Sunday, April 28, 2024
More
    હોમપેજરાજકારણરાહુલ ગાંધીને કેમ્બ્રિજ યુનિવર્સિટીએ નહતું આપ્યું આમંત્રણ, જેના માટે યાત્રા અટકાવીને UK...

    રાહુલ ગાંધીને કેમ્બ્રિજ યુનિવર્સિટીએ નહતું આપ્યું આમંત્રણ, જેના માટે યાત્રા અટકાવીને UK ગયા તે ‘પેઈડ ઈવેન્ટ’: ઑપઇન્ડિયાની તપાસમાં ઘટસ્ફોટ, કૉલેજે કરી પુષ્ટિ

    કોંગ્રેસના આવા દાવાઓને જોતાં આખરે ઑપઇન્ડિયાએ UKની કેમ્બ્રિજ યુનિવર્સિટીની જિસસ કૉલેજનો સંપર્ક કર્યો. અમે કૉલેજ પ્રશાસનને આ સવાલો પૂછ્યા, જેનો પછીથી જવાબ પણ મળ્યો. 

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ અધૂરી મૂકીને વિદેશ યાત્રાએ ઊપડ્યા છે. રાહુલ ગાંધીની આ UK મુલાકાતને લઈને પાર્ટીએ એવું જાહેર કર્યું હતું કે રાહુલને કેમ્બ્રિજ યુનિવર્સિટીએ લેક્ચર આપવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ આ તમામ દાવા ખોટા સાબિત થયા છે. ઑપઇન્ડિયાની તપાસમાં જાણવા મળ્યું છે કે રાહુલ ગાંધીને કોઇ અધિકારીક આમંત્રણ ન હતું અને તેમના જે કાર્યક્રમના ફોટા ફરી રહ્યા છે તે કાર્યક્રમ એક ‘પેઈડ ઈવેન્ટ’ હતો. એટલે કે અમુક પૈસા આપીને સ્થળ ભાડે રાખવામાં આવ્યું હતું.

    નોંધવું જોઈએ કે ગત 21 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી યુનાઇટેડ કિંગડમની યાત્રાએ જવાના હોવાથી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ થોડા દિવસ અટકાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી યાત્રામાં વિરામ રહેશે, જેથી રાહુલ ગાંધી 27 અને 28 ફેબ્રુઆરીના રોજ કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે 2 સ્પેશિયલ લેક્ચર આપવાનું તેમનું ઘણા સમયનું કમિટમેન્ટ પૂર્ણ કરી શકે.  

    ત્યારબાદ 27 ફેબ્રુઆરીના રોજ રાહુલ ગાંધીની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા અને ‘પત્રકાર’ શ્રુતિ કપિલા સાથે જોવા મળે છે. આ તસવીર કેમ્બ્રિજ યુનિવર્સિટી પરિસરની છે.

    - Advertisement -

    તેના 2 દિવસ બાદ ગુરુવારે (29 ફેબ્રુઆરી) કોંગ્રેસ સમર્થક શાંતનુ નામના એક વ્યક્તિએ X પર રાહુલ ગાંધીની એક તસવીર પોસ્ટ કરી, જેમાં તેઓ એક પોડિયમ સમક્ષ ઊભેલા જોવા મળે છે અને કશુંક ભાષણ આપતા હોય તેવું નજરે પડે છે. શાંતનુએ આ ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, “કેમ્બ્રિજ યુનિવર્સિટીની તેમની અધિકારિક મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીની પ્રથમ તસવીર.” ત્યારબાદ તેમણે ‘ન્યૂ પ્રોફેસર ઇન ધ ટાઉન’ જેવા શબ્દો વાપરીને માહોલ બનાવવાના પ્રયાસ કર્યા.

    આ પોસ્ટ પરથી એવું લાગી શકે કે રાહુલ ગાંધીને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભાષણ આપવા માટે ‘આમંત્રણ’ આપવામાં આવ્યું હતું. 

    શું છે રાહુલ ગાંધીની કેમ્બ્રિજ યાત્રાનું સત્ય? 

    રાહુલ ગાંધીની રહસ્યમય વિદેશી યાત્રાઓ હવે કોઇ આશ્ચર્યનો વિષય રહી નથી. જ્યારે-જ્યારે પાર્ટીને તેમની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે જ રાહુલ ગાંધી આવી યાત્રાએ ઊપડી જતા હોય છે. જેથી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ અધૂરી મૂકીને રાહુલ ગાંધી અચાનક ‘સ્પેશિયલ લેક્ચર’ આપવા માટે કેમ્બ્રિજ યુનિવર્સિટી જતા હોય તો તે બહુ આશ્ચર્યજનક બાબત નથી. પરંતુ કેમ્બ્રિજ યુનિવર્સિટીએ તેમને ‘આમંત્રણ’ આપ્યું હોવાના દાવા શંકાસ્પદ લાગી રહ્યા હતા.

    ઉદાહરણ તરીકે જોઈએ તો મે, 2022માં કેમ્બ્રિજ યુનિવર્સિટીએ રાહુલ ગાંધીની મુલાકાત વિશે અધિકારિક જાણકારી આપી હતી અને X (તત્કાલીન ટ્વિટર) પર ફોટા પણ પોસ્ટ કર્યા હતા. 

    આ જ રીતે ફેબ્રુઆરી, 2023માં યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજની જજ સ્કૂલ ઑફ બિઝનેસે પણ રાહુલ ગાંધીના એક કાર્યક્રમ વિશે ટ્વિટ કર્યું હતું. 

    પરંતુ આ વખતે યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજ કે તેને સંલગ્ન કોઇ કૉલેજ તરફથી રાહુલ ગાંધીની યાત્રા વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી. ઑપઇન્ડિયાએ જ્યારે તપાસ કરી તો અન્ય મહેમાનોની મુલાકાતો વિશે જાણવા મળ્યું, પરંતુ રાહુલ ગાંધી વિશે કોઇ જાણકારી મળી નહીં. 

    કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીએ તાજેતરમાં કોઇ લેક્ચર આપ્યું હોવાની કોઇ માહિતી નહીં

    બીજી તરફ, કોંગ્રેસ સમર્થકો દ્વારા રાહુલ ગાંધીની જે તસવીર શૅર કરવામાં આવી રહી છે, તેનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે આ તથાકથિત ‘સ્પેશિયલ લેક્ચર’ કેમ્બ્રિજ યુનિવર્સિટીની જિસસ કૉલેજ ખાતે યોજાયું હતું. આમ સ્થળ કૉલેજના કેફેટેરિયા જેવું લાગે છે, પરંતુ ખરેખર જ્યાં રાહુલ ગાંધીએ સંબોધન કર્યું તે જિસસ કૉલેજનો એક કૉન્ફરન્સ રૂમ છે. 

    જિસસ કૉલેજની વેબસાઈટ પરથી પ્રાપ્ત એલેના હૉલની તસવીર

    જે રીતે અગાઉ કેમ્બ્રિજ યુનિ. અને જજ સ્કૂલ ઑફ બિઝનેસે રાહુલ ગાંધીને યાત્રા વિશે સોશિયલ મીડિયા પર જાણકારી આપી તેવી જ રીતે જિસસ કૉલેજ દ્વારા પણ કોઈ જાણકારી આપવામાં આવી હોવી જોઈતી હતી, પરંતુ તપાસમાં એવું કશું જ જાણવા મળ્યું નહીં.

    આગળ તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે, જિસસ કોલેજ પ્રેઝન્ટેશન, મિટિંગ, ઈવેન્ટ અને ગ્રુપ ડાઈનિંગ માટે પોતાના કૉન્ફરન્સ હોલ અને મેદાનો પર કમર્શિયલ પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી આપે છે. એટલે કે કોઇ પણ વ્યક્તિ કેમ્બ્રિજ યુનિવર્સિટીની જિસસ કૉલેજમાં એક નાનો મીટિંગ રૂમ જ નહીં પરંતુ અન્ય સુવિધાઓ પણ અમુક પૈસા ચૂકવીને બુક કરી શકે છે. 

    ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસે જૂની તસવીરો પોસ્ટ કરી, પછીથી ટ્વિટ કર્યું ડિલિટ

    વધુમાં, તાજેતરમાં ‘ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ’ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં રાહુલ ગાંધીને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભવ્ય આવકાર આપવામાં આવ્યો હોવાનું દર્શાવવા માટે રાહુલ ગાંધીની ભૂતકાળની મુલાકાતોના જૂના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે પાર્ટીએ લખ્યું કે, ભારતીય નેતાને કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવા માટે અને તેમને સંબોધવા માટે આમંત્રણ આપવામાં આવે તે ગર્વની બાબત છે.’ 

    પછીથી ડિલિટ કરી દેવાયેલી ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસની પોસ્ટ

    આવી પોસ્ટ થકી પાર્ટી એવું સાબિત કરવા માંગતી હતી કે રાહુલ ગાંધીને તાજેતરમાં યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ હકીકત એ છે કે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસે આ ટ્વિટમાં જે તસવીરોનો ઉપયોગ કર્યો છે તે મે, 2022ની છે. ઑપઇન્ડિયાને તપાસ કરતાં મે, 2022માં કેમ્બ્રિજ યુનિવર્સિટીની એક કોલેજમાં યોજાયેલા કાર્યક્રમનું રેકોર્ડિંગ પણ મળી આવ્યું. જોકે, આ ઘટસ્ફોટ થઈ જતાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસે આ ટ્વિટ ઉડાવી દીધું હતું. 

    ઑપઇન્ડિયાએ કર્યો કોલેજ પ્રશાસનનો સંપર્ક

    કોંગ્રેસના આવા દાવાઓને જોતાં આખરે ઑપઇન્ડિયાએ UKની કેમ્બ્રિજ યુનિવર્સિટીની જિસસ કૉલેજનો સંપર્ક કર્યો. અમે કૉલેજ પ્રશાસનને આ સવાલો પૂછ્યા, જેનો પછીથી જવાબ પણ મળ્યો. 

    1. કૉન્ફરન્સ રૂમ ક્યાં બુક કરવામાં આવ્યો હતો અને કેટલા સમય માટે? 
    2. કાર્યક્રમના આયોજકો કોણ હતા? 
    3. શું કૉલેજ પ્રશાસને રાહુલ ગાંધીને કાર્યક્રમમાં સંબોધન માટે આમંત્રણ આપ્યું હતું?
    4. કાર્યક્રમમાં કેટલા લોકો હાજર હતા? 
    5. એલેના હૉલ (કૉન્ફરન્સ રૂમ) બુક કરવા માટે આયોજકોએ કેટલી રકમ ચૂકવી હતી?

    શુક્રવારે (1 માર્ચ, 2024) જિસસ કૉલેજ તરફથી ઑપઇન્ડિયાને લેખિત જવાબ મળ્યો. જે કૉલેજ પ્રવક્તાએ મોકલ્યો હતો. અધિકારીએ પુષ્ટિ કરી કે રાહુલ ગાંધીનો જ્યાં કાર્યક્રમ હતો તે હૉલ ભાડે લેવામાં આવ્યો હતો અને તેના આયોજનમાં કોલેજની કોઇ ભૂમિકા ન હતી.

    કૉલેજ તરફથી અમને જણાવવામાં આવ્યું કે, ‘કાર્યક્રમ બહારથી આયોજિત કરવામાં આવ્યો હતો, જે કમર્શિયલ બુકિંગ હતું. આ કાર્યક્રમના આયોજન કે તેને ભંડોળ આપવામાં કૉલેજ કોઈ પણ રીતે સામેલ ન હતી.’

    આના પરથી સ્પષ્ટ થાય છે કે કેમ્બ્રિજ યુનિવર્સિટીએ રાહુલ ગાંધીને કોઇ ‘સ્પેશિયલ લેક્ચર’ આપવા માટે બોલાવ્યા નથી. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ અટકાવીને રાહુલ જેના માટે ગયા તે એક પેઈડ ઈવેન્ટ હતી. કોંગ્રેસ ઈકોસિસ્ટમ રાહુલ ગાંધીના આ ‘સ્પેશિયલ લેક્ચર’ને લઈને કોઇ હો-હા કેમ નથી કરી રહી, તે પણ આ ઘટનાક્રમ પરથી સમજી શકાય તેમ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં