Friday, April 26, 2024
More
    Home Blog Page 87

    જે દુનિયા માટે છે ‘વેલેન્ટાઈન ડે’ તે ભારત માટે કેમ બની ગયો ‘બ્લેક ડે’?: શા માટે દેશના લોકોએ સ્વેચ્છાએ 14 ફેબ્રુઆરીને ગણ્યો ‘કાળો દિવસ’, એક નજર દેશની તે ગોઝારી ઘટના તરફ

    14 ફેબ્રુઆરીને દુનિયાના લોકો ‘વેલેન્ટાઈન ડે’ તરીકે ઉજવે છે. પશ્ચિમીકરણનું આંધળું અનુકરણ કરી રહેલા અન્ય દેશોમાં પણ આ દિવસ પ્રેમી અને પ્રેમિકાના સંબંધોને નવાજવા માટે મનાવવા આવે છે. અમુક એવા પણ દેશો છે જેની સંસ્કૃતિનો કોઈ છેડો આ દિવસ સાથે મળતો નથી, તેની સંસ્કૃતિ અને ઇતિહાસને ‘વેલેન્ટાઈન ડે’ સાથે કોઈ જ સંબંધ નથી. છતાં પશ્ચિમીકરણના પ્રવાહ સાથે ભળી જઈને તે દેશો પણ વેલેન્ટાઈન ડે ઉજવતા થયા છે. તેમાનો એક દેશ ભારત પણ છે. ભારતમાં 2019 સુધી વેલેન્ટાઈન ડે ઉજવનારા લોકોની સંખ્યા અઢળક હતી. પરતું 2019માં 14 ફેબ્રુઆરીના રોજ એક એવી ગોઝારી ઘટના બની કે જેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. એ ઘટના બાદથી ધીરે-ધીરે ભારતમાં 14 ફેબ્રુઆરી ‘વેલેન્ટાઈન ડે’ની જગ્યાએ ‘બ્લેક ડે’ બની ગયો. લોકોએ સ્વેચ્છાએ જ વેલેન્ટાઈન ડે ઉજવવાનું બંધ કર્યું.

    2014 પહેલાં દેશના લગભગ-લગભગ તમામ યુવાનો વેલેન્ટાઈન ડે પાછળ ઘેલા બની ગયા હતા. દેશમાં વેલેન્ટાઈન ડે ઉજવવાના બહાને ઘણી અશ્લીલતા પણ ફેલાઈ હતી. માતા-પિતાને અંધારામાં રાખી આ દિવસને અશ્લીલતાથી ભરી દેવામાં આવ્યો હતો. દેશના અનેક સંતો અને મહંતોએ તેનો વિરોધ પણ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિની મહાનતા અને ગરિમાને છોડીને આધુનિક યુવાનો પશ્ચિમીકરણના ખરાબ પાસાંઓ તરફ વળ્યા હતા. દેશના અનેક સમાજ સુધારકોએ આ મામલે પરિવર્તન લાવવા ઘણી મથામણ કરી હતી પણ તેમાં તેઓ સફળ થઈ શક્યા નહોતા. આટલા પ્રયત્નો છતાં જે યુવાનોને વિદેશી સંસ્કૃતિના ખરાબ પાસાંઓ તરફથી વાળી શકાયા નહોતા તે યુવાનોને 2019ની એક ઘટનાએ વેલેન્ટાઈન ડે તરફ ભારોભાર નફરત પેદા કરાવી દીધી.

    14 ફેબ્રુઆરી શા માટે બન્યો કાળો દિવસ?

    14 ફેબ્રુઆરી, 2019ના રોજ દેશમાં એક ઘટના બની હતી. એ ઘટનાએ યુવાનોના મન અને મસ્તિષ્કમાં એવી તો અસર કરી કે, યુવાનોને વેલેન્ટાઈન ડે તરફ જ અરુચિ પેદા થઈ ગઈ. આટલું જ નહીં પરંતુ દેશના લોકોએ તે દિવસને ‘બ્લેક ડે’ તરીકે મનાવવાનું પણ શરૂ કરી દીધું. 14 ફેબ્રુઆરી, 2019ના એ કારમા દિવસે જમ્મુ-કાશ્મીરના પુલવામાં ખાતે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં CRPFના 40 જવાનો વીરગતિને પામ્યાં હતા, આ હુમલાની જવાબદારી ઇસ્લામિક આતંકવાદી સંગઠન જૈશ-એ-મુહમ્મદે લીધી હતી.

    દેશના અનેક લોકો ‘વેલેન્ટાઈન ડે’ માટેની તૈયારી કરી રહ્યા હતા. તેવામાં સમાચાર આવ્યા કે, એક ભયાનક આતંકી હુમલામાં દેશના સેંકડો જવાનો હોમાઈ ગયા છે. દેશની રક્ષા કરતાં-કરતાં એ જવાનો શાશ્વત રાષ્ટ્રમાં સમાહિત થઈ ગયા છે. મૃતદેહોના ટુકડાઓ પણ શોધવામાં આવી રહ્યા હતા. આ એક ઘટનાએ દેશમાં ઉદાસીનતા પ્રસરાવી દીધી. 14, ફેબ્રુઆરી, 2019એ પહેલો દિવસ હતો, જ્યારે લોકોએ વેલેન્ટાઈન ઉજવવાના બદલે રડવું પસંદ કર્યું હતું.

    જોકે, પુલવામાં હુમલા બાદ કેન્દ્ર સરકાર પણ સખત બની ગઈ હતી. CRPFના 40 જવાનોના બલિદાનનો બદલો વીણી-વીણીને લેવામાં આવ્યો હતો. 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનાં બલાકોટમાં ઘુસીને એરસ્ટ્રાઈક કરી હતી. આ ઓપરેશનમાં વાયુસેનાએ જૈશ-એ-મુહમ્મદના 350થી પણ વધુ આતંકવાદીઓ ઠાર માર્યા હતા.

    આટલી વધુ માત્રામાં આતંકીઓને ઠાર માર્યા હતા. પરંતુ દેશના લોકો એ વિરગત પરિવારોના આક્રંદને ભૂલી શક્યા નહોતા. ત્યારથી લઈને આજે 2024 સુધી પણ લોકો તે ભયાનક દિવસને ભૂલી શક્યા નથી. 2019થી ભારત માટે 14 ફેબ્રુઆરી ‘વેલેન્ટાઈન ડે’ની જગ્યાએ ‘કાળો દિવસ’ તરીકે ઓળખાય છે. દેશમાં 14 ફેબ્રુઆરીને બ્લેક ડે તરીકે મનવવાની શરૂઆત 2019થી થઈ છે.

    દેશના લોકો વિરગત જવાનોની યાદમાં પ્રગટાવે છે દીપ

    2019ની એ ભયાનક ઘટના બાદથી દર વર્ષે દેશભરમાં અનેક જાગ્યાએ તે વિરગત જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. દરવર્ષે તેમની યાદમાં લોકો ઘરે એક દીપ પ્રગટાવે છે અને એ ઘટનાને યાદ કરીને તે તમામ વીર જવાનોનો આભાર પ્રગટ કરે છે. ઘણી જગ્યાએ તો કેન્ડલ માર્ચનું આયોજન પણ કરવામાં આવે છે. સાથે સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ દિવસે લોક સાહિત્યકારોને બોલાવીને ભારતીય જવાનોને વીરાંજલિ આપવામાં આવે છે. સાથે વીરરસની અનેક ગાથાઓ અને ભારતીય સેનાના પરાક્રમો વિશે વાત કરવામાં આવે છે.

    આજે પણ દેશ તે તમામ બલિદાનીઓને ભૂલ્યો નથી. સોશિયલ મીડિયામાં પણ લોકો વેલેન્ટાઈન ડે ન ઊજવવાની અપીલ કરતાં જોવા મળે છે. ભારતીય જનસમુદાય શા માટે મહાન છે? તો તેનો એક જ ઉત્તર હોય શકે કે, આ માટે ભારતીય સંસ્કૃતિ અને જનસમુદાય મહાન છે. ભારતીય સંસ્કૃતિમાં આપણે આપણાં દેશના રક્ષકો અને વીર પુરુષોને ભગવાન તરીકે પૂજીએ છીએ, જે બીજી બધી સભ્યતાથી ભારતીય સંસ્કૃતિને મહાન અને અલગ બનાવે છે. છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા યોદ્ધાઓને આજે પણ યાદ કરવામાં આવી રહ્યા છે.

    જે કામ સમાજ સુધારકો ના કરી શક્યા, તે એક ભયાનક ઘટનાએ કર્યું

    ‘વેલેન્ટાઈન ડે’ની ઉજવણી અટકાવવા માટે અનેક સંતો અને સમાજ સુધારકોએ ઝુંબેશ ચલાવી હતી. ઘણા સંગઠનો પણ આ બાબતે જાગૃતિ લાવવા માટે પ્રયત્નશીલ હતા. ગુજરાતના લોક સાહિત્યકારો પણ લોકડાયરામાં આ વિશે જાગૃતિ લાવવા માટેનું કામ કરતાં હતા. દેશના અનેક કથાકરોએ પણ કથાના માધ્યમથી યુવાનોને યોગ્ય રસ્તે વાળવા પ્રયત્નો કર્યા હતા. ગુજરાતના લોક સાહિત્યકાર માયાભાઈ આહીર કહેતા કે, “પશ્ચિમીકરણ અને યુરોપિયન કલ્ચરનો વિરોધ નથી કરવાનો. તેમાંની જે સારી બાબતો છે તે જરૂર ગ્રહણ કરવાની, પરંતુ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે આ દેશની સંસ્કૃતિ દ્રાક્ષની નહીં પરંતુ રુદ્રાક્ષની છે.”

    સાથે અન્ય પણ ઘણા લોકો અને સંગઠનો યુવાનોને ‘વેલેન્ટાઈન ડે’ તરફથી વાળવાં માટે પ્રયાસો કરી રહ્યા હતા. પરંતુ તમામ પ્રયાસો છતાં તેમાં જોઈતી સફળતા મળી શકી નહોતી. જે બાદ અચાનક 2019થી ‘વેલેન્ટાઈન ડે’નો ક્રેઝ ધીરે-ધીરે ખતમ થવા લાગ્યો. પુલવામાં હુમલાની તે ઘટનાથી લોકોએ સ્વેચ્છાએ જ 14 ફેબ્રુઆરીના દિવસને ‘વેલેન્ટાઈન ડે’ની જગ્યાએ ‘બ્લેક ડે’ તરીકે અપનાવી લીધો. જે કામ સમાજસુધારકો અનેક વર્ષોથી કરી રહ્યા હતા. તે કામ એક ગોઝારી ઘટનાએ સફળ કરી દીધું. ત્યારથી લઈને આજ સુધી 14 ફેબ્રુઆરીને ‘બ્લેક ડે’ તરીકે મનાવવામાં આવે છે.

    ‘તમે જે જમીન પર રેખા ખેંચી નાખશો, તે મંદિર માટે આપી દઇશ’: ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં PM મોદીએ યાદ કરી UAEના રાષ્ટ્રપતિની ઓફર, કહ્યું- 140 કરોડ ભારતીયોનો સંદેશ લઈને આવ્યો છું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAE (સંયુક્ત આરબ અમીરાત)ના પ્રવાસે છે. ત્યાં તેઓએ RuPay કાર્ડ પણ લોન્ચ કર્યું છે, એટલે કે હવે ભારતનું RuPay કાર્ડ UAEમાં પણ કામ કરશે. ત્યારબાદ PM મોદીએ રાજધાની અબુધાબીમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો, જ્યાં ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભારતના વિવિધ રાજ્યો અને ધર્મના લોકો અહીં આવ્યા છે, પરંતુ દરેકના દિલ જોડાયેલા છે. PM મોદીએ કહ્યું કે, આ ઐતિહાસિક સ્ટેડિયમના દરેક ધબકારા સમાન પડઘો પાડે છે કે- ભારત-UAE મિત્રતા લાંબા સમય સુધી બની રહે.

    PM મોદીએ ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં કહ્યું કે, “આવો એવી યાદો લઈને જઈએ જે જીવનભર ટકી રહે, એવી યાદો જેને તમે અને હું હંમેશા સજાવીને રાખીશું.” તેમણે કહ્યું કે, તેઓ ત્યાં જનતાને મળવા આવ્યા છે. ‘મારા પ્રિય પરિવારજનો’ તરીકે જનતાને સંબોધતા PM મોદીએ કહ્યું કે, તેઓ તેમની સાથે 140 કરોડ ભારતીયોનો એક સંદેશ લઈને આવ્યા છે, અને તે સરળ પણ ગહન છે – ભારતને તમારા પર ગર્વ છે! તેમણે કહ્યું કે, UAEએ તેમને પોતાના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ જાએદ’થી સન્માનિત કર્યા, તે તેમના માટે સૌભાગ્યની વાત છે.

    વડાપ્રધાને કહ્યું કે, આ સન્માન માત્ર તેમનું જ નથી, પરંતુ કરોડો ભારતીયોનું સન્માન છે, તે તમારા બધાનું સન્માન છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે અમીરાતી મિત્રોએ ભારતીયોને તેમના હૃદયમાં સ્થાન આપ્યું છે અને તેમને તેમના સુખ-દુઃખમાં ભાગીદાર બનાવ્યા છે. PM મોદીએ કહ્યું કે, આ સંબંધ દિવસેને દિવસે વધુ મજબૂત બની રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, વર્ષ 2015માં જ્યારે અબુધાબીમાં અહીં મંદિર બનાવવાનો પ્રસ્તાવ તમારા બધા વતી તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે તેમણે એક ક્ષણ પણ બગાડ્યા વિના તરત જ હા પાડી દીધી હતી.

    ‘જે જમીન પર રેખા ખેંચી ખેંચી નાખશો, તે આપી દઈશ’

    PM મોદીએ કહ્યું, “તેમણે (UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને) તો ત્યાં સુધી કહી દીધું કે, જે જમીન પર રેખા ખેંચી લેશો, તે હું આપી દઈશ. હવે અબુધાબીમાં આ ભવ્ય અને દિવ્ય મંદિરના લોકાર્પણનો સમય આવી ગયો છે. આજે 21મી સદીના આ ત્રીજા દાયકામાં ભારત અને UAE વચ્ચેના સંબંધો અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી રહ્યા છે. આપણે એકબીજાના વિકાસમાં ભાગીદાર છીએ. આપણો સંબંધ પ્રતિભા, નવીનતા અને સંસ્કૃતિનો છે. આજે UAE ભારતનું ત્રીજું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે.”

    PM મોદીએ કહ્યું કે, તેમને દરેક ભારતીયની ક્ષમતામાં એટલો વિશ્વાસ છે કે આ વિશ્વાસના આધારે તેમણે ગેરંટી પણ આપી છે. તેમણે કહ્યું કે, “મોદીએ તેમના ત્રીજા કાર્યકાળમાં ભારતને ત્રીજા નંબરનું અર્થતંત્ર બનાવવાની ગેરંટી આપી છે અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી.” PM મોદીએ કહ્યું કે, “આજે દુનિયા ભારતને એક વિશ્વ બંધુ તરીકે જોઈ રહી છે, આજે વિશ્વના દરેક મોટા મંચ પર ભારતનો અવાજ સાંભળવામાં આવે છે. ક્યાંય પણ સંકટ આવે તો ત્યાં પહોંચનાર પ્રથમ દેશોમાં ભારતનું નામ આવે છે.” સાથે તેમણે માહિતી પણ આપી કે, ટૂંક સમયમાં ભારતની ઓનલાઈન ઈન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ UPI ફ્રાન્સ, શ્રીલંકા અને મોરેશિયસની જેમ UAEમાં પણ લોન્ચ કરવામાં આવશે.

    વડાપ્રધાન મોદીએ વિકસિત ભારતને લઈને પણ વાત કરી હતી, તેમણે કહ્યું કે, “આજે એક-એક ભારતીયનું લક્ષ્ય 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. દુનિયાનો તે દેશ જેની અર્થવ્યવસ્થા ઘણી જ ઝડપથી આગળ વધી રહી છે. તે દેશ આપનો ભારત છે. આપણું ભારત સ્માર્ટ ફોન ડેટા કન્ઝ્યુમ કરવામાં દુનિયામાં નંબર વન છે.”

    કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ નેતાઓના ઠેકાણાં પર EDના દરોડા: ₹31 લાખ સહિત અનેક દસ્તાવેજો જપ્ત, મની લોન્ડરિંગ મામલે ચાલી રહી છે તપાસ

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં અનેક ઠેકાણાં પર કાર્યવાહી હાથ ધરી છે. મની લોન્ડરિંગ કેસ મામલે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય ભરત રેડ્ડી, સૂર્ય નારાયણ રેડ્ડી અને બીજા અન્ય આરોપીઓના ઠેકાણાં પર EDના દરોડા પડ્યા છે. આ સાથે આંધ્રપ્રદેશમાં પણ આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અનેક ઠેકાણાં પર સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે.

    મંગળવારે (13 ફેબ્રુઆરી) EDએ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં એકસાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસ મામલે કરવામાં આવી રહી હોવાના સમાચાર છે. કર્ણાટક કોંગ્રેસના નેતા ભરત રેડ્ડી અને સૂર્ય નારાયણ રેડ્ડી સહિત અનેક લોકો આ મામલે આરોપી છે. તેને લઈને EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં EDના દરોડા દરમિયાન લાખો રૂપિયાની બિનહિસાબી રોકડ મળી આવી છે. જેને એજન્સી દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે. એ સિવાય પણ અન્ય ઘણા દસ્તાવેજો હાથ લાગ્યા છે.

    EDએ આ મામલે જણાવ્યું છે કે, બંને રાજ્યોમાંથી કાર્યવાહી દરમિયાન ₹31 લાખની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે. સાથે એજન્સી દ્વારા કહેવામાં આવ્યું કે, આ મામલે કર્ણાટકના બેલ્લારીમાં FIR દાખલ કરવામાં આવી હતી અને આ મામલે 10 ફેબ્રુઆરીએ સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા સૂર્ય નારાયણ રેડ્ડી અને ભરત રેડ્ડી વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સાથે કર્ણાટકમાં આ મામલે FIR પણ નોંધાઈ હતી.

    તપાસ એજન્સીને સર્ચ ઓપરેશન દરમિયાન અન્ય પણ અનેક પુરાવા મળ્યા છે. જે બાદ એજન્સીએ દાવો કર્યો છે કે, કોંગ્રેસ નેતા ભરત રેડ્ડીએ કથિત રીતે વિધાનસભા ચૂંટણીના થોડાક જ મહિનામાં લગભગ ₹42 કરોડ એકત્ર કર્યા હતા અને તેનો ઉપયોગ ગેરકાયદેસર વ્યવહારો માટે કરવામાં આવ્યો હતો.

    અનેક દસ્તાવેજો અને પુરાવા મળી આવ્યા

    આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ED દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ગુનાહિત દસ્તાવેજો, બિઝનેસ રેકોર્ડ્સ અને સ્થાવર અને જંગમ મિલકતોની વિગતોનું નેટવર્ક મળી આવ્યું છે. એજન્સીએ કહ્યું છે કે, આ સમયગાળા દરમિયાન બિનહિસાબી રકમ સાથે અનેક મહત્વપૂર્ણ પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે અને તેને જપ્ત કરી લેવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે ભરત રેડ્ડી, તેના સહાયક રથના બાબુ અને અન્ય લોકો ગેરકાયદેસર ચુકવણી માટે રોકડ એકત્ર કરવામાં સામેલ હતા. EDની તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, શરથ રેડ્ડી (ભરત રેડ્ડીના ભાઈ)એ વિદેશી કંપનીઓમાં રોકાણ કર્યું હતું. EDએ કહ્યું છે કે, આ સમગ્ર કેસ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

    હવે UAEમાં પણ UPIથી પેમેન્ટ કરી શકાશે: વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શેખ મહોમ્મદ બિને કરી શુભ શરૂઆત, કરશે જનમેદનીને સંબોધન

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAE પહોંચી ચુક્યા છે. અબુધાબી એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ શેખ મહોમ્મદ બિન સલામને ભેટીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પહોંચતાની સાથે જ તેમને ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે UAEમાં પણ UPI પેમેન્ટ સુવિધા શરૂ કરાવી હતી. UAE ખાતે વડાપ્રધાન મોદીની આ સાતમી યાત્રા છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAE પહોંચ્યા પોતાના સ્વાગતને લઈને X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “અબુધાબી એરપોર્ટ પર મારા સ્વાગત માટે સમય કાઢવા બદલ હું મારા ભાઈ શેખ મહોમ્મદ બિન સલમાનનો ખુબ આભારી છું. આ યાત્રા ભારત અને UAE વચ્ચેની મિત્રતા મજબુત થશે તેવી મને આશા છે.

    હવે UAEમાં પણ ચાલશે UPI

    ઉલ્લેખનીય છે કે UAE પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને અબુધાબીમાં UPI RuPay કાર્ડ સેવાની શરૂઆત કરી હતી. હવેથી ભારતીયો UAEમાં પણ UPI RuPay કાર્ડની સેવાઓ મેળવી શકશે. આ શરૂઆતથી ભારતીઓને પડતી કરન્સી કન્વર્ટની તકલીફમાં ઘટાડો થશે.

    શું કહ્યું વડાપ્રધાન મોદીએ?

    અબુધાબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત માટે રાષ્ટ્રપતિ તેમજ અન્ય લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, “ભાઈ હું સહુથી પહેલા તો અમારું અને અમારી ટીમનું શાનદાર અને ઉસ્માભર્યું સ્વાગત કરવા બદલ હૃદયથી આભાર માનું છું. અને જેમ આપે કહ્યું તેમ હું સંપૂર્ણપણે અનુભવી શકુ છું કે મને હંમેશા એવું લાગ્યું છે કે હું જયારે પણ અહીં આવ્યો છું, મને એમ થયું છે કે હું મારા જ ઘરે મારા જ પરિવારના સભ્યો પાસે આવ્યો છું. આપણા સંબંધોની ઘનતા એવી છે કે પાછલા સાત મહિનામાં આપણે પાંચ વાર મળ્યા છીએ. આ ખુબ રેરલી થાય છે, આ આપણી નિકટતા છે. દરેક ક્ષેત્રમાં આપણે જે પ્રકારે આગળ વધી રહ્યા છીએ અને આજે ભારત UAE વચ્ચે દરેક ક્ષેત્રમાં ભાગીદારી થઈ રહી છે.”

    તેમણે કહ્યું કે, “આજે આપણે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કરવા જઈ રહ્યા છીએ, આજે આપણું UPI અને RuPay કાર્ડનો નવો યુગ શરૂ થઇ રહ્યો છું. હું આપનો હ્રદયથી આભાર માનું છું કે મારા આમંત્રણ પર સમય કાઢીને મારા હોમ સ્ટેટ આવ્યા અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટને એક નવી ઊંચાઈ આપી અને તેના કારણે ગૌરવ પણ વધ્યું છે અને વિશ્વમાં તે ઇવેન્ટની પ્રતિષ્ઠા વધી છે. આપનું ત્યાં આવવું અને ઉદબોધન આપવું તે આજે પણ અમારા દેશના લોકો માટે ઉત્સાહવર્ધક છે. આપનો ભારત પ્રત્યેનો લગાવ અને ઉજ્જવળ ભવિષ્યનું જે વિઝન છે તે હું BAPS મંદિર દ્વારા જોઈ શકુ છું. આપના સહયોગ વગર તે શક્ય નહતું. પ્રથમ મુલાકાતમાં જ મેં આપને કહ્યું હતું કે આપ જરા તે તરફ જોજો અને આંખના પલકારામાં જ આપે કહ્યું કે આપ માત્ર આંગળી મુકો જગ્યા મળી જશે. આટલો વિશ્વાસ આટલો પ્રેમ એ પોતાનામાં જ સંબંધોનું ઊંડાણ દર્શાવે છે.”

    ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ UAEના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. રાત્રે કમ્યુનીટી ઇવેન્ટમાં સંબોધન બાદ 14 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવ્ય હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે.

    PM મોદીનો એડિટેડ વિડીયો શેર કરી અનામત મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવું ભારે પડ્યું, સાઈબર ક્રાઈમે ધરપકડ કરી: AAPમાંથી ટિકિટ માંગી ચૂક્યો છે આરોપી

    થોડા દિવસ અગાઉ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો હતો. આ વિડીયોમાં કાપકૂપ કરીને એવું દર્શાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં અનામતના વિરોધમાં નિવેદન આપી રહ્યા હોય. જોકે વડાપ્રધાન મોદીનો ક્રોપ્ડ વિડીયો વાયરલ કરવાવાળાને અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપીને જેલ હવાલે કરી દીધો છે.

    મળતી માહિતી અનુસાર આરોપીનું નામ મહેન્દ્ર ડોડીયા છે. તેણે અજાણ્યા સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વડાપ્રધાન મોદીનો મોડીફાઈડ વિડીયો શેર કર્યો હતો. આરોપીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદમાં અનામતને લઈ આપેલ ભાષણ સાથે છેડછાડ કરી એક બનાવટી વિડીયો વાયરલ કર્યો હતો. સાયબર ક્રાઈમે જાહેર કરેલી પ્રેસનોટ અનુસાર આરોપીએ અનામતને લઈ જનતાને ગેરમાર્ગે દોરી અને વાતાવરણને તંગ કરવાના હેતુથી આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વિડીયો વાયરલ થયા બાદ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવતા સાયબર ક્રાઈમે તેને ઝડપીને જેલ હવાલે કરી દીધો છે.

    આમ આદમી પાર્ટીમાંથી માંગી હતી ટિકિટ

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીનો ક્રોપ્ડ વિડીયો શેર કરનાર આરોપી મહેન્દ્ર ડોડીયા અમદાવાદના ઓઢવનો રહેવાસી છે અને ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલો છે. મહાનગર પાલિકાની ચૂંટણીમાં તેણે દસ્ક્રોઇ વોર્ડને લઈને આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ માંગી હતી. આગામી લોકસભા ચૂંટણીને લઈને પાર્ટીમાંથી ટિકિટ મળે અને સમાજમાં તેનું વર્ચસ્વ ઉભુ થાય તેવા ઇરાદે તેણે પીએમ મોદીની છબી ખરડાય તે હેતુથી વિડીયો સાથે છેડછાડ કરીને તેને વાયરલ કર્યો હતો.

    શું હતી આખી ઘટના?

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજ્યસભાના ભાષણમાંથી આસપાસના સંદર્ભ વગર ક્લિપ ઉઠાવી લઈને સોશિયલ મીડિયા પર શૅર કરીને ભ્રમણા ફેલાવવા બદલ એક ફેસબુક અકાઉન્ટ અને અન્ય એક યુ-ટ્યુબ ચેનલ સામે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી. રાજ્યસભામાં સંબોધન કરતી વખતે PM નરેન્દ્ર મોદીએ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના અનામત વિશેના વિચારો ટાંક્યા હતા. પરંતુ તેને પીએમ મોદી પોતે પોતાના વિચારો તરીકે રજૂ કરતા હોય તે રીતે દર્શાવીને સોશિયલ મીડિયા પર ક્લિપ ફરતી કરવામાં આવી હતી.

    સાયબર ક્રાઇમ પોલીસે IPCની કલમ 153A, 369 અને 505 હેઠળ મહેન્દ્ર વિરુદ્ધ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે તેનો ફોન પણ જપ્ત કરીને તપાસ અર્થે મોકલી આપ્યો છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    કતાર મામલે સુબ્રમણ્યમ સ્વામીએ ફેલાવ્યું હતું જુઠ્ઠાણું, હવે શાહરૂખે ખાને ખોલી નાખી પોલ: કહ્યું ‘બધો શ્રેય સરકારનો, મારી કોઈ ભુમિકા નહિ’

    તાજેતરમાં જ ભારતની કેન્દ્ર સરકારે કતાર જેલમાંથી તેના 8 પૂર્વ નૌકાદળના અધિકારીઓને મુક્ત કરાવ્યા હતા. આ તમામ અધિકારીઓને કતારમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ ભારત સરકારના હસ્તક્ષેપ બાદ તેને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી. નૌસેનાના પૂર્વ સૈનિકોની મુક્તિ બાદ તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. ત્યારે ભાજપના પૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ કાર્યનો શ્રેય શાહરૂખને આપતા એક નિવેદન આપ્યું હતુ. જેમાં તેમણે કહ્યું કે, આ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની દરમિયાનગીરીને કારણે શક્ય બન્યું છે. જે પછી આ ચર્ચાનો વિષય બન્યો હતો.

    જોકે, હવે શાહરૂખ ખાને પણ આ વિષયે પોતાની પ્રતિક્રિયા આપતા, તમામ બાબતોનો ખુલાસો કર્યો છે. શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ અભિનેતાની ઓફિસ દ્વારા જાહેર કરાયેલ નિવેદનને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કતારના પૂર્વ નૌસેના અધિકારીઓને મુક્ત કરવામાં શાહરૂખ ખાનની કથિત ભૂમિકા અંગેના અહેવાલોના સંબંધમાં, અભિનેતા સ્પષ્ટ કરે છે કે, આમાં તેમની સંડોવણી કે દરમિયાનગીરી અંગેના દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે.

    SRKની ઓફિસે કહ્યું કે, આવા અહેવાલો તદ્દન પાયાવિહોણા છે. આ અભિયાનને સફળ બનાવવાનો તમામ શ્રેય ભારત સરકારના અધિકારીઓને જાય છે અને તેમાં શાહરૂખ ખાનની કોઈ ભૂમિકા નથી. નિવેદનમાં એમ પણ ઉમેરવામાં આવ્યું છે કે, રાજદ્વારી અને શાસન સંબંધિત તમામ બાબતો અમારા સક્ષમ નેતાઓ દ્વારા હાથ ધરવામાં આવે છે અને તમામ ભારતીયોની જેમ શાહરૂખ ખાન પણ કતારમાં ફસાયેલ નૌસેના પૂર્વ અધિકારીઓની વાપસીથી ખુશ છે.

    ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ચર્ચાઓ સુબ્રમણ્યમ સ્વામીના એક ટ્વીટના કારણે શરૂ થઈ હતી. ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે , “મોદીએ સિનેમા સ્ટાર શાહરૂખ ખાનને પોતાની સાથે કતાર લઈ જવા જોઈએ. જ્યારે કેન્દ્રીય વિદેશ મંત્રાલય (MEA) અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) કતારના શેખને મનાવવામાં નિષ્ફળ ગયા, ત્યારે મોદીએ શાહરૂખ ખાનને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી. આ ઉપરાંત આપણા પૂર્વ નૌકાદળના અધિકારીઓની મુક્તિ માટે કતારના શેખ સાથે ખૂબ જ ખર્ચાળ ડીલ કરવામાં આવી છે”

    ‘…ભારત પાસે વાત કરવાની હિંમત નથી’: કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે પાકિસ્તાનમાં જઈને ઓક્યું રાષ્ટ્રવિરોધી ઝેર, કહ્યું- આવું સ્વાગત ક્યાંય નથી જોયું

    કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે ફરી એકવાર ભારત વિરોધી નિવેદનો આપીને પાકિસ્તાનની પ્રશંસા કરી છે. કોંગ્રેસ નેતા એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પાકિસ્તાનમાં સ્થિત લાહોર ગયા હતા. જ્યાં તેમણે પાકિસ્તાનની ભરપૂર પ્રશંસા કરી હતી. સાથે તેમણે ભારત વિરોધી નિવેદન પણ આપ્યા હતા. એ ઉપરાંત તેમણે વડાપ્રધાન મોદીની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત પાસે સર્જીકલ સ્ટ્રાઈક કરવાની હિંમત છે, પણ બેસીને વાત કરવાની હિંમત નથી. આ ઉપરાંત તેમનો પાકિસ્તાન પ્રેમ પણ ઝળકીને બહાર આવ્યો હતો. તેઓ પાકિસ્તાનની આગતા-સ્વાગતાથી ઓળઘોળ થઈ ગયા હતા.

    રવિવાર (11 ફેબ્રુઆરી) કોંગ્રેસ નેતા મણિશંકર ઐયર પાકિસ્તાન પહોંચ્યા હતા. જ્યાં તેમણે લાહોરના અલહમરામાં ફૈઝ મહોત્સવમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ત્યાં સંબોધન પણ કર્યું હતું. મણિશંકર ઐય્યરે સંબોધન દરમિયાન પાકિસ્તાનની ભરપૂર પ્રશંસા કરી હતી. બીજી તરફ તેમણે વડાપ્રધાન મોદી અને ભારતની ટીકા પણ કરી હતી. સાથે તેમણે પાકિસ્તાનીઓને ભારતની સૌથી મોટી સંપતિ ગણાવી હતી. તેમણે સંબોધનમાં કહ્યું કે, “મારા અનુભવથી પાકિસ્તાની એવા લોકો છે, જે કદાચ બીજા પક્ષ પર જરૂરતથી વધુ પ્રતિક્રિયા કરે છે. જો આપણે મૈત્રીપૂર્ણ હશું તો તેઓ પણ દોસ્તાના હશે. જો આપણે તેના દુશ્મન બનશુ તો તેઓ પણ ગાઢ દુશ્મન બનશે.”

    પાકિસ્તાનના આતિથ્યની પ્રશંસા કરતાં મણિશંકર ઐયરે કહ્યું કે, “હું ક્યારેય એવા દેશમાં નથી ગયો જ્યાં મારુ આવી રીતે ખુલ્લા હાથે સ્વાગત કરવામાં આવ્યું હોય જેવી રીતે પાકિસ્તાનમાં થયું. આવું સ્વાગત ક્યાંય નથી જોયું.” પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર, મણિશંકરે પાકિસ્તાન સાથે વાતચીત નહીં કરવાને વડાપ્રધાન મોદીની ‘સૌથી મોટી ભૂલ’ ગણાવી હતી.

    ‘ભારત પાસે વાત કરવાની હિંમત નથી’- ઐયર

    મણિશંકર ઐયરે વધુમાં કહ્યું કે, “છેલ્લા 10 વર્ષોમાં અમે જે સૌથી મોટી ભૂલ કરી છે તે પાકિસ્તાન સાથે વાતચીત કરવાનો ઇનકાર છે. ભારત પાસે તમારી વિરુદ્ધ સર્જીકલ સ્ટ્રાઈક કરવાની હિંમત છે. પરંતુ અમારી સાથે બેસીને વાત કરવાની હિંમત નથી.” જોકે, આ પહેલીવાર નથી કે મણિશંકર ઐયરનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ ઝળકયો હોય. ઓગસ્ટ, 2023માં તેમણે કહ્યું હતું કે, “વડાપ્રધાન મોદી પહેલાં દરેક પ્રધાનમંત્રીએ પાકિસ્તાન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે તો તે સદંતર બંધ છે.”

    તેમણે કહ્યું કે, જ્યારે તેઓ કરાચીમાં કોન્સ્યુલ જનરલ તરીકે હતા, ત્યારે દરેક પાકિસ્તાની તેમની અને તેમના પત્નીની સંભાળ રાખતા હતા. તેમણે ઉમેર્યું કે, તેમના પુસ્તક ‘મેમોયર્સ ઓફ અ મેવરિક’માં તેમણે આવી ઘટનાઓ વિશે લખ્યું છે, જે પાકિસ્તાનને ભારતીયોની કલ્પના કરતાં સંપૂર્ણપણે અલગ દેશ તરીકે દર્શાવે છે. ઐયરે કહ્યું કે, “પાકિસ્તાન પ્રત્યે સદભાવનાની જરૂર હતી, પરંતુ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પહેલીવાર સરકાર બની ત્યારથી છેલ્લા 10 વર્ષમાં સદભાવનાને બદલે વિપરીત પરિસ્થિતિ સર્જાઈ છે.”

    ઇસ્લામિક દેશમાં હિંદુ મંદિરના ઉદ્ઘાટનથી કટ્ટરપંથી મુસ્લિમો થયા નારાજ, સોશિયલ મીડિયા પર ઓક્યું ઝેર: UAE સરકારને ગણાવી શેતાન

    દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ UAEના પ્રવાસ પર છે. જ્યાં તેઓ બુધવારે (14 ફેબ્રુઆરી 2024) અબુધાબીમાં બનેલા હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. UAEમાં 27 એકર જમીન પર બનેલા મંદિરની વિશેષતા એ છે, તે ઇસ્લામિક દેશની ધરતી પર નિર્માણ પામેલું વર્તમાનનું પહેલું હિંદુ મંદિર છે. સ્વામિનારાયણ સંપ્રદાયની BAPS સંસ્થા દ્વારા આ મંદિરનું નિર્માણકાર્ય કરવામાં આવ્યું છે. દેશમાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ PM મોદી હવે ઇસ્લામિક દેશમાં બનેલા સૌથી મોટા હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. જેને લઈને હિંદુ સમુદાય ખુબ જ ખુશ છે, અને UAEની સરકારે પણ આ ઘટનાને ખાસ ગણાવી છે. એકબાજુ જ્યાં UAEની સરકાર મંદિર ઉદ્ઘાટનને ખાસ ગણાવી રહી છે, ત્યાં બીજી બાજુ કટ્ટરપંથી મુસ્લિમો મંદિર નિર્માણથી નારાજ છે, અને UAE સરકાર પર ભડકી ઉઠ્યા છે.

    પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર ઠાલવતા તેઓ UAE સરકારને કોસી રહ્યા છે. UAEની એક ન્યુઝ ચેનલ ખલીજ ટાઈમ્સ (Khaleej Times)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હિંદુ મંદિરના ઉદ્ઘાટનને લગતી માહિતી પોસ્ટ્સ કરી હતી. જે પછી ઇસ્લામિક દેશમાં હિંદુ મંદિરના નિર્માણથી અકળાયેલા કટ્ટરપંથીઓએ તેનાં પર કોમેન્ટ્સ કરવાનું ચાલુ કર્યું હતું.

    ખલીજ ટાઈમ્સએ મંદિર ઉદ્ઘાટન કાર્યક્રમની માહિતી શેર કરી હતી, જેમાં ત્યાના સ્થાનિક ગુરુદ્વારા દ્વારા મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે 5000 હજાર લોકો માટે લંગરના આયોજન વિશે જણાવ્યું હતું. જેના પર અસરાર શેખ નામનાં એક યુઝર લખ્યું કે, “તેઓ તમારી મસ્જિદોને તોડી રહ્યા છે, અને તમે તેમના માટે મંદિરો બનાવી રહ્યા છો. વાહ, શરમ આવે છે જેઓએ આ મંદિરના નિર્માણને મંજૂરી આપી છે અને ફંડ આપ્યું છે”

    બીજા એક યુઝરે લખ્યું કે,”શું થઈ રહ્યું છે? તેઓ ભારતમાં મસ્જિદને તોડી રહ્યા છે અને મુસ્લિમને મારી નાખે છે. શું તમને શરમ આવે છે #UAEના બેશરમ લોકો?”

    બીજા એક યુઝરે હિંદુઓને કટ્ટર ગણાવતા જ્ઞાન આપ્યું કે, “પ્રતિષ્ઠિત હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરવા માટે અબુ ધાબીના શાસકનો હૃદયપૂર્વક આભાર. હિંદુ કટ્ટરપંથીઓએ પણ પોતાનો અંતરાત્મા શોધવો જોઈએ અને ધર્માંધતાને ખતમ કરવા આગળ આવવું જોઈએ. મુસ્લિમોની મસ્જિદોને તોડવાની કોઈ જરૂર નથી. આ વલણ બંધ થવું જોઈએ.”

    એક યુઝરે તો UAE અને તેની સરકારને શેતાન સાથે સરખાવી દીધી, તેણે લખ્યું, “એટલા માટે કોઈ પણ મુસ્લિમ આરબ નેતા તરફથી આર્જેન્ટિનાના નેતા પર કોઈ નિવેદન આવ્યું નથી, જે અલ અક્સા મસ્જિદને તોડી પાડવાની વાત કરી રહ્યો છે. આ કહેવાતા મુસ્લિમ આરબ નેતાઓ શેતાનની પૂજા કરે છે, ઝિઓનિસ્ટનો એક ભાગ, દજ્જાલ જૂથના છે.”

    ઉલ્લેખનીય છે કે, દેશમાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે પણ કટ્ટરપંથીઓ અને વામપંથીઓએ ખુબ વિરોધ કર્યો હતો. ત્યારે ફરી એકવાર ઇસ્લામિક દેશમાં નિર્માણ પામેલા હિંદુ મંદિરને લઈને કટ્ટરપંથીઓ ઝેર ફેલાવી રહ્યા છે. પીએમ જે મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે તે અબુ ધાબીનું પહેલું હિંદુ મંદિર છે. આ મંદિર સંયુક્ત આરબ અમીરાતના અમીર વ્યક્તિ દ્વારા ભેટમાં આપવામાં આવેલી 27 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે.

    ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખ વિવિધ યુનિવર્સીટીના 100 પ્રોફેસરો સાથે ભાજપમાં જોડાયા: સીઆર પાટીલે પહેરાવ્યો ભગવો ખેસ

    છેલ્લા કેટલાક સમયથી વિપક્ષ ઉપરાંત વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. આ જ શ્રેણીમાં હવે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખ પ્રોફેસર રાજેન્દ્ર જાદવ ભાજપમાં જોડાયા છે. તેઓ એકલા જ નહીં, પરંતુ અનેક યુનિવર્સીટીના 100 જેટલા અધ્યાપકો પણ ભાજપમાં જોડાયા છે. ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં ખેસ પહેરીને તમામ ભાજપમાં જોડાયા હતા.

    મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખ પ્રોફેસર રાજેન્દ્ર જાદવ સીઆર પાટીલના હાથે ભગવો ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે સરદાર પટેલ યુનિવર્સીટીના પ્રોફેસર ડૉ ભરત બી. સોલંકી, ગુજરાત યુનિવર્સીટીના અધ્યાપક પીડી પટેલ, ગુજરાત યુનિવર્સીટીના જ અધ્યાપક અને સેનેટ સભ્ય વિપુલ સોલંકી, સરદાર પટેલ યુનિવર્સીટીના અધ્યાપક અને પૂર્વ કોર્પોરેટર જેપી બોડાદ, પ્રો. અરવિંદ ચૌધરી, પ્રો. રાજેન્દ્ર દવે, પ્રો. જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ સહિત લગભગ 100 અધ્યાપકો ભાજપમાં જોડાયા હતા.

    ભાજપમાં જોડાયા બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા પ્રોફેસર રાજેન્દ્ર જાદવે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “મુખ્ય હેતુ શિક્ષણ સાથે સમાજ સેવા થાય, રાજકારણ થકી લોકોની પરિસ્થિતિઓમાં સુધારો લાવી શકાય એ હેતુથી ભાજપમાં જોડાયો છું. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી દ્વારા આખા દેશમાં વિકાસનો રથ ચાલી રહ્યો હોય, ત્યારે સમાજના જવાબદાર વ્યક્તિ તરીકે અમારી પણ એક ફરજ બને છે કે અમે પણ તેમાં સહયોગી થઈએ. ભાજપ સરકાર પર આવો જ ભરોસો રાખીને અમે તેમાં જોડાયા છીએ.”

    100 પ્રધ્યાપકો વિધિવત રીતે ભાજપમાં જોડાયા- પ્રો. જાદવ

    પાર્ટીમાં કેવા પ્રકારની કામગીરી અને જવાબદારી રહેશે તે વિશે ઑપઇન્ડિયા સાથે વાત કરતા પ્રો. રાજેન્દ્ર જાદવ જણાવે છે કે, “માનનીય સીઆર પાટીલ સાહેબે અમારી સાથે ચર્ચા કરી જ છે. કયા અધ્યાપકો કેવા પ્રકારની કામગીરી કરી શકે તેમ છે તેનો અભ્યાસ કરવામાં આવશે અને બાદમાં તેમની રૂચી અનુસાર તેમને કામ સોંપવામાં આવશે.”

    તેમની સાથે કેટલા પ્રધ્યાપકો ભાજપમાં જોડાયા તે સવાલના જવાબ પર તેઓ જણાવે છે કે, “આજે લગભગ 100 જેટલા અધ્યાપકો મારી સાથે હાજર હતા અને મારી સાથેના તમામ અધ્યાપકો ભાજપમાં જોડાયા છે. મારી સાથે જુદી-જુદી યુનિવર્સીટીના સેનેટર- પૂર્વ સેનેટર રહી ચુકેલા કેટલાક અન્ય સભ્યો પણ ભાજપમાં જોડાયા છે. કુલ 100 પ્રધ્યાપકો મારી સાથે ભાજપમાં જોડાયા છે.”

    કોંગ્રેસી MLAએ પણ ધારણ કર્યો હતો ભગવો

    ઉલ્લેખનીય છે કે થોડા કલાકો અગાઉ જ પૂર્વ કોંગ્રેસ MLA સી.જે. ચાવડા 1500 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. માત્ર તેઓ જ નહીં, પણ વિજાપુર ખાતે તેમના 1500 જેટલા સમર્થકો, કોંગ્રેસના પૂર્વ હોદેદારો અને કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા.

    પાર્ટીમાં જોડાયા બાદ તેમણે કહ્યું હતું કે, “મેં ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે અને હવે હું ભાજપમાં જોડાઈ ગયો છું. મને જે પણ કામગીરી આપવામાં આવશે તે હું કરીશ. આજે 1500 કાર્યકરો અને અનેક આગેવાનો સાથે આજે ભાજપમાં જોડાયો છું. મેં આ જિલ્લામાં કામ કર્યું છે, કોને શું જોઈએ એનાથી હું માહિતગાર છું અને મારે જે પણ કામ કરવાનું થશે એના માટે હું તૈયાર છું.”

    આ ઉપરાંત તેમણે કોંગ્રેસને આડેહાથ લેતાં કોંગ્રેસની કાર્યશૈલી અને પાર્ટીના નેતાઓ સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, “કોંગ્રેસ જે રસ્તે ચાલે છે તે રસ્તે હું ચાલી શકતો નથી. કોંગ્રેસ સારી બાબતની પ્રશંસા કરવાની ક્ષમતા ગુમાવી ચુકી છે. રામમંદિરનો વિરોધ કોંગ્રેસ માટે યોગ્ય નથી. કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ જ અટવાયેલી છે. ભટકેલી કોંગ્રેસને જોઈએ એ દિશા દેખાડે એવું નેતૃત્વ હવે રહ્યું જ નથી.”

    હલ્દ્વાનીના મુસ્લિમ ટોળાને TheWireએ આપી ક્લીન ચીટ: પેનલમાં કહ્યું- મઝહબ માટે પથ્થરમારો કરવાથી આતંકવાદી નથી બની જતા

    કોર્ટના આદેશ પર ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં અતિક્રમણ હટાવવાનું કામ શરૂ થયું હતું. આ બાદ ઇસ્લામી કટ્ટરપંથીઓએ પોલીસ દળ અને નિગમ કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 300થી વધુ અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા છે. કટ્ટરપંથીઓએ પોલીસ પર ખાલી પથ્થરમારો જ નહોતો કર્યો, તેમણે પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા અને વાહનોને ભડકે બાળ્યા હતા. આ આખી ઘટના બાદ હવે પોલીસે આરોપીઓની ઓળખ કરીને ધરપકડ કરવાનું શરૂ કર્યું છે. ત્યારે હલ્દ્વાનીમાં પોલીસ પર પથ્થર અને પેટ્રોલ બોમ્બ ફેંકનાર કટ્ટરવાદી TheWireની નજરે નિર્દોષ છે.

    વામપંથી સિદ્ધાર્થ વરદરાજન દ્વારા સંચાલિત પ્રોપેગેન્ડા વેબસાઈટ ‘ધ વાયર’એ આ હિંસા અંગે પ્રોપેગેન્ડા ફેલાવવાનું શરૂ કરી દીધું છે. હંમેશા ઈસ્લામને પાક-સાફ ચિતરવામાં જોતરાયેલા રહેતી આરફા ખાનમ શેરવાનીએ હલ્દ્વાની હિંસા પર પેનલ ડિસ્કશનનું આયોજન કર્યું હતું.

    આ પેનલ ડિસ્કશનમાં સરકારી જમીન પર અતિક્રમણ કરનારા અને પછી તેને હટાવવા ગયેલી પોલીસ પર હુમલો કરનારા કટ્ટરવાદી મુસ્લિમોની નિર્દોષતા સાબિત કરવા માટે અનેક તર્ક-વિતર્ક રજૂ કરવામાં આવ્યા હતા. પેનલ ડિસ્કશનમાં અરફા ખાનમ શેરવાની ઉપરાંત પત્રકાર ત્રિલોચન ભટ્ટ, પત્રકાર ઉમાકાંત લાખેરા અને વાયરના અન્ય સંપાદક યાકુત અલી શામેલ હતા.

    અરફાએ પોતાના જેવી જ અન્ય એક પ્રોપેગેન્ડા વેબસાઈટ સ્ક્રોલના સમાચારનો હવાલો આપતા કહ્યું કે પોલીસ-પ્રશાસન કોર્ટના આદેશ વગર મસ્જિદ અને મદરેસાને તોડવા માટે પહોંચી ગયા હતા. તેમનું કહેવું છે કે રાજ્ય આ સાંપ્રદાયિક આધાર પર પોતાની રાજનીતિ કરવા માંગે છે. કોમી ઉન્માદ ફેલાવવાનો નાપાક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

    ધ વાયરના કર્મચારી યાકુત અલી હલ્દ્વાનીના સ્થાનિક લોકોને ટાંકીને કહે છે કે લોકોનું કહેવું હતું કે જો પોલીસ પ્રશાસન ઇચ્છે તો સ્થાનિક મુસ્લિમો સાથે વાત કરીને તેઓ આ મામલાનો ઉકેલ લાવી શક્યા હોત, પરંતુ સીધા બુલડોઝર સાથે આવીને ખૂબ જ ખરાબ રીતે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્યાં મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ તમામ સંવાદ વિડીયોની પહેલી 10 મિનિટમાં સાંભળી શકાય છે.

    જોકે, પોલીસે શા માટે ટોળા પર લાઠીઓ વરસાવી તે અંગે યાકુતઅલી અને અરફાએ કોઇ માહિતી નહોતી આપી. તેઓ એકતરફી નેરેટિવ રચવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાસ્તવમાં જ્યારે પોલીસ પ્રશાસન એક ગેરકાયદેસર મસ્જિદ અને મદરેસાને તોડવા માટે પહોંચ્યું ત્યારે મહિલાઓ અને સગીર છોકરાઓએ આગળ આવીને પોલીસ સામે વિરોધ કરવા લાગ્યા હતા. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ કારણે ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

    સાથે જ પથ્થરબાજોની તરફેણમાં વાત કરતા પેનલિસ્ટ ત્રિલોચન ભટ્ટનું કહેવું છે કે, એનએસએ હેઠળ તેમની (મુસ્લિમો) વિરુદ્ધ કેસ દાખલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સૌથી મોટી વાત તે છે. માની લઈએ કે તેમણે પથ્થરમારો કર્યો હતો, પરંતુ ધાર્મિક સ્થળને બચાવવા માટે ધાર્મિક ભાવનાઓ હેઠળ (પથ્થરમારો) કરી દીધો હશે. તો શું તમે તેમના પર એનએસએ (રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ) થોપશો? તેઓ આતંકવાદી થોડા છે. તેમને સીધા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. વિડીયોમાં આ નિવેદન 13મી મિનિટથી 13:22 સુધી સાંભળી શકાય છે.

    પત્રકાર લાખેરાનું કહેવું છે કે રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા ઉશ્કેરણી કરવામાં આવી છે અને તેમના વિના આ ઘટના બને જ નહીં. તેઓએ સ્થાનિક પોલીસ વહીવટને સસ્પેન્ડ કરવાની માંગ પણ કરી હતી. લાખેરાનું કહેવું છે કે, અતિક્રમણ હટાવવાની કાર્યવાહી શરૂ કરનાર મહાનગરપાલિકાના અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. તેમનું કહેવું છે કે સરકાર લઘુમતીઓને નિશાન બનાવવાનો માહોલ બનાવી રહી છે.

    લાખેરા પોતે પોતાના નિવેદનમાં સાબિત કરે છે કે જ્યાં મુસ્લિમો મોટી સંખ્યામાં હોય છે, તે જગ્યા કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સંવેદનશીલ બની જાય છે. તે કહે છે કે, “શું ત્યાં કોઈ હાઈવે બનાવવામાં આવી રહ્યો હતો? સાંકડી એવી શેરી છે. તેમાં બુલડોઝર લઈને જવું અને લોકોને ઉશ્કેરવા અને વાતાવરણ બગાડવા માટે, તેઓએ એક એવો વિસ્તાર પસંદ કર્યો જે પહેલાથી જ સંવેદનશીલ હોય. ત્યાં માઈનોરીટી રહે છે.” (આને 19 મી મિનિટથી 19.27 સુધી સાંભળી શકાય છે.)

    મુસ્લિમોને નિર્દોષ સાબિત કરતા આરફા કહે છે કે, “સૌથી મોટી વાત એ છે કે તમે જેની પાસે અપીલ કરી રહ્યા છો, જો એ જ એક પાર્ટી હોય તો તેમના દ્વારા જ આખું કાવતરું રચવામાં આવે તો આખરે એક સામાન્ય નાગરિક, એક નિર્દોષ મુસ્લિમ જાય તો જાય ક્યા?” આરફાએ ધર્માંતરણ વિરોધ કાયદા પર પણ હતાશા જતાવી હતી.

    ભટ્ટ વધુમાં કહે છે કે, “પહાડી વિસ્તારોમાં મુસ્લિમોની વસ્તી ખૂબ જ ઓછી છે, તેથી તેમની નાની-નાની મજારો રસ્તાની બાજુમાં જોવા મળી જાય છે. તેમનું કહેવું છે કે તે મજારો પણ હિંદુઓ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે અને તેઓ તેનું નિર્માણ શા માટે કરી રહ્યા છે, તેનું કારણ એ છે કે પહાડોમાં આરોગ્યની કોઈ સુવિધા નથી હોતી. ત્યાંના લોકો ઉપરની શક્તિમાં વિશ્વાસ રાખે છે. જો કોઈ બીમારી થાય, તો તેઓ કહે છે કે તમને સૈયદ લાગી ગયો છે. સૈયદ લાગી જાય તો નાની-નાની મજારો બનાવી દેવામાં આવે છે.” (24:50 મિનિટથી 25:50 મિનિટ સુધી)

    હલ્દ્વાનીમાં પોલીસ પર પથ્થર અને પેટ્રોલ બોમ્બ ફેંકનાર કટ્ટરવાદી TheWireની નજરે નિર્દોષ છે. વાયરની આ સમગ્ર પેનલ ડિસ્કશનમાં એન્કરથી લઇને પેનલમાં બેઠેલા તમામ લોકોએ ત્યાંના મુસ્લિમોને માસુમ સાબિત કર્યા હતા. આ સાથે જ આ હુમલાનો તમામ દોષનો ટોપલો પ્રશાસન અને રાજ્ય સરકાર પર ઢોળી દેવામાં આવ્યો હતો. ચર્ચા દરમિયાન લોકોનું કહેવું છે કે, ચૂંટણીને લઈને મુસ્લિમોને ઉશ્કેરવામાં આવ્યા હતા.