Sunday, May 19, 2024
More
    Home Blog Page 86

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પર કોંગ્રેસના નિર્ણયનો વિરોધ, પાર્ટીની બેઠકોમાં ગેરહાજરી: CR પાટીલે રૂમાલ રાખીને ભાજપની બસમાં રોકેલી જગ્યા આખરે મેળવી લેશે અંબરીશ ડેર?

    એક તરફ લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે બીજી તરફ અનેક દિગ્ગજો કોંગ્રેસ છોડી રહ્યા છે. તાજેતરમાં અનેક કોંગ્રેસ નેતાઓએ પાર્ટીને રામ-રામ કહીને ભાજપનો ખેસ પહેરી લીધો છે. જેમાં ગુજરાતના પણ અનેક નેતાઓ સામેલ છે. તેવામાં હવે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડી શકે તેમ છે. મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો રાજુલાના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અંબરીશ ડેર ભાજપમાં જોડાઈ શકે છે. જોકે, તેમણે હજુ આ બાબતની પુષ્ટિ કરી નથી પરંતુ બીજી તરફ ઇનકાર પણ કર્યો નથી.

    ઑપઇન્ડિયાએ વધુ જાણકારી મેળવવા માટે અંબરીશ ડેરનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમનો ફોન સ્વિચ ઑફ આવી રહ્યો છે. પરંતુ દિવ્ય ભાસ્કરના રિપોર્ટમાં તેમનું નિવેદન ટાંકવામાં આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે જો તેઓ કોઇ પણ નિર્ણય કરશે તો જણાવી દેશે.

    કોંગ્રેસની કારોબારી બેઠકમાં ગેરહાજર રહ્યા હતા ડેર

    ઉલ્લેખનીય છે કે ગત 29 ફેબ્રુઆરી, 2024ના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી. સ્વભાવિક છે કે લોકસભાની ચૂંટણીઓ માથે છે અને તેને લઈને પાર્ટીની નાનામાં-નાની બેઠક મહત્વપૂર્ણ હોય છે. તેમ છતાં અંબરીશ ડેર જિલ્લાની કારોબારી બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. આ વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયા હોવાના કારણે બેઠકમાં જઈ શક્યા ન હતા.

    રામ મંદિર માટે કોંગ્રેસના વલણની કરી ચૂક્યા છે ટીકા

    ઉલ્લેખનીય છે કે ગત 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રીરામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મહાસમારોહને લઈને કોંગ્રેસ નેતૃત્વને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે હાઈકમાન્ડે રામ મંદિરના આમંત્રણનો જાહેરમાં અસ્વીકાર કર્યો હતો. કોંગ્રેસની આ પ્રકારની હરકતથી અનેક કોંગ્રેસી નેતાઓ વ્યથિત થઈ ગયા હતા. તેમાં અંબરીશ ડેરનો પણ સમાવેશ થાય છે. તેમણે પોતાના X હેન્ડલ પર આ મામલે પોસ્ટ લખીને પાર્ટીનો વિરોધ કર્યો હતો.

    તેમણે કોંગ્રેસનો અમંત્રણના અસ્વીકારવાળો પત્ર પોસ્ટ કરીને X પર લખ્યું હતું કે, “મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અમારા આરાધ્ય દેવ છે, એટલા માટે તે સ્વભાવિક છે કે ભારતભરમાં અગણિત લોકોની આસ્થા આ નવનિર્મિત મંદિર સાથે વર્ષોથી જોડાયેલી છે. કોંગ્રેસના કેટલાક લોકોએ તે ખાસ પ્રકારના નિવેદનોથી અંતર રાખવું જોઈએ અને જનભાવનાનું હ્રદયથી સન્માન કરવું જોઈએ. આ પ્રકારના નિવેદન મારા જેવા કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ માટે નિરાશાજનક છે. જય સિયારામ.”

    અંબરીશ ડેર માટે ભાજપમાં જગ્યા ખાલી જ રાખી છે- સી.આર પાટીલ

    ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર પાટીલ અનેક વખત અંબરીશ ડેરને ભાજપમાં જોડાવા માટે જાહેરમાં આમંત્રણ આપી ચૂક્યા છે. 2021માં અમરેલી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પાટીલે કહ્યું હતું કે, “ડેરને તો મારે એક દિવસ ખખડાવવા પડશે, તેમને ખખડાવવાનો મારો અધિકાર છે. આપણે બસમાં બેસતા ત્યારે કેમ રૂમાલ મૂકી જગ્યા રાખતા તેમ અમે ડેર માટે જગ્યા રાખી મૂકી છે.”

    ત્યારબાદ ગત નવેમ્બર મહિનામાં ગીર-સોમનાથમાં એક ખાનગી હોસ્પિટલના લોકાર્પણ સમયે પણ સી.આર પાટીલે ફરી આ જ શબ્દો દોહરાવ્યા હતા. તેમણે મંચ પરથી અંબરીશ ડેરને સંબોધીને કહ્યું હતું કે, “જેમના માટે મેં બસમાં રૂમાલ રાખી મૂક્યો હતો, પરંતુ બસ ચૂકી ગયા એવા અમરીશભાઈ ડેર.” આટલું જ નહીં, તેમણે જાહેર સભાને સંબોધતાં ચોખવટ પાડીને કહ્યું હતું કે, “અંબરીશ ડેર મારા મિત્ર છે, હું તેમનો હાથ પકડીને ભાજપમાં લાવવાનો જ છું.” નોંધનીય છે કે તે સમયે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિતના અનેક મોટા કદના નેતાઓ હાજર હતા.

    ઉલ્લેખનીય છે કે અંબરીશ ડેર આહીર સમાજનો જાણીતો ચહેરો છે. તેઓ રાજુલા વિધાનસભના પૂર્વ ધારાસભ્ય છે. હાલ તેઓ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ છે. તેમને કોંગ્રેસના મહત્વના નેતાઓ પૈકીના એક માનવામાં આવે છે. આ પહેલાં પણ અટકળો વહેતી થઈ હતી અને અને હવે ફરી એક વાર ચર્ચાઓનો દોર ચાલુ થયો છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.

    લોકસભા ચૂંટણીની પ્રથમ યાદીમાં ગુજરાતમાં 3 નવા ચહેરાઓને સ્થાન: જાણો કોણ છે અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા અને પંચમહાલ બેઠકના ભાજપ ઉમેદવારો

    આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં કુલ 195 બેઠકો પર ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની પણ 15 બેઠકો આ યાદીમાં સામેલ છે. ભારતીય જનતા પાર્ટીએ શનિવારે (2 માર્ચ, 2024) એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધીને આ બાબતની જાણકારી આપી હતી. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ગુજરાતના 15 ઉમેદવારોમાંથી ત્રણ ચહેરાઓ જનતા માટે નવા છે. અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા અને પંચમહાલ બેઠકના ઉમેદવારો વિશે લોકોને ખૂબ ઓછી માહિતી છે.

    આ ત્રણ ઉમેદવારોમાં અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી દિનેશ મકવાણા, પંચમહાલ લોકસભા બેઠક પરથી રાજપાલસિંહ જાદવ અને બનાસકાંઠા બેઠક પરથી ડૉ. રેખાબેન હિતેશભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે. આ ત્રણ ઉમેદવારો ભાજપ તરફથી લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ભાજપે જાહેર કરેલી પ્રથમ યાદીમાં તેમના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    કોણ છે દિનેશ મકવાણા?

    ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ગુજરાતના 15 ઉમેદવારો પૈકીનું એક નામ દિનેશ મકવાણાનું પણ છે. દિનેશભાઈ કોદરભાઈ મકવાણાને પાર્ટી દ્વારા અમદાવાદ પશ્ચિમ બેઠક પર ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તે સીટ અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે આરક્ષિત છે. દિનેશ મકવાણા અમદાવાદના નરોડા વિસ્તારના રહેવાસી છે. તેઓની ઉંમર 54 વર્ષ છે અને તેઓ વણકર સમાજમાંથી આવે છે. તેમની શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તેઓ BA, LLB છે અને વ્યવસાયે વકીલ છે.

    તેઓ તાજેતરમાં કર્ણાવતી શહેર એકમના ભાજપના શહેર પ્રવક્તા છે. તેઓ ભૂતકાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ડેપ્યુટી મેયર અને લીગલ કમિટીના ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે. અમદાવાદ પશ્ચિમ સીટ પર તાજેતરમાં ભાજપ સાંસદ ડૉ. કિરીટ સોલંકી પદાધિકારી તરીકે કાર્યરત છે.

    પંચમહાલ સીટ પરના ઉમેદવાર છે રાજપાલસિંહ જાદવ

    રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ પંચમહાલ જિલ્લાના કાલોલના રહેવાસી છે. તેમનો જન્મ જુલાઈ 1982માં થયો હતો. હાલમાં તેમની ઉંમર 42 વર્ષની છે. તેઓ બારૈયા ક્ષત્રિય સમાજ સાથે સંબંધ ધરાવે છે. તેઓ અન્ય પછાત વર્ગ (OBC) શ્રેણી હેઠળ આવે છે. શૈક્ષણિક લાયકાતમાં તેઓ આર્ટસમાં સ્નાતક છે અને વ્યવસાયે ખેડૂત છે. તેઓ બે ટર્મથી જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે.

    તેઓ 24 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે અને ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીના સભ્ય પણ છે. તેઓ પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. રાજપાલસિંહ જાદવ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા 15 ઉમેદવારો પૈકીના એક છે અને પંચમહાલ સીટ પરથી ભાજપની ટિકિટે લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. પંચમહાલ બેઠક પર તાજેતરમાં ભાજપના સાંસદ રતનસિંહ રાઠોડ કાર્યરત છે.

    બનાસકાંઠા સીટ પર ઉમેદવાર છે ડૉ. રેખાબેન

    આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદીમાં ડૉ. રેખાબેન ચૌધરી એક માત્ર નવા મહિલા ઉમેદવાર છે. ડૉ. રેખાબેન બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ ચૌધરીના પૌત્રી છે. તેમની શૈક્ષણિક લાયકાત M.Sc, M.Phil, અને Ph.D (ગણિત) છે. તેમની ઉંમર 44 વર્ષ છે અને તેઓ પાલનપુરના રહેવાસી છે. તેઓ છેલ્લા 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.

    ડૉ. રેખાબેન ચૌધરી ભાજપના મોરબી જિલ્લા પ્રભારી ડૉ. હિતેશ ચૌધરીનાં પત્ની છે. ડૉ. હિતેશ ચૌધરી અગાઉ પાર્ટીના કચ્છ જિલ્લાના પ્રભારી, બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી અને રાજ્ય સ્તર પર ગુજરાતમાં ભારતીય જનતા યુવા મોરચાના ત્રણ ટર્મના પદાધિકારી હતાં. તેઓ ભૂતકાળમાં ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડીકેટ સભ્ય પણ રહી ચૂક્યાં છે. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) કેડર છે.

    રાજીનામું આપશે કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાય, રાજકારણમાં જોડાઈ શકે: બંગાળમાં અનેક કૌભાંડોના કેસમાં આપ્યા હતા ED-CBI તપાસના આદેશ

    કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાય રાજીનામું આપવા જઈ રહ્યા છે. ABPની બંગાળ આવૃત્તિ સાથેની વાતચીતમાં તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, તેઓ મંગળવારે (5 માર્ચ, 2024) ન્યાયાધીશ પદેથી રાજીનામું આપશે. ચર્ચા ચાલી રહી છે કે તેઓ રાજકારણમાં ઝંપલાવશે. તેમણે આ બાબતે સંકેતો પણ આપ્યા છે. 

    ABPને તેમણે જણાવ્યું કે, “હું મંગળવારે રાજીનામું આપવા જઈ રહ્યો છું. આ નિર્ણય પાછળનાં વિસ્તૃત કારણો પછીથી આપીશ, પરંતુ મને લાગે છે કે હવે ન્યાયતંત્રમાં મારું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે મને લાગે છે કે લોકો સુધી પહોંચવા માટે મોટા ક્ષેત્રમાં જવું પડશે.” 

    શું તેઓ કોઇ રાજકીય પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે? તેવા પ્રશ્ન પર કહ્યું કે, “જવાબ હા પણ હોય શકે, ના પણ. આજે હું આની ઉપર કોઇ નિર્ણય નહીં કરું. આજે નહીં કહું કે કોઇ પાર્ટીમાં સામેલ પણ થઈશ તો કઈ પાર્ટીમાં જઈશ.”

    જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ નહીં થાય. અભિજિત ગંગોપાધ્યાયે કહ્યું કે, “મેં તૃણમૂલશાસિત બંગાળને ‘ચોર સામ્રાજ્ય’ કહ્યું છે, તે પાર્ટીમાં સામેલ થવાનો કોઇ પ્રશ્ન નથી. હું કઈ પાર્ટીમાં સામેલ થાઉં તેના કરતાં પણ જરૂરી એ છે કે પશ્ચિમ બંગાળ બચવું જોઈએ. આજે બંગાળની સ્થિતિ સારી નથી, તેને બચાવવું જોઈએ કે નહીં.”

    બંગાળની સ્થિતિ વિશે તેમણે કહ્યું કે, “બંગાળની આ સ્થિતિ થશે તે હું કલ્પી શકતો પણ ન હતો. હું ઉદ્યોગો અને કૃષિ વિશે પણ સાંભળી રહ્યો છું. ખેડૂતોમાંથી મોટાભાગના કુપોષિત છે, તેમનું સ્વાસ્થ્ય સારું રહી શકે તેટલું તેમને મળતું નથી. આ અંધારુ દૂર થવું જરૂરી છે.” TMC વિશે કહ્યું કે, સત્તાપક્ષે મને પડકાર ફેંક્યો અને આ નિર્ણય લેવા માટે મજબૂર કર્યો છે. આગળ કહ્યું કે, “મને સત્તાપક્ષ (TMC) દ્વારા ઘણી વખત (રાજકીય) મેદાનમાં આવીને લડવાનો પડકાર આપવામાં આવ્યો, તો મેં વિચાર્યું- કેમ નહીં?” 

    કોણ છે જસ્ટિસ અભિજિત ગંગોપાધ્યાય?

    1962માં જન્મેલા અભિજિત ગંગોપાધ્યાય હાલ કલકત્તા હાઈકોર્ટના જજ તરીકે કાર્યરત છે. તેમણે અભ્યાસ કલકત્તામાં કર્યો અને હાઝરા કોલેજમાંથી લૉની ડિગ્રી મેળવી હતી. કૉલેજ પૂર્ણ કર્યા બાદ તેમણે વેસ્ટ બેંગાલ સિવિલ સર્વિસના એ-ગ્રેડ ઑફિસર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ પછીથી રાજીનામું આપીને કલકત્તા હાઈકોર્ટના એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. 2018માં તેઓ હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા અને 2020માં કાયમી ન્યાયાધીશ તરીકે નીમાયા હતા. 

    જસ્ટિસ ગંગોપાધ્યાય પોતાના અમુક નિર્ણયો અને ચુકાદાના કારણે ચર્ચામાં રહ્યા છે. જેમાં શિક્ષકોની ભરતીમાં થયેલા કૌભાંડનો કેસ પણ સામેલ છે, જેમાં તેમણે ભરતી પ્રક્રિયામાં થયેલી અનિયમિતતાઓની તપાસ કરવા માટે ED-CBIને આદેશ આપ્યા હતા. 

    રઈસે ‘દુઃખ દૂર કરવાના’ નામે મહિલાને આંતરવસ્ત્રો સાથે એકાંતમાં બોલાવી, સ્થાનિકોની સતર્કતાથી બચાવી લેવાઈ: બારડોલી રૂરલ પોલીસને સોંપાયો આરોપી

    સુરત જિલ્લાના બારડોલીના કડોદ ગામે એક ઇસમે જાદૂ-ટોણાંથી માનસિક દુઃખો દૂર કરવાનું કહીને એકાંતમાં બોલાવી હતી. જોકે, સ્થાનિક યુવકોને જાણ થઈ જતાં તેઓ દોડી ગયા હતા અને મહિલાને બચાવી લીધી હતી. આરોપીની ઓળખ રઈસ તરીકે થઈ છે. હાલ પોલીસે અરજી લઈને કાર્યવાહી શરૂ કરી છે.

    વધુ વિગતો અનુસાર, રઈસે અંધારી રાત્રે મઢી રોડ પર આવેલા કોમ્પ્લેક્સની એક દુકાનમાં મહિલાને આંતરવસ્ત્રો લઈને એકાંતમાં મળવા માટે બોલાવી હતી. આ દરમિયાન આસપાસના લોકોને શંકા જતાં જઈને દુકાન ખોલી નાખી હતી, જ્યાં બંને મળી આવ્યાં હતાં. સ્થાનિકોની સતર્કતાના કારણે મહિલાની આબરૂ બચી ગઈ હતી. લોકોએ રઈસને પોલીસ હવાલે કરતાં બારડોલી રૂરલ પોલીસે અરજી લઈને કાર્યવાહી શરૂ કરી છે. જોકે, આ પ્રકાશિત થઈ રહ્યું છે ત્યાં સુધીમાં FIR નોંધાઈ નથી.

    મળતી માહિતી અનુસાર પીડિત મહિલા સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. થોડા સમયથી તેને શારીરિક અને માનસિક તકલીફ રહેતી હતી. આ દરમિયાન તે કડોદ-મઢી રોડ પર આવેલા શૉપિંગ સેન્ટરમાં ભાડે દુકાન રાખીને ફર્નિચરનું કામ કરતા રઈસ શેખના સંપર્કમાં આવી હતી. રઈસ શેખે તેને જાદૂ-ટોણાં કરીને શારીરિક અને માનસિક દુઃખ દુર કરવાનું કહીને રાત્રે દુકાને બોલાવી હતી. આ દરમિયાન તેણે મહિલાને તેના આંતરવસ્ત્રો પણ સાથે લાવવા માટે કહ્યું હતું.

    બીજી તરફ ગામના કેટલાક લોકોને રઈસની હિલચાલ પર છેલ્લા કેટલાક સમયથી શંકા હતી જ. તેવામાં મહિલાના આવવા જવાથી તેઓ પરિસ્થિતિ પામી ગયા હતા. મહિલા મોડી રાત્રે દુકાને પહોંચી તેના થોડા સમયમાં જ ગામના જાગૃત લોકો પણ ત્યાં આવી ગયા હતા. ગ્રામજનોએ દુકાન ખોલાવીને જોતા અંદરથી મહિલા મળી આવી હતી. ગ્રામજનોની સતર્કતાના કારણે કશું અજુગતું બને તે પહેલાં જ મહિલા બચી ગઈ હતી.

    સાભાર- ગુજરાત ગાર્ડિયન

    ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં બારડોલી રૂરલ પોલીસ આવી પહોંચી હતી. જોકે આબરૂ જવાના ડરથી મહિલાએ પોલીસ કેસ કરવાનું ટાળ્યું હતું, પરંતુ ગામના લોકો ઘણા સમયથી રઈસની હરકતોથી ત્રાસેલા હતા, તેમનું કહેવું હતું કે તે અવારનવાર ગામની યુવતીઓને હેરાન કરતો રહે છે આ કારણોસર કડોદ ગામના લોકોએ રઈસ પ્રધાન શેખ વિરુદ્ધ પોલીસમાં અરજી આપી હતી.

    આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ત્યાં ફરજ પર હજર પોલીસ અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રઈસ વિરુદ્ધ ગ્રામજનોની અરજી અમને મળી છે, હાલ તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે.

    ‘મોદી હિંદુ નથી, તેની પાસે પરિવાર પણ નથી’: પટનાની રેલીમાં લાલુ યાદવે PM મોદી વિશે કરી વ્યકિગત ટિપ્પણીઓ, આપત્તિજનક ભાષા વાપરી

    રવિવારે (3 માર્ચ, 2024) બિહારના પટનાના ગાંધી મેદાનમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) દ્વારા એક ‘જનવિશ્વાસ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધીથી માંડીને લાલુ યાદવ જેવા નેતાઓએ હાજરી આપી છે. આ રેલીમાં સંબોધન કરતી વખતે લાલુ યાદવે વડાપ્રધાન પદની ગરિમા ભૂલીને બેફામ ભાષણ આપ્યું અને નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત ટિપ્પણી પણ કરી. 

    ઘાસચારા કેસમાં સજા પામી ચૂકેલા બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવે વડાપ્રધાન મોદી માટે કહ્યું કે, તેઓ હિંદુ નથી, કારણ કે તેમણે માતાના નિધન પર મુંડન નહતું કરાવ્યું. સાથે કહ્યું કે, મોદી પાસે પરિવાર નથી. 

    લાલુ યાદવે કહ્યું, “મોદી ક્યા હૈ? મોદી કોઇ ચીજ નહીં હૈ. મોદી કે પાસ તો પરિવાર હી નહીં હૈ. અરે ભાઈ, તુમ બતાઓ ના કી તુમ્હારે પરિવાર મેં કોઇ સંતાન ક્યોં નહીં હુઆ. જ્યાદા સંતાન હોને વાલે લોગોં કો બોલતા હૈ કી પરિવારવાદ હૈ, પરિવાર કે લિયે લડ રહા હૈ. તુમ્હારે પાસ તો પરિવાર નહીં હૈ.”

    આગળ લાલુ યાદવ કહે છે કે, “તુમ (મોદી) તો હિંદુ ભી નહીં હો. મોદી કી માતાજી કા જબ નિધન હુઆ તો સબને દેખા કી મોદી ને માં કી મૌત કે બાદ ભી બાલ-દાઢી નહીં બનાવાયા. કિસી કી માં મરતી હૈ તો બેટા બાલ અપના છીલવાતા હૈ. તુમ ક્યોં નહીં છીલવાયે, જબ તુમ્હારી માં કા નિધન હુઆ.”

    લાલુએ કહ્યું કે, “યે કહતા હૈ કી ભગવાન મેં પ્રાણપ્રતિષ્ઠા કર દિયા. બતાઓ કી બિના પ્રાણપ્રતિષ્ઠા કે હી ભગવાન અબ તક થે?” આવું કહીને સાથે દેશભરમાં નફરત ફેલાવવાના પણ આરોપ લગાવી દીધા. આગળ એવો પણ દાવો કર્યો કે નરેન્દ્ર મોદીએ સરકાર બનવા પર દરેકના ખાતામાં 15 લાખ આપવાનો વાયદો કર્યો હતો. જોકે, આ દાવો ખોટો અને પાયાવિહોણો છે. પીએમ મોદીએ આવું ક્યારેય કહ્યું ન હતું, જેનું ફેક્ટચેક અનેક વખત થઈ ચૂક્યું છે. 

    તેમ છતાં પૂર્વ બિહાર સીએમએ કહ્યું કે, “અમે પણ વિશ્વાસ કરી લીધો હતો કે કદાચ રૂપિયા આવશે. બધાનાં ખાતાં પણ જનધન યોજના હેઠળ ખુલ્યાં, પરંતુ 15 લાખ ન આવ્યા. પછી કહી દેવાયું કે એ જુમલો હતો. મોદીએ બધાને ઠેંગો બતાવી દીધો. હવે અમે સૌ વિપક્ષી પાર્ટીઓએ મળીને લોકસભા ચૂંટણી લડીશું અને મોદીને વિદાય આપીશું. દિલ્હી પર અમારે કબજો કરવાનો છે.”

    આ સાથે લાલુ યાદવે બિહાર સીએમ નીતીશ કુમાર વિશે પણ ટિપ્પણી કરી હતી. કહ્યું કે, 2017માં અમે તેમને સાથે લીધા હતા પરંતુ ક્યારેય ગાળો ન દીધી, ખાલી પલટુરામ કહ્યા હતા. પરંતુ વચ્ચે જ છોડીને ભાગી ગયો. મહાગઠબંધનમાં પાછો લઈને ભૂલ કરી દીધી. આજની રેલીની ભીડ જોઈને ખબર નહીં નીતીશને કઈ-કઈ બીમારી થઈ જશે.

    હિમાચલમાં ખેલ હજુ બાકી? 2 મંત્રીઓ અધવચ્ચેથી જ કૅબિનેટ બેઠક છોડી ગયા, બળવાખોર ધારાસભ્યનો દાવો- કોંગ્રેસના વધુ 9 MLA સંપર્કમાં

    હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર માટે તાજેતરના દિવસો ખૂબ મુશ્કેલી સર્જનારા છે. પહેલાં રાજ્યસભા ચૂંટણીમાં હાર, કોંગ્રેસી ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, વિક્રમાદિત્ય સિંઘના બળવાખોર વલણ બાદ હવે ફરી રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે. આ બધી ઘટનાઓ વચ્ચે શનિવારે (2 માર્ચ) હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે કેબિનેટ બેઠક યોજી હતી. બેઠક દરમિયાન જ શિક્ષણ મંત્રીએ નારાજ થઈને ચાલતી પકડી હતી. જે બાદ તેમને મનાવવા માટે નાયબ મુખ્યમંત્રી પાછળ ગયા હતા. બીજી તરફ, બળવાખોર ધારાસભ્યે દાવો કર્યો છે કે તેમના સંપર્કમાં કોંગ્રેસના વધુ 9 MLA છે.

    હિમાચલ પ્રદેશ સહિત દેશનાં ઘણાં રાજ્યોમાં તાજેતરમાં જ રાજ્યસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં અરુણાચલ પ્રદેશમાં ભાજપના ઉમેદવારે જીત નોંધાવી હતી. તેની પાછળનું કારણ કોંગ્રેસના 6 ધારાસભ્યો હતા. તેમણે ક્રોસ વૉટિંગ કરીને ભાજપના ઉમેદવારને જીતાડી દીધા હતા. ત્યારબાદ મંત્રી વિક્રમાદિત્ય સિંહે રાજીનામું આપી દીધું હતું. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર ભાંગી પડવાની અણી પર હતી. જોકે, પછીથી સરકાર બચી ગઈ હતી અને વિક્રમાદિત્ય સિંહે પણ રાજીનામું પરત ખેંચી લીધું હતું. પરંતુ હજુ પણ હિમાચલ કેબિનેટના મંત્રીઓ વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસ ભલે દાવો કરતી હોય કે બધું ઠીક છે, પરંતુ તેવું દેખાઈ રહ્યું નથી.

    શનિવારે (2 માર્ચ) શિમલામાં કોંગ્રેસ સરકારની કેબિનેટ બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક જ શિક્ષણ મંત્રી રોહિત ઠાકુરે ઊઠીને ચાલતી પકડી હતી. તેમને મિટિંગ પડતી મૂકીને જતા જોઈને ડેપ્યુટી CM મુકેશ અગ્નિહોત્રી તેમને મનાવવા માટે તેમની પાછળ દોડીને ગયા હતા. થોડી સમજાવટ બાદ તેઓ શિક્ષણ મંત્રીને મનાવીને બેઠકમાં પરત લાવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

    વિગતો અનુસાર, રોહિત ઠાકુર શિક્ષણ વિભાગના કોઇ નિર્ણય પર મતભેદ થવાના કારણે બેઠક છોડી ગયા હતા. જોકે, પછીથી જ્યારે તેમણે મીડિયા સાથે વાતચીત કરી ત્યારે કહ્યું કે, તેઓ ‘અંગત કારણોસર’ બેઠક છોડી ગયા હતા અને ‘ઈમોશનલી ડિસ્ટર્બ’ હતા. જ્યારે જગત નેગીએ કહ્યું કે, બેઠક 11 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ 12:30 વાગ્યે શરૂ થઈ અને તેમની અન્ય પણ એપોઇન્ટમેન્ટ હોવાના કારણે તેઓ બેઠક છોડી ગયા હતા. 

    બેઠક બાદ રોહિત ઠાકુરે મીડિયાને નિર્ણયો અંગે જાણકારી આપી હતી. જ્યાં બે મંત્રીઓ યદવિંદર ગોમાં અને રાજેશ ધર્મની તેમની સાથે જોવા મળ્યા હતા. પરંતુ કૅબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ જગત નેગી અને યદવિંદર ગોમા ચંદીગઢ જવા માટે રવાના થયા હતા. રિપોર્ટ્સ અનુસાર, 6 ડિસ્કવોલિફાય થયેલા ધારાસભ્યો પંચકુલામાં કેમ્પ કરીને બેઠા છે અને તેઓ આ બે નેતાઓ સાથે વાતચીત કરી શકે છે. જગત નેગીએ જણાવ્યું કે, “હું ચંદીગઢ જઈ રહ્યો છું, પરંતુ યાત્રાનો ઉદ્દેશ્ય હાલ જણાવી શકું તેમ નથી. પછીથી કહીશ.”  

    હિમાચલમાં રાજ્યસભા ચૂંટણી બાદથી રાજકીય હલચલ

    ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની હાર બાદ મુખ્યમંત્રી સુખવિંદર સિંઘ સુક્ખૂની વિરુદ્ધ વાતાવરણ તૈયાર થવા લાગ્યું છે. પૂર્ણ બહુમતી સાથે સરકાર રચાયા બાદ પણ કેટલાક ધારાસભ્યોએ પાર્ટી સામે બળવો કરીને ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો. આ સાથે જ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ પાર્ટી પોતાના ઉમેદવારને વિજયી બનાવવામાં સફળ રહી હતી.

    દરમ્યાન, કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય રાજેન્દ્ર રાણાએ દાવો કરીને હલચલ મચાવી છે કે, CM સુક્ખૂ જે રીતે કામ કરી રહ્યા છે તેના કારણે પાર્ટીના વધુ 9 ધારાસભ્યો ગૂંગળામણ અનુભવી રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે, આ તમામ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. આ બધી ઘટનાઓ જોઈને લાગે છે કે, સુક્ખૂ સરકારની સ્થિરતા સતત જોખમમાં છે. દેશમાં એક મહિના પછી લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેવા સમયે હિમાચલ સરકારના મંત્રીઓ પણ નારાજ છે. હિમાચલ કોંગ્રેસ માટે રાજ્યસભાની જેમ લોકસભાની ચૂંટણીમાં પણ સંઘર્ષની સંભાવના છે.

    મહેસાણા લોકસભા બેઠક પરથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરત ખેંચી દાવેદારી, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું

    લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પહેલી યાદી જાહેર કરી દીધી છે, જેમાં ગુજરાતની પણ 15 બેઠકો સામેલ છે. બાકીની બેઠકો પર આગામી તબક્કાઓમાં નામ જાહેર કરવામાં આવશે. આ બધાની વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોશિયલ મીડિયા પર મહેસાણા લોકસભા બેઠક પરથી દાવેદારી પરત ખેંચવાની જાહેરાત કરી છે. 

    નીતિન પટેલે ફેસબુક પર એક પોસ્ટ કરીને લખ્યું કે, મહેસાણા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર તરીકે મેં કેટલાંક કારણોસર ઉમેદવાર નોંધાવી હતી. ગઈકાલે (2 માર્ચ) રાજ્યની 15 લોકસભા બેઠકના ઉમેદવારો જાહેર કરવામાં આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલુ છે. તે પહેલાં ભાજપ ઉમેદવાર તરીકેની મારી ઉમેદવારી પરત ખેંચું છું.”

    તેમણે આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બને તે માટે શુભેચ્છાઓ પણ પાઠવી. ભાજપ નેતાએ લખ્યું કે, “નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધારે અને ભારત માતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.”

    અંતે તેમણે સૌ કાર્યકરો, શુભેચ્છકો અને સાથીદારોનો આભાર પણ વ્યકત કર્યો હતો. 

    વિજય રૂપાણી સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિન પટેલ ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા છે અને વર્ષો સુધી મંત્રીમંડળમાં રહ્યા. જોકે, વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમણે લડવાની ના પાડ્યા બાદ તેમની બેઠક પરથી અન્ય ઉમેદવારને ટીકીટ આપવામાં આવી હતી. 

    વિધાનસભા ચૂંટણીમાં નીતિન પટેલે ઉમેદવારી ન કરતાં એવી ચર્ચા ચાલતી હતી કે તેમને લોકસભા ચૂંટણીમાં ટીકીટ આપવામાં આવી શકે છે. તાજેતરમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા માટે રાજ્યની તમામ 26 બેઠકો પર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે નીતિન પટેલે મહેસાણા બેઠક પરથી દાવેદારી નોંધાવી હતી, પરંતુ હવે ઉમેદવાર જાહેર થાય તે પહેલાં જ તેમણે નામ પરત ખેંચી લીધું છે. 

    મોબાઈલમાં ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા ડ્રાઈવરો, ટ્રેન 2 સિગ્નલ પાર કરી ગઈ અને થઈ ગઈ ટક્કર: 2023ના આંધ્રપ્રદેશ ટ્રેન અકસ્માત વિશે રેલ મંત્રીએ કર્યો ઘટસ્ફોટ

    કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે 29 ઓકટોબર, 2023ના રોજ આંધ્રપ્રદેશમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માત પાછળના કારણનો ઘટસ્ફોટ કર્યો છે. રેલ મંત્રીએ અકસ્માતનું કારણ જણાવતાં કહ્યું કે, તપાસ દ્વારા જાણી શકાયું છે કે, બે ટ્રેન વચ્ચે અકસ્માત થયો તે સમયે એક ટ્રેનના ડ્રાઈવર અને આસિસ્ટન્ટ ડ્રાઈવર મોબાઈલ પર ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા. જેના કારણે તેમનું ધ્યાન ભટકી ગયું હતું અને અકસ્માત થયો હતો.

    શનિવારે (3 માર્ચ) કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આંધ્રપ્રદેશમાં જે ટ્રેન અકસ્માત સમયે 14 લોકોના મોત થયાં હતાં, તેના કારણ વિશે જણાવ્યું છે. જાણવા મળ્યું છે કે તે દુર્ઘટના પાછળ એક ટ્રેનના ડ્રાઈવરો જવાબદાર હતા. ડ્રાઈવર અને આસિસ્ટન્ટ ડ્રાઈવર બંને મોબાઈલમાં ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા. જેના કારણે આ ભયંકર દુર્ઘટના બની હતી. તેમણે વધુમાં કહ્યું કે, તે દુર્ઘટનામાં 14 લોકોના જીવ ગયા હતા અને 50થી પણ વધુ લોકો ઘાયલ થયા હતા. સરકાર હવે એક એવી સિસ્ટમ લઈને આવી રહી છે, જેનાથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના નહીં થાય.

    રેલવે મંત્રીએ સલામતી વધારવા માટે ભારતીય રેલવે જે નવા સુરક્ષા પગલાંઓ પર કામ કરી રહી છે, તેના વિશે વાત કરી હતી. જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો નિવારી શકાય. તેમણે પોતાના સંબોધનમાં આંધ્રપ્રદેશની ટ્રેન દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. જે બાદ તેમણે કહ્યું હતું કે, હવે સરકાર એવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરી રહી છે, જેનાથી આવી દુર્ઘટના વિશેની જાણકારી મળી શકશે અને તે પણ સુનિશ્ચિત થઈ શકશે કે, પાયલોટ અને આસિસ્ટન્ટ પાયલોટનું ટ્રેન ચલાવવામાં પૂર્ણ ધ્યાન કેન્દ્રિત છે કે કેમ.

    રેલ મંત્રીએ ઉમેર્યું કે, “અમે સુરક્ષાની તમામ બાબતોમાં ધ્યાન આપવાનું સતત ચાલુ રાખીશું, અમે દરેક ઘટના પાછળનું મૂળ કારણ શોધવાનો સતત પ્રયાસ કરીએ છીએ અને તેનો એક ઉપાય પણ લઈને આવીએ છીએ. જેથી આવી દુર્ઘટનાઓ ફરીવાર ના થાય.” જોકે, કમિશનર ઓફ રેલવે સેફટી (CRS) દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસ રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ દુર્ઘટનાના એક દિવસ પછી રેલવે દ્વારા પ્રાથમિક તપાસ બાદ એક ટ્રેનના ડ્રાઈવર અને આસિસ્ટન્ટ ડ્રાઈવરને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. કારણ કે ટ્રેન 2 રેડ સિગ્નલ પાર કરી ગઈ હતી. ત્યારે તપાસમાં કહેવાયું હતું કે, ડ્રાઈવરોએ રેલવે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. જોકે, આ અકસ્માતમાં બંને પાયલોટ પણ મૃત્યુ પામ્યા હતા.

    નોંધનીય છે કે, 29 ઓકટોબર, 2023ના રોજ આંધ્રપ્રદેશના વિજયનગર જિલ્લાના કંટાકાપલ્લીમાં હાવડા-ચેન્નાઈ રુટ પર રાયગડા પેસેન્જર ટ્રેને વિશાખાપટ્ટનમ પલાસા ટ્રેનને પાછળથી ટક્કર મારી દીધી હતી. આ ભયંકર અકસ્માતમાં 14 લોકોનાં મોત થયાં હતાં અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.

    સુરતમાં ફરી ઝડપાયું ગૌમાંસ: પોલીસ અને ગૌરક્ષકોએ અંસાર, મસ્તાન અને મોહમ્મદની દુકાને રેડ પાડતાં 160 કિલો ગાયનું માંસ મળી આવ્યું

    છેલ્લા ઘણા સમયથી સુરતમાં ગૌમાંસ પકડવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેવામાં સુરતના સચિન ઉન તિરુપતિ નગર ખાતે આવેલી 3 દુકાનોમાંથી અંદાજે 160 કિલો જેટલું ગૌમાંસ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક ગૌરક્ષકોનો આ મામલે બાતમી મળી હતી કે દુકાનોમાં વેચાતું માંસ અન્ય કોઈ જાનવરનું નહીં, પરંતુ ગાયનું છે. આ બાતમીના આધારે તેમણે પોલીસને જાણ કરી અને ત્યારબાદ તેમની સાથે મળીને દરોડા પાડ્યા હતા.

    ચિહ્નિત દુકાનોમાં સુરત પોલીસ અને ગૌરક્ષકોની ટીમ ત્રાટકતા જ મોટા પ્રમાણમાં શંકાસ્પદ માંસ મળી આવ્યું હતું. પોલીસે આ માંસ જપ્ત કરીને FSL ખાતે પરીક્ષણ અર્થે મોકલી આપ્યું હતું. FSLમાં પરીક્ષણ બાદ આ માંસ ગાયનું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કુલ ત્રણ ઠેકાણે દરોડા પડ્યા હતા. હાલ પોલીસે શેખ મસ્તાન, શેખ અણસાર અને મોહંમદ શેખ ઉર્ફે બૂડન ખૈરાની શેખ નમન આરોપીઓની ધરપકડ કરી હતી.

    સુરતના સચિન ઉન તિરુપતિ નગર ખાતે 160 કિલો ગૌમાંસ ઝડપાયું તે મામલે માહિતી લેવા ઑપઇન્ડિયાએ કામગીરી કરનાર ગૌરક્ષકોનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યું હતું કે, “અમને છેલ્લા દોઢ-બે મહિનાથી બાતમી મળી રહી હતી કે આ ત્રણે દુકાનોમાં ગૌમાંસ મળે છે. અમે અનેક વાર અમારા લોકોને મોકલ્યા પણ તેમને કશું મળતું નહોતું. તેવામાં અમને પાકી બાતમી મળી હતી કે હાલ ત્યાં ભારે પ્રમાણમાં ગૌમાંસ પડ્યું છે.”

    તેમણે ઑપઇન્ડિયાને આગળ જણાવ્યું કે, “આ બાતમી મળતાંની સાથે જ અમારી ટીમે પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે પણ ત્વરિત એક્શન લઈને અમારી સાથે ટીમ રવાના કરી. પીઆઈ પોતે અમારી સાથે ત્યાં આવ્યા અને 3 દુકાનોમાંથી સેમ્પલ લીધા. આ સેમ્પલને FSL ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ત્યાંથી રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા અને પકડાયેલું માંસ ગૌમાંસ હતું તે સાબિત થઈ ગયું.”

    હાલ આ મામલે પોલીસે બાળખ મહોલ્લો, માન દરવાજાના રહેવાસી શેખ અંસાર શેખ ખૈરાતી, રઝાનગર-ડિંડોલીના રહેવાસી શેખ મસ્તાન અને ખાઝાનગર, માન દરવાજા પાસે રહેતા મોહમ્મદ ઉર્ફે બુડન ખૈરાની શેખની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે જ પોલીસે ત્રણેય દુકાનોમાંથી 160 કિલો ગૌમાંસ, માંસ કાપવાના ટીબલા, મોટા છરા સહિત 21590 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે.

    આ પહેલાં સલાબતપુરામાં 60 કિલો ગૌમાંસ ઝડપાયું હતું

    ઉલ્લેખનીય છે કે આ કોઈ પ્રથમ ઘટના નથી જેમાં સુરતમાંથી ગૌમાંસ ઝડપાયું હોય. આ પહેલા સલાબતપુરામાં યુસુફ શેખ અને મદાર કુરેશી નામના ખાટકીઓ પાસેથી 60 કિલો ગૌમાંસ ઝડપાયું હતું. ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે પોલીસે સુરતના સલાબતપુરામાં રૂસ્તમપુરા અકબર શહીદના ટેકરા ખાતે આવેલ એક મકાનમાં છાપો માર્યો હતો. જ્યાંથી ગેરકાયદેસર વેચાણ કરાતું 63 કિલો જેટલું ગૌમાંસ મળી આવ્યું હતું. પોલીસે કરેલી છાપેમારી દરમિયાન ઘટનાસ્થળેથી બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

    તે મામલામાં પણ પોલીસે તમામ ગુનેગારો સામે IPC કલમ 429, 295(ક), 114 અને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળની કલમ મુજબ ગુનો કાયદેસરની કાર્યવાહી કરી હતી.

    સામાજિક કાર્યકર, હિંદુત્વ અને રાષ્ટ્રવાદી ચહેરો: જાણો કોણ છે ભાજપ ઉમેદવાર ડૉ. માધવી લતા, જેઓ હૈદરાબાદ બેઠક પર અસદુદ્દીન ઓવૈસી સામે લડશે ચૂંટણી

    આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ પહેલી યાદી જાહેર કરી દીધી છે. 195 ઉમેદવારોની આ યાદીમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહથી લઈને અનેક દિગ્ગજોનાં નામ સામેલ છે. ઘણાં નામો ચર્ચામાં છે જેમાં હૈદરાબાદ બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર માધવી લતા પણ એક એવું જ નામ છે. અહીંથી સાંસદ AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી છે. પ્રબળ સંભાવનાઓ છે કે તેઓ ફરીથી લોકસભા ચૂંટણી લડશે, આ સંજોગોમાં ઓવૈસીને ટક્કર આપવા માટે ભાજપે મહિલા ઉમેદવાર ઉતાર્યાં છે. 

    તેલંગાણા રાજ્યની હૈદરાબાદ બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર હશે માધવી લતા. અહીંથી સાંસદ અસદુદ્દીન ઓવૈસી છે, જ્યાં મુસ્લિમ વસ્તી સારા એવા પ્રમાણમાં હોવાના કારણે તેઓ સારી પકડ ધરાવે છે. 2004થી અહીંથી ઓવૈસી ચૂંટાતા આવ્યા છે. 2019ની ચૂંટણીમાં ભાજપે અહીંથી ડૉ. ભગવંત રાવને ટીકીટ આપી હતી. તેઓ બીજા ક્રમે રહ્યા હતા. આ વખતે ભાજપે ઉમેદવાર બદલ્યા છે અને મહિલા ઉમેદવારને તક આપવામાં આવી છે. 

    માધવી લતા હૈદરાબાદની વિરિન્ચી હૉસ્પિટલનાં ચેરપર્સન છે. તેઓ એક સામાજિક કાર્યકર્તા છે તો સોશિયલ મીડિયા પર પણ ખાસ્સાં સક્રિય રહે છે. તેઓ શિક્ષણ, આરોગ્ય વગેરે ક્ષેત્રો સાથે સંકળાયેલી અનેક સંસ્થાઓ અને ફાઉન્ડેશન સાથે પણ જોડાયેલાં છે. તેઓ એક ગૌશાળા પણ ચલાવે છે. સાથોસાથ તેઓ એક ભરતનાટ્યમ ડાન્સર પણ છે. 

    તેમના શૈક્ષણિક બેકગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો બેચલર્સ ડિગ્રી નિઝામ કૉલેજમાંથી મેળવી હતી, જ્યારે કોટી વિમેન્સ કૉલેજમાંથી તેમણે પોલિટિકલ સાયન્સ વિષયમાં એમ.એની ડિગ્રી મેળવી હતી. 

    હિંદુત્વ અને સંસ્કૃતિ વિશે અવારનવાર પોતાની વાતો રજૂ કરતાં રહે છે

    માધવી લતા પોતાના ક્ષેત્રમાં પ્રખર હિંદુવાદી અને રાષ્ટ્રવાદી હોવાની છાપ ધરાવે છે. તેઓ અવારનવાર હિંદુ ધર્મનાં ઉચ્ચ મૂલ્યો અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સામાજિક વિકાસને લઈને પોતાની વાતો રજૂ કરતાં રહ્યાં છે. તેઓ અવારનવાર શાળા-કૉલેજોમાં જઈને હિંદુત્વ અને ભારતીય સંસ્કૃતિ પર લેકચર આપતાં રહ્યાં છે. 

    તેઓ ‘ટ્રિપલ તલાક’ વિરુદ્ધ ચલાવવામાં આવેલાં અભિયાનોનો પણ મુખ્ય ચહેરો રહ્યાં હતાં. અનેક મુસ્લિમ મહિલાઓનાં જૂથો સાથે મળીને તેમણે આ કાયદો રદ કરવા માટે અભિયાન ચલાવ્યું હતું. આ સિવાય આ સંગઠનો સાથે મળીને તેમણે નિરાધાર મુસ્લિમ મહિલાઓની મદદ કરવા માટે ભંડોળ એકઠું કરવાનું પણ અભિયાન ઉપાડ્યું હતું. આ ઉપરાંત પણ તેઓ પોતાના ક્ષેત્રના વંચિતો સુધી લાભો પહોંચે તે માટે સતત કાર્યરત રહેતાં હોય છે. 

    અત્યાર સુધી તેઓ સક્રિય રાજકારણમાં ન હતાં, પરંતુ હવે લોકસભા ચૂંટણી થકી ઝંપલાવશે. TOIના રિપોર્ટ અનુસાર, તેમને 6 મહિના પહેલાં જ હૈદરાબાદ બેઠક પરથી લડવા માટે કહી દેવામાં આવ્યું હતું. પોતાનું નામ જાહેર થયા બાદ તેમણે પ્રતિક્રિયા પણ આપી. 

    તેમણે કહ્યું કે, “હું છેલ્લાં 8 વર્ષથી જોઈ રહી છું, દિવસમાં 10-11 કલાક કામ કરું છું, દરેક વિસ્તારમાં જેને જોઉં છું, પૂછો તો ત્યાં શું છે? ના ભણતર છે, ન અન્ય કોઇ સુવિધાઓ છે, ન રસ્તાઓ સાફ છે, ન મહોલ્લાઓ સાફ છે. મદરેસાઓમાં બાળકોને ભોજન નથી મળતું. મંદિરો અને હિંદુઓનાં ઘરો કબજે થાય છે. મુસ્લિમ બાળકો ભણતાં નથી અને બાળમજૂર થઈ જાય છે. તેમની પાસે ભવિષ્ય નથી. ત્યાં ઘણું કરવાની જરૂર છે.”

    દાયકાઓથી ઓવૈસી પરિવાર પાસે હૈદરાબાદ બેઠક, પણ ભાજપનું પ્રદર્શન સતત સુધર્યું

    હૈદરાબાદ બેઠકની વાત કરવામાં આવે તો અહીં દાયકાઓથી ઓવૈસી પરિવારનો કબજો રહ્યો છે. 1984થી 2004 સુધી અહીં સુલતાન સલાઉદ્દીન ઓવૈસી સાંસદ રહ્યા, જે અસદુદ્દીન ઓવૈસીના પિતા હતા. 2004થી ઓવૈસી જીતી રહ્યા છે. પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી તેમને અને તેમની પાર્ટીને ટક્કર આપી રહી છે. છેલ્લા એક દાયકામાં અહીં ભાજપનું વર્ચસ્વ વધ્યું છે. 2023ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી 15 ટકા વૉટશેર સુધી પહોંચી, જે 2014માં માત્ર 7 ટકા હતો. સાથે બેઠકોમાં પણ વધારો થયો. આ વખતે હવે ઉમેદવાર બદલીને ભાજપ મેદાને ઊતરી રહ્યો છે.