Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવસ્તીના મામલે ભારત ચીનને પાછળ છોડી દુનિયાની સહુથી વધુ આબાદી વાળો દેશ...

    વસ્તીના મામલે ભારત ચીનને પાછળ છોડી દુનિયાની સહુથી વધુ આબાદી વાળો દેશ બન્યો: જાણીએ શું કહે છે UNFPAનો રીપોર્ટ

    ભારતમાં યુવાઓની સંખ્યા વધુ છે, જયારે ચીનમાં વૃદ્ધ લોકોની સંખ્યા વધુ છે. UNFPAનું માનવું છે કે ભારતમાં દર વર્ષે 2.5 કરોડ બાળકો જન્મે છે, જયારે ચીનમાં બાળકોનો જન્મદર ભારતની તુલનામાં અડધો થઈ ચુક્યો છે.

    - Advertisement -

    વસ્તી મામલે ભારત ચીનને પાછળ છોડી દુનિયાના સહુથી વધુ આબાદી વાળો દેશ બન્યો હોવાની માહિતી આપતો રીપોર્ટ યુનાઈટેડ રાષ્ટ્ર જનસંખ્યા કોષ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. રીપોર્ટ અનુસાર વર્તમાન સમયમાં ભારતમાં ચાઈના કરતા 29 લાખ વધુ વસ્તી છે. જનસંખ્યાના આંકડાઓની વાત કરીએ તો ચીનની કુલ જનસંખ્યા 142 કરોડ 57 લાખ છે, જયારે ભારતની કુલ આબાદી 142 કરોડ 86 લાખને વટાવી ચુકી છે.

    19 એપ્રિલ 2023ના રોજ ભારત સહુથી વધુ આબાદી ધરાવતો દેશ બન્યો તે અંગે જાહેર કરવામાં આવેલા UNFPAના ધ સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન 2023ના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની જનસંખ્યામાં 1.56 ટકાનો વધારો થયો છે. તો બીજી તરફ ચીનમાં ગત 60 વર્ષોમાં પ્રથમ વાર જનસંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષે ચીનમાં બાળકોનો જન્મદર ખુબ ઓછો નોંધવામાં આવ્યો છે.

    અહેવાલો અનુસાર ગત વર્ષે ચીનની આબાદીમાં નોંધપાત્ર ઘટાડો આવવા લાગ્યો હતો. બીજી તરફ ભારતની આબાદીમાં ભલે વૃદ્ધિ થઈ રહી હોય, પરંતુ 1980 બાદ ભારતના વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો નોંધાયો છે. જેના પરથી કહી શકાય કે વસ્તી વધારો થવા છતાં ભારતમાં આબાદીનો દર ઘટી રહ્યો છે. આ સમગ્ર બાબતે UNFPAના મીડિયા સલાહકાર એના જેફરીજે કહ્યું હતું કે, ડેટા કલેક્શનમાં અંતર હોવાના કારણે ભારતે વસ્તીની દ્રષ્ટિએ ચીનને ક્યારે પાછળ છોડયું તે જણાવવું અઘરું છે. આ બન્ને દેશો વચ્ચે તુલના કરવી પણ મુશ્કેલ છે.

    - Advertisement -

    ભારતમાં યુવાઓની સંખ્યા વધુ છે, જયારે ચીનમાં વૃદ્ધ લોકોની સંખ્યા વધુ છે. UNFPAનું માનવું છે કે ભારતમાં દર વર્ષે 2.5 કરોડ બાળકો જન્મે છે, જયારે ચીનમાં બાળકોનો જન્મદર ભારતની તુલનામાં અડધો થઈ ચુક્યો છે, વર્ષ 2022માં ચીનમાં 95 લાખ બાળકો જન્મ્યા હતા. જો ટકાવારીની વાત કરવામાં આવે તો UNFPAના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની જનસંખ્યામાં 0-14 વર્ષના બાળકોની જનસંખ્યા 25 ટકા છે, જયારે દેશની કુલ વસ્તીમાં 18 ટકા લોકો 10 થી 19 વર્ષની આયુના છે. 10 થી 24 વર્ષના લોકોની જનસંખ્યા 26 ટકા છે જયારે 15 થી 64 વર્ષના લોકોની આબાદી 68 ટકા છે.

    ભારતની જનસંખ્યા વધવાનું એક મુખ્ય કારણ તે પણ છે કે ભારતમાં શિશુઓના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ નવજાત એટલે કે 28 દિવસની ઉમર સુધીના બાળકોના મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે. આ સિવાય અન્ડર-5 મોર્ટેલીટી એટલે કે પાંચ વર્ષથી ઓછી આયુના બાળકોની સંખ્યા પણ ઝડપથી ઘટી છે. આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સીસ્ટમના વર્ષ 2021-22ની રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં શિશુ મૃત્યુદર, નવજાત મૃત્યુદર અને અન્ડર-5 મોર્ટેલીટી રેટમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં