Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોઈ ઘરનો એક માત્ર સહારો હતો, કોઈ વર્ષગાંઠ તો કોઈ જન્મદિવસ ઉજવીને...

    કોઈ ઘરનો એક માત્ર સહારો હતો, કોઈ વર્ષગાંઠ તો કોઈ જન્મદિવસ ઉજવીને આવ્યું હતું: વાંચો પુલવામાં હુમલામાં વીરગતિ પામેલા જવાનોની વણસાંભળેલી વાતો

    પુલવામાં હુમલામાં વીરગતિ પામેલા જવાનોની યાદીમાં સર્વોચ્ચ બલિદાન આપનાર નસીર અહેમદનો સમાવેશ થાય છે, તેઓ હુમલાના એક દિવસ પહેલા જ પોતાનો 46મો જન્મદિન મનાવીને ફરજ પર પાછા ફર્યા હતા.

    - Advertisement -

    આજથી 4 વર્ષ પહેલા આજના જ દિવસે, એટલેકે 14 ફેબ્રુઆરી 2019ના એ કારમા દિવસે જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે થયેલા ભયાવહ આતંકવાદી હુમલામાં CRPFના 40 જવાનો વીરગતિને પામ્યાં હતા, આ હુમલાની જવાબદારી ઇસ્લામિક આતંકવાદી સંગઠન જૈશ-એ-મુહમ્મદે લીધી હતી. આજે વાંચો પુલવામાં હુમલામાં વીરગતિ પામેલા જવાનોની વણસાંભળેલી વાતો.

    પુલવામાં હુમલામાં વીરગતિ પામેલા જવાનોની વણસાંભળેલી વાતો જણાવીએ પહેલા એક વાત કહેવી જરૂરી છે, આ ઘાતક હુમલા બાદ 12 દિવસ બાદ એટલે કે 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનાં બલાકોટમાં ઘુસીને એરસ્ટ્રાઈક કરી હતી. આ ઓપરેશનમાં વાયુસેનાએ જૈશ-એ-મુહમ્મદના 350 થી પણ વધુ આતંકવાદીઓ ઠાર માર્યા હતા. આજે પુલવામાં હુમલામાં વીરગતિ પામેલા જવાનોને અખો દેશ યાદ કરી રહ્યો છે.

    જન્મદિન ઉજવીને પરત આવ્યાં હતાં નસીર અહેમદ

    પુલવામાં હુમલામાં વીરગતિ પામેલા જવાનોની યાદીમાં સર્વોચ્ચ બલિદાન આપનાર નસીર અહેમદનો સમાવેશ થાય છે, તેઓ હુમલાના એક દિવસ પહેલા જ પોતાનો 46મો જન્મદિન મનાવીને ફરજ પર પાછા ફર્યા હતા. પોતાના જીવનના 22 વર્ષ સેનાને સમર્પિત કરનારા નસીર એ જ બસના કમાન્ડર હતા જેને આતંકવાદીઓએ ઉડાવી દીધી હતી. વીર નસીરનો પાર્થિવ દેહ જયારે તેમના વતન પહોંચ્યો ત્યારે દોદાસન દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખમાં આંસુ અને હ્રદયમાં આતંકવાદીઓ ભારોભાર રોષ હતો. નસીરનો દીકરો વારંવાર એક જ વાત કહી રહ્યો હતો, “પપ્પાની મોતનો બદલો લઈશ, પછીજ પોતાનો જન્મદિવસ મનાવીશ.”

    - Advertisement -

    સંજય રાજપૂતે પોતે જ વધાર્યા હતા નોકરીના 5 વર્ષ

    પુલવામામાં વીરગતિ પામેલા સંજય રાજપૂતે 20 વર્ષ સેનામાં રહીને દેશની સેવા કર્યા બાદ પણ પોતાની નોકરીના 5 વર્ષ સામે ચાલીને વધાર્યા હતા. પણ તેમને ક્યા ખબર હતી કે તેમનો આ નિર્ણય તેમને તેમના પરિવારથી હમેશા માટે દુર કરી દેશે. સંજયના 2 સંતાન છે, જેમની ઉમર 13 અને 10 વર્ષ છે. તેમના પરિવારમાં 4 ભાઈ અને 1 બહેન છે. તેઓ એક ભાઈને પહેલા જ એક અકસ્માતમાં ગુમાવી ચુક્યા હતા.

    ‘દીકરાને કરીશ સેનાને સમર્પિત’

    પુલવામાં હુમલામાં વીરગતિ પામેલા જવાનોની યાદીમાં આગલું નામ છે નીતિન રાઠોડનું, જેઓ પોતાના ઘરનું પાલનપોષણ કરનારા એક માત્ર કમાઉ દીકરા હતા. સાવ 23 વર્ષની ઉમરે વર્ષ 2006માં CRPFમાં ભરતી થનાર નીતિનના ઘરમાં તેમની પત્ની વંદના, દીકરો જીવન, દીકરી જીવિકા, મા સાવિત્રીબાઈ, પિતા શિવાજી, ભાઈ પ્રવીણ સહીત બે બહેનો પણ છે, નીતિનના વીરગતિ પામ્યા હોવાના સમાચાર મળ્યા બાદ તેમના ગામમાં કોઈના ઘરે ચૂલો નહતો સળગ્યો. એક તરફ વીરવર નીતિનનો પાર્થિવ દેહ પડ્યો હતો, અને બીજી તરફ તેમના પત્નીએ વીરાંગનાની જેમ ત્રાડ નાંખીને કહ્યું હતું કે તેઓ પોતાના દીકરાને પણ સેનામાં સમર્પિત કરશે, અને તેના વીરગતિ પામેલા પતિનું સપનું પૂરું કરશે.

    વીર કુલવિંદર સિંહની અંતિમ યાત્રામાં પહોંચ્યાં હતા તેમના મંગેતર

    14 ફેબ્રુઆરી 2019ના રોજ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતા પૂર્ણ હમલામાં કુલવિંદર સિંહ પણ વીરગતિ પામ્યાં હતા, તેઓ પરણિત તો ન હતા, પણ તેમની સગાઈ થઈ ચુકી હતી. જેમના સાથે આજીવન સાથે રહેવાના રંગીન સપના જોયા હતા તેમના વીરગતિ પામવાના સમાચાર સાંભળી કુલવિંદર સિંહના મંગેતર સાસરે દોડી આવ્યાં હતા. જીવનભર સાથે ન ચાલી શકવાના વસવસા સાથે તેઓ મા ભારતીના વીર સપુતની અંતિમ યાત્રામાં જોડાયા, અને તેમને અંતિમ વિદાય આપી હતી. કુલવિંદર સિંહના પિતા દર્શનસિંહ તેઓ માનવા તૈયાર જ ન હતા કે તેમણે તેમના જવાન દીકરાને હમેશા માટે ખોઈ દીધો છે. તેમણે હુમલો થયો તે દિવસથી જ પોતાના દીકરાની વર્દી પહેરી લીધી હતી. તેમના આ જુસ્સાને જોઈ લોકો ભાવવિભોર થઈ ગયા હતા.

    છીનવાઈ ગયો સહુથી નાનો દીકરો

    વીર અશ્વની કુમાર કાછી પણ આ હિચકારા હુમલામાં વીરગતિને પામ્યાં હતા. અશ્વની કુમાર તેમના પરિવારના સહુથી નાના દીકરા હતા, ચાર ભાઈઓમાં સહુથી નાના અશ્વની કુમારનું પહેલું પોસ્ટીંગ વર્ષ 2017માં શ્રીનગરમાં થયું હતું. તેમના વૃદ્ધ પિતાએ કહ્યું હતું કે તેમને તેમના દીકરાની મૃત્યુ પર ગર્વ છે, પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે હવે તે નથી રહ્યો. અશ્વની કુમાર પણ ઘરમાં કમાવા વાળા એક માત્ર દીકરા હતા, તેમની માતા પોતાના પાંચ બાળકોના ભરણપોષણ માટે બીડી બનાવવાનું કામ કરતા હત. જયારે અશ્વની કુમારની સેનામાં નોકરી લાગી ત્યારે તેમણે માતા પાસેથી બીડી બનાવવાનું કામ છોડાવી દીધું હતું.

    દીકરીના લગ્ન કરવા છોકરો જોવા જવાનાં હતા સંજય

    પુલવામાં હુમલામાં વીરગતિ પામેલા જવાનોની યાદીમાં આગલું નામ છે બિહારના સંજય કુમાર સિન્હાનું, તેમને તેમની મોટી દીકરી રૂબીના લગ્નની ચિંતામાં હતા, ફરજ પર પરત જતી વખતે તેમણે પરિવારને જલ્દી મળવાનું વચન આપ્યું હતું, સંજયે તેમને કહ્યું હતું કે તેમના પરત આવતાની સાથે જે તેઓ રૂબી માટે છોકરો જોવા જશે. પરિવારને પણ તેમના પાર્ટ આવવાની રાહ હતી. તેઓ તો પરત ન આવ્યા પણ તેમનો વીરગતિ પામેલો પાર્થિવ દેહ તેમના વતન આવ્યો. પરિવાર સહીત આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું, જયારે તેમના વીરગતિ પામવાના સમાચાર આવ્યા ત્યારે તેમના પત્ની ભોજન કરી રહ્યાં હતા, સમાચાર સાંભળતાની સાથે જ તેમના હાથમાં રહેલો કોળીયો છુટી ગયો…ને ઘરમાં આક્રંદ છવાઈ ગયું.

    લગ્નની ચોથી વર્ષગાંઠના દિવસે જ વીરગતિ પામ્યાં તિલક રાજ

    ‘સાહેબ મને પણ CRPFમાં નોકરી આપી દો’ ખોળામાં માત્ર એક મહિનાનું બાળક અને આંખોમાં જ્વાળા સાથે ગર્જના કરીને બોલેલા સાવિત્રી પુલવામાં હુમલામાં વીરગતિ પામેલા તિલક રાજના પત્ની ને જોઇને તત્કાલીન કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડા અને હાજર તમામ લોકો આ વીરાંગનાના શબ્દો સાંભળી જુસ્સાથી છલકાઈ ઉઠયા હતા, તિલક રાજ હિમાચલ પ્રદેશના કાંગડાના રહેવાસી હતા, જે દિવસે તેમણે માતૃભુમી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું તે દિવસે જ તેમના લગ્નની ચોથી વર્ષગાંઠ હતી.

    માસુમ દીકરી, રડતી પત્ની અને લાચાર બાપ તમામને છોડી ચાલ્યા ગયા વિજય

    પુલવામા હુમલામાં સર્વોચ્ચ બલિદાન આપનારા વીરવર જવાનોની યાદીમાં એક નામ દેવરિયાના CRPF જવાન વિજય કુમાર મૌર્યનું પણ છે, તેમના જતા રહ્યાં બાદ કેટલાયે સબંધો આજીવન હિબકે ચડી ગયા છે, એક વૃદ્ધ પિતાએ પોતાનો સહારો ગુમાવ્યો, એક પરિણીતાએ તેના માથાનું સિંદુર અને એક 3 વર્ષની માસુમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી, એટલું જ નહિ પોતાના ભીની દીકરીઓની જવાબદારી નિભાવતા વિજય તેમની 2 ભત્રીજીઓને પણ અસહાય મુકીને ચાલ્યા ગયા જેમના પિતાના મૃત્યું બાદ વિજય જ તેમને પિતાનો પ્રેમ આપી ઉછેરી રહ્યાં હતા.

    ગર્ભવતી પત્નીને એકલી મૂકી ચાલ્યાં ગયા વીર રતનસિંહ ઠાકુર

    14 ફેબ્રુઆરી પુલવામા આતંકવાદી હુમલામાં વીરગતિ પામેલા રતનસિંહ ઠાકુર પોતાની ગર્ભવતી પત્નીને અસહાય છોડીને ચાલ્યાં ગયા, તેમના પિતા નિરંજન ઠાકુરે જણાવ્યું હતું કે બપોરે દોઢ વાગ્યે રતને પત્ની રાજનંદીનીને ફોન કરીને જણાવ્યું હતું કે તે શ્રીનગર જઈ રહ્યા છે, અને સાંજ સુધી ત્યાં પહોંચી જશે. રતન ઠાકુરે તેમની પત્નીને હોળી પર ઘરે આવાનું વચન આપ્યું હતું. અને તેમની પત્ની તેમની રાહમાં દિવસો કાપી રહી હતી. રતનસિંહનો એક ચાર વર્ષનો દીકરો પણ છે, અને છેલ્લા ચાર વર્ષથી તેને પોતાના પિતાના પાર્ટ આવવાની રાહ છે.

    4 દિવસ પહેલા જ ફરજ પર પરત આવ્યાં હતા વીર અજીત કુમાર

    પુલવામા હુમલામાં અજીત કુમારનાં પરિવારે તેમને હમેશા માટે ખોઈ દીધા હતા, અજીતની ઉમર માત્ર 38 વરહ હતી. હજુ 4 દિવસ પહેલા જ તેઓ રજાઓ ગાળીને ડયુટી પર પરત ફર્યા હતા. અજીત કુમાર CRPFની 115મી બટાલીયનમાં ફરજ બજાવતા હતા. તેમના વીરગતિ પામ્યા હોવાના સમાચાર સાંભળીને જ ઘરમાં માતમ છવાઈ ગયું હતું. અજીતના ભાઈ રણજીતે જણાવ્યું હતું કે તેમના ભાઈ રજા ગાળવા ઘરે આવ્યા હતા, પણ 10 ફેબ્રુઆરીના રોજ રજાઓ સમાપ્ત થતાની સાથે જ તેઓ જમ્મુ ખાતે ફરજ પર પરત ફર્યા હતા.કોણે ખબર હતી કે અજીત તેમના પરિવારને અંતિમ વાર મળી રહ્યાં છે, ચાર દિવસ પહેલા ઘરેથી સહીસલામત નીકળેલા અજીત 4 જ દિવસમાં તિરંગામાં લપેટાઈને ઘરે પાછા આવ્યાં.

    આ હતી પુલવામાં હુમલામાં વીરગતિ પામેલા જવાનોની વણસાંભળેલી વાતો, આજે તેમની ચોથી વાર્ષિક પુણ્યતિથી પર તમામ હુતાત્માઓને કોટી કોટી વંદન

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં