Monday, April 22, 2024
More
  હોમપેજગુજરાતગઠબંધન બનાવતી રહી ગઈ AAP-કોંગ્રેસ, ભરૂચ બેઠક પર થઈ ગયો ખેલ: CR...

  ગઠબંધન બનાવતી રહી ગઈ AAP-કોંગ્રેસ, ભરૂચ બેઠક પર થઈ ગયો ખેલ: CR પાટીલને મળ્યા BTP નેતા મહેશ વસાવા, ઑપઇન્ડિયાને કહ્યું- અમે મોદી સાથે, ભાજપને મજબૂત કરીશું

  ઑપઇન્ડિયાએ મહેશ વસાવાનો સંપર્ક કર્યો હતો. તેમણે વિસ્તૃત વાતચીતમાં ભાજપ અધ્યક્ષ સાથેની મુલાકાતની પુષ્ટિ કરી અને કહ્યું કે તેમની અને ભાજપની વિચારધારા એક જ છે અને વડાપ્રધાન મોદીની 'સૌનો સાથ, સૌનો વિકાસ'ની વિચારધારાથી પ્રેરિત થઈને તેઓ ભાજપને સમર્થન કરશે

  - Advertisement -

  છેલ્લા થોડા સમયથી ભરૂચ લોકસભા બેઠક ચર્ચામાં છે ત્યારે હવે આ બેઠક પર સારું એવું વર્ચસ્વ ધરાવતા ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના નેતા અને સ્થાપક છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મુલાકાત કરતાં અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે. ચર્ચા છે કે તેઓ કાં તો ભાજપમાં જોડાશે, અથવા તો BTP ભાજપને સમર્થન કરશે. આ બાબતની પુષ્ટિ સ્વયં મહેશ વસાવાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં કરી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ઝાટકો છે.

  મળતી માહિતી અનુસાર, BTP નેતા મહેશ વસાવા તાજેતરમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને મળ્યા હતા. પછીથી CR પાટીલ સાથે તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી. TV9ના રિપોર્ટમાં એક ફેસબુક પોસ્ટ પણ ટાંકવામાં આવી છે, જે મહેશ વસાવાના ફેસબુક અકાઉન્ટ પરથી કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, 1 માર્ચે મહેશ વસાવાએ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી અને ટૂંક સમયમાં કાર્યકર્તાઓ સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે. 

  સમાચાર સામે આવ્યા બાદ ઑપઇન્ડિયાએ મહેશ વસાવાનો સંપર્ક કર્યો હતો. તેમણે વિસ્તૃત વાતચીતમાં ભાજપ અધ્યક્ષ સાથેની મુલાકાતની પુષ્ટિ કરી અને કહ્યું કે તેમની અને ભાજપની વિચારધારા એક જ છે અને વડાપ્રધાન મોદીની ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ની વિચારધારાથી પ્રેરિત થઈને તેઓ ભાજપને સમર્થન કરશે અને ભરૂચ જ નહીં પરંતુ આખા દેશમાં પાર્ટીને મજબૂત કરશે.

  - Advertisement -

  મુલાકાતનો ઉદ્દેશ્ય દેશનો વિકાસ, BTP પહેલેથી જ ભાજપ સાથે

  ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથેની મુલાકાતના ઉદ્દેશ્ય વિશે જણાવતાં મહેશ વસાવાએ ઑપઇન્ડિયાને કહ્યું હતું કે, “આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય દેશનો અને જનતાનો વિકાસ છે. અત્યારે નરેન્દ્રભાઈ મોદી જે રીતે કામ કરી રહ્યા છે….. શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતોને લઈને જે રીતે વિકાસકાર્યો થઇ રહ્યાં છે તેમાં સાથ-સહકાર આપવા અમે આ જ વિચારધારા સાથે આગળ વધી રહ્યા છીએ.”

  ભાજપને સમર્થન કરવાના પ્રશ્ન પર મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, “BTP અને ભાજપ પહેલેથી જ એક બીજાના સહયોગમાં છે. એક સમયે અમે સાથે મળીને જિલ્લા પંચાયત બનાવી હતી. અમે આમ ભલે અલગ હતા, પરંતુ અમારી વિચારધારા ક્યારેય અલગ નથી રહી. અમારા બંનેના રસ્તા એક જ છે અને ભવિષ્યમાં પણ સાથે મળીને લોકોના કામ કરીશું.”

  અરવિંદ કેજરીવાલ જૂઠ્ઠા, ચૈતર વસાવા ગદ્દાર- મહેશ વસાવા

  તાજેતરમાં ભરૂચ બેઠક પર AAP-કોંગ્રેસે ગઠબંધન જાહેર કરીને AAPને બેઠક ફાળવવામાં આવી છે, જ્યાં પાર્ટી ડેડિયાપાડાના ધારસભ્ય ચૈતર વસાવાને ઉતારી રહી છે. ભરૂચ લોકસભા બેઠકનાં રાજકીય સમીકરણો વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, “લોકોની જરૂરિયાતો શું છે તે બાબતથી અમે વાકેફ છીએ. અમારો જન્મ જ ગરીબોના હક માટે અને બંધારણના રક્ષણ માટે થયો છે અને અમે એ જ વિચારધારા સાથે આગળ વધી રહ્યા છીએ. આમ આદમી પાર્ટી અને કેજરીવાલ જૂઠ્ઠું બોલવાનું કામ કરી રહ્યા છે. ચૈતર વસાવા અને એ બધા ગદ્દાર લોકો છે. છેલ્લા એક વર્ષમાં તેમણે શું કામ કર્યાં તે જણાવવું જોઈએ. મફત વીજળી આપવાની વાત કરીને, શિક્ષિત બેરોજગારોને ભથ્થું આપવાની વાત કરીને લોકો પાસે વોટ લીધા. વોટ તો લઈ લીધા, આ લોકોથી કશું થવાનું નથી.

  ભરૂચ પર AAP-કોંગ્રેસના ગઠબંધનને લઈને મહેશ વસાવાએ કહ્યું કે, આ ગઠબંધનથી અહીં કોઇ ફેર પડવાનો નથી. તેમણે એમ પણ કહ્યું કે, અમે ભાજપને મજબૂત કરીશું. માત્ર ભરૂચ જિલ્લાની વાત નથી, બધે જ અમે સાથે કામ કરીશું. આ ઘટનાક્રમ પર છોટુ વસાવાનો શું મત છે, તેમ પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, બધા જ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ની વિચારધારા સાથે ચાલી રહ્યા છે. આ સંકેત છે કે ભાજપને સમર્થનની બાબતને છોટુ વસાવાનું પણ સમર્થન હોય શકે છે. જોકે, તેમણે સ્વતંત્રપણે આ બાબતે હજુ સુધી કોઇ નિવેદન આપ્યું નથી.

  મહેશ વસાવા BTP સ્થાપક છોટુ વસાવાના પુત્ર છે અને ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના પિતા છોટુ વસાવા પણ ઘણી ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા. બંને પિતા-પુત્ર ડેડિયાપાડા, ઝઘડિયા વગેરે વિસ્તારોમાં સારું વર્ચસ્વ ધરાવે છે અને આદિવાસી સમુદાય પર પણ તેમની પકડ છે. આ સંજોગોમાં તેઓ ભાજપને સમર્થન આપે તો ચૈતર વસાવાને આગળ કરીને ચાલતી આમ આદમી પાર્ટીને ફટકો પડી શકે તેમ છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં