Thursday, May 9, 2024
More
    હોમપેજગુજરાતરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પર કોંગ્રેસના નિર્ણયનો વિરોધ, પાર્ટીની બેઠકોમાં ગેરહાજરી: CR પાટીલે...

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પર કોંગ્રેસના નિર્ણયનો વિરોધ, પાર્ટીની બેઠકોમાં ગેરહાજરી: CR પાટીલે રૂમાલ રાખીને ભાજપની બસમાં રોકેલી જગ્યા આખરે મેળવી લેશે અંબરીશ ડેર?

    ઑપઇન્ડિયાએ વધુ જાણકારી મેળવવા માટે અંબરીશ ડેરનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમનો ફોન સ્વિચ ઑફ આવી રહ્યો છે. જોકે, દિવ્ય ભાસ્કરના રિપોર્ટમાં તેમનું નિવેદન ટાંકવામાં આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે જો તેઓ કોઇ પણ નિર્ણય કરશે તો જણાવી દેશે.

    - Advertisement -

    એક તરફ લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે બીજી તરફ અનેક દિગ્ગજો કોંગ્રેસ છોડી રહ્યા છે. તાજેતરમાં અનેક કોંગ્રેસ નેતાઓએ પાર્ટીને રામ-રામ કહીને ભાજપનો ખેસ પહેરી લીધો છે. જેમાં ગુજરાતના પણ અનેક નેતાઓ સામેલ છે. તેવામાં હવે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડી શકે તેમ છે. મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો રાજુલાના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અંબરીશ ડેર ભાજપમાં જોડાઈ શકે છે. જોકે, તેમણે હજુ આ બાબતની પુષ્ટિ કરી નથી પરંતુ બીજી તરફ ઇનકાર પણ કર્યો નથી.

    ઑપઇન્ડિયાએ વધુ જાણકારી મેળવવા માટે અંબરીશ ડેરનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમનો ફોન સ્વિચ ઑફ આવી રહ્યો છે. પરંતુ દિવ્ય ભાસ્કરના રિપોર્ટમાં તેમનું નિવેદન ટાંકવામાં આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે જો તેઓ કોઇ પણ નિર્ણય કરશે તો જણાવી દેશે.

    કોંગ્રેસની કારોબારી બેઠકમાં ગેરહાજર રહ્યા હતા ડેર

    ઉલ્લેખનીય છે કે ગત 29 ફેબ્રુઆરી, 2024ના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી. સ્વભાવિક છે કે લોકસભાની ચૂંટણીઓ માથે છે અને તેને લઈને પાર્ટીની નાનામાં-નાની બેઠક મહત્વપૂર્ણ હોય છે. તેમ છતાં અંબરીશ ડેર જિલ્લાની કારોબારી બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. આ વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયા હોવાના કારણે બેઠકમાં જઈ શક્યા ન હતા.

    - Advertisement -

    રામ મંદિર માટે કોંગ્રેસના વલણની કરી ચૂક્યા છે ટીકા

    ઉલ્લેખનીય છે કે ગત 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રીરામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મહાસમારોહને લઈને કોંગ્રેસ નેતૃત્વને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે હાઈકમાન્ડે રામ મંદિરના આમંત્રણનો જાહેરમાં અસ્વીકાર કર્યો હતો. કોંગ્રેસની આ પ્રકારની હરકતથી અનેક કોંગ્રેસી નેતાઓ વ્યથિત થઈ ગયા હતા. તેમાં અંબરીશ ડેરનો પણ સમાવેશ થાય છે. તેમણે પોતાના X હેન્ડલ પર આ મામલે પોસ્ટ લખીને પાર્ટીનો વિરોધ કર્યો હતો.

    તેમણે કોંગ્રેસનો અમંત્રણના અસ્વીકારવાળો પત્ર પોસ્ટ કરીને X પર લખ્યું હતું કે, “મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અમારા આરાધ્ય દેવ છે, એટલા માટે તે સ્વભાવિક છે કે ભારતભરમાં અગણિત લોકોની આસ્થા આ નવનિર્મિત મંદિર સાથે વર્ષોથી જોડાયેલી છે. કોંગ્રેસના કેટલાક લોકોએ તે ખાસ પ્રકારના નિવેદનોથી અંતર રાખવું જોઈએ અને જનભાવનાનું હ્રદયથી સન્માન કરવું જોઈએ. આ પ્રકારના નિવેદન મારા જેવા કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ માટે નિરાશાજનક છે. જય સિયારામ.”

    અંબરીશ ડેર માટે ભાજપમાં જગ્યા ખાલી જ રાખી છે- સી.આર પાટીલ

    ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર પાટીલ અનેક વખત અંબરીશ ડેરને ભાજપમાં જોડાવા માટે જાહેરમાં આમંત્રણ આપી ચૂક્યા છે. 2021માં અમરેલી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પાટીલે કહ્યું હતું કે, “ડેરને તો મારે એક દિવસ ખખડાવવા પડશે, તેમને ખખડાવવાનો મારો અધિકાર છે. આપણે બસમાં બેસતા ત્યારે કેમ રૂમાલ મૂકી જગ્યા રાખતા તેમ અમે ડેર માટે જગ્યા રાખી મૂકી છે.”

    ત્યારબાદ ગત નવેમ્બર મહિનામાં ગીર-સોમનાથમાં એક ખાનગી હોસ્પિટલના લોકાર્પણ સમયે પણ સી.આર પાટીલે ફરી આ જ શબ્દો દોહરાવ્યા હતા. તેમણે મંચ પરથી અંબરીશ ડેરને સંબોધીને કહ્યું હતું કે, “જેમના માટે મેં બસમાં રૂમાલ રાખી મૂક્યો હતો, પરંતુ બસ ચૂકી ગયા એવા અમરીશભાઈ ડેર.” આટલું જ નહીં, તેમણે જાહેર સભાને સંબોધતાં ચોખવટ પાડીને કહ્યું હતું કે, “અંબરીશ ડેર મારા મિત્ર છે, હું તેમનો હાથ પકડીને ભાજપમાં લાવવાનો જ છું.” નોંધનીય છે કે તે સમયે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિતના અનેક મોટા કદના નેતાઓ હાજર હતા.

    ઉલ્લેખનીય છે કે અંબરીશ ડેર આહીર સમાજનો જાણીતો ચહેરો છે. તેઓ રાજુલા વિધાનસભના પૂર્વ ધારાસભ્ય છે. હાલ તેઓ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ છે. તેમને કોંગ્રેસના મહત્વના નેતાઓ પૈકીના એક માનવામાં આવે છે. આ પહેલાં પણ અટકળો વહેતી થઈ હતી અને અને હવે ફરી એક વાર ચર્ચાઓનો દોર ચાલુ થયો છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં