Sunday, April 28, 2024
More
    હોમપેજદેશબેંગ્લોરના કાફેમાં થયો હતો બૉમ્બ બ્લાસ્ટ, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કરી પુષ્ટિ: ઘટનાના CCTV...

    બેંગ્લોરના કાફેમાં થયો હતો બૉમ્બ બ્લાસ્ટ, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કરી પુષ્ટિ: ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા; તપાસમાં હવે NIAની પણ એન્ટ્રી 

    આ બ્લાસ્ટ ‘બૉમ્બ બ્લાસ્ટ’ હોવાની જાણકારી મળ્યા બાદ હવે NIAની પણ એન્ટ્રી થઈ છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની એક ટીમ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને તપાસ કરી હતી. 

    - Advertisement -

    શુક્રવારે (1 માર્ચ, 2024) બપોરે કર્ણાટકના પાટનગર બેંગ્લોરના એક કાફેમાં બ્લાસ્ટ થયો હતો. હવે જાણવા મળ્યું છે કે આ એક બૉમ્બ બ્લાસ્ટ હતો. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ બાબતની પુષ્ટિ કરી છે. હવે આ મામલે તપાસ માટે NIAની ટીમ પણ ઘટનાસ્થળે જવા રવાના થઈ છે. બીજી તરફ, બ્લાસ્ટનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જે પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. 

    આ બ્લાસ્ટ બેંગલોરના રાજાજીનગરમાં સ્થિત ‘રામેશ્વરમ કાફે’માં થયો હતો. શરૂઆતમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાની જાણકારી વહેતી કરવામાં આવી, પરંતુ પછીથી સ્પષ્ટ થયું કે તે એક બૉમ્બ બ્લાસ્ટ હતો. કોઇકે બેગ મૂકી હતી, જેમાં વિસ્ફોટ થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

    મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોલીસ પાસેથી પ્રાપ્ત જાણકારીના આધારે મીડિયાને જણાવ્યું કે, કાફેમાં થયેલો બ્લાસ્ટ એક બૉમ્બ બ્લાસ્ટ હતો. તેમણે ઉમેર્યું કે, બ્લાસ્ટ માટે IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કોઇ વ્યક્તિએ બેગમાં IED મૂકીને તેને કાફેમાં મૂકી દીધી હતી. આ વ્યક્તિએ કાઉન્ટર પરથી ટોકન પણ લીધું હતું. ઘટના ‘આતંકવાદી હુમલો’ છે કે કેમ, તે અંગે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, તે હજુ સુધી જાણી શકાયું નથી અને હાલ મામલાની તપાસ ચાલી રહી છે. 

    - Advertisement -

    આ મામલે પછીથી કર્ણાટકના DGP આલોક મોહને પણ બૉમ્બ બ્લાસ્ટ હોવાની પુષ્ટિ કરી. તેમણે ઉમેર્યું કે પોલીસ હાલ તપાસ કરી રહી છે અને જે કોઇ પણ જવાબદાર હશે તેમને છોડવામાં આવશે નહીં. 

    તેમણે કહ્યું, “બપોરે એક વાગ્યે કાફેમાં બૉમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં 9 લોકોને ઈજા પહોંચી છે, પરંતુ કોઇ ગંભીર રીતે ઈજાગ્રસ્ત નથી. અમે તપાસ કરી રહ્યા છીએ. FSLની ટીમે આવીને તપાસ શરૂ કરી દીધી છે. સિટી કમિશ્નર અને અન્ય અધિકારીઓ સ્થળ પર હાજર છે. જેમણે પણ કર્યું છે તેમને શોધી કાઢવામાં આવશે.”

    ઘટનામાં 9 લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી અમુક કાફેનો સ્ટાફ છે તો અમુક ગ્રાહકો. જોકે, મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોઈને ગંભીર ઈજા પહોંચી નથી અને હાલ સારવાર ચાલી રહી છે. 

    વધુમાં, આ બ્લાસ્ટ ‘બૉમ્બ બ્લાસ્ટ’ હોવાની જાણકારી મળ્યા બાદ હવે NIAની પણ એન્ટ્રી થઈ છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની એક ટીમ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને તપાસ કરી હતી. 

    આ ઘટના બની તે સમયનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આ CCTV ફૂટેજમાં બ્લાસ્ટ થવા પહેલાં બધું સામાન્ય જણાય છે. અચાનક વિસ્ફોટ થાય છે અને અફરાતફરી મચી જાય છે. ચારેતરફ ધુમાડો પ્રસરી ગયેલો જોવા મળે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં