Sunday, May 19, 2024
More
    Home Blog Page 467

    દિગ્ગજ ફિલ્મ નિર્માતા યશ ચોપરાના પત્ની પામેલા ચોપરાનું 74 ની વયે અવસાન, છેલ્લે YRFની ડોક્યુમેન્ટ્રીમાં જોવા મળ્યા હતા, લેખિકા અને ગાયિકા તરીકે આપી ચૂક્યા છે યોગદાન

    હિન્દી ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ ફિલ્મમેકર યશ ચોપરાના પત્ની પામેલા ચોપરાનું અવસાન થઈ ગયું છે. આજ રોજ 20 એપ્રિલના 74 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. પામેલા ચોપરા એક જાણીતાં ભારતીય પ્લેબેક સિંગર હતા. તો ફિલ્મ રાઈટર અને પ્રોડ્યુસર તરીકે પણ તેઓ કામ કરી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેઓ છેલ્લા 15 દિવસથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતા.

    ન્યુમોનિયાને કારણે પામેલા ચોપરાનું અવસાન થયું

    પામેલા ચોપરાની તબિયત લથડતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. લીલાવતી હોસ્પિટલના ડોક્ટર પ્રહલાદ પ્રભુદેસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, “પામેલા ચોપરાનું અવસાન થઈ ગયું છે. તેઓ છેલ્લા 15 દિવસથી લીલાવતી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા. ન્યુમોનિયા, શ્વાસ લેવામાં તકલીફ અને મલ્ટીઓર્ગન ફેલ્યોરને કારણે તેમનું નિધન થયું છે.” યશરાજ ફિલ્મ્સના ઓફિશિયલ અકાઉન્ટ પરથી પામેલા ચોપરાના અવસાનના સમાચાર આપવામાં આવ્યા છે.

    1970 માં યશ ચોપરા સાથે અરેન્જ્ડ મેરેજ કર્યા હતા

    ફિલ્મ નિર્માતા યશ ચોપરાએ 1970 માં પામેલા સાથે પરંપરાગત વિધિથી લગ્ન કર્યા હતા. તેમના અરેન્જ્ડ મેરેજ હતા. તેમને બે પુત્રો છે, આદિત્ય ચોપરા અને ઉદય ચોપરા. આદિત્ય ફિલ્મ નિર્માતા અને નિર્દેશક છે. તેણે અભિનેત્રી રાણી મુખર્જી સાથે લગ્ન કર્યા છે. તો ઉદય ચોપરા અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે.

    પામેલા ચોપરા જાણીતી ફિલ્મોમાં પોતાનો કંઠ આપી ચૂક્યા છે

    પામેલા ચોપરાની ઓળખ એક ગાયિકા અને લેખિકા તરીકેની પણ હતી. તેમને પતિ યશ ચોપરાની લોકપ્રિય ફિલ્મોમાં લેખક, કોશ્ચ્યુમ ડિઝાઈનર અને ગાયિકા તરીકે ઘણી વખત શ્રેય મળી ચૂક્યો છે. ‘ચાંદની’ ફિલ્મનું ‘મૈં સસુરાલ નહીં જાઉંગી’ અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મનું ‘ઘર આજા પરદેસી’ તેમના જાણીતાં ગીતો છે.

    પામેલા ચોપરાએ યશ ચોપરાની ‘કભી કભી’ (1976) થી લઈને ‘મુઝસે દોસ્તી કરોગે’ (2002) સુધીની ફિલ્મોમાં ગીતો ગાયા છે. ‘કભી કભી’ની તો વાર્તા જ તેમના દ્વારા લખવામાં આવી હતી.  1993માં આવેલી ફિલ્મ ‘આયના’નું નિર્માણ પામેલા ચોપરાએ કર્યું હતું. 1997માં આવેલી ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’માં પામેલાએ યશ ચોપરા, આદિત્ય ચોપરા અને તનુજા ચંદ્રા સાથે સ્ક્રિપ્ટ પણ લખી હતી. ઉલ્લેખનીય છે કે, ‘દિલ તો પાગલ હૈ’ ફિલ્મની શરૂઆતના ગીત ‘એક દૂજે કે વાસ્તે’માં તેઓ પતિ સાથે સ્ક્રીન પર દેખાઈ ચૂક્યા છે.

    પામેલા ચોપરા છેલ્લે ‘ધ રોમેન્ટિક્સ’ ડોક્યુમેન્ટ્રીમાં જોવા મળ્યા હતા

    પામેલા ચોપરા છેલ્લે યશરાજ ફિલ્મ્સની ડોક્યુમેન્ટ્રી ‘ધ રોમેન્ટિક્સ’માં જોવા મળ્યા હતા. ‘ધ રોમેન્ટિક્સ’ માત્ર યશ ચોપરાની નહીં પણ પામેલા ચોપરાએ ફિલ્મ જગતમાં આપેલા યોગદાનની પણ વાત કરે છે. એક ફીમેલ દ્રષ્ટિકોણ માટે યશ ચોપરા હંમેશા પત્ની પામેલાની સલાહ લેતાં એવું કહેવાય છે.

    રાણી મુખર્જીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, યશ ચોપરા તેમની ફિલ્મોમાં સ્ત્રી પાત્રને સુંદર અને બખૂબી દર્શાવી શકતા તેની પાછળનું કારણ પામેલા ચોપરા છે. યશ ચોપરાનું નિધન 2012 માં થયું હતું.

    અમિતાભ બચ્ચનની 11 વર્ષની પૌત્રીએ દિલ્હી હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા, યુટ્યુબ ચેનલે આરાધ્યાના સ્વાસ્થ્ય અંગે ખોટા સમાચાર ફેલાવ્યા હતા

    ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં બચ્ચન પરિવાર સૌથી પ્રતિષ્ઠિત પરિવારોમાંથી એક છે. આ જ કારણ છે કે, અમિતાભ બચ્ચનની પૌત્રી કે દોહિત્રી પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બને છે. જોકે, અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચન આ વખતે બીજા જ કારણોસર ચર્ચામાં છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન ફેક ન્યુઝ મામલે દિલ્હી હાઈ કોર્ટ પહોંચી ગઈ છે અને યુટ્યુબ ચેનલ સામે અરજી દાખલ કરી છે.

    આરાધ્યાના સ્વાસ્થ્ય મામલે ખોટા સમાચાર ફેલાવ્યા હતા

    મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા દ્વારા એ યુટ્યુબ ચેનલ સામે અરજી દાખલ કરવામાં આવી છે, જેણે તેના સ્વાસ્થ્યને લઈને ખોટા સમાચાર ફેલાવ્યા હતા અને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. 11 વર્ષની આરાધ્યાએ મીડિયાની ફેક ન્યુઝ સામે મનાઈ હુકમની અરજી કરી છે કારણકે, તે સગીર છે.

    દિલ્હી હાઈકોર્ટની બેંચ આજે સુનાવણી હાથ ધરશે

    રિપોર્ટ મુજબ, આરાધ્યાએ દાખલ કરેલી અરજીમાં 10 સંસ્થાઓને તેના વિડિયોઝ ડિલિસ્ટ અને ડિએક્ટિવેટ કરવા કહેવામાં આવ્યું છે. ગૂગલ LLC અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (ગ્રિવેન્સ સેલ)ને પણ આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટની બેંચ આજે 20 એપ્રિલે આ મામલે સુનાવણી હાથ ધરશે.

    લૉ ફર્મ આનંદ અને નાઈક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, “આરોપીઓનો એક માત્ર ઉદ્દેશ બચ્ચન પરિવારની પ્રતિષ્ઠાનો ગેરકાયદે લાભ ઉઠાવવાનો છે.”

    આરાધ્ય બચ્ચન અવારનવાર ટ્રોલ્સનો ભોગ બને છે

    ઉલ્લેખનીય છે કે, અન્ય સ્ટાર કિડ્સની જેમ આરાધ્યા બચ્ચનને પણ પાપારાઝી કેમેરામાં ઝડપી લેવા ઉત્સુક હોય છે. આરાધ્યાના વિડિયોઝ સોશિયલ મીડિયામાં પોસ્ટ થતાં જ ચર્ચાનું કેન્દ્ર બને છે અને ટ્રોલર્સ તેને અવારનવાર પોતાનું નિશાન બનાવે છે. તો આરાધ્યાના દાદી જયા બચ્ચન પણ તેમના ગુસ્સાને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થતાં રહે છે.

    2021માં ‘બોબ બિસ્વાસ’ના પ્રમોશન દરમિયાન અભિષેક બચ્ચને પોતાની દીકરીને લઈને નકારાત્મક ટ્રોલ્સ પ્રત્યે ગુસ્સો ઠાલવ્યો હતો. અભિષેક બચ્ચને કહ્યું હતું કે, “આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને હું તેને બિલકુલ સહન નહીં કરું. હું એક પબ્લિક ફિગર છું, મારી દીકરીને આની સાથે કંઈ લેવાદેવા નથી. જો તમને કંઈ કહેવું હોય તો મારી સામે આવીને મારા મોઢા પર કહો.”

    અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન 2007માં થયા હતા અને 16 નવેમ્બર, 2011ના રોજ તેમણે પુત્રી આરાધ્યાનું સ્વાગત કર્યું હતું. આરાધ્યા તાજેતરમાં મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રાન્ડ લૉન્ચિંગમાં માતા ઐશ્વર્યા રાય સાથે જોવા મળી હતી.

    મોદી સમાજના અપમાન મામલે રાહુલ ગાંધીને થયેલી સજા જાળવી રાખતી સુરતની સેશન્સ કોર્ટ; લોકસભાનું સભ્યપદ પરત નહીં મળે

    બધાં જ મોદી ચોર છે એમ કહીને સમગ્ર મોદી સમાજનું અપમાન કરતાં વિવાદાસ્પદ નિવેદનને લીધે સુરતથી ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય પુર્ણેશ મોદીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. ગયા મહીને રાહુલ ગાંધીને આ મામલે સુરતની નીચલી અદાલતે ગુનેગાર માનતા બે વર્ષની સજા ફટકારી હતી, પરંતુ એક મહિનામાં ઉપલી કોર્ટમાં અપીલ કરવાની છૂટ આપતાં જામીન અપાઈ દીધા હતાં.

    આજે સુરતની સેશન્સ કોર્ટમાં પણ આ મામલે ફેસલો આવી ગયો છે અને રાહુલ ગાંધીની સજા કોર્ટે જાળવી છે. જસ્ટીસ આર.પી.મોગરાએ મોદી સમાજનું અપમાન કરવાના મામલે રાહુલ ગાંધીની સજા અંગે થોડા સમય અગાઉ પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. આમ રાહુલ ગાંધીનું વાયનાડનું સંસદ સભ્ય પદ પણ તેમને પરત નહીં મળી શકે. પૂર્વ સંસદ સભ્ય પાસે હજી પણ આ ચૂકાદા વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટ અને ત્યાંથી પણ જો નિરાશા સાંપડે તો સુપ્રિમ કોર્ટ સુધી જવાનો રસ્તો છે.

    સેશન્સ કોર્ટમાં પોતાની દલીલો દરમ્યાન રાહુલ ગાંધીના વકીલ આરએસ ચીમા એ કહ્યું હતું કે સમગ્ર કેસ ઈલેક્ટ્રોનિક પુરાવા પર આધારિત છે, ટીવી ચેનલ ઉપર રાહુલ ગાંધીનું નિવેદન જોયા બાદ 100 કિલોમીટર દૂર બેઠેલા વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તેમની એવી દલીલ પણ હતી કે નીચલી કોર્ટે જે મહત્તમ સજા (બે વર્ષની) કરી છે તે યોગ્ય નથી અને તે વિચિત્ર તેમજ બિનજરૂરી પણ હતી.

    તો બીજી તરફ પુર્ણેશ મોદીનાં વકીલ હર્ષિત ટોલિયાની દલીલ હતી કે રાહુલ ગાંધી પર ફક્ત અપમાનજનક ટીપ્પણી જ નહીં પરંતુ તેનું પુનરાવર્તન કરવાનો પણ આરોપ છે. પોતે સંસદ સભ્ય હોવા છતાં અને સંસદમાં જ કાયદાઓ બનતા હોવા છતાં તેમણે સંસદના નિયમો અને કાયદાઓનું પાલન કર્યું ન હતું. આ રીતે એક ખોટો સંદેશ લોકોમાં જાય છે.

    2019ની લોકસભાની ચૂંટણી દરમ્યાન કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીએ પોતાના પ્રચારમાં ઉલ્લેખ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? ત્યારબાદ સુરતથી ભાજપ ધારાસભ્ય પુર્ણેશ મોદીએ સુરતની અદાલતમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનીનો કેસ કર્યો હતો.

    આટલું જ નહીં પરંતુ બિહાર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ બિહારની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ આ જ મામલે માનહાનીનો કેસ કર્યો છે. પૂર્વ IPL કમિશનર અને ઉદ્યોગપતિ લલિત મોદીએ પણ યુકેની કોર્ટમાં રાહુલ ગાંધી પર માનહાનીનો દાવો કરવાની વાત કરી છે.

    યમનમાં રમઝાન દરમિયાન જકાત લેનારાઓમાં મચી ગઈ નાસભાગ, 85 મોત, 322 થી વધુ ઘાયલ, વિદ્રોહીઓએ કર્યો હંગામો

    બુધવારે મોડી રાત્રે યમનની રાજધાની સનામાં ભાગદોડને કારણે અનેક લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. અહીં વેપારીઓ દ્વારા રમઝાન નિમિત્તે આયોજિત એક જકાત વિતરણના કાર્યક્રમમાં લોકોએ નાસભાગ મચાવી હતી જેમાં 85 લોકો મૃત્યુ પામ્યા છે, તો અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના સનાના બાબ અલ-યમન જિલ્લામાં બની હતી.

    હુતીના એક સુરક્ષા અધિકારીએ કહ્યું કે, યમનની રાજધાની સનામાં ભાગદોડને કારણે ઓછામાં ઓછા 85 લોકો માર્યા ગયા છે અને 322 લોકો ઘાયલ થયા છે. હુતીના પ્રવક્તાના જણાવ્યા મુજબ, સ્થાનિક ઓથોરિટીને જણાવ્યા વગર જ વેપારીઓએ મન ફાવે તેમ વિતરણનું આયોજન કર્યું હતું, જે આ દુર્ઘટનાનું કારણ બન્યું હતું.

    હુતી વિદ્રોહીઓએ તરત જ સ્કૂલને બંધ કરી નાખી

    યમનમાં ઈરાન સમર્થિત હુતી ચળવળ દ્વારા સંચાલિત ટીવી ચેનલ અલ-મસિરાહની રિપોર્ટ મુજબ, સંખ્યાબંધ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા અને ઓછામાં ઓછા 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુતી વિદ્રોહીઓએ તરત જ જ્યાં જકાત વિતરણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો એ સ્કૂલને બંધ કરી નાખી હતી અને પત્રકારો સહિતના લોકોને ત્યાં આવતા અટકાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

    વિસ્ફોટના અવાજથી લોકો ડરીને ભાગદોડ કરવા લાગ્યા

    આ ઘટનાને નજરે જોનારા અબ્દેલ-રહેમાન અહેમદ અને યાહિયા મોહસેનને જણાવ્યું હતું કે, ભીડને કાબૂમાં કરવાના પ્રયાસમાં એક હુતી અધિકારીએ હવામાં ગોળી ચલાવી હતી હતી, જે એક ઇલેક્ટ્રિક વાયર પર લાગતાં વિસ્ફોટ થયો હતો. ત્યાં હાજર લોકો ધડાકાથી ભયભીત થઈને નાસભાગ કરવા લાગ્યા હતા. હુતી સંચાલિત આંતરિક મંત્રાલયનું કહેવું છે કે આ ઘટના મામલે બે આયોજકોની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    જકાતમાં 5000 યમન રિયાલ મળવાના હતા

    જકાત એક પ્રકારનું દાન છે. દરેક સક્ષમ મુસ્લિમને દર વર્ષે તેની કુલ સંચિત સંપત્તિના 2.5 ટકા જકાત તરીકે ગરીબોમાં વહેંચવું ફરજીયાત છે. સનાની એક શાળામાં જકાત વિતરણ કાર્યક્રમ માટે સેંકડો લોકો એકઠા થયા હતા. અહીં દરેક વ્યક્તિને 5000 યમન રિયાલ અથવા ભારતીય ચલણમાં લગભગ 1500 રૂપિયા મળવાના હતા.

    યમનની રાજધાની પર 2014થી ઈરાન-સમર્થિત હુતીનું નિયંત્રણ છે. હુતીએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારને હટાવી દીધી હતી. સરકાર પાછી લાવવા માટે સાઉદીના નેતૃત્વના જોડાણ દ્વારા 2015માં હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો. તાજેતરના વર્ષોમાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચેનો આ તણાવ પ્રોક્સી વોરમાં ફેરવાઈ ગયો છે. યુદ્ધમાં લડવૈયાઓ અને નાગરિકો સહિત કુલ 1,50,000 લોકોના મૃત્યુ થયા છે.

    દક્ષિણ કોરિયામાં ગયા વર્ષે ભાગદોડમાં 151 લોકો માર્યા ગયા હતા

    ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કોરિયાના સિઓલમાં ગયા વર્ષે આ જ પ્રકારની દુર્ઘટના બની હતી. મોટી સંખ્યામાં યુવાનો હેલોવીનની ઉજવણી કરવા ભેગા થયા હતા. આ દરમિયાન નાસભાગ મચી જતાં 151 લોકો મોતને ભેટ્યા હતા અને 82 લોકો ઘાયલ થયા હતા.

    જાતીય સતામણી અને દુર્વ્યવહારના આક્ષેપો હોવા છતાં કોંગ્રેસ નેતાને પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા: કર્ણાટકમાં રેલીઓ કરશે શ્રીનિવાસ BV

    મહિલાઓની જાતીય સતામણી અને દુર્વ્યવહારના આક્ષેપો, છતાં શ્રીનિવાસ BV કોંગ્રેસના સ્ટાર પ્રચારક યાદીમાં સામેલ કરવામાં આવ્યાં છે. યુથ કોંગ્રેસ (IYC)ના પ્રમુખ શ્રીનિવાસ બીવી પર આસામના પ્રદેશ અધ્યક્ષ ડો.અંગકિતા દત્તાએ સતામણી અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. આમ છતાં પાર્ટીએ તેમને કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં આ જવાબદારી સોંપી છે. રાહુલ ગાંધીએ અત્યાર સુધી પોતાના ભાષણોમાં ‘મહિલા સુરક્ષા’ની વાત કરતા આવ્યાં છે, જો કે, પાર્ટીના નિર્ણય બાદ તેમના ઈરાદાઓ પર પ્રશ્ન ચોક્કસ ઉભો થઈ રહ્યો છે.

    ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં બુધવારે (10 મે, 2023) વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જ્યારે પરિણામ 13 મેના રોજ જાહેર કરવામાં આવશે. રાજ્યમાં ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ મુખ્ય વિપક્ષી પાર્ટી છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં પાર્ટીએ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પહેલા નંબર પર રાખ્યા છે. ત્યારબાદ ક્રમશ: સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાનો નંબર આવે છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પાંચમા અને છઠ્ઠા સ્થાન પર છે. આ સિવાય શ્રીનિવાસ BV પણ કોંગ્રેસના સ્ટાર પ્રચારક યાદીમાં શામેલ છે.

    નોંધનીય છે કે આ યાદીમાં મહિલાઓ સાથે ઉત્પીડન અને દુર્વ્યવહારના આરોપીત શ્રીનિવાસ બીવી 33માં નંબર પર છે. ડૉ.અંગકિતા દત્તાએ આરોપ લગાવ્યો છે કે શ્રીનિવાસ બીવી અને યૂથ કોંગ્રેસના પ્રભારી સચિવ વર્ધન યાદવ છેલ્લા 6 મહિનાથી સતત તેમને પ્રતાડિત કરી રહ્યા હતા. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ પણ આની નોંધ લીધી છે. દત્તાએ કહ્યું હતું કે પાર્ટી હાઈકમાન્ડને જાણ કરવા છતાં તેમની સામે કોઈ તપાસ સમિતિની રચના કરવામાં આવી નથી.

    દત્તાએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ રાયપુર પૂર્ણ અધિવેશનમાં ગયા હતા, ત્યારે શ્રીનિવાસ બીવીએ તેને કહ્યું હતું કે, “તમે શું પીને મેસેજ કરો છો? તમે શું પીઓ છો? શું તમે વોડકા પીઓ છો?” ડો.અંગકિતા દત્તાએ કહ્યું કે તેમને અચરજ થાય છે કે આઈવાયસી અધ્યક્ષ એક પ્રદેશ પ્રમુખ સાથે આવી રીતે વાત કેવી રીતે કરી શકે. ડૉ. અંગકિતા દત્તાએ કહ્યું, “તેઓ અમને પાર્ટી માંથી બહાર ફેંકી દેવા માગે છે. અમને પાર્ટી પ્રત્યે પ્રેમ છે, પરંતુ શ્રીનિવાસ બીવી અને વર્ધન યાદવ જેવા લોકોએ પાર્ટીને ખતમ કરવાનું કામ કર્યું છે.”

    કાશી-ઉજ્જૈન બાદ હવે કામાખ્યા કોરીડોર માટે તૈયારીઓ, PM મોદીએ જણાવ્યું કેવું દેખાશે ‘મા કામાખ્યા કોરિડોર’ : નીલાચલ પર્વત અને બ્રહ્મપુત્રા નદીથી વધે છે ધામની સુંદરતા

    ઉત્તર પ્રદેશના કાશી વિશ્વનાથ કોરિડોર અને મધ્ય પ્રદેશના મહાકાલ કોરિડોરની જેમ જ આસામ સરકારે ગુવાહાટીમાં મા કામાખ્યા કોરિડોરની રૂપરેખા તૈયાર કરી દીધી છે. એટલે કે, ટૂંક સમયમાં રાજ્ય સરકાર ‘મા કામાખ્યા કોરિડોર’ પર કામ કરવાનું શરૂ કરી દેશે.PM મોદીએ કરી મા કામાખ્યા કોરીડોર બનાવવાની જાહેરાત કરતા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા દ્વારા શેર કરેલો વીડિયો રીટ્વિટ કર્યો છે.

    PM મોદીએ મા કામાખ્યા કોરીડોર બનાવવાની જાહેરાત કરતી પોસ્ટમાં લખ્યું હતું કે, “મને ખાતરી છે કે ‘મા કામાખ્યા કોરિડોર’ એક ઐતિહાસિક પહેલ હશે. જ્યાં સુધી આધ્યાત્મિક અનુભવની વાત છે તો કાશી વિશ્વનાથ ધામ અને મહાકાલ મહાલોકમાં પરિવર્તન થઈ રહ્યું છે. એટલું જ મહત્વનું એ છે કે તેના દ્વારા પર્યટનને વેગ મળી રહ્યો છે, જે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે.” આસામના મુખ્યમંત્રીએ મંગળવારે (18 એપ્રિલ, 2023) તેમના ટ્વિટર હેન્ડલ પર મંદિર કોરિડોરનો એનિમેટેડ વીડિયો શેર કર્યો હતો અને ભક્તોને ત્યાની ભવિષ્યની ઝલક આપી હતી.

    મુખ્યમંત્રી સરમાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “ભવિષ્યમાં ‘મા કામાખ્યા કોરિડોર’ કેવો દેખાશે? હું તેની એક ઝલક શેર કરી રહ્યો છું. “

    કામાખ્યા મંદિર 108 શક્તિપીઠોમાંનું એક અતિ પ્રાચીન મંદિર છે. આસામના નીલાચલ પર્વતની ટોચ પર સ્થિત કામાખ્યા મંદિરની ઉત્પતી 8મી સદીમાં થઈ હતી. તેને 16 મી સદીમાં કૂચબિહારના રાજા નારા નારાયણ દ્વારા ફરીથી બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અનેક વાર તેને પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં અન્ય મંદિરોની જેમ આ મૂર્તિની પૂજા થતી નથી, પરંતુ અહીં દેવીની યોનિની પૂજા કરવામાં આવે છે. તેને ગુફાના એક ખૂણામાં મૂકવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે માસિક સ્રાવ દરમિયાન મહિલાઓને પણ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી.

    કામાખ્યા મંદિર વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરે છે, જે અંબુબાસી પૂજા તરીકે ઓળખાય છે. એવું કહેવામાં આવે છે કે આ સમય દરમિયાન દેવીનો માસિક ધર્મ ચાલું હોય છે. ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ચોથા દિવસે મંદિર ઉત્સવ સાથે ફરી ખોલવામાં આવે છે. માન્યતા છે કે આ તહેવાર દરમિયાન બ્રહ્મપુત્રા નદી પણ લાલ થઈ જાય છે. આ ખાસ અવસર પર સાધુઓ શક્તિઓ મેળવવા માટે ગુફાઓમાં આધ્યાત્મિક સાધના કરે છે. તેવામાં હવે આસામ સરકારે ગુવાહાટીમાં મા કામાખ્યા કોરિડોરની રૂપરેખા તૈયાર કરી દીધી છે, કાશી વિશ્વનાથ કોરિડોર અને મધ્ય પ્રદેશના મહાકાલ કોરિડોરની જેમ જ આ તીર્થને વિકસાવવામાં આવશે.

    એક તરફ કોંગ્રેસ નેતાએ અતીક અહેમદને ભારત રત્ન આપવાની માંગ કરી, તો બીજી તરફ મુંબઈમાં માફિયાને “શહીદ” કહી પોસ્ટર લગાવવામાં આવ્યાં

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના સહુથી મોટા માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ સતત તેમને મહાન બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એક તરફ અખિલેશ યાદવે માફિયાની હત્યા પર સવાલો ઉભા કર્યા છે તો બીજી તરફ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે અતીકને “જી” કહી માનવાચક સંબોધન કર્યું હતું. આ બધા વચ્ચે આશ્ચર્ય ત્યારે ઉભું થયું જયારે ઉત્તર પ્રદેશના એક કોંગ્રેસ નેતાએ અતીક અહેમદને ભારત રત્ન આપવાની માંગ કરી. આટલું જ નહી, મહારાષ્ટ્રમાંતો અતીકને શહીદમાં ખપાવીને તેના નામના પોસ્ટર પણ લગાવવામાં આવ્યાં.

    ઉત્તર પ્રદેશના એક કોંગ્રેસ નેતાએ અતીક અહેમદને “શહીદ” કહીને ભારત રત્ન આપવાની માંગ કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર રાજકુમાર ઉર્ફે રજ્જુ ભૈયાએ આ માંગ કરી છે. તેમની આ માંગનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયોમાં તેમણે દાવો કર્યો છે કે અતીક અહેમદે “શહીદી” વહોરી છે. જે બદલ તેના મૃતદેહ પર ભારતનો રાષ્ટ્રધ્વજ ઓઢાડીને તેને રાજકીય સન્માન આપવું જોઈતું હતું. સાથે જ કોંગ્રેસના આ ઉમેદવારે આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ વાળી ભાજપ સરકારે માફિયા અતીક અહેમદની હત્યા કરાવી છે.

    કોંગ્રેસના આ નેતાએ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક, ભારતના પૂર્વ રક્ષામંત્રી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલા મુલાયમસિંહ યાદવનું નામ લઈને કહ્યું કે, જો તેમણે “પદ્મ વિભૂષણ” મળી શકે તો અતીક અહેમદને “ભારત રત્ન” કેમ ન આપી શકાય? પ્રયાગરાજ શહેરના જુના નેતા રાજકુમાર નગર નિગમના વોર્ડ નંબર 34 સાઉથ મલાકાના કોર્પોરેટર પદના ઉમેદવાર છે. તેમનો આ વ્દીયો વાયરલ થયા બાદ તેમને પોલીસ સ્ટેશને પણ લઈ જવામાં આવ્યાં હતા. રાજકુમાર પહેલા પણ કોર્પોરેટરની ચૂંટણી લડી ચુક્યા છે. તાજી માહિતી મુજબ કોંગ્રેસે તેમને 6 વર્ષ માટે પાર્ટી માંથી હાંકી કાઢ્યા છે.

    મહારાષ્ટ્રમાં અતીક અહેમદને “શહીદ” કહેતા પોસ્ટર લાગ્યાં

    આ ઘટનાઓ આટલેથી જ નથી અટકી, બીજી તરફ મહારાષ્ટ્રમાં અતીક અહેમદને શહીદ ગણાવીને તેના નામના પોસ્ટરો લાગવાની પણ ઘટના સામે આવી હતી. આ પોસ્ટરોમાં અતીક અને તેના ભાઈ અશરફને શહીદ બતાવવામાં આવ્યાં છે. આ મામલે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમો 293, 294 અને 153 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આ વાંધાજનક પોસ્ટરોમાં અતીક અને અશરફની જાહેરમાં હત્યાની નિંદા કરવામાં આવી છે. આ પોસ્ટર માજલગાંવ વિસ્તારમાં લગાવવામાં આવ્યાં હતા.

    આ પ્રકારના પોસ્ટર લાગવાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ આ પોસ્ટરોને તાત્કાલિક ધોરણે હટાવી લેવામાં આવ્યાં હતા. આ પોસ્ટર મોહસીન પટેલના “મોહસીન ભૈયા મિત્ર મંડળ” દ્વારા લગાવવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસ અતીક ગેંગ સાથે આ લોકોના સબંધો વિષે ઊંડાણમાં તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા પહેલા અતીકનો પુત્ર અસદ પોલીસ અથડામણમાં ઠાર મરાયો હતો. તો બીજી તરફ અતીકની પત્ની શાઈસ્તા હજુ સુધી ફરાર છે.

    વસ્તીના મામલે ભારત ચીનને પાછળ છોડી દુનિયાની સહુથી વધુ આબાદી વાળો દેશ બન્યો: જાણીએ શું કહે છે UNFPAનો રીપોર્ટ

    વસ્તી મામલે ભારત ચીનને પાછળ છોડી દુનિયાના સહુથી વધુ આબાદી વાળો દેશ બન્યો હોવાની માહિતી આપતો રીપોર્ટ યુનાઈટેડ રાષ્ટ્ર જનસંખ્યા કોષ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. રીપોર્ટ અનુસાર વર્તમાન સમયમાં ભારતમાં ચાઈના કરતા 29 લાખ વધુ વસ્તી છે. જનસંખ્યાના આંકડાઓની વાત કરીએ તો ચીનની કુલ જનસંખ્યા 142 કરોડ 57 લાખ છે, જયારે ભારતની કુલ આબાદી 142 કરોડ 86 લાખને વટાવી ચુકી છે.

    19 એપ્રિલ 2023ના રોજ ભારત સહુથી વધુ આબાદી ધરાવતો દેશ બન્યો તે અંગે જાહેર કરવામાં આવેલા UNFPAના ધ સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન 2023ના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની જનસંખ્યામાં 1.56 ટકાનો વધારો થયો છે. તો બીજી તરફ ચીનમાં ગત 60 વર્ષોમાં પ્રથમ વાર જનસંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષે ચીનમાં બાળકોનો જન્મદર ખુબ ઓછો નોંધવામાં આવ્યો છે.

    અહેવાલો અનુસાર ગત વર્ષે ચીનની આબાદીમાં નોંધપાત્ર ઘટાડો આવવા લાગ્યો હતો. બીજી તરફ ભારતની આબાદીમાં ભલે વૃદ્ધિ થઈ રહી હોય, પરંતુ 1980 બાદ ભારતના વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો નોંધાયો છે. જેના પરથી કહી શકાય કે વસ્તી વધારો થવા છતાં ભારતમાં આબાદીનો દર ઘટી રહ્યો છે. આ સમગ્ર બાબતે UNFPAના મીડિયા સલાહકાર એના જેફરીજે કહ્યું હતું કે, ડેટા કલેક્શનમાં અંતર હોવાના કારણે ભારતે વસ્તીની દ્રષ્ટિએ ચીનને ક્યારે પાછળ છોડયું તે જણાવવું અઘરું છે. આ બન્ને દેશો વચ્ચે તુલના કરવી પણ મુશ્કેલ છે.

    ભારતમાં યુવાઓની સંખ્યા વધુ છે, જયારે ચીનમાં વૃદ્ધ લોકોની સંખ્યા વધુ છે. UNFPAનું માનવું છે કે ભારતમાં દર વર્ષે 2.5 કરોડ બાળકો જન્મે છે, જયારે ચીનમાં બાળકોનો જન્મદર ભારતની તુલનામાં અડધો થઈ ચુક્યો છે, વર્ષ 2022માં ચીનમાં 95 લાખ બાળકો જન્મ્યા હતા. જો ટકાવારીની વાત કરવામાં આવે તો UNFPAના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની જનસંખ્યામાં 0-14 વર્ષના બાળકોની જનસંખ્યા 25 ટકા છે, જયારે દેશની કુલ વસ્તીમાં 18 ટકા લોકો 10 થી 19 વર્ષની આયુના છે. 10 થી 24 વર્ષના લોકોની જનસંખ્યા 26 ટકા છે જયારે 15 થી 64 વર્ષના લોકોની આબાદી 68 ટકા છે.

    ભારતની જનસંખ્યા વધવાનું એક મુખ્ય કારણ તે પણ છે કે ભારતમાં શિશુઓના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ નવજાત એટલે કે 28 દિવસની ઉમર સુધીના બાળકોના મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે. આ સિવાય અન્ડર-5 મોર્ટેલીટી એટલે કે પાંચ વર્ષથી ઓછી આયુના બાળકોની સંખ્યા પણ ઝડપથી ઘટી છે. આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સીસ્ટમના વર્ષ 2021-22ની રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં શિશુ મૃત્યુદર, નવજાત મૃત્યુદર અને અન્ડર-5 મોર્ટેલીટી રેટમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે.

    અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે પાકિસ્તાની યુવતી માટે કામ કરતા એજન્ટને પકડી પાડ્યો: દુબઈમાં બેસીને ભારતીય નંબર વડે લોકો સાથે કરતા હતા ફ્રોડ

    અમદાવાદ સાયબર ક્રાઈમ સેલની ટીમે રવિન્દ્ર નામના વ્યક્તિની ધરપકડ કરી હતી, જેને રવિ પટેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કથિત રીતે હાઈકા નામની પાકિસ્તાની મહિલા માટે એજન્ટ તરીકે કામ કરતો હતો. હાઈકા પર દુબઈથી ઈન્ટરનેશનલ ઓનલાઈન ફ્રોડ સ્કેમ ચલાવવાનો આરોપ હતો.

    દેશગુજરાતના અહેવાલ મુજબ 28મી માર્ચે પ્રતિક પટેલે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે તેને વિવિધ ફોન નંબરો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ટેક્સ્ટ મેસેજ અને જાહેરાતો મળી છે. આરોપીએ રોકાણ માટે મોટા નફાનું વચન આપ્યું હતું અને શરૂઆતના બે થી ત્રણ હપ્તા નિયમિતપણે ચૂકવ્યા હતા. જોકે બાદમાં તેઓએ છેતરપિંડીનો આશરો લીધો હતો. ફરિયાદી પંકજ પટેલે આક્ષેપ કર્યો હતો કે આ કૌભાંડને કારણે તેમને રૂ. 46 લાખનું નુકસાન થયું છે.

    વડોદરાથી દુબઇ મોકલાતા હતા સીમકાર્ડ

    સાયબર સેલને જાણવા મળ્યું હતું કે આરોપીએ જે સિમકાર્ડનો ઉપયોગ કર્યો હતો તે વડોદરાથી ઈસ્યુ કરવામાં આવ્યો હતો અને તે આરોપીના બેંક ખાતા સાથે જોડાયેલો હતો. નેટવર્ક દુબઈમાં સક્રિય હતું અને હાઈકા દ્વારા સંચાલિત હતું. અમદાવાદના કઠવાડામાં રહેતો રવિ પટેલ કથિત રીતે ગુજરાત માટે એજન્ટ તરીકે કામ કરતો હતો.

    તે અમદાવાદ અને વડોદરાથી દુબઈના સિમકાર્ડને સ્વીટ બોક્સમાં પેક કરીને અમદાવાદ એરપોર્ટ પરથી પેસેન્જર ફ્લાઈટ મારફતે મોકલતો હતો. આરોપીઓએ કથિત રીતે આ રીતે 60 સિમ કાર્ડ દુબઈ મોકલ્યા હતા. આરોપી રવિને દુબઈ પોલીસે 2021માં તેના વિઝા કરતાં વધુ સમય માટે દુબઈમાં રહેવા બદલ દુબઈથી દેશનિકાલ કર્યો હતો.

    રાજસ્થાનથી પાકિસ્તાની એજન્ટ માટે કામ કરતા 2 પકડાયા હતા

    માર્ચ મહિનામાં રાજસ્થાનમાં પાકિસ્તાની ખૂફિયા એજન્સી ISI માટે જાસૂસી કરતા બે માણસોની ધરપકડ કરવામાં આવી હતી. રાજસ્થાનની સુરક્ષા એજન્સીઓ બાડમેરથી 4 શકમંદોને પકડીને જયપુર લઈ ગઈ હતી. તેમની પૂછપરછ બાદ એજન્સીએ બોર્ડર હોમગાર્ડના જવાન સહિત બે લોકોને પકડ્યા હતા. તેઓ ISI માટે સ્થાનિક એજન્ટ તરીકે કાર્ય કરતા કરતા હતા.

    આમાંથી એક જાસૂસ ISI ના કહેવાથી ઘણી વાર પાકિસ્તાન પણ ગયો હતો અને ભારતની ગુપ્ત માહિતી આપી હતી. તો, બીજો આરોપી જવાન તેલ ઉત્પાદન ક્ષેત્ર એમપીટીમાં તૈનાત હતો. જેને પાકિસ્તાની મહિલા ISI એજન્ટે હનીટ્રેપ અને પૈસાની લાલચમાં ફસાવીને ગુપ્ત માહિતી મેળવી હતી.

    બરેલીની સબીનાની ઘરવાપસી: સનાતન ધર્મ અપનાવીને અગસ્ત્ય મુની આશ્રમમાં લગ્ન કર્યા; પોલીસ પ્રશાસન પાસે સુરક્ષાની કરી માંગણી

    ઉત્તર પ્રદેશના બરેલીની સબીનાએ સનાતન અપનાવ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યાં છે. સબીનાએ પોતાનું હિંદુ નામ સોનમ રાખ્યું છે, અને તેણે સોમપાલ નામના હિંદુ યુવાન સાથે અગસ્ત મુની આશ્રમમાં હિંદુ વિધિ વિધાનથી મુજબ લગ્નના બંધનમાં જોડાઈ ગયા હતા. લગ્ન વિધિ કરાવનાર પંડિત શંખધરે ઑપઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લગ્ન કરનાર યુગલ ઘણા લાંબા સમયથી એક બીજાના પરિચયમાં હતા.

    બરેલીની સબીનાએ સનાતન અપનાવ્યો, તેનાથી તેના પરિવારને વાંધો છે. કહેવામાં આવી રહ્યું છે કે પોતાના પરિવારના ડરથી સબીનાએ પોલીસ પ્રશાસન પાસે સુરક્ષાની માંગ પણ કરી છે. કેટલાક મીડિયા રીપોર્ટ અનુસાર સબીના મૂળ બરેલીના બિશારગંજની રહેવાસી છે. અને તેમના પતિ સોમપાલ કુંડરીયાના ખુર્દના રહેવાસી છે. બન્ને ઘણા લાંબા સમયથી એક બીજાના પ્રેમમાં હતા, જયારે સબીનાએ પોતાના ઘરમાં તેમના પ્રેમ સબંધ વિશે વાત કરી તો પરિવારે તેનો વિરોધ કર્યો હતો. બીજી તરફ સોમપાલના પરિવારે પણ તેમના આ સબંધ પર આપત્તિ જતાવી હતી. જે બાદ આ પ્રેમી યુગલે મંદિરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

    જે બાદ સબીના અને સોમપાલે બરેલીના અગસ્ત મુની આશ્રમના પંડિત શંખધરનો સંપર્ક કર્યો હતો. જે બાદ પંડિતજી જરૂરી કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરીને બંનેના લગ્ન કરાવવા તૈયાર થઈ ગયાં હતા. તેમણે સોમપાલ અને સબીના પાસેથી તેમના પુખ્ત વયના હોવાના પ્રમાણપત્રો લીધા હતા. અને અંતે સોમવારે સબીના અને સોમપાલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સબીના આ લગ્નથી એટલી ખુશ હતી કે તેણે તેના પતિ માટે જુના હિન્દી ચલચિત્રનું પ્રખ્યાત “યે દોસ્તી તેરે નામ સે શુરુ તેરે નામ પર ખતમ” ગીત પણ ગાયું હતું. હાલ આ નવપરણિત યુગલને પોતાની સુરક્ષાનો ડર સતાવી રહ્યો છે.

    પંડિત શંખધરે ઑપઈન્ડિયા સાથે આ વિવાહ પ્રસંગના ફોટો અને વિડીયો શેર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું સોમપાલના એક સગા સબીનાના પડોશમાં રહે છે. જેના કારણે સોમપાલ અવાર નવાર ત્યાં આવતો જતો હતો, આ દરમિયાન બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને હવે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. પંડિતજીના જણાવ્યાં અનુસાર સબીનાના પરિવારે બિશારત પોલીસ સ્ટેશનમાં સોમપાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે, જેને લઈને સબીના કોર્ટમાં પોતાનું 164 અંતર્ગત નિવેદન આપવા ગઈ છે.

    ઉલ્લેખનીય છે કે બરેલીના આ જ અગસ્ત મુની આશ્રમાં ટ્રીપલ તલાકના દુષણના ડરથી ઈલ્મા ખાને સોમેશ સાથે લગ્ન કરી સનાતન ધર્મ અપનાવ્યો હતો. જયારે સાયમા નામની મુસ્લિમ યુવતીએ પણ મઝહબના નામે ચાલતા દુષણોના કારણે શાલીની બનીને પોતાના હિંદુ પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. અને જેના કારણે છેલ્લા 9 વર્ષમાં અનેક મુસ્લિમ યુવતીઓના લગ્ન કરાવનાર બરેલીના પંડિત શંખધારને હત્યાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. પંડિત કેકે શંખધરે પોતાના જીવને જોખમ હોવાની ભીતિ દર્શાવીને SSP પાસે સુરક્ષાની માંગ પણ કરી હતી.