વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામેના કેસો પરત ખેંચવા રાજ્યોને સુપ્રીમની લીલી ઝંડી, બિહાર-આસામ-મહારાષ્ટ્ર બાદ ગુજરાતે પણ લીધો નિર્ણય

વિદ્યાર્થી આંદોલનો દરમિયાન નોંધાયેલા કેસોને લઈને સુપ્રીમ કોર્ટે સોમવારે (3 ઑગસ્ટ) મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. કોર્ટે કહ્યું છે કે રાજ્ય સરકારો કાયદા મુજબ વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIR બંધ (Closure Report) કરી શકે છે અથવા તેમની સામેની કાર્યવાહી પાછી ખેંચી શકે છે. આ સ્પષ્ટતા એવા સમયે આવી છે જ્યારે ગુજરાત સરકારે પણ જંતર-મંતર વિદ્યાર્થી આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો છે.

CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનની ખંડપીઠે 28 જુલાઈના પોતાના અગાઉના આદેશ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે તે આદેશનો અર્થ એવો નથી કે રાજ્ય સરકારો કેસો પાછા ખેંચી ન શકે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાયદાકીય પ્રક્રિયા મુજબ રાજ્ય સરકારો FIR બંધ કરવા અથવા આગળની કાર્યવાહી પાછી ખેંચવા માટે સ્વતંત્ર છે.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ સામેના કેસો પરત લેવાની પોતાની પ્રતિબદ્ધતા પર અડગ છે. જોકે, ફોજદારી કાયદામાં સીધી FIR ‘પરત ખેંચવાની’ જોગવાઈ નથી. તેના બદલે ક્લોઝર રિપોર્ટ દાખલ કરવો, પ્રોસિક્યુશન પાછું ખેંચવાની અરજી કરવી અથવા કોર્ટ દ્વારા FIR રદ કરવાની પ્રક્રિયા અપનાવી શકાય છે.

કોર્ટે પોતાના અગાઉના આદેશમાં વપરાયેલા ‘ક્રિમિનલ એન્ટિસીડન્ટ’ શબ્દનો અર્થ પણ સ્પષ્ટ કર્યો. કોર્ટે કહ્યું કે તેનો અર્થ માત્ર ગંભીર અને જઘન્ય ગુનાઓ (Grave and Heinous Offences) થાય છે. નાના-મોટા કે સામાન્ય ગુનાઓના આધારે વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી ન થવી જોઈએ.

આ સ્પષ્ટતા બાદ વિદ્યાર્થીઓ સામેના કેસો પાછા ખેંચવાની પ્રક્રિયાને વધુ કાનૂની સ્પષ્ટતા મળી છે. ગુજરાત સરકારે જંતર-મંતર પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIR પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે અને આ મુદ્દે નવી FIR પણ નોંધવામાં નહીં આવે તેવી જાહેરાત કરી છે.

ગુજરાત ઉપરાંત બિહાર, આસામ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ સરકારે પણ પ્રદર્શન દરમિયાન નોંધાયેલા કેસો પાછા ખેંચવા અથવા આગળ પ્રતિકૂળ કાનૂની કાર્યવાહી ન કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ કેરળ સહિત કેટલાક રાજ્યોમાં આ મુદ્દે હજુ પણ કાનૂની કાર્યવાહી અને વિવાદ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ હાલમાં 20 જુલાઈના ‘ચલો સંસદ’ કૂચ દરમિયાન થયેલ હિંસા અને પોલીસના લાઠીચાર્જ પરની અરજીઓ પર પણ સુનાવણી કરી રહી છે. કોર્ટે અગાઉ સ્વતંત્ર તપાસની જરૂરિયાત વ્યક્ત કરી હતી અને હવે પણ સ્પષ્ટ કર્યું છે કે અતિશય બળપ્રયોગ કરનારા પોલીસ અધિકારીઓને બચાવવા ન જોઈએ, પરંતુ વિદ્યાર્થી આંદોલનના બહાને ગંભીર ગુનામાં સંડોવાયેલા લોકોને પણ રક્ષણ ન મળવું જોઈએ. આ કેસની આગામી સુનાવણી હવે 18 ઑગસ્ટે થશે.