે જણાવ્યું હતું.