Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિગ્ગજ ફિલ્મ નિર્માતા યશ ચોપરાના પત્ની પામેલા ચોપરાનું 74 ની વયે અવસાન,...

    દિગ્ગજ ફિલ્મ નિર્માતા યશ ચોપરાના પત્ની પામેલા ચોપરાનું 74 ની વયે અવસાન, છેલ્લે YRFની ડોક્યુમેન્ટ્રીમાં જોવા મળ્યા હતા, લેખિકા અને ગાયિકા તરીકે આપી ચૂક્યા છે યોગદાન

    પામેલા ચોપરાની તબિયત લથડતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

    - Advertisement -

    હિન્દી ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ ફિલ્મમેકર યશ ચોપરાના પત્ની પામેલા ચોપરાનું અવસાન થઈ ગયું છે. આજ રોજ 20 એપ્રિલના 74 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. પામેલા ચોપરા એક જાણીતાં ભારતીય પ્લેબેક સિંગર હતા. તો ફિલ્મ રાઈટર અને પ્રોડ્યુસર તરીકે પણ તેઓ કામ કરી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેઓ છેલ્લા 15 દિવસથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતા.

    ન્યુમોનિયાને કારણે પામેલા ચોપરાનું અવસાન થયું

    પામેલા ચોપરાની તબિયત લથડતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. લીલાવતી હોસ્પિટલના ડોક્ટર પ્રહલાદ પ્રભુદેસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, “પામેલા ચોપરાનું અવસાન થઈ ગયું છે. તેઓ છેલ્લા 15 દિવસથી લીલાવતી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા. ન્યુમોનિયા, શ્વાસ લેવામાં તકલીફ અને મલ્ટીઓર્ગન ફેલ્યોરને કારણે તેમનું નિધન થયું છે.” યશરાજ ફિલ્મ્સના ઓફિશિયલ અકાઉન્ટ પરથી પામેલા ચોપરાના અવસાનના સમાચાર આપવામાં આવ્યા છે.

    1970 માં યશ ચોપરા સાથે અરેન્જ્ડ મેરેજ કર્યા હતા

    ફિલ્મ નિર્માતા યશ ચોપરાએ 1970 માં પામેલા સાથે પરંપરાગત વિધિથી લગ્ન કર્યા હતા. તેમના અરેન્જ્ડ મેરેજ હતા. તેમને બે પુત્રો છે, આદિત્ય ચોપરા અને ઉદય ચોપરા. આદિત્ય ફિલ્મ નિર્માતા અને નિર્દેશક છે. તેણે અભિનેત્રી રાણી મુખર્જી સાથે લગ્ન કર્યા છે. તો ઉદય ચોપરા અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે.

    - Advertisement -

    પામેલા ચોપરા જાણીતી ફિલ્મોમાં પોતાનો કંઠ આપી ચૂક્યા છે

    પામેલા ચોપરાની ઓળખ એક ગાયિકા અને લેખિકા તરીકેની પણ હતી. તેમને પતિ યશ ચોપરાની લોકપ્રિય ફિલ્મોમાં લેખક, કોશ્ચ્યુમ ડિઝાઈનર અને ગાયિકા તરીકે ઘણી વખત શ્રેય મળી ચૂક્યો છે. ‘ચાંદની’ ફિલ્મનું ‘મૈં સસુરાલ નહીં જાઉંગી’ અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મનું ‘ઘર આજા પરદેસી’ તેમના જાણીતાં ગીતો છે.

    પામેલા ચોપરાએ યશ ચોપરાની ‘કભી કભી’ (1976) થી લઈને ‘મુઝસે દોસ્તી કરોગે’ (2002) સુધીની ફિલ્મોમાં ગીતો ગાયા છે. ‘કભી કભી’ની તો વાર્તા જ તેમના દ્વારા લખવામાં આવી હતી.  1993માં આવેલી ફિલ્મ ‘આયના’નું નિર્માણ પામેલા ચોપરાએ કર્યું હતું. 1997માં આવેલી ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’માં પામેલાએ યશ ચોપરા, આદિત્ય ચોપરા અને તનુજા ચંદ્રા સાથે સ્ક્રિપ્ટ પણ લખી હતી. ઉલ્લેખનીય છે કે, ‘દિલ તો પાગલ હૈ’ ફિલ્મની શરૂઆતના ગીત ‘એક દૂજે કે વાસ્તે’માં તેઓ પતિ સાથે સ્ક્રીન પર દેખાઈ ચૂક્યા છે.

    પામેલા ચોપરા છેલ્લે ‘ધ રોમેન્ટિક્સ’ ડોક્યુમેન્ટ્રીમાં જોવા મળ્યા હતા

    પામેલા ચોપરા છેલ્લે યશરાજ ફિલ્મ્સની ડોક્યુમેન્ટ્રી ‘ધ રોમેન્ટિક્સ’માં જોવા મળ્યા હતા. ‘ધ રોમેન્ટિક્સ’ માત્ર યશ ચોપરાની નહીં પણ પામેલા ચોપરાએ ફિલ્મ જગતમાં આપેલા યોગદાનની પણ વાત કરે છે. એક ફીમેલ દ્રષ્ટિકોણ માટે યશ ચોપરા હંમેશા પત્ની પામેલાની સલાહ લેતાં એવું કહેવાય છે.

    રાણી મુખર્જીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, યશ ચોપરા તેમની ફિલ્મોમાં સ્ત્રી પાત્રને સુંદર અને બખૂબી દર્શાવી શકતા તેની પાછળનું કારણ પામેલા ચોપરા છે. યશ ચોપરાનું નિધન 2012 માં થયું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં