Thursday, May 2, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક‘આજે ગામ, ગરીબ, ખેડૂતો દુઃખી છે…’: શું નીતિન ગડકરીએ પોતાની જ સરકાર...

    ‘આજે ગામ, ગરીબ, ખેડૂતો દુઃખી છે…’: શું નીતિન ગડકરીએ પોતાની જ સરકાર વિરુદ્ધ નિવેદન આપ્યું? કોંગ્રેસે અધૂરો વિડીયો શૅર કરીને ફેલાવ્યો ભ્રમ- હકીકત જાણો 

    ‘ધ લલ્લનટોપ’ દ્વારા અપલોડ કરવામાં આવેલો સંપૂર્ણ વિડીયો જોતાં જાણવા મળે છે કે તેમાંથી અધૂરી ક્લિપ ઉઠાવી લઈને કોઇ સંદર્ભ વગર શૅર કરીને ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    જેમ-જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ કૉંગ્રેસે ફરી દુષ્પ્રચારનો સહારો લેવા માંડ્યો છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો ફરતો કરવામાં આવ્યો છે, જે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના એક ઇન્ટરવ્યુનો છે. અધૂરી ક્લિપ શૅર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ગડકરી દેશમાં ગરીબ, ખેડૂતો દુઃખી હોવાની અને શાળા-હૉસ્પિટલો ઉપલબ્ધ ન હોવાની વાતો કરી રહ્યા છે. કોંગ્રેસે અધિકારીક હેન્ડલ પરથી આ વિડીયો ક્લિપ પોસ્ટ કર્યા બાદ આખી ઇકોસિસ્ટમે તેને માથે લઈને પ્રોપગેન્ડા ફેલાવવાનો શરૂ કરી દીધો. 

    વિડિયોમાં શું છે? 

    કોંગ્રેસે પોસ્ટ કરેલા 19 સેકન્ડના વિડિયોમાં નીતિન ગડકરી કહેતા સંભળાય છે કે, “આજે ગામ-ગરીબ, મજૂર, ખેડૂત દુઃખી છે. તેનું કારણ એ છે કે જળ, જમીન, જંગલ અને જાનવર, રૂરલ, એગ્રીકલ્ચર, ટ્રાયબલ….આ અર્થવ્યવસ્થા છે ત્યાં સારા રસ્તા નથી, પીવા માટે શુદ્ધ પાણી નથી. સારી હૉસ્પિટલો નથી. સારી શાળાઓ નથી. ખેડૂતોના પાકને સારા ભાવ મળી રહ્યા નથી.”

    આ વિડીયો નીતિન ગડકરીએ પોર્ટલ ‘ધ લલ્લનટોપ’ને તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુ દરમિયાનનો છે. જે પોસ્ટ કરીને મોદી સરકારના જ મંત્રી તેમની સરકારે કશું ન કર્યું હોવાનું જણાવી રહ્યા હોવાની ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી છે. પરંતુ હકીકત એ છે કે આ વિડીયો અધૂરો છે અને આગળ-પાછળના સંદર્ભો વગર શૅર કરવામાં આવી રહ્યો છે. તેઓ કહી રહ્યા હતા કે અગાઉ કૃષિ ક્ષેત્રમાં પૂરતું કામ થયું ન હતું અને હવે મોદી સરકાર ધ્યાન આપી રહી છે.

    - Advertisement -

    હકીકત શું છે? 

    ‘ધ લલ્લનટોપ’ દ્વારા અપલોડ કરવામાં આવેલો સંપૂર્ણ વિડીયો જોતાં જાણવા મળે છે કે તેમાંથી અધૂરી ક્લિપ ઉઠાવી લઈને કોઇ સંદર્ભ વગર શૅર કરીને ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે. ઇન્ટરવ્યુમાં હોસ્ટ સૌરભ દ્વિવેદી ગડકરીને ખેડૂતો વિશે પ્રશ્ન કરે છે, જેનો કેન્દ્રીય મંત્રી જવાબ આપે છે. તેઓ એ પણ જણાવે છે કે આ ક્ષેત્રમાં સરકાર શું કામ કરી રહી છે. 

    આગળ તેઓ કહે છે કે, “આજે દેશમાં ખેતી પર નિર્ભર વસ્તી 65 ટકા છે. જ્યારે ગાંધીજી હતા ત્યારે 90 ટકા વસ્તી ગામમાં રહેતી હતી. ધીમે-ધીમે આ 30 ટકાનું સ્થળાંતર કેમ થયું? તેનું કારણ આજે ગામ-ગરીબ, મજૂર, ખેડૂત દુઃખી છે. તેનું કારણ એ છે કે જળ, જમીન, જંગલ અને જાનવર, રૂરલ, એગ્રીકલ્ચર, ટ્રાયબલ….આ અર્થવ્યવસ્થા છે ત્યાં સારા રસ્તા નથી, પીવા માટે શુદ્ધ પાણી નથી. સારી હૉસ્પિટલો નથી. સારી શાળાઓ નથી. ખેડૂતોના પાકને સારા ભાવ મળી રહ્યા નથી.” 

    આગળ તેઓ કહે છે કે, “અહીં વિકાસ નથી થયો એવું નથી, પરંતુ બાકીનાં ક્ષેત્રોમાં જે થયો તેટલો નથી થયો. અમારી સરકાર આવ્યા બાદ અમે કામ કરી રહ્યા છીએ. અમે 550 બ્લૉક અને 120 જિલ્લાઓ તારવ્યા છે, જ્યાં વિશેષરૂપે કામ કરવાની જરૂર છે.” ‘લલ્લટોપ’ના વિડીયોમાં 18:10 મિનીટથી આ વાતચીત સાંભળી શકાશે.

    આના પરથી સ્પષ્ટ થાય છે કે ગડકરીના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. તેઓ જણાવી રહ્યા હતા કે ભૂતકાળમાં અમુક કામો ન થવાના કારણે કૃષિ ક્ષેત્રમાં જોઈએ તેટલો વિકાસ ન થયો પરંતુ તેમની સરકાર આવ્યા બાદ હવે આ ક્ષેત્રને પણ અન્ય ક્ષેત્રો જેટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે અને કામ પણ થઈ રહ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં