Monday, October 7, 2024
More
    હોમપેજદુનિયા1997નું સ્વપ્ન, વડાપ્રધાનના પ્રયાસોથી થયું હવે થયું પૂર્ણ: 14 ફેબ્રુઆરીએ અબુધાબીમાં જે...

    1997નું સ્વપ્ન, વડાપ્રધાનના પ્રયાસોથી થયું હવે થયું પૂર્ણ: 14 ફેબ્રુઆરીએ અબુધાબીમાં જે BAPS હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરશે PM મોદી, તેના નિર્માણ પાછળની કથા જાણો

    પીએમ જે મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે તે અબુ ધાબીનું પહેલું હિંદુ મંદિર છે. આ મંદિર સંયુક્ત આરબ અમીરાતના અમીર વ્યક્તિ દ્વારા ભેટમાં આપવામાં આવેલી 27 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે. 

    - Advertisement -

    અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ PM મોદી હવે સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં નિર્મિત ત્યાંના સૌપ્રથમ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. PM મોદી 14 ફેબ્રુઆરી, 2024ના રોજ આ ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કરશે. બે દિવસીય પ્રવાસમાં પ્રધાનમંત્રી મોદી UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠકમાં પણ ભાગ લેશે.

    ઉલ્લખનીય છે કે, છેલ્લા 8 મહિનામાં પીએમ મોદીની યુએઈની આ ત્રીજી મુલાકાત હશે. સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરી, 2024ના રોજ ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. UAEમાં ભારતીય રાજદૂત સંજય સુધીર અનુસાર, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 65000થી વધુ લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે .

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી, 2024ના રોજ આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ આ મંદિર 1 માર્ચ 2024થી સામાન્ય લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. મંદિર સંકુલમાં વિઝિટર સેન્ટર, પ્રાર્થના હોલ, પ્રદર્શનો, શિક્ષણ કેન્દ્ર, બાળકો અને યુવાનો માટે રમત ક્ષેત્ર, બગીચા, પાણીની સુવિધાઓ, ફૂડ કોર્ટ, પુસ્તક અને ભેટની દુકાનો સહિત અન્ય સુવિધાઓ પણ હશે.

    - Advertisement -

    પ્રધાનમંત્રી મોદીની આ ખાસ મુલાકાતને લઈને ભારતમાં UAEના રાજદૂત અબ્દુલ નાસેર અલ શાલીએ કહ્યું કે, બંને દેશો સહિષ્ણુતા અને સ્વીકૃતિનાં મૂલ્યોને કારણે તેમની મિત્રતાને વધુ મજબૂત કરવામાં સક્ષમ છે. દુબઈમાં આયોજિત વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ, 2024માં પ્રધાનમંત્રી મોદી ‘ગેસ્ટ ઑફ ઑનર’ તરીકે હાજરી આપશે અને સમિટને સંબોધિત કરશે.

    પીએમ જે મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે તે અબુ ધાબીનું પહેલું હિંદુ મંદિર છે. આ મંદિર સંયુક્ત આરબ અમીરાતના અમીર વ્યક્તિ દ્વારા ભેટમાં આપવામાં આવેલી 27 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે. સ્વામિનારાયણ મંદિરના ડિરેક્ટર પ્રણવ દેસાઈએ આ મંદિર માટે UAE અને ભારતીય નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો છે.

    સ્વામિનારાયણ સંપ્રદાયની અધિકારીક વેબસાઈટ અનુસાર, સંપ્રદાયના હિંદુ મંદિરો યુએઈના અબુધાબી, દુબઈ, શારજાહ અને રુવાઈસ શહેરોમાં પણ આવેલાં છે. જેમાંથી ઘણા મંદિર બની ગયાં છે અને બીજાંનું નિર્માણ થઇ રહ્યું છે. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર ઓમાનના મસ્કત, સોહર, કુવૈત અને બહેરીનમાં પણ આવેલાં છે.

    સ્વામિનારાયણ સંપ્રદાયની બોચાસણીવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના તત્કાલીન અધ્યક્ષ, પ્રમુખસ્વામી મહારાજ 5 એપ્રિલ, 1997ના રોજ UAEના શારજાહના રણ વિસ્તારમાં મુલાકાતે ગયા હતા. જ્યાં સ્વામીજીએ વિશ્વ શાંતિ અને તમામ ધર્મો વચ્ચે એકબીજા માટે સ્નેહભાવ રહે તેવી પ્રાર્થના કરી. તેમણે તમામ દેશોની પ્રગતિ માટે શુભેચ્છા પણ પાઠવી હતી.

    આ સાથે તેમણે અબુ ધાબીમાં એક હિંદુ મંદિર બનાવવની પોતાની ઈચ્છા પ્રગટ કરી હતી. પછીના બે દાયકાઓમાં, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોએ સ્વામીજીના વિઝન મુજબ મંદિર બનાવવા માટે યુએઈના લોકો અને ત્યાંના નેતાઓને મળ્યા તેમની પરવાનગી માંગી. આ સાથે જ તેઓએ મંદિર નિર્માણ માટે જમીનની પણ માંગણી કરી હતી.

    જે પછી વર્ષ 2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર આવી અને નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા. ત્યારબાદ ભારત અને UAE વચ્ચે પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું અને બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા. આ પછી વર્ષ 2015માં UAE સરકારે હિંદુ મંદિર માટે સંસ્થાને જમીન ફાળવી હતી. જેના માટે પીએમ મોદીએ UAE સરકારની ખૂબ પ્રશંસા કરી હતી.

    TOIના અહેવાલ મુજબ, વડાપ્રધાન મોદીએ તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, “અબુ ધાબીમાં મંદિર બનાવવા માટે જમીન ફાળવવાના નિર્ણય માટે હું UAE સરકારનો ખૂબ આભારી છું.” બંને સરકારોએ મંદિરના પ્રોજેક્ટના નિર્માણ, વિકાસ અને સંચાલન માટે સ્વામિનારાયણ સંસ્થા અને મંદિર લિમિટેડની પસંદગી કરી.

    ત્યારબાદ આ મંદિરનું નિર્માણકાર્ય અબુ ધાબી-દુબઈ હાઈવે નજીક અબુ ધાબી-સ્વિહાન-અલ આઈન રોડ પર અલ રહેબા વિસ્તારમાં અબુ મુરીખામાં શરૂ થયું. આ મંદિરમાં કુલ સાત ટાવર છે, જે સંયુક્ત આરબ અમીરાતમાં સ્થિત સાત અમીરાતનું પ્રતિનિધિત્વ કરે છે. આ મંદિર બનાવવાની સત્તાવાર જાહેરાત શાહી દરબારમાં ફેબ્રુઆરી, 2018માં કરવામાં આવી હતી અને એપ્રિલ 2019માં શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. મે, 2023માં અહીં 30થી વધુ દેશોના રાજદ્વારીઓએ નિર્માણાધીન મંદિરની મુલાકાત લીધી હતી.

    મંદિર પ્રવક્તા અનુસાર, પ્રાચીન પ્રથાઓ અનુસાર આ મંદિરના નિર્માણમાં લોખંડ કે સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ વિશાળ મંદિર સંપૂર્ણપણે પથ્થરનું બનેલું છે. જેને બનાવવા માટે 700થી વધુ કન્ટેનરમાં 20,000 ટનથી વધુ પથ્થર અને માર્બલ અબુ ધાબી મોકલવામાં આવ્યા હતા. મંદિરના પાયા ભરવા માટે ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કોંક્રિટ મિશ્રણમાં 55 ટકા સિમેન્ટના સ્થાને વપરાય છે.

    આ મંદિર પણ પર્યાવરણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. તેના કાર્બન ફૂટપ્રિન્ટમાં પણ ઘટાડો થયો છે. મંદિરની રચનાનું નિરીક્ષણ કરવા માટે દબાણ, તાપમાન અને ભૂકંપની ઘટનાઓનો જીવંત ડેટા મેળવવા માટે વિવિધ સ્તરો પર 300થી વધુ સેન્સર લગાવવામાં આવ્યાં છે. ગુજરાત અને રાજસ્થાનથી ખાસ કારીગરોને બોલાવીને મંદિરના સ્તંભ અને દીવાલો પર મોર, હાથી, ઘોડા, ઊંટ, ચંદ્ર વગેરે કોતરવામાં આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં