Sunday, May 19, 2024
More
    Home Blog Page 88

    અયોધ્યા પહોંચી ગુજરાત સરકાર, CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળ સાથે કર્યા પ્રભુ રામલલાના દર્શન: રામાયણના ઐતિહાસિક પ્રસંગનું ચિત્ર પણ ટ્રસ્ટને ભેટ કર્યું

    22 જાન્યુઆરી 2024માં રામ મંદિર અયોધ્યામાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જે બાદથી દેશ અને દુનિયાના અનેક રામભક્તો ભગવાન શ્રી રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે. તેવામાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમણત્રી મંત્રીમંડળ સહિત અયોધ્યા પણ પહોંચી રહ્યા છે. તે જ અનુક્રમે હવે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા છે. મુખ્યમંત્રીની સાથે ગુજરાત સરકારના તમામ મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ અને શાસક પક્ષના દંડક પણ ઉપસ્થિત હતા.

    શનિવારે (2 માર્ચ) ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે તેમના તમામ મંત્રીઓ સાથે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા છે. ભગવાન રામના દર્શન કર્યા બાદ આખું મંત્રીમંડળ સરયૂ ઘાટ પાસે આવેલા ટેન્ટ સિટીની મુલાકાતે પણ પહોંચ્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં ભગવાન રામલલાના દર્શન બાદ શબરી માતા અને ભગવાન રામના ઐતિહાસિક પ્રસંગની પ્રતિકૃતિ સમું પેઈન્ટીંગ અયોધ્યા રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભેટ આપ્યું હતું.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિશેની માહિતી તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી હતી. તેમણે રામરક્ષા સ્તોત્રના એક મંત્રથી પોસ્ટની શરૂઆત કરી હતી. તેમણે લખ્યું કે, “પાવન નગરી અયોધ્યાજીમાં ભવ્ય અને દિવ્ય શ્રીરામ મંદિરમાં રામલલાના દર્શનની આ અનુભૂતિ હ્રદયને સ્વર્ગીય આનંદથી ભરી દેનારી છે.. અવર્ણનીય છે. ભગવાનના દિવ્ય સ્વરૂપ સમક્ષ ભારતના સર્વોત્તમ વિકાસ અને સનાતન મૂલ્યોના જયકારની પ્રાર્થના કરી.”

    તેમણે વધુમાં લખ્યું કે, “માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અયોધ્યાજી ખાતે ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણનું કરોડો દેશવાસીઓનું સ્વપ્ન પૂરું થયું છે. શ્રીરામ મંદિરના દર્શન માટે પ્રત્યેક ભક્ત આતુર છે. ત્યારે આજે મને આ પુનિત અવસર મળ્યો એ ભગવાનની પરમ કૃપા છે. ભગવાનના ચરણોમાં આસ્થા અને ભક્તિપૂર્વક શીશ નમાવું છું.”

    ભાજપ શાસિત રાજ્યોની કેબિનેટે કર્યા રામલલાના દર્શન

    નોંધનીય છે કે, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી તેમના સમગ્ર મંત્રીમંડળ સાથે ભગવાન શ્રીરામના દર્શન કરવા જઈ શકે તે માટેનું એક શિડ્યુલ બનાવવામાં આવ્યું હતું. તમામ મુખ્યમંત્રીઓ અલગ-અલગ તારીખે અયોધ્યા પહોંચ્યા હતા અને ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતા. સૌપ્રથમ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ કેબિનેટ સાથે ભગવાન રામલલાના દર્શન કર્યા હતા. તે બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંત્રીમંડળ સાથે ભગવાનના દર્શન કર્યા હતા.

    તે સિવાય ઉત્તરાખંડના CM પુષ્કર સિંઘ ધામી, મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે, અરુણાચલના મુખ્યમંત્રી પ્રેમા કંડૂ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, ગોવાના CM પ્રમોદ સાવંત, આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમા પણ કેબિનેટ સાથે અયોધ્યા ભગવાન રામલલાના દર્શને પહોંચ્યા હતા. જ્યારે હવે ગુજરાત સરકાર પણ ભગવાનના દરબારમાં પહોંચી છે. તે પછી હવે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ કેબિનેટ સાથે અયોધ્યા જશે.

    CAAના વિરોધમાં આસામ બંધ કરવાની ફિરાકમાં વિપક્ષ, DGPએ કહ્યું- રોજ ₹1643 કરોડનું નુકસાન થશે, આંદોલનકારીઓ પાસેથી વસૂલ કરીશું

    એક તરફ કેન્દ્રની ભાજપ સરકાર લોકસભા ચૂંટણીઓ પહેલાં નાગરિક સંશોધન કાયદા (CAA) લાગુ કરવાના મૂડમાં છે. તો બીજી તરફ આનો અંદાજો આવતાની સાથે જ ઉત્તર-પૂર્વીય રાજ્ય આસામની અમુક વિપક્ષી પાર્ટીઓ તેના વિરોધમાં ઉતરી આવી છે. આસામના વિપક્ષી મંચ યુનાઇટેડ ઓપોઝિશન ફૉરમ આસામ (UOFA) દ્વારા CAAના વિરોધમાં રાજ્યવ્યાપી બંધ પાળવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. જેને લઈને આસામના DGP જ્ઞાનેન્દ્ર સિંઘે ચેતવણી જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે આ બંધ દરમિયાન રાજ્યને જે નુકસાન પહોંચશે તેની ભરપાઈ બંધનું એલાન કરનાર આંદોલનકારીઓ પાસેથી જ વસૂલવામાં આવશે.

    આસામ બંધના આહ્વાનને લઈને DGP જ્ઞાનેન્દ્ર સિંઘે X પર પોસ્ટ કરીને ચેતવણી જાહેર કરી હતી. તેમણે ગુવાહાટી હાઈકોર્ટનો આદેશ ટાંકીને આ પોસ્ટ કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “આ બંધ પર વર્ષ 2019માં આવેલો એક નિર્ણય છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આસામની GDP 5,65,401 કરોડ રૂપિયા છે. એક દિવસ બંધ કરવામાં રાજ્યને લગભગ ₹1,643 કરોડનું નુકસાન ભોગવવું પડી શકે છે. આ નુકસાનને પહોંચી વળવા માટે હાઈકોર્ટના આદેશના પેરા 35 (9) અનુસાર બંધનું આહ્વાન કરવાવાળા લોકો પાસેથી વસૂલી શકાય તેવી જોગવાઈ છે.”

    તેમની આ પોસ્ટ સામે આવ્યા બાદ અનેક લોકો તેમની વાત સાથે સમર્થન દર્શાવી રહ્યા છે. તો બીજી તરફ આસામના મુખ્યમંત્રીએ વિરોધીઓને લઈને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે આ સમયે CAA વિરુદ્ધ કોઈ પ્રદર્શનની કોઈ પ્રાસંગિકતા નથી, માટે વિરોધ કરનારા લોકો સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. એક પત્રકાર પરિષદ સંબોધતાં તેમણે કહ્યું હતું કે, જેમણે કાયદો બનાવ્યો છે તે ‘સર્વોચ્ચ’ નથી. કારણ કે ન્યાયાલય તેનાથી પણ ઉપર છે અને તે કોઈ પણ કાયદાને રદ કરી શકે છે.

    તેમણે જણાવ્યું હતું કે, “CAA વિરુદ્ધ પ્રદર્શન કરવાનો કોઈ અર્થ જ નથી, કારણ કે આંદોલન સંસદ દ્વારા પારિત કોઈ કાયદા વિરુદ્ધ કારગર ન નીવડી શકે. તેમાં ફેરફાર માત્ર સુપ્રીમ કોર્ટમાં જ થઈ શકે, જેવું ભાજપ સરકારે લાગુ કરેલી ચૂંટણી બોન્ડ યોજનાના મામલામાં થયું.” તેમણે કહ્યું કે, ન્યાયતંત્રને કોઇ પણ કાયદા કે નિયમમાં ફેરબદલ કરવાનો અધિકાર છે. આ ઉપરાંત સંસદનું સત્ર અનિશ્ચિત કાળ સુધી સ્થગિત પણ થઈ ચૂક્યું છે અને આગામી ચાર મહિના સુધી કોઈ પણ વ્યક્તિ CAAને હટાવવા સંસદના બંને ગૃહમાં બેઠક ન બોલાવી શકે, માટે વિપક્ષી દળો માટે સુપ્રીમ કોર્ટ જવા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી રહેતો નથી.

    નોંધવું જોઈએ કે CAA વર્ષ 2019માં મોદી સરકારે પસાર કર્યો હતો. આ કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ છે, પરંતુ હજુ સુધી ગૃહ મંત્રાલયે નોટિફિકેશન બહાર ન પાડ્યું હોવાના કારણે લાગુ થયો નથી. કેન્દ્રીય ગૃહમંત્રી શાહ એલાન કરી ચૂક્યા છે કે લોકસભા ચૂંટણી પહેલાં તેને લાગુ કરી દેવામાં આવશે.

    કાફેમાં આવ્યો, રવા-ઇડલી ઓર્ડર કર્યા, બૉમ્બ મૂકીને ફરાર થઈ ગયો: બેંગ્લોર બ્લાસ્ટ કેસનો સંદિગ્ધ CCTVમાં કેદ, શોધી રહી છે પોલીસ

    કર્ણાટકના બેંગ્લોરમાં રામેશ્વરમ કાફેમાં થયેલા બ્લાસ્ટ મામલે તપાસ ચાલી રહી છે. આ દરમિયાન અનેક જાણકારીઓ સામે આવી છે. તપાસ કરનારા અધિકારીઓએ શુક્રવારે (1 માર્ચ) આ બેંગ્લોર બ્લાસ્ટ કેસ અંગે જણાવ્યું છે કે, સંદિગ્ધ આરોપીએ બ્લાસ્ટ કર્યા પહેલાં કાફેમાંથી રવા-ઇડલીનો ઓર્ડર કર્યો હતો. જે બાદ તે કાફેમાં બૉમ્બની બેગ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં સંદિગ્ધ શખ્સ બપોરના સમયે કાફેની આસપાસ આંટા મારતો પણ જોવા મળ્યો હતો. આ મામલે UAPA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ સંદિગ્ધ આરોપીની શોધખોળ કરી રહી છે.

    બેંગ્લોર બ્લાસ્ટ કેસમાં ફોરેન્સિક ટીમ પણ તપાસ કરી રહી છે. CCTV કેમેરાના ફૂટેજના આધારે તપાસ ટીમો આરોપીની ઓળખ કરવામાં લાગી ગઈ છે. તેના સુધી પહોંચવા માટે પોલીસ સહિતની ટીમો સોફ્ટવેર અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચહેરાની ઓળખ કરી રહી છે. પોલીસે આ મામલે આતંકી વિરોધી ગેરકાનૂની પ્રવૃતિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ પ્રથમ FIR નોંધી છે.

    પોલીસ આ મામલે સતત CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. CCTV ફૂટેજમાં જોવા મળે છે કે, એક સંદિગ્ધ શખ્સ 11:30 કલાકે કાફેમાં આવે છે, તેણે સફેદ રંગની ટોપી પહેરેલી જોવા મળે છે. સાથે તેણે પોતાનું મોઢું પણ કપડાંથી ઢાંકેલું છે. તેણે 11:38એ રવા-ઇડલીનો ઓર્ડર કર્યો હતો. જે બાદ તે રવા-ઇડલી ખાય છે અને 11:44 કલાકે તે હાથ ધોવા માટે વૉશ બેસિન તરફ જાય છે. આ દરમિયાન તેણે LEDવાળું બેગ કાફેમાં જ છોડી દીધું હતું અને 11:45એ તે શખ્સ કાફેમાંથી નીકળી ગયો હતો. જેના 11 મિનિટ બાદ એટલે કે 11:56એ બ્લાસ્ટ થયો હતો.

    NIAની ટીમ પણ કરી રહી છે તપાસ

    વિસ્ફોટની માહિતી મળતાં જ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. NIA પણ આ બ્લાસ્ટની તપાસમાં વ્યસ્ત છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોમાં કાફેના કર્મચારીઓ અને ગાર્ડનો સમાવેશ થાય છે. ઘાયલોની હાલમાં સારવાર ચાલી રહી છે.કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ લોકોને ચાલી રહેલી તપાસમાં સહયોગ માટે હાકલ કરી છે.

    ઉલ્લેખનીય છે કે, શુક્રવારે (1 માર્ચ) કર્ણાટકના પાટનગર બેંગ્લોરમાં રાજાજીનગર સ્થિત ‘રામેશ્વરમ કાફે’માં બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. આ ઘટના બપોરના સમયે ઘટી હતી. જેમાં 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે, શરૂઆતમાં એવી માહિતી વહેતી થઈ હતી કે, કાફેમાં થયેલો ધમાકો સિલિન્ડર બ્લાસ્ટથી થયો છે. પરંતુ તે પછી કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ માહિતી આપીને તેને બૉમ્બ બ્લાસ્ટ ગણાવ્યો હતો. પોલીસ અને અન્ય તપાસ ટીમો દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે.

    ‘મને રાજકીય ફરજમાંથી મુક્ત કરવામાં આવે’: ગૌતમ ગંભીર નહીં લડે લોકસભા ચૂંટણી, ભાજપની પહેલી યાદી જાહેર થાય તે પહેલાં પૂર્વ ક્રિકેટરે કરી જાહેરાત

    લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદીની રાહ જોવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે આ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. X પર પોસ્ટ કરીને તેમણે જણાવ્યું કે, તેમણે પોતાને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે પાર્ટી નેતૃત્વને વિનંતી કરી છે. 

    ગંભીરે એક પોસ્ટમાં લખ્યું કે, ‘મેં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે કે મને રાજકીય ફરજોમાંથી મુક્ત કરવામાં આવે, જેથી હું ક્રિકેટ પર ધ્યાન આપી શકું. જનતાની સેવા કરવાની તક આપવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ.’ 

    ગૌતમ ગંભીરની આ પોસ્ટ પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા લોકો કહે છે કે તેમણે રાજકારણમાં સક્રિય રહેવું જોઈએ તો કેટલાક તેમને આગળની કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે. જોકે, ગંભીરે એ સ્પષ્ટ કર્યું નથી કે તેઓ રાજકારણમાંથી સંન્યાસ લઇ રહ્યા છે કે નહીં. તેમણે માત્ર લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે.

    પૂર્વ ભારતીય ક્રિકેટર અને 2011ના વર્લ્ડ કપના સ્ટાર ખેલાડી ગૌતમ ગંભીરે ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ રાજકારણમાં ઝંપલાવ્યું હતું અને માર્ચ, 2019માં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. ત્યારબાદ ભાજપે તેમને પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ટીકીટ આપી હતી, જ્યાંથી જીત મેળવી હતી. તેમની સામે દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટીએ આતિશી મારલેનાને ટીકીટ આપી હતી, પરંતુ તેમણે કારમી હાર ચાખવી પડી હતી.

    ભાજપ ગમે ત્યારે જાહેર કરી શકે પહેલી યાદી 

    લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી ભારતીય જનતા પાર્ટી ગમે ત્યારે જાહેર કરી શકે છે. ગત ગુરુવારે મધ્ય રાત્રિએ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જેમાં વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને સમિતિના બાકીના નેતાઓ તેમજ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. 

    આ બેઠકમાં 100થી વધુ બેઠકો પર ઉમેદવારોનાં નામની ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં ગુજરાતની 26 બેઠકો પણ સામેલ છે. ચર્ચા છે કે પહેલી યાદીમાં તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવશે. આ માટે ગત સપ્તાહે 26 બેઠકો પર સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ ગાંધીનગરમાં મોવડી મંડળે બેઠક કરીને દરેક બેઠક પર નામ પણ ફાઇનલ કર્યાં હતાં. 

    આ નામો કેન્દ્રીય ચૂંટણી સમિતી સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં, જ્યાં અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. જોકે, 26માંથી 26 જાહેર કરવામાં આવે કે અમુક બેઠકો બાકી રાખવામાં આવશે તે યાદી જાહેર થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. 

    ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ભાજપની નવી યાદીમાં અનેક બેઠકો પર નવા ચહેરાને સ્થાન મળી શકે છે અને વર્તમાન સાંસદોની ટીકીટ કપાઈ શકે છે. દિલ્હીમાં પણ મોટાભાગની બેઠકો પર ફેરબદલની આશંકા છે.

    કચ્છ: ભચાઉમાં નજીવી બાબતમાં સગીરે 2 ખેડૂતો પર કર્યો હતો જીવલેણ હુમલો, હવે તેના પિતા હાજી ત્રાયાએ કરેલાં દબાણ પર ચાલ્યું બુલડોઝર

    કચ્છના ભચાઉમાં થોડા દિવસ પહેલાં સામાન્ય બાબતમાં એક મુસ્લિમ કિશોરે બે વૃદ્ધો પર હુમલો કરી દીધો હતો, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ પછીથી સગીર આરોપીને જામીન મળી ગયા હતા. પરંતુ હવે તેના પિતા હાજી ત્રાયા દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલું દબાણ બુલડોઝર ફેરવીને દૂર કરવામાં આવ્યું છે. 

    ઘટના બાદ હિંદુ સંગઠનો સક્રિય થયાં હતાં અને અન્ય સંસ્થાઓએ પણ સ્થાનિક તંત્રને રજૂઆત કરીને આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. દરમ્યાન આરોપીના પિતા હાજી આમદ ત્રાયા અને તેના ભાઈ સામે અન્ય પણ ગુના નોંધવામાં આવેલા હોવાની અને તેમણે શિકારપુર ગામે સરકારી જમીનમાં દબાણ કર્યું હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. 

    આ રજૂઆતોને ધ્યાનમાં લઈને ભચાઉ તાલુકા વહીવટી તંત્રે સરકારી જમીનમાં થયેલું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. TDOએ આ મામલે તપાસ કરી જગ્યા ખાલી કરી દેવા માટે જણાવ્યું હતું, ત્યારબાદ આરોપીએ સ્થળ ખાલી પણ કરી દીધું હતું. ત્યારબાદ શુક્રવારે (1 માર્ચ, 2024) વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ તંત્રના અધિકારીઓએ પહોંચીને દબાણ દૂર કરાવ્યું હતું. 

    આ બુલડોઝર કાર્યવાહી દરમિયાન મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી ઉપરાંત DySP, SOGના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. તંત્રના જણાવ્યા અનુસાર, આરોપીએ 2 દબાણો કર્યાં હોવાની જાણકારી મળી હતી, જેમાંથી 1 પર કોર્ટનો સ્ટે હોવાથી હાલ કાર્યવાહી થઈ નથી, જ્યારે બીજું હટાવી દેવામાં આવ્યું છે. 

    રિપોર્ટ્સ અનુસાર, દબાણ કરનાર હાજી ત્રાયા સામે હત્યા, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી આપવી તેમજ હથિયાર સંબંધી ગુના પોલીસના ચોપડે નોંધાઈ ચૂક્યા છે. તાજેતરમાં પંદર દિવસ પહેલાં તેના સગીર પુત્રએ પણ નજીવી બાબતમાં બે વૃદ્ધોને માર માર્યો હતો. 

    શું બની હતી ઘટના? 

    ગત 15 ફેબ્રુઆરી, 2024ના રોજ ભચાઉના શિકારપુર ગામે રહેતા 55 વર્ષીય ભવાનભાઈ પટેલ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે એક સગીર તેમની પાસે પહોંચી ગયો હતો અને ‘તું અમે બકરાં ચરાવીએ ત્યારે રખેવાળી કેમ કરે છે’ કહીને લાકડી વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. 

    હુમલાના કારણે વૃદ્ધને હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બંને હાથમાં અને એક પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું હતું.

    આ જ દિવસે સગીરે શિકારપુર નજીક નારણસરી ગામમાં પણ એક 65 વર્ષીય વૃદ્ધ પર હુમલો કર્યો હતો. આરોપી તેમના ખેતરમાં બકરાં ચરાવવા માટે ઘૂસ્યો હતો, જેથી પાકને નુકસાન થવાના ડરે ખેડૂતે ના પાડતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને માથામાં મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ખેડૂતે હાથ આડો કરી દેતાં હાથમાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેની સામે અન્ય પણ એક ગુનો નોંધવામાં આવ્યો હતો. 

    બે ગુના નોંધવામાં આવ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પછીથી જામીન મળી ગયા હતા. હવે તેના બાપે કરેલાં દબાણો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 

    ‘3 દિવસમાં માફી માંગો અથવા કાર્યવાહી માટે તૈયાર રહો’: નીતિન ગડકરીએ કોંગ્રેસ નેતાઓને ફટકારી નોટિસ, પાર્ટીએ કેન્દ્રીય મંત્રીના ઇન્ટરવ્યુની અધૂરી ક્લિપ શૅર કરીને ફેલાવ્યું હતું જુઠ્ઠાણું

    કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશને લીગલ નોટિસ ફટકારી છે. નીતિન ગડકરીએ નોટિસ મોકલીને તેમના વિડીયો સાથે છેડછાડ કરીને લોકોને ગુમરાહ કરવા બદલ માફી માંગવા કહ્યું છે. વાસ્તવમાં કોંગ્રેસે નીતિન ગડકરીના એક ઇન્ટરવ્યુમાંથી અધૂરી ક્લિપ શૅર કરીને જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીએ બંને નેતાઓને નોટિસ મોકલીને વિડીયો હટાવવા અને 3 દિવસમાં માફી માંગવા માટે કહ્યું છે.

    નીતિન ગડકરીના વકીલ બાલેંદુ શેખરે આ વિશે જણાવ્યું કે, એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાંથી 19 સેકન્ડની ક્લિપ ઉઠાવી લેવામાં આવી છે. આ ક્લિપમાં જે વાતો કરવામાં આવી છે, તેનો સંદર્ભ અને મૂળ અર્થ જણાવવામાં આવ્યો નથી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “નીતિન ગડકરીઓ ઇન્ટરવ્યુ તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યો છે અને તેનો મૂળ અર્થ જ છુપાવવામાં આવ્યો છે. તેવું જ હિન્દી કેપ્શનની સાથે જાણીજોઈને કરવામાં આવ્યું છે.”

    લેખિત માફીની કરી માંગ

    કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માંગ કરી છે કે, સૌથી પહેલાં તો તે વિડીયોને X પરથી હટાવી દેવામાં આવે અને ત્યારબાદ ત્રણ દિવસની અંદર લેખિત રીતે માફી માંગવામાં આવે. નોટિસમાં કહેવાયું છે કે, “આ લીગલ નોટિસ તમને X પરથી તુરંત વિડીયો હટાવવા માટે કહે છે. લીગલ નોટિસ મળ્યા બાદ કોઈપણ સંજોગોમાં પોસ્ટને 24 કલાકમાં હટાવી દેવામાં આવે. સાથે જ ત્રણ દિવસની અંદર મારા અસીલની લેખિતમાં માફી માંગવામાં આવે.”

    નોટિસમાં વધુમાં કહેવાયું છે કે, “જો આવું નહીં કરવામાં આવે તો મારા અસીલ પાસે તમારા જોખમ અને ખર્ચે તમામ સિવિલ અને ફોજદારી કાર્યવાહીનો આશરો લેવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.” ગડકરીના વકીલે એમ પણ કહ્યું કે, સામી ચૂંટણીએ કોંગ્રેસે આ વિડીયો ભાજપમાં વૈચારિક મતભેદો ઉભા કરવાના આશયથી શૅર કર્યો હતો, જેના કારણે કેન્દ્રીય મંત્રીની પ્રતિષ્ઠાને ક્ષતિ પહોંચી છે અને માનહાનિ પણ થઈ છે.

    શું હતું વિડીયોમાં?

    કોંગ્રેસે પોસ્ટ કરેલા 19 સેકન્ડના વિડિયોમાં નીતિન ગડકરી કહેતા સંભળાય છે કે, “આજે ગામ-ગરીબ, મજૂર, ખેડૂત દુઃખી છે. તેનું કારણ એ છે કે જળ, જમીન, જંગલ અને જાનવર, રૂરલ, એગ્રીકલ્ચર, ટ્રાયબલ….આ અર્થવ્યવસ્થા છે ત્યાં સારા રસ્તા નથી, પીવા માટે શુદ્ધ પાણી નથી. સારી હૉસ્પિટલો નથી. સારી શાળાઓ નથી. ખેડૂતોના પાકને સારા ભાવ મળી રહ્યા નથી.”

    આ વિડીયો નીતિન ગડકરીએ પોર્ટલ ‘ધ લલ્લનટોપ’ને તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુ દરમિયાનનો છે. જે પોસ્ટ કરીને મોદી સરકારના જ મંત્રી તેમની સરકારે કશું ન કર્યું હોવાનું જણાવી રહ્યા હોવાની ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી હતી. પરંતુ હકીકત એ છે કે આ વિડીયો અધૂરો છે અને આગળ-પાછળના સંદર્ભો વગર શૅર કરવામાં આવી રહ્યો છે. તેઓ કહી રહ્યા હતા કે અગાઉ કૃષિ ક્ષેત્રમાં પૂરતું કામ થયું ન હતું અને હવે મોદી સરકાર ધ્યાન આપી રહી છે. તેમણે મોદી સરકારનાં કામો જ ગણાવ્યાં હતાં, પરંતુ કોંગ્રેસે તેઓ મોદી સરકારની પોલ ખોલી રહ્યા હોય તેવું દર્શાવવા વિડીયો પોસ્ટ કર્યો હતો.

    વડોદરા: પોલીસ મથક બહાર ન્યાયની માંગ કરતા હિંદુ યુવાનો પર થયેલા પથ્થરમારા મામલે ઝુબૈર-યાસીન સહિત વધુ 5ની ધરપકડ, અત્યાર સુધી 34 પકડાયા

    ગત 22 ફેબ્રુઆરી, 2024ના રોજ વડોદરાના નવાપુરા પોલીસ મથકની બહાર, મુસ્લિમ યુવક દ્વારા અભદ્ર ટિપ્પણી મામલે ન્યાયની માંગ સાથે એકઠા થયેલા હિંદુ યુવકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ પોલીસે 100થી 150 મુસ્લિમોના ટોળા સામે FIR દાખલ કરી હતી. કાર્યવાહી શરૂ કરતાંની સાથે જ પોલીસે ટીપ્પણી કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. જે બાદની કાર્યવાહીમાં વધુ 17 પકડાયા હતા. ત્યારે હવે પોલીસે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ ઝડપાયેલા આરોપીઓનો આંકડો 34એ પહોંચ્યો છે.

    મળતી માહિતી અનુસાર આ સમગ્ર મામલે પોલીસે વધુ પાંચ લોકોની ધરપકડ કરી છે. આ આરોપીઓએ ન્યાયની માંગ કરી રહેલા હિંદુઓ પર નવાપુરા પોલીસ સ્ટેશન સામે જ પથ્થરમારો કરી દીધો હતો. ઘટના બાદથી જ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે અને આરોપીઓને શોધીને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે. હાલ નવાપુરા પોલીસે યાસીન ફિરોઝ શેખ, હુસૈન મહેબુબમિયાં શેખ, જાવેદમિયાં યાકુબમિયાં સિંધી, ઝુબૈર હુસૈનમિયાં શેખ અને અશ્ફાક હુસૈન ઉર્ફે ઇલીયાસ પઠાણ એમ 5 આરોપીઓને ઝડપીને જેલના સળિયા ગણતા કરી દીધા છે.

    આ પહેલાં પોલીસે અભદ્ર ટિપ્પણી કરનાર સહીદ પટેલ સહિત અનેક આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં મોઈન મોહમ્મદ સિદ્દીકી, મોહમ્મદ રબ્બાની કુરેશી, હનીફ કુરેશી, વલી મોહમ્મદ ગુલામ રાજા કુરેશી, સકર અલી ગુલામ નબી શેખ, અફઝલ ખાન આસન ખાન નબી શેખ, હુસેન ખાન અબ્બાસ ખાન, સાજીદહુસેન મહેમૂદહુસેન મલેક, સદ્દામ હુસેન શેખ, હૈદર ગુલામ દસ્તગીર, સરફરાજ મકસુદઅલી મકરાણી, પટેલ સાહિલ ઈસ્માઈલ ભાઈ, તોસીફહુસેન અહેમદહુસેન સંધી, શાહનવાઝ સલીમભાઇ ખલીફા, નોમાન આરીફભાઇ શેખ, યાયાખાન અલ્તાફખાન પઠાણ અને શાહરૂખ અમાન ખાનનો સમાવેશ થાય છે. બાકીનાઓના કેટલાકનાં નામ જાણી નથી શકાયાં. અત્યાર સુધી કુલ 34 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    શું હતી આખી ઘટના

    ઉલ્લેખનીય છે કે આ આખો વિવાદ આરોપી સાહિદ પટેલ નામના યુવક દ્વારા શરૂ થયો હતો. વડોદરાના જતીન પટેલ નામના એક વેપારીએ 21 ફેબ્રુઆરી, 2024ની સાંજે તેમની દુકાનેથી નવી ઑફરો વિશે ગ્રાહકોને જાણકારી આપવા માટે તેમના ઈન્સ્ટાગ્રામ પર લાઇવ કર્યું હતું. જેની શરૂઆતમાં તેમણે લાઇવમાં જોડાનારાઓને ‘જય શ્રીરામ’ કહીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમિયાન ‘Shahid_patel_7070’ નામની ઈન્સ્ટાગ્રામ આઇડી પરથી બીભત્સ ગાળો લખીને ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણી કરી હતી.

    જે પછી આ મામલે તપાસ કરતા આ આઇડી ચલાવતો વ્યક્તિ પાદરામાં રહેતો સાહિદ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ જતીને તેને ફોન કરતાં તેણે દાદાગીરી કરીને ગાળાગાળી કરી હતી અને ધાકધમકીઓ આપી હતી. સાહિદ સામે કાર્યવાહી કરવા માટે જતીન પટેલ અને હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ નવાપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા, અને અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

    આ દરમિયાન પોલીસ સ્ટેશનની બાજુના વિસ્તારમાંથી અચાનક 100-150નું મુસ્લિમ ટોળું ત્યાં ધસી આવ્યું હતું અને ભેગા થયેલા હિંદુ લોકો પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના કારણે અફરાતફરી મચાવ પામી હતી. પથ્થરમારામાં ઘણા યુવાનો ઘાયલ પણ થયા હતા. મામલો ઉગ્ર બનતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતા DCP લીના પાટીલ અને અભય સોની પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.

    ગઠબંધન બનાવતી રહી ગઈ AAP-કોંગ્રેસ, ભરૂચ બેઠક પર થઈ ગયો ખેલ: CR પાટીલને મળ્યા BTP નેતા મહેશ વસાવા, ઑપઇન્ડિયાને કહ્યું- અમે મોદી સાથે, ભાજપને મજબૂત કરીશું

    છેલ્લા થોડા સમયથી ભરૂચ લોકસભા બેઠક ચર્ચામાં છે ત્યારે હવે આ બેઠક પર સારું એવું વર્ચસ્વ ધરાવતા ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના નેતા અને સ્થાપક છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મુલાકાત કરતાં અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે. ચર્ચા છે કે તેઓ કાં તો ભાજપમાં જોડાશે, અથવા તો BTP ભાજપને સમર્થન કરશે. આ બાબતની પુષ્ટિ સ્વયં મહેશ વસાવાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં કરી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ઝાટકો છે.

    મળતી માહિતી અનુસાર, BTP નેતા મહેશ વસાવા તાજેતરમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને મળ્યા હતા. પછીથી CR પાટીલ સાથે તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી. TV9ના રિપોર્ટમાં એક ફેસબુક પોસ્ટ પણ ટાંકવામાં આવી છે, જે મહેશ વસાવાના ફેસબુક અકાઉન્ટ પરથી કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, 1 માર્ચે મહેશ વસાવાએ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી અને ટૂંક સમયમાં કાર્યકર્તાઓ સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે. 

    સમાચાર સામે આવ્યા બાદ ઑપઇન્ડિયાએ મહેશ વસાવાનો સંપર્ક કર્યો હતો. તેમણે વિસ્તૃત વાતચીતમાં ભાજપ અધ્યક્ષ સાથેની મુલાકાતની પુષ્ટિ કરી અને કહ્યું કે તેમની અને ભાજપની વિચારધારા એક જ છે અને વડાપ્રધાન મોદીની ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ની વિચારધારાથી પ્રેરિત થઈને તેઓ ભાજપને સમર્થન કરશે અને ભરૂચ જ નહીં પરંતુ આખા દેશમાં પાર્ટીને મજબૂત કરશે.

    મુલાકાતનો ઉદ્દેશ્ય દેશનો વિકાસ, BTP પહેલેથી જ ભાજપ સાથે

    ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથેની મુલાકાતના ઉદ્દેશ્ય વિશે જણાવતાં મહેશ વસાવાએ ઑપઇન્ડિયાને કહ્યું હતું કે, “આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય દેશનો અને જનતાનો વિકાસ છે. અત્યારે નરેન્દ્રભાઈ મોદી જે રીતે કામ કરી રહ્યા છે….. શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતોને લઈને જે રીતે વિકાસકાર્યો થઇ રહ્યાં છે તેમાં સાથ-સહકાર આપવા અમે આ જ વિચારધારા સાથે આગળ વધી રહ્યા છીએ.”

    ભાજપને સમર્થન કરવાના પ્રશ્ન પર મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, “BTP અને ભાજપ પહેલેથી જ એક બીજાના સહયોગમાં છે. એક સમયે અમે સાથે મળીને જિલ્લા પંચાયત બનાવી હતી. અમે આમ ભલે અલગ હતા, પરંતુ અમારી વિચારધારા ક્યારેય અલગ નથી રહી. અમારા બંનેના રસ્તા એક જ છે અને ભવિષ્યમાં પણ સાથે મળીને લોકોના કામ કરીશું.”

    અરવિંદ કેજરીવાલ જૂઠ્ઠા, ચૈતર વસાવા ગદ્દાર- મહેશ વસાવા

    તાજેતરમાં ભરૂચ બેઠક પર AAP-કોંગ્રેસે ગઠબંધન જાહેર કરીને AAPને બેઠક ફાળવવામાં આવી છે, જ્યાં પાર્ટી ડેડિયાપાડાના ધારસભ્ય ચૈતર વસાવાને ઉતારી રહી છે. ભરૂચ લોકસભા બેઠકનાં રાજકીય સમીકરણો વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, “લોકોની જરૂરિયાતો શું છે તે બાબતથી અમે વાકેફ છીએ. અમારો જન્મ જ ગરીબોના હક માટે અને બંધારણના રક્ષણ માટે થયો છે અને અમે એ જ વિચારધારા સાથે આગળ વધી રહ્યા છીએ. આમ આદમી પાર્ટી અને કેજરીવાલ જૂઠ્ઠું બોલવાનું કામ કરી રહ્યા છે. ચૈતર વસાવા અને એ બધા ગદ્દાર લોકો છે. છેલ્લા એક વર્ષમાં તેમણે શું કામ કર્યાં તે જણાવવું જોઈએ. મફત વીજળી આપવાની વાત કરીને, શિક્ષિત બેરોજગારોને ભથ્થું આપવાની વાત કરીને લોકો પાસે વોટ લીધા. વોટ તો લઈ લીધા, આ લોકોથી કશું થવાનું નથી.

    ભરૂચ પર AAP-કોંગ્રેસના ગઠબંધનને લઈને મહેશ વસાવાએ કહ્યું કે, આ ગઠબંધનથી અહીં કોઇ ફેર પડવાનો નથી. તેમણે એમ પણ કહ્યું કે, અમે ભાજપને મજબૂત કરીશું. માત્ર ભરૂચ જિલ્લાની વાત નથી, બધે જ અમે સાથે કામ કરીશું. આ ઘટનાક્રમ પર છોટુ વસાવાનો શું મત છે, તેમ પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, બધા જ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ની વિચારધારા સાથે ચાલી રહ્યા છે. આ સંકેત છે કે ભાજપને સમર્થનની બાબતને છોટુ વસાવાનું પણ સમર્થન હોય શકે છે. જોકે, તેમણે સ્વતંત્રપણે આ બાબતે હજુ સુધી કોઇ નિવેદન આપ્યું નથી.

    મહેશ વસાવા BTP સ્થાપક છોટુ વસાવાના પુત્ર છે અને ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના પિતા છોટુ વસાવા પણ ઘણી ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા. બંને પિતા-પુત્ર ડેડિયાપાડા, ઝઘડિયા વગેરે વિસ્તારોમાં સારું વર્ચસ્વ ધરાવે છે અને આદિવાસી સમુદાય પર પણ તેમની પકડ છે. આ સંજોગોમાં તેઓ ભાજપને સમર્થન આપે તો ચૈતર વસાવાને આગળ કરીને ચાલતી આમ આદમી પાર્ટીને ફટકો પડી શકે તેમ છે. 

    બેંગ્લોરના કાફેમાં થયો હતો બૉમ્બ બ્લાસ્ટ, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કરી પુષ્ટિ: ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા; તપાસમાં હવે NIAની પણ એન્ટ્રી 

    શુક્રવારે (1 માર્ચ, 2024) બપોરે કર્ણાટકના પાટનગર બેંગ્લોરના એક કાફેમાં બ્લાસ્ટ થયો હતો. હવે જાણવા મળ્યું છે કે આ એક બૉમ્બ બ્લાસ્ટ હતો. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ બાબતની પુષ્ટિ કરી છે. હવે આ મામલે તપાસ માટે NIAની ટીમ પણ ઘટનાસ્થળે જવા રવાના થઈ છે. બીજી તરફ, બ્લાસ્ટનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જે પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. 

    આ બ્લાસ્ટ બેંગલોરના રાજાજીનગરમાં સ્થિત ‘રામેશ્વરમ કાફે’માં થયો હતો. શરૂઆતમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાની જાણકારી વહેતી કરવામાં આવી, પરંતુ પછીથી સ્પષ્ટ થયું કે તે એક બૉમ્બ બ્લાસ્ટ હતો. કોઇકે બેગ મૂકી હતી, જેમાં વિસ્ફોટ થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

    મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોલીસ પાસેથી પ્રાપ્ત જાણકારીના આધારે મીડિયાને જણાવ્યું કે, કાફેમાં થયેલો બ્લાસ્ટ એક બૉમ્બ બ્લાસ્ટ હતો. તેમણે ઉમેર્યું કે, બ્લાસ્ટ માટે IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કોઇ વ્યક્તિએ બેગમાં IED મૂકીને તેને કાફેમાં મૂકી દીધી હતી. આ વ્યક્તિએ કાઉન્ટર પરથી ટોકન પણ લીધું હતું. ઘટના ‘આતંકવાદી હુમલો’ છે કે કેમ, તે અંગે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, તે હજુ સુધી જાણી શકાયું નથી અને હાલ મામલાની તપાસ ચાલી રહી છે. 

    આ મામલે પછીથી કર્ણાટકના DGP આલોક મોહને પણ બૉમ્બ બ્લાસ્ટ હોવાની પુષ્ટિ કરી. તેમણે ઉમેર્યું કે પોલીસ હાલ તપાસ કરી રહી છે અને જે કોઇ પણ જવાબદાર હશે તેમને છોડવામાં આવશે નહીં. 

    તેમણે કહ્યું, “બપોરે એક વાગ્યે કાફેમાં બૉમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં 9 લોકોને ઈજા પહોંચી છે, પરંતુ કોઇ ગંભીર રીતે ઈજાગ્રસ્ત નથી. અમે તપાસ કરી રહ્યા છીએ. FSLની ટીમે આવીને તપાસ શરૂ કરી દીધી છે. સિટી કમિશ્નર અને અન્ય અધિકારીઓ સ્થળ પર હાજર છે. જેમણે પણ કર્યું છે તેમને શોધી કાઢવામાં આવશે.”

    ઘટનામાં 9 લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી અમુક કાફેનો સ્ટાફ છે તો અમુક ગ્રાહકો. જોકે, મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોઈને ગંભીર ઈજા પહોંચી નથી અને હાલ સારવાર ચાલી રહી છે. 

    વધુમાં, આ બ્લાસ્ટ ‘બૉમ્બ બ્લાસ્ટ’ હોવાની જાણકારી મળ્યા બાદ હવે NIAની પણ એન્ટ્રી થઈ છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની એક ટીમ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને તપાસ કરી હતી. 

    આ ઘટના બની તે સમયનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આ CCTV ફૂટેજમાં બ્લાસ્ટ થવા પહેલાં બધું સામાન્ય જણાય છે. અચાનક વિસ્ફોટ થાય છે અને અફરાતફરી મચી જાય છે. ચારેતરફ ધુમાડો પ્રસરી ગયેલો જોવા મળે છે. 

    રાહુલ ગાંધીને કેમ્બ્રિજ યુનિવર્સિટીએ નહતું આપ્યું આમંત્રણ, જેના માટે યાત્રા અટકાવીને UK ગયા તે ‘પેઈડ ઈવેન્ટ’: ઑપઇન્ડિયાની તપાસમાં ઘટસ્ફોટ, કૉલેજે કરી પુષ્ટિ

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ અધૂરી મૂકીને વિદેશ યાત્રાએ ઊપડ્યા છે. રાહુલ ગાંધીની આ UK મુલાકાતને લઈને પાર્ટીએ એવું જાહેર કર્યું હતું કે રાહુલને કેમ્બ્રિજ યુનિવર્સિટીએ લેક્ચર આપવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ આ તમામ દાવા ખોટા સાબિત થયા છે. ઑપઇન્ડિયાની તપાસમાં જાણવા મળ્યું છે કે રાહુલ ગાંધીને કોઇ અધિકારીક આમંત્રણ ન હતું અને તેમના જે કાર્યક્રમના ફોટા ફરી રહ્યા છે તે કાર્યક્રમ એક ‘પેઈડ ઈવેન્ટ’ હતો. એટલે કે અમુક પૈસા આપીને સ્થળ ભાડે રાખવામાં આવ્યું હતું.

    નોંધવું જોઈએ કે ગત 21 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી યુનાઇટેડ કિંગડમની યાત્રાએ જવાના હોવાથી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ થોડા દિવસ અટકાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી યાત્રામાં વિરામ રહેશે, જેથી રાહુલ ગાંધી 27 અને 28 ફેબ્રુઆરીના રોજ કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે 2 સ્પેશિયલ લેક્ચર આપવાનું તેમનું ઘણા સમયનું કમિટમેન્ટ પૂર્ણ કરી શકે.  

    ત્યારબાદ 27 ફેબ્રુઆરીના રોજ રાહુલ ગાંધીની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા અને ‘પત્રકાર’ શ્રુતિ કપિલા સાથે જોવા મળે છે. આ તસવીર કેમ્બ્રિજ યુનિવર્સિટી પરિસરની છે.

    તેના 2 દિવસ બાદ ગુરુવારે (29 ફેબ્રુઆરી) કોંગ્રેસ સમર્થક શાંતનુ નામના એક વ્યક્તિએ X પર રાહુલ ગાંધીની એક તસવીર પોસ્ટ કરી, જેમાં તેઓ એક પોડિયમ સમક્ષ ઊભેલા જોવા મળે છે અને કશુંક ભાષણ આપતા હોય તેવું નજરે પડે છે. શાંતનુએ આ ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, “કેમ્બ્રિજ યુનિવર્સિટીની તેમની અધિકારિક મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીની પ્રથમ તસવીર.” ત્યારબાદ તેમણે ‘ન્યૂ પ્રોફેસર ઇન ધ ટાઉન’ જેવા શબ્દો વાપરીને માહોલ બનાવવાના પ્રયાસ કર્યા.

    આ પોસ્ટ પરથી એવું લાગી શકે કે રાહુલ ગાંધીને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભાષણ આપવા માટે ‘આમંત્રણ’ આપવામાં આવ્યું હતું. 

    શું છે રાહુલ ગાંધીની કેમ્બ્રિજ યાત્રાનું સત્ય? 

    રાહુલ ગાંધીની રહસ્યમય વિદેશી યાત્રાઓ હવે કોઇ આશ્ચર્યનો વિષય રહી નથી. જ્યારે-જ્યારે પાર્ટીને તેમની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે જ રાહુલ ગાંધી આવી યાત્રાએ ઊપડી જતા હોય છે. જેથી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ અધૂરી મૂકીને રાહુલ ગાંધી અચાનક ‘સ્પેશિયલ લેક્ચર’ આપવા માટે કેમ્બ્રિજ યુનિવર્સિટી જતા હોય તો તે બહુ આશ્ચર્યજનક બાબત નથી. પરંતુ કેમ્બ્રિજ યુનિવર્સિટીએ તેમને ‘આમંત્રણ’ આપ્યું હોવાના દાવા શંકાસ્પદ લાગી રહ્યા હતા.

    ઉદાહરણ તરીકે જોઈએ તો મે, 2022માં કેમ્બ્રિજ યુનિવર્સિટીએ રાહુલ ગાંધીની મુલાકાત વિશે અધિકારિક જાણકારી આપી હતી અને X (તત્કાલીન ટ્વિટર) પર ફોટા પણ પોસ્ટ કર્યા હતા. 

    આ જ રીતે ફેબ્રુઆરી, 2023માં યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજની જજ સ્કૂલ ઑફ બિઝનેસે પણ રાહુલ ગાંધીના એક કાર્યક્રમ વિશે ટ્વિટ કર્યું હતું. 

    પરંતુ આ વખતે યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજ કે તેને સંલગ્ન કોઇ કૉલેજ તરફથી રાહુલ ગાંધીની યાત્રા વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી. ઑપઇન્ડિયાએ જ્યારે તપાસ કરી તો અન્ય મહેમાનોની મુલાકાતો વિશે જાણવા મળ્યું, પરંતુ રાહુલ ગાંધી વિશે કોઇ જાણકારી મળી નહીં. 

    કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીએ તાજેતરમાં કોઇ લેક્ચર આપ્યું હોવાની કોઇ માહિતી નહીં

    બીજી તરફ, કોંગ્રેસ સમર્થકો દ્વારા રાહુલ ગાંધીની જે તસવીર શૅર કરવામાં આવી રહી છે, તેનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે આ તથાકથિત ‘સ્પેશિયલ લેક્ચર’ કેમ્બ્રિજ યુનિવર્સિટીની જિસસ કૉલેજ ખાતે યોજાયું હતું. આમ સ્થળ કૉલેજના કેફેટેરિયા જેવું લાગે છે, પરંતુ ખરેખર જ્યાં રાહુલ ગાંધીએ સંબોધન કર્યું તે જિસસ કૉલેજનો એક કૉન્ફરન્સ રૂમ છે. 

    જિસસ કૉલેજની વેબસાઈટ પરથી પ્રાપ્ત એલેના હૉલની તસવીર

    જે રીતે અગાઉ કેમ્બ્રિજ યુનિ. અને જજ સ્કૂલ ઑફ બિઝનેસે રાહુલ ગાંધીને યાત્રા વિશે સોશિયલ મીડિયા પર જાણકારી આપી તેવી જ રીતે જિસસ કૉલેજ દ્વારા પણ કોઈ જાણકારી આપવામાં આવી હોવી જોઈતી હતી, પરંતુ તપાસમાં એવું કશું જ જાણવા મળ્યું નહીં.

    આગળ તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે, જિસસ કોલેજ પ્રેઝન્ટેશન, મિટિંગ, ઈવેન્ટ અને ગ્રુપ ડાઈનિંગ માટે પોતાના કૉન્ફરન્સ હોલ અને મેદાનો પર કમર્શિયલ પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી આપે છે. એટલે કે કોઇ પણ વ્યક્તિ કેમ્બ્રિજ યુનિવર્સિટીની જિસસ કૉલેજમાં એક નાનો મીટિંગ રૂમ જ નહીં પરંતુ અન્ય સુવિધાઓ પણ અમુક પૈસા ચૂકવીને બુક કરી શકે છે. 

    ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસે જૂની તસવીરો પોસ્ટ કરી, પછીથી ટ્વિટ કર્યું ડિલિટ

    વધુમાં, તાજેતરમાં ‘ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ’ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં રાહુલ ગાંધીને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભવ્ય આવકાર આપવામાં આવ્યો હોવાનું દર્શાવવા માટે રાહુલ ગાંધીની ભૂતકાળની મુલાકાતોના જૂના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે પાર્ટીએ લખ્યું કે, ભારતીય નેતાને કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવા માટે અને તેમને સંબોધવા માટે આમંત્રણ આપવામાં આવે તે ગર્વની બાબત છે.’ 

    પછીથી ડિલિટ કરી દેવાયેલી ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસની પોસ્ટ

    આવી પોસ્ટ થકી પાર્ટી એવું સાબિત કરવા માંગતી હતી કે રાહુલ ગાંધીને તાજેતરમાં યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ હકીકત એ છે કે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસે આ ટ્વિટમાં જે તસવીરોનો ઉપયોગ કર્યો છે તે મે, 2022ની છે. ઑપઇન્ડિયાને તપાસ કરતાં મે, 2022માં કેમ્બ્રિજ યુનિવર્સિટીની એક કોલેજમાં યોજાયેલા કાર્યક્રમનું રેકોર્ડિંગ પણ મળી આવ્યું. જોકે, આ ઘટસ્ફોટ થઈ જતાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસે આ ટ્વિટ ઉડાવી દીધું હતું. 

    ઑપઇન્ડિયાએ કર્યો કોલેજ પ્રશાસનનો સંપર્ક

    કોંગ્રેસના આવા દાવાઓને જોતાં આખરે ઑપઇન્ડિયાએ UKની કેમ્બ્રિજ યુનિવર્સિટીની જિસસ કૉલેજનો સંપર્ક કર્યો. અમે કૉલેજ પ્રશાસનને આ સવાલો પૂછ્યા, જેનો પછીથી જવાબ પણ મળ્યો. 

    1. કૉન્ફરન્સ રૂમ ક્યાં બુક કરવામાં આવ્યો હતો અને કેટલા સમય માટે? 
    2. કાર્યક્રમના આયોજકો કોણ હતા? 
    3. શું કૉલેજ પ્રશાસને રાહુલ ગાંધીને કાર્યક્રમમાં સંબોધન માટે આમંત્રણ આપ્યું હતું?
    4. કાર્યક્રમમાં કેટલા લોકો હાજર હતા? 
    5. એલેના હૉલ (કૉન્ફરન્સ રૂમ) બુક કરવા માટે આયોજકોએ કેટલી રકમ ચૂકવી હતી?

    શુક્રવારે (1 માર્ચ, 2024) જિસસ કૉલેજ તરફથી ઑપઇન્ડિયાને લેખિત જવાબ મળ્યો. જે કૉલેજ પ્રવક્તાએ મોકલ્યો હતો. અધિકારીએ પુષ્ટિ કરી કે રાહુલ ગાંધીનો જ્યાં કાર્યક્રમ હતો તે હૉલ ભાડે લેવામાં આવ્યો હતો અને તેના આયોજનમાં કોલેજની કોઇ ભૂમિકા ન હતી.

    કૉલેજ તરફથી અમને જણાવવામાં આવ્યું કે, ‘કાર્યક્રમ બહારથી આયોજિત કરવામાં આવ્યો હતો, જે કમર્શિયલ બુકિંગ હતું. આ કાર્યક્રમના આયોજન કે તેને ભંડોળ આપવામાં કૉલેજ કોઈ પણ રીતે સામેલ ન હતી.’

    આના પરથી સ્પષ્ટ થાય છે કે કેમ્બ્રિજ યુનિવર્સિટીએ રાહુલ ગાંધીને કોઇ ‘સ્પેશિયલ લેક્ચર’ આપવા માટે બોલાવ્યા નથી. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ અટકાવીને રાહુલ જેના માટે ગયા તે એક પેઈડ ઈવેન્ટ હતી. કોંગ્રેસ ઈકોસિસ્ટમ રાહુલ ગાંધીના આ ‘સ્પેશિયલ લેક્ચર’ને લઈને કોઇ હો-હા કેમ નથી કરી રહી, તે પણ આ ઘટનાક્રમ પરથી સમજી શકાય તેમ છે.