Monday, May 6, 2024
More
    Home Blog Page 464

    ગેંગસ્ટર અતિક અહમદનો પુત્ર અસદ એનકાઉન્ટરમાં ઠાર, ઉમેશ પાલની હત્યા બાદથી હતો ફરાર: શૂટર મોહમ્મદ ગુલામ પણ માર્યો ગયો

    માફિયા ગેંગસ્ટર અતિક અહમદનો પુત્ર અને ઉમેશ પાલ હત્યાકાંડનો આરોપી અસદ યુપી પોલીસના એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. તેની સાથે આ કેસના અન્ય એક આરોપી મોહમ્મદ ગુલામનું પણ એનકાઉન્ટર કરવામાં આવ્યું છે. બંને ઉમેશ પાલની હત્યાના આરોપી હતા. 

    આ બંને ઉમેશ પાલની હત્યા બાદથી જ ફરાર હતા અને શોધખોળ માટે યુપી પોલીસની ટીમો ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારો ખૂંદી રહી હતી. આ બંને ઉપર પાંચ લાખ રૂપિયાનું ઇનામ પણ ઘોષિત કરવામાં આવ્યું હતું. આજે ઝાંસીમાં યુપી એસટીએફે એન્કાઉન્ટરમાં બંનેને ઠાર કર્યા હતા. બંને પાસેથી પોલીસને હથિયારો મળી આવ્યાં છે. 

    ઉમેશ પાલ પર ગોળી ચલાવી હતી

    ગત 24 ફેબ્રુઆરી, 2023ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ નામના વકીલની હત્યા કરી નાંખવામાં આવી હતી. તેઓ 2006ના રાજુ પાલ હત્યાકાંડના મુખ્ય સાક્ષી હતા. ભરબજારમાં ધોળા દહાડે ગોળી મારીને તેમને મારી નાંખવામાં આવ્યા હતા. આ કેસમાં અતિક અહમદના પુત્ર અસદનું નામ ખૂલ્યું હતું. તેણે જ સાગરીતો સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હતો. 

    હત્યાકાંડ બાદથી જ અસદ અન્ય કેટલાક સાગરીતો સાથે ફરાર હતો અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. તેની ઉપર ઉમેશ પાલ પર ગોળી ચલાવવાનો આરોપ હતો. આ કેસમાં પોલીસે અસદ, સદાકત, અરમાન, વિજય ઉર્ફે ઉસ્માન (એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો), અરબાઝ (એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો), સાબિર, કૈસ અહમદ (હાલ જેલમાં), રાકેશ, અરશદ, નિયાઝ વગેરે સામે FIR દાખલ કરી હતી. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઉમેશ પાલ હત્યાકાંડના બે આરોપીઓ એનકાઉન્ટરમાં માર્યા ગયા હતા. જેમાં હત્યા સમયે અસદની ગાડી ચલાવનારો અરબાઝ તેમજ ઉમેશ પાલ પર પહેલી ગોળી ચલાવનારો વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન સામેલ છે. બંને જુદાં-જુદાં એનકાઉન્ટરમાં માર્યા ગયા હતા. હવે આ કેસના અન્ય બે શૂટરો ઠાર મરાયા છે. 

    અતિક અહમદે કહ્યું હતું- માટીમાં તો મેળવી દીધા છે, હવે અમારા પરિવારને બક્ષી દો

    સાબરમતી જેલમાં બંધ અતિક અહમદને યુપી પોલીસ ફરી પ્રયાગરાજ લઇ ગઈ હતી. આ દરમિયાન મીડિયા સાથેની ટૂંકી વાતચીતમાં તેણે કહ્યું હતું કે, સરકારે કહ્યું હતું કે માટીમાં મેળવી દઈશું. હવે માટીમાં તો મેળવી દેવામાં આવ્યા છે. પરંતુ હવે મારા પરિવારના બાળકો અને મહિલાઓને ‘પરેશાન’ ન કરો. ઉલ્લેખનીય છે કે ઉમેશ પાલ હત્યાકાંડ બાદ વિધાનસભામાં બોલતી વખતે યુપી સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, તેઓ માફિયાઓને છોડશે નહીં અને માટીમાં મેળવી દેશે. તેમના આ નિવેદનની ચર્ચા પણ ખૂબ થઇ હતી.

    હવે દુનિયાભરમાં થશે ભારતીય રમકડાંની બોલબાલા, અમેરિકા તરફથી મળશે 3280 કરોડ રૂ.નો ઓર્ડર, PM મોદીના કાર્યકાળમાં રમકડાંની આયાત પણ 70 ટકા ઘટી

    ભારતના રમકડાં હવે દુનિયાભરના દેશોમાં પોતાનો ડંકો વગાડવા જઈ રહ્યા છે. યુરોપ અને અમેરિકાના રમકડાંના વિક્રેતાઓએ ભારતમાં રમકડાં બનાવતા ઉત્પાદકોનો સંપર્ક કર્યો છે. ભારતના રમકડાંની વૈશ્વિક સ્તરે ઊભી થયેલી માંગ સરકારની નવી નીતિનું પરિણામ છે. અહેવાલો મુજબ, આ માટે ગ્લોબલ ટૉય્ઝ કંપનીઓએ અનુપાલનની આવશ્યકતાઓ એટલે કે કમ્પ્લાયન્સ રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે ભારતના રમકડાં ઉત્પાદકોને મદદની ખાતરી આપી છે. એક સરકારી અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, રમકડાંના વૈશ્વિક સ્તરના અગ્રણી વિક્રેતાઓ ભારતમાંથી મોટા પાયે રમકડાં ખરીદવા માગે છે.

    ભારતને રમકડાંના વેચાણથી 400 મિલિયન ડોલર મળી શકે છે

    પ્લેગ્રો ટૉય્ઝ ઈન્ડિયાના પ્રમોટર અને ટૉય એસોસિએશન ઑફ ઈન્ડિયાના ચેરમેન મનુ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમેરિકાના એક ટૉય રિટેલરે ભારતીય રમકડા ઉદ્યોગનો સંપર્ક કર્યો છે. તેઓ ભારતના રાઈડ-ઓન, આઉટડોર, મિકેનિકલ અને ઇલેક્ટ્રિક રમકડાંમાં રસ લઈ રહ્યા છે. જો આ ડીલ ફાઈનલ થાય તો ભારતને 400 મિલિયન ડોલર (3279.31 કરોડ રૂપિયા) નો ઓર્ડર મળી શકે તેમ છે. તો એક ઇટાલિયન કંપનીએ પણ ભારતમાંથી સોર્સિંગ માટે રમકડાં ઉત્પાદકોનો સંપર્ક કર્યો છે.

    ભારત સરકાર રમકડાં ઉદ્યોગને આગળ વધારવા સતત પ્રયત્નશીલ

    ભારતના રમકડાંની વૈશ્વિક સ્તરે માંગ ઊભી કરવા માટે પીએમ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે મહત્વના પગલાં લીધા છે. દેશના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવતા વિભાગ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા ભારતમાં રમકડાં ઉત્પાદનને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. DPIIT અધિકારીઓ ભારતીય રમકડાં ઉદ્યોગને વૈશ્વિક કંપનીઓ સાથે જોડવા અને ઓર્ડર મેળવવા માટે મદદ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકન અને યુરોપિયન કંપનીઓ એ મેન્યુફેક્ચરર્સ પાસેથી માલ ખરીદે છે જે તેમના પ્રોડક્ટ અને સોશિયલ કમ્પ્લાયન્સને પૂરા કરે છે.

    ભારતમાં ઘટી રહી છે રમકડાંની આયાત

    મનુ ગુપ્તાએ જણાવ્યા અનુસાર, ભારતીય રમકડાં માંગ મુજબ તમામ સ્ટાન્ડર્ડનું પાલન કરી શકે એ માટે વિદેશી કંપની ભારતના ઉત્પાદકોના વર્તમાન વર્કફોર્સને અપસ્કિલિંગ અને રિસ્કિલિંગ કરવા તૈયાર છે. બીજી તરફ ભારત હવે રમકડાંની આયાત પણ ઘટાડી રહ્યું છે. 2021-22માં ભારતમાં રમકડાંની કુલ આયાત 70 ટકા ઘટીને રૂ. 870 કરોડ થઈ હતી.

    ‘ભારત પાસે રમકડાં નિકાસનું પાવરહાઉસ બનવાની ક્ષમતા છે’

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ જણાવ્યું હતું કે, ભારત પાસે રમકડાં નિકાસનું પાવરહાઉસ બનવાની પૂરી ક્ષમતા છે. ભારતના રમકડાં ઉદ્યોગમાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. પહેલા ત્રણ હજાર કરોડ રૂપિયાથી પણ વધુ કિંમતના રમકડાં બહારથી આવતા હતા, જ્યારે હવે તેની આયાત 70 ટકા ઘટી ગઈ છે.

    વડોદરામાં SRP જવાનની બંદૂક આંચકી લેવાનો પ્રયાસ કરનારા અબ્દુલ રસીદની ધરપકડ, રામનવમીની શોભાયાત્રા દરમિયાન ત્રણ શખ્સોએ કર્યો હતો હુમલો

    વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારા બાદ થયેલા તોફાનોમાં એસઆરપી જવાનની રાયફલ લૂંટવાનો પ્રયાસ કરનારા ઇસમની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ અબ્દુલ રસીદ અબ્દુલ સત્તાર શેખ તરીકે થઈ છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

    CCTVમાં SRP જવાનની રાયફલ લૂંટવાનો પ્રયાસ કરનારો ઈસમ દેખાયો

    દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, પથ્થરમારા દરમિયાન ફરજ પર હાજર એસઆરપી જવાનની રાયફલ લૂંટવાનો પ્રયાસ કરનારો ઈસમ સીસીટીવીમાં ઝડપાઈ ગયો હતો. આરોપી અબ્દુલ રસીદે જવાનને બે-ચાર લાફા પણ ઝીંકી દીધા હતા. પોલીસે ધરપકડ બાદ આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કર્યું હતું.

    SRP જવાનને ઘેરી લઈ ત્રણ ઈસમોએ હુમલો કર્યો

    ઉલ્લેખનીય છે કે, ગત રામનવમીના દિવસે વડોદરાના સંવેદનશીલ વિસ્તાર ગણાતા કુંભારવાડામાં ગોધરા એસઆરપી ગ્રુપ-5ના જવાનોને સવારથી જ તહેનાત કરવામાં આવ્યા હતા. સાંજના સમયે શોભાયાત્રા આ વિસ્તારમાં પહોંચતાં જ તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ફરજ બજવતા SRP જવાન પંકજ હિંમતસિંહ બારૈયા પર ત્રણ શખ્સોએ હુમલો કરી દીધો હતો, જેમની ઓળખ આરોપી અબ્દુલ રસીદ અબ્દુલ સત્તાર શેખ, બીદુ રફિકભાઈ બંગાળી, મોહસીન તરીકે થઈ છે.

    ઘટના બાદ SRP જવાને ફરિયાદ નોંધાવી

    ઘટના બાદ SRP જવાન પંકજ બારૈયાએ વારસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ વડોદરામાં કુંભારવાડા ડીપ પોઇન્ટમાં દરગાહની પાછળ આવેલા ગેટ નજીક ફરજ બજાવી રહ્યા હતા. સાંજે 5:30 આસપાસ મસ્જિદ પાસેની ગલીમાંથી ત્રણ યુવકો અચાનક તેમની તરફ ધસી આવ્યા હતા અને હુમલો કર્યો હતો.

    એટલું જ નહીં, આ ઈસમોએ તેમને લાફા માર્યા અને ખભે લટકાવેલી બંદૂક પણ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, જવાને પ્રતિકાર કર્યો અને આ દરમિયાન નજીકના પોલીસ કર્મચારીઓ પણ ત્યાં દોડી આવતાં આરોપીઓ નાસી છૂટ્યા હતા.

    સીસીટીવીમાં પણ આ ઘટના સ્પષ્ટ દેખાય છે. પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી આ ત્રણેય હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ IPCની કલમો 393, 353, 332, 323, 186 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. મોરીએ હાથ ધરી હતી.

    પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન

    પોલીસે એસઆરપી જવાનની રાયફલ લૂંટવાનો પ્રયાસ કરનારા અબ્દુલ રસીદ અબ્દુલ સત્તાર શેખ (ઉં.42) ની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે બાદમાં આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કર્યું હતું અને આ મામલે વધુ તપાસ ચાલુ છે.

    રામનવમીના દિવસે બે શોભાયાત્રાઓ પર પથ્થરમારો થયો હતો

    વડોદરામાં રામનવમીના દિવસે બે શોભાયાત્રાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પહેલાં શોભાયાત્રા જ્યારે ફતેપુરાના મુસ્લિમ બહુમતી વિસ્તારમાંથી નીકળી ત્યારે હુમલો થયો હતો અને ત્યારબાદ સાંજે કુંભારવાડામાંથી પસાર થતી રામયાત્રા પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરીને જુદા-જુદા કેસોમાં કુલ ત્રીસેક લોકોની ધરપકડ કરી છે.

    ‘બસ હવે બહુ થયું’ – વીર સાવરકરના વંશજ સાત્યકિ સાવરકર હવે રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનીનો દાવો કરશે; યુકેમાં આપેલા વિવાદિત ભાષણનો વિરોધ

    રાહુલ ગાંધી પોતાના વીર સાવરકર વિષેના નિવેદનોને કારણે ભલે લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહ્યાં હોય પરંતુ તેઓ હવે કાયદાના ઘેરામાં વધુને વધુ ફસાઈ રહ્યાં છે. યુકેમાં આપેલા એક નિવેદન પર વાંધો ઉઠાવીને વીર સાવરકરના વંશજ સાત્યકિ સાવરકર હવે પુણેની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનીનો દાવો કરવા જઈ રહ્યા છે. અગાઉ સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે પણ રાહુલ ગાંધીને પોતાના દાદા અંગે કરેલા ખોટા વિધાનોની માફી માંગવાનું કહ્યું હતું અને એમ ન થતાં તેમનાં વિરુદ્ધ કેસ કરવાની ચેતવણી પણ તેમણે આપી હતી.

    સાત્યકિ સાવરકર પુણેના રહેવાસી છે અને તેમણે કહ્યું છે કે તેમને અને તેમનાં પરિવારને એવું લાગે છે કે બસ હવે બહુ થયું. સાત્યકિના કહેવા અનુસાર થોડા સમય અગાઉ યુકેમાં જ્યારે રાહુલ ગાંધી કોઈ એક કાર્યક્રમને સંબોધન કરી રહ્યાં હતાં ત્યારે તેમણે એવું નિવેદન આપ્યું હતું કે વીર સાવરકરે પોતાનાં પુસ્તકમાં લખ્યું છે કે 5-6 લોકો એક મુસ્લિમને માર મારી રહ્યા હતાં અને તેમને એ ખુબ ગમ્યું હતું.

    સાત્યકિ સાવરકર કહે છે કે આ પ્રકારની ઘટના ક્યારેય બની જ ન  હતી અને વીર સાવરકરે પોતાના કોઇપણ પુસ્તકમાં આવું કશું જ લખ્યું નથી. આથી હવે તેઓ પુણેની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનીનો દાવો કરવા જઈ રહ્યા છે.

    રાહુલ ગાંધી હજી ગયા મહીને જ મોદી સમાજ વિષે કરેલી ટીપ્પણી બાબતે સુરતની કોર્ટમાંથી સજા પામી ચુક્યા છે. સુરત કોર્ટે મોદી સમાજનું અપમાન કરવા બદલ રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરી હતી. આ સજા થતાં જ રાહુલ ગાંધીનું કેરળના વાયનાડના સંસદ સભ્ય તરીકેનું સભ્યપદ પણ જતું રહ્યું હતું. આ સજા બાદ જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ મોદી સમાજની માફી માંગી લેશે? તો રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ ગાંધી છે સાવરકર નહીં અને ગાંધી ક્યારેય માફી માંગતા નથી. આ વિધાન અંગે પણ ઘણો વિવાદ થયો હતો.

    રાહુલ ગાંધી પોતાના આ પ્રકારના નિવેદનોને લીધે મુશ્કેલીમાં મુકાતા જ રહે છે અને હાલમાં આસામનાં મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ પણ રાહુલ ગાંધીને તેમનાં નિવેદન બદલ કોર્ટમાં લઇ જવાની ચીમકી આપી હતી.

    ભગવાન રામ-હનુમાનજીનું અપમાન, મંદિરો વિશે અભદ્ર ટિપ્પણી: વડોદરાના પોલીસ અધિકારીએ ફેસબુક પર કરી આપત્તિજનક પોસ્ટ્સ, સોશિયલ મીડિયા પર વિરોધ થતાં સસ્પેન્ડ

    સોશિયલ મીડિયા ઉપર હિંદુદ્વેષી પોસ્ટ કરવા બદલ વડોદરાના એક પોલીસ અધિકારી સસ્પેન્ડ થયા છે. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારી નિશાંત સોલંકીએ ફેસબુક ઉપર અમુક વાંધાજનક પોસ્ટ્સ કરી હતી, જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થઇ રહ્યો હતો તો આ મામલે ફરિયાદ પણ અપાઈ હતી. ત્યારબાદ ગૃહ વિભાગના આદેશથી વડોદરાના પોલીસ કમિશનરે અધિકારીને સસ્પેન્ડ કરી દીધા હતા.

    મળતી માહિતી અનુસાર છેલ્લા એક વર્ષ ઉપરાંતથી વડોદરા શહેર પોલીસમાં એન્ટી હ્યુમન ટ્ર્ફિક યુનિટમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નિશાંત સોલંકીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર હિંદુ ધર્મ અને દેવી દેવતાઓ પર અભદ્ર પોસ્ટ કરી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું કે, ‘રામ ભગવાન થે, હનુમાન બંદર થે, રામ પૈદલ ચલતે થે ઔર હનુમાન ઉડતે થે. ક્યોંકિ હનુમાન કે પાસ આરક્ષણ થા.’ આ સિવાની એક પોસ્ટમાં તેમણે તેમ પણ લખ્યું કે, ‘જિસ દેશ મેં….પૂજા હોતી હૈ, ઉસ દેશ કે મંદિરો મેં બલાત્કારી નહીં બેઠેંગે તો ક્યાં સંસ્કારી બેઠેંગે…!” તેમની આ બંને પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી.

    આ પોસ્ટ વાયરલ થતાંની સાથે જ બજરંગદળના રાષ્ટ્રીય સંયોજક અને હિમાચલ વિહિપના પૂર્વ પ્રાંત સંગઠન મંત્રી નીરજ દોનેરીયાના ધ્યાને આવતાં તેમણે મંગળવારે (11 એપ્રિલ 2023) પોતાના આધિકારિક ટ્વિટર હેન્ડલ પરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત પોલીસ, ગુજરાત પોલીસના સાઈબર સેલ અને ડીજીપી ગુજરાતને ટાંકીને આ મુદ્દે ધ્યાન દોરતું ટ્વિટ કરીને આ પોલીસ અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ પોસ્ટને લઈને વિરોધ નોંધાવીને કડક કાર્યવાહીની માંગ કરી હતી.

    ગૃહમાત્રલયે લીધાં ત્વરિત પગલાં

    આ મામલો પોલીસ બેડામાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો અને ત્યારબાદ રાજ્યના ગૃહ વિભાગના ધ્યાને પણ આવતાં વડોદરા શહેર પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. જે મામલે વડોદરા સાયબર સેલે પીઆઈના અકાઉન્ટની ખરાઈ કર્યા બાદ રિપોર્ટ સુપરત કર્યો હતો. ત્યારબાદ વડોદરાના ઇન્ચાર્જ પોલીસ કમિશનર મનોજ નિનામાએ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા હતા.

    અમદાવાદમાં અપાઈ હતી PI વિરુદ્ધ પોલીસ અરજી

    ઉલ્લેખનીય છે કે આ મામલે અમદાવાદના ઘાટલોડિયામાં પણ PI સોલંકી વિરુદ્ધ એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી. અમદાવાદના વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ ગત ફેબ્રુઆરીમાં પોલીસ અધિકારીની આ વિવાદાસ્પદ પોસ્ટને લઈને પોલીસ મથકે અરજી નોંધાવી હતી. જે મામલે અમદાવાદ શહેર બજરંગ દળ સંયોજક હિરેન રબારીએ ઑપઇન્ડિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, તેમને ફેસબુક પર આ પોસ્ટ જોવા મળી હતી, જે હિંદુ સમાજની લાગણી દુભાવે તે પ્રકારની હોવાના કારણે તેમણે પોલીસ મથકે અરજી નોંધાવી હતી. તેમણે કહ્યું કે, આ સિવાય વિહિપના પરિષદના સોશિયલ મીડિયા ગ્રુપે પણ આ મામલે જાગૃતિ લાવવા પ્રયત્નો કરી ગૃહ મંત્રાલય અને CMOને ટાંકીને કાર્યવાહીની માંગ કરી હતી.

    રાહુલ ગાંધી વિરુદ્ધ થયેલી કાર્યવાહી બાદ જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રિયંકા ગાંધી વાડ્રાનો પ્રયાસ, કહ્યું- દેશની સંસ્થાઓ પર કબજો જમાવી ચૂકી છે સરકાર, પાઠ ભણાવવો આપણી ફરજ

    તાજેતરમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલેલી કાયદાકીય કાર્યવાહી બાદ આખી કોંગ્રેસ પાર્ટી બેબાકળી થયેલી જોવા મળી રહી છે. પાર્ટીના નાના-મોટા દરેક નેતાઓ ગાંધી પરિવાર પ્રત્યે પોતાની વફાદારી દેખાડવા તનતોડ મહેનત કરી રહ્યા છે. તેવામાં હવે કોંગ્રેસ મહાસચિવ અને રાહુલનાં બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડ ખાતે જનતાને ગેરમાર્ગે દોરતું નિવેદન આપ્યું છે.

    સૌથી પહેલાં પ્રિયંકા વાડ્રાએ વાયનાડ ખાતે જે નિવેદન આપ્યું તેના પર નજર કરીએ, અને પછી એ જોઈએ કે શા માટે તેમનું આ નિવેદન ગેરમાર્ગે દોરે તેવું છે. તેમણે કહ્યું કે, “આપણા દેશની સ્થાપના સત્ય, અહિંસા, સમાનતા અને ન્યાયના આધાર પર થઈ છે. આજે સરકાર માને છે કે તેઓ કોઈ પણ અસહમતિને દબાવી શકે છે. દેશની સંસ્થાઓ જ્યારે સરકાર માટે ચેક એન્ડ બેલેન્સ બનવામાં નિષ્ફળ દેખાઈ રહી છે ત્યારે આપણી, ભારતના નાગરિકોની જવાબદારી છે કે સરકાર માટે ચેક એન્ડ બેલેન્સ બનવાનું કામ કરીએ.”

    આ વિડીયો ક્લિપની શરૂઆતમાં જ પ્રિયંકા જણાવી રહ્યાં છે કે, “આપણા દેશની સ્થાપના સત્ય, અહિંસા, સમાનતા અને ન્યાયના આધાર પર થઈ છે.” પરંતુ દેશ સ્વાતંત્ર થયો અને ત્યારબાદ દેશના ટુકડાઓ થયા, અને અત્યારનું ભારત અસ્તિત્વમાં આવ્યું અને ભારતની સ્થાપના થઈ, પણ જે મુજબ પ્રિયંકા કહી રહ્યાં છે કે દેશ સત્ય, અહિંસા, સમાનતા અને ન્યાયના આધાર પર બન્યો તો ભારત પાકિસ્તાનના ભાગલાની ઘટનાને કયા અર્થમાં લઈ શકાય? હિંદુ-મુસ્લિમના નામે દેશના ટુકડા થયા અને 2.5 કરોડ લોકોને પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો તો આમાં સમાનતાની વાત ક્યાં આવી? ભાગલા દરમિયાન હિંસામાં પાંચ લાખથી વધુ લોકોનાં મોત થયા તો પ્રિયંકા ગાંધી કઈ અહિંસાની વાત કરી રહ્યા છે? હિંસામાં થયેલી હત્યાને કારણે ઠેર-ઠેર લાશો રઝળવા લાગી હતી, પાકિસ્તાનથી આવતી ટ્રેનોમાં મોટાભાગે માત્ર લાશો જ આવતી હતી. તો અહીં પ્રિયંકા ગાંધી કઈ શાંતિ અને અહિંસાની વાત કરી રહ્યાં છે?”

    આગળ તેમણે કહ્યું કે, “દેશની સંસ્થાઓ જ્યારે સરકાર માટે ચેક એન્ડ બેલેન્સ બનવામાં નિષ્ફળ દેખાઈ રહી છે ત્યારે આપણી, ભારતના નાગરિકોની જવાબદારી છે કે સરકાર માટે ચેક એન્ડ બેલેન્સ બનવાનું કામ કરીએ.” તેમના આ શબ્દ પ્રયોગથી સાબિત થાય છે કે તેમને ભારતીય સંસ્થાનો અને ન્યાયતંત્ર પર ભરોસો નથી. સંભવતઃ તાત્પર્ય તેવું છે કે સરકાર અને સંસદ વચ્ચે જે સમન્વય હોવો જોઈએ તે નથી.

    ત્યારબાદ રાહુલ ગાંધી પર થયેલી કાર્યવાહી પર પોતાના નિવેદનમાં પ્રિયંકા ગાંધી વાડ્રા આગળ જણાવે છે કે, “આખી સરકાર, દરેક મંત્રી, દરેક સાંસદ, અને વડાપ્રધાન પોતે પણ એક વ્યક્તિની છબી ખરડવામાં અને નિર્મમતાથી તેમની ઉપર પ્રહારો કરવામાં લાગ્યા છે, કારણ કે તેમણે એવા પ્રશ્નો કર્યા હતા જેના તેમની પાસે કોઈ જવાબ નથી.” અહીં તે પ્રશ્ન ઉભો થાય કે રાહુલ ગાંધી વિરુદ્ધ થયેલી કાર્યવાહી તેમણે કરેલા વિવાદિત અને આખા એક સમુદાયની લાગણીઓ દુભાય તેવા નિવેદનના કારણે કરવામાં આવી હતી અને જેમાં સરકારે નહીં પરંતુ ન્યાયાલયે તેમને દોષી ઠેરવ્યા હતા અને તે પણ ભારતીય બંધારણ મુજબના રિપ્રેઝેન્ટેશન ઑફ પીપલ એક્ટ, 1951 મુજબ. તો પ્રશ્ન તે છે કે પ્રિયંકાના મતે રાહુલ ગાંધીએ જે ટિપ્પણી કરી હતી કે, ‘બધા મોદી ચોર કેમ હોય છે?’ શું તે યોગ્ય હતી. અહીં પ્રિયંકા એ વાત ભૂલી જાય છે કે રાહુલનું સાંસદપદ તેમને એક કેસમાં સજા થવાના કારણે રદ થયું છે અને આ સજા સરકારે નહીં પરંતુ દેશની કોર્ટે આપી છે, જેમાં સરકારનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ હોતો નથી.

    પ્રિયંકા ગાંધી વાડ્રાએ આપેલા નિવેદનનો જો સાર કાઢીએ તો તેમ કહી શકાય કે તેમના મતે સરકાર અને સંસદ વચ્ચે સમન્વય નથી, રાહુલ ગાંધી જે ગુનામાં દોષી સાબિત થયા તે સરકારે તેમને દોષી ઠેરવ્યા, રાહુલનું સાંસદ પદ છીનવાયું તે પણ સરકારનો આદેશ હતો. પણ તેવું નથી, રાહુલ ગાંધીના સાંસદ પદ જવા પાછળનું મુખ્ય કારણ શું તે વિગતવાર સમજીએ.

    રાહુલ ગાંધીનું સાંસદ પદ જવા પાછળનું કારણ

    મોદી સમાજ પરની ટિપ્પણીના કેસમાં સુરતની કોર્ટે દોષી જાહેર કર્યા બાદ રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ લોકસભા દ્વારા તેમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી રિપ્રેઝેન્ટેશન ઑફ પીપલ એક્ટ, 1951 હેઠળ કરવામાં આવી હતી. જે મુજબ કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ કે MLC કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા પામે તો તેને સભ્યપદેથી બરતરફ કરી દેવામાં આવે છે. એક્ટના ખંડ 8માં ડિસ્ક્વોલિફિકેશન માટેના નિયમો અને શરતો જણાવવામાં આવ્યાં છે. સેક્શન 8(3) મુજબ, કોઈ પણ સાંસદ કે ધારાસભ્ય કોઈ ગુનામાં દોષી જાહેર થાય અને બે વર્ષ કે તેથી વધુની સજા થાય તો સજા થયાના દિવસથી તેનું સભ્યપદ રદ ગણવામાં આવે છે.

    શું કહેવામાં આવ્યું છે રિપ્રેઝેન્ટેશન ઑફ પીપલ એક્ટ, 1951માં?

    લોકસભાના સભ્યો અને ધારાસભ્યોની લાયકાત અને તેમના ડિસ્ક્વોલિફિકેશનની વિગતો રિપ્રેઝેન્ટેશન ઑફ પીપલ એક્ટ, 1951માં મળી આવે છે. આ એક્ટના ખંડ 8માં ડિસ્ક્વોલિફિકેશન માટેના નિયમો અને શરતો જણાવવામાં આવ્યાં છે. સેક્શન 8(3) મુજબ, કોઈ પણ સાંસદ કે ધારાસભ્ય કોઈ ગુનામાં દોષી જાહેર થાય અને બે વર્ષ કે તેથી વધુની સજા થાય તો સજા થયાના દિવસથી તેનું સભ્યપદ રદ ગણવામાં આવે છે.

    કાયદાના સેક્શન 8(1) અને 8(2) અનુસાર, IPCની અમુક કલમ હેઠળ દોષી જાહેર થનાર વ્યક્તિને તેની સજાના સમયગાળાને ધ્યાનમાં લીધા વગર ડિસ્ક્વોલિફાય કરવામાં આવે છે. જ્યારે તે સિવાયના ગુનાઓ માટે જો વ્યક્તિને ઓછામાં ઓછી બે વર્ષની સજા થઇ હોય તો બરતરફ કરવાનો નિયમ લાગુ પડે છે.

    મિકા સિંહે કતારમાં ભારતીય ચલણથી કરી ખરીદી, વીડિયો બનાવ્યો અને માન્યો પીએમ મોદીનો આભારઃ ભારતીય રૂપિયો આપી રહ્યો છે ડોલરને સ્પર્ધા

    બોલિવૂડના પ્રખ્યાત ગાયક મિકા સિંહે બુધવારે (12 એપ્રિલ, 2023) સવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો. વિડીયોમાં તે કહે છે, “શુભ સવાર. હું કતારની રાજધાની દોહામાં છું. દોહા એરપોર્ટ પર લુઈસ વિટન સ્ટોરમાં ખરીદી કરતી વખતે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરવા બદલ હું ખૂબ જ ગર્વ અનુભવું છું. તમે અહીં જે પણ શોપિંગ કરવા માંગો છો, તમે ભારતીય ચલણ આપી શકો છો. તમે કોઈપણ રેસ્ટોરન્ટમાં ભારતીય પૈસા વાપરી શકો છો.. શું તે આશ્ચર્યજનક નથી? આ માટે નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર. હવે ભારતીય નાણા પણ ડોલરની જેમ આખી દુનિયામાં કામ કરશે.” તે કતારમાં ચાલી રહ્યું છે.

    મિકા સિંહનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેના પર એક યુઝરે લખ્યું કે, “મિકા સિંહ દોહા એરપોર્ટ પર લુઈસ વિટન સ્ટોરમાં ભારતીય રૂપિયામાં ખરીદી કરી રહ્યો છે. ટૂંક સમયમાં, ઉદારવાદીઓ તેમના પર હુમલો કરશે કારણ કે તેઓ આ માટે ભારતની પ્રશંસા કરી રહ્યા છે.”

    આંધ્ર પ્રદેશમાં બીજેપી મહાસચિવ વિષ્ણુ વર્ધન રેડ્ડીએ પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર મિકા સિંહનો વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું, “પ્રસિદ્ધ ગાયક મિકા સિંહ જણાવી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણો દેશ કેવી રીતે બદલાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના પ્રયાસોને કારણે ભારતીય ચલણ વૈશ્વિક બની રહ્યું છે અને ઘણા દેશોમાં તેને સ્વીકારવામાં આવી રહ્યું છે.”

    ભારતીય રૂપિયાને વૈશ્વિક ચલણ બનાવવા પર ભાર

    કોરોના મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે જ્યારે આખું વિશ્વ સંકટમાં ફસાઈ ગયું હતું, તે સમયે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે ડોલર પછી ભારતીય રૂપિયાને બીજી મોટી આંતરરાષ્ટ્રીય ચલણ બનાવવાની પહેલ કરી હતી. ભારત સરકારે જુલાઈ 2022માં આ મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરી હતી. તેનો હેતુ એવા દેશોને વૈકલ્પિક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ પ્રદાન કરવાનો છે જેઓ યુએસ ડોલરની અછતનો સામનો કરી રહ્યા છે. આરબીઆઈએ અત્યાર સુધીમાં 18 વોસ્ટ્રો એકાઉન્ટ ખોલ્યા છે.

    જેમાંથી 12 ખાતા રશિયા માટે, 5 ખાતા શ્રીલંકા અને 1 ખાતુ મોરેશિયસ માટે છે. એટલે કે આ ત્રણ દેશોમાં ભારતીય રૂપિયો હવે સંપૂર્ણ રીતે આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે ઓળખાય છે. ભારતીયો ત્યાં જઈને ભારતીય રૂપિયાનો ઉપયોગ કરીને કંઈપણ ખરીદી શકે છે. યુએસ ડૉલરની અછતનો સામનો કરી રહેલા તાજિકિસ્તાન, ક્યુબા, લક્ઝમબર્ગ અને સુદાન ઉપરાંત જર્મની, ઇઝરાયલ જેવા વિકસિત દેશો સહિત 64 દેશોએ ભારતીય રૂપિયા દ્વારા વેપાર કરવામાં રસ દાખવ્યો છે.

    જો 30 દેશો સાથે ભારતનો વેપાર રૂપિયામાં શરૂ થાય તો ભારતીય ચલણ આંતરરાષ્ટ્રીય ચલણ બની જશે.

    ‘બાહુબલી’ નિર્દેશક SS રાજમૌલી તેલુગુ સ્ટાર મહેશ બાબુ સાથે બનાવશે વધુ એક ભવ્ય ફિલ્મ, હનુમાનજીથી પ્રેરિત હશે મુખ્ય પાત્ર, ત્રણ ભાગમાં રિલીઝ કરવામાં આવશે

    ‘બાહુબલી’, ‘RRR’ જેવી ફિલ્મો બનાવનારા અને લાર્જર ધેન લાઈફ પાત્રો સર્જનારા ફિલ્મમેકર એસ.એસ. રાજમૌલી વધુ એક ભવ્ય ફિલ્મ બનાવી રહ્યા છે. આગામી સમયમાં રાજમૌલીની ફિલ્મમાં મહેશ બાબુ જોવા મળશે, જે તેલુગુ ફિલ્મોના જાણીતાં અભિનેતા છે. આ ફિલ્મ ટ્રાયોલોજી હોવાનું કહેવાય છે એટલે કે તે ત્રણ ભાગમાં રિલીઝ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ RRR દુનિયાભરમાં ગાજી છે અને ફિલ્મના ગીત ‘નાટુ નાટુ’એ ઓસ્કાર જીતીને ભારતીયોને ગૌરવ અપાવ્યો છે. એટલે રાજમૌલી હવે આગળ શું કરવાના છે તેના પર સૌની નજર છે.

    2023ના અંત સુધીમાં ફ્લોર પર જશે ફિલ્મ

    અહેવાલો મુજબ, એસ. એસ. રાજમૌલીની મહેશ બાબુ સાથેની નવી ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં લાર્જ સ્કેલ વર્કશોપથી શરુ થઈ શકે છે. આ ફિલ્મનું કામચલાઉ શીર્ષક ‘SSMB29’ છે જે ટૂંક સમયમાં ફ્લોર પર જશે. રાજમૌલીનું કહેવું છે કે ‘SSMB29’ એ ઇન્ડિયાના જોન્સ પ્રકારની ઍક્શન એડવેન્ચર ફિલ્મ હશે, પરંતુ તેની પૃષ્ઠભૂમિ વધારે સમકાલીન અને વિસ્તૃત હશે. આ ફિલ્મમાં મહેશ બાબુ કેટલાક અદ્ભુત ઍક્શન દ્રશ્યો કરતા જોવા મળશે.

    રાજમૌલીની ફિલ્મમાં મહેશ બાબુ હનુમાનજીથી પ્રેરિત પાત્ર ભજવશે

    પિંકવિલાના રિપોર્ટ મુજબ, રાજમૌલીની ફિલ્મમાં મહેશ બાબુ હનુમાનજીથી પ્રેરિત પાત્ર ભજવશે. “આ ફિલ્મમાં આફ્રિકન જંગલની સાહસ કથા હશે. મહેશ બાબુનું પાત્ર બજરંગબલી હનુમાનથી પ્રેરિત હશે. હનુમાનજીની જેમ મહેશ બાબુનું પાત્ર પણ દરેક પરિસ્થિતિ સામે લડીને વિજય પ્રાપ્ત કરશે. ફિલ્મની વાર્તા રામાયણથી પ્રેરિત હશે, પણ દરેક ફિલ્મની જેમ અહીં પણ રાજમૌલી ટચ જોવા મળશે.

    VFX માટે ખાસ વર્કશોપનું આયોજન થશે

    ફિલ્મ દિગ્દર્શક રાજમૌલી લગભગ 6 મહિના માટે જુદા-જુદા ડીપાર્ટમેન્ટના વર્કશોપ ગોઠવશે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મમાં નોંધપાત્ર વિઝ્યુઅલ ઈફેક્ટસ હશે એટલે આખા યુનિટ માટે VFX કોમ્પોઝિશન અંગેની વર્કશોપ યોજવામાં આવશે.

    બાહુબલીની જેમ આ ફિલ્મની વાર્તા એકાધિક ભાગમાં દર્શાવાશે

    એટલું જ નહીં, રાજમૌલી ‘SSMB29’ ને એક સ્કેલ ઉપર લઈ જવાના છે. એટલે કે તેઓ આ ફિલ્મને વધુ ભવ્ય બનાવશે. આ ફિલ્મની વાર્તા ત્રણ ભાગમાં રજૂ થશે તેવું કેટલાક અહેવાલોમાં જણાવાયું છે. રાજમૌલી આ ફિલ્મથી વૈશ્વિક સ્તરે દર્શકો આકર્ષવા માગે છે.

    ઉલ્લેખનીય છે કે, પ્રભાસ અભિનિત ફિલ્મ ‘બાહુબલી’ બે ભાગમાં રિલીઝ થઈ હતી જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ‘બાહુબલી 2’ એ બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

    હાલ ‘SSMB28’ પર કામ કરી રહ્યા છે મહેશ બાબુ

    નોંધનીય છે કે, હાલ તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ ‘SSMB28’ ફિલ્મ પર કામ કરી રહ્યા છે જેમાં પૂજા હેગડે, જગપતિ બાબુ, શ્રીલીલા જેવા કલાકારો છે. મહેશ બાબુ અને ફિલ્મ ડિરેક્ટર ત્રિવિક્રમ શ્રીનિવાસ ‘અધાડુ’, ‘ખલેજા’ બાદ ‘SSMB28’માં સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મમાં સંગીત એસ. થમનનું છે અને તે 13 જાન્યુઆરી, 2024 ના રિલીઝ થવાની શક્યતા છે.

    ‘બ્રાહ્મણો ઇબ્રાહિમ અલયહિસ્સલામના વંશજ છે’ એવું કહેનારા લકી અલીએ આખરે માફી માગી, કહ્યું: ‘હિંદુ ભાઈ-બહેનોને નારાજ કર્યા, ખૂબ દિલગીર છું’

    હિન્દી ફિલ્મોના જાણીતાં ગાયક મકસૂદ મેહમૂદ અલી ઉર્ફે લકી અલીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો દાવો કર્યો હતો કે, ‘બ્રાહ્મણો ઇબ્રાહિમ અલયહિસ્સલામના વંશજ છે’. બ્રાહ્મણો અંગે લકી અલીએ શેર કરેલી આ પોસ્ટ સામે એક ચોક્કસ વર્ગે નારાજગી બતાવી હતી અને હિંદુ ધર્મ વિશે ગાયકની અજ્ઞાનતા પર સવાલ ઉઠાવ્યો હતો. લકી અલીએ બાદમાં આ વિવાદાસ્પદ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી અને હવે તેણે આ અંગે માફી માગી છે.

    ગાયકે મંગળવારે (11 એપ્રિલ, 2023) ફેસબુક પર એક નવી પોસ્ટ શેર કરીને લખ્યું કે, તેમનો ઉદ્દેશ કોઈને નારાજ કરવાનો કે લાગણી દુભાવવાનો ન હતો. તેઓ આ માટે હૃદયપૂર્વક માફી માગે છે. તેમના મતે તેમણે આવું નિવેદન લોકોને નજીક લાવવા માટે કર્યું હતું.

    લકી અલીએ કહ્યું- ‘મને ભારે અફસોસ છે’

    બ્રાહ્મણો અંગે લકી અલીએ આપેલા નિવેદન બદલ સોશિયલ મીડિયા પર ખૂબ વિરોધ થયો હતો. બાદમાં ગાયકે માફીનામું શેર કર્યું કે, “તમામ પ્રિય લોકો, મને મારી પાછલી પોસ્ટના વિવાદનો અહેસાસ છે. મારો ઈરાદો કોઈને તકલીફ આપવાનો કે લોકો વચ્ચે રોષ પેદા કરવાનો ન હતો અને મને આ વાતનો ભારે અફસોસ છે.”

    લકી અલીએ ઉમેર્યું કે, “મારો હેતુ તો આપણા બધાને નજીક લાવવાનો હતો… પરંતુ, હવે મને સમજાયું છે કે મારો જે હેતુ હતો તે આ પોસ્ટ સાર્થક કરી શકી ન હતી. હવેથી હું જે પણ પોસ્ટ કરીશ એ અંગે અને મારા શબ્દોને લઈને જાગૃત રહીશ. કેમકે, મેં મારા ઘણાં હિંદુ ભાઈઓ અને બહેનોને નારાજ કર્યા છે. એ માટે હું ખૂબ દિલગીર છું. હું તમને બધાને પ્રેમ કરું છું.”

    બ્રાહ્મણો અંગે લકી અલીએ શું કહ્યું હતું?

    લકી અલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે, “બ્રાહ્મણો ઇબ્રાહિમ અલયહિસ્સલામના વંશજ છે, જે ઘણાં રાષ્ટ્રોના પિતા છે. તો શા માટે દરેક કોઈ તર્ક વગર એકબીજા સાથે દલીલ કરે છે અને લડે છે?” જોકે, ગાયકના આ દાવાએ ફેન્સને નારાજ કરી મૂક્યા હતા. બીજી તરફ ગાયકે તેના દાવાને સમર્થન આપવા માટે કોઈ સ્ત્રોત પ્રદાન કર્યું નહોતું. યુઝર્સે તેમને વિનંતી કરી હતી કે, તમે તમારા ક્ષેત્રમાં નિષ્ણાત છો, પણ જે બાબત વિશે તમે ન જાણતા હો, તેના વિશે ટિપ્પણી કરવાનું ટાળો.

    બ્રાહ્મણોને ઈબ્રાહીમના વંશજ કહેવાનો પ્રયાસ 2000 વર્ષો જૂનો

    ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2000 વર્ષોથી બ્રાહ્મણોને ઈબ્રાહીમના વંશજ કહેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઇસ્લામિક કટ્ટરપંથીઓની આ વિચારસરણી સદીઓ જૂની છે, જે હિંદુ સંસ્કૃતિને નબળી બનાવવાનો પ્રયાસ કરે છે. તે બધી સંસ્કૃતિઓના જન્મનું કારણ પોતાને જ ગણાવે છે.

    ગાયક લકી અલીએ પણ સોશિયલ મીડિયા દ્વારા આવું કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમના નિવેદને વિવાદ સર્જતા તેમને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું અને ચાહકોની નારાજગી વહોરવી પડી હતી.

    હિંદુ યુવક સાથે પરણેલી મુસ્લિમ યુવતીના ઘરવાળાઓએ કુબેર ભવન માથે લીધું: વડોદરાનો કિસ્સો આંતરધર્મી લગ્નનો કિસ્સો, યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલાઈ

    થોડા દિવસો પહેલા વડોદરામાંથી એક મુસ્લિમ યુવતી અને હિંદુ યુવક ભાગી ગયા હતા. હવે જયારે તેઓ પોતાના લગ્નનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરાવવા કુબેર ભવન ખાતે પહોંચ્યા, તો ત્યાં યુવતીના ઘરવાળાઓ મોટી સંખ્યામાં મુસ્લિમ ટોળાને લઈને હાજર હતા અને તેમણે ખુબ તોફાન મચાવ્યું હતું.

    દેશગુજરાતના અહેવાલ મુજબ આ યુવતીના ગાયબ થવાની ફરિયાદ તેના પરિવારજનોએ પહેલાથી કરજણ પોલીસ સ્ટેશનમાં લખાવેલી હતી. ફરિયાદ મુજબ વડોદરામાં રહેતા યુવતીના પરિવારજનોને પહેલાથી હિંદુ યુવક સાથે તેના સંબંધ હતા તેની જાણ હતી. આ મુસ્લિમ યુવતી અને હિંદુ યુવક બંને છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ હતા.

    જયારે યુવતીના પરિવારજનોને ધ્યાનમાં આવ્યું કે આ યુગલ કુબેર ભવન ખાતે લગ્નનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરાવવા આવવાનું છે ત્યારે તેઓ પહેલેથી મુસ્લિમ ભીડ સાથે છઠ્ઠા મળે એકઠા થઇ ગયા હતા.

    મુસ્લિમ યુવતી અને હિંદુ યુવક બંને પુખ્તવયના હોવાથી રાવપુરા પોલીસ તેમને સુરક્ષા પુરી પાડવા માટે આવી હતી અને તેઓ આ યુગલને ભીડથી બચાવીને 9મા મળે લઇ ગયા હતા. મુસ્લિમ ભીડમાંના કેટલાક લોકોએ તેમનો નવમા માળ સુધી પીછો પણ કર્યો હતો.

    બાદમાં કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગાયબ થવાના કેસ બાબતે યુવતીનો જવાબ લેવા માટે વડોદરા જિલ્લા પોલીસની એક ટુકડી પણ છઠ્ઠા માળે પહોંચી હતી. જ્યાં મુસ્લિમ ટોળાએ મોદી સાંજ સુધી ખુબ ધમાલ મચાવી હતી. આખરે તે યુવતીને પોલીસ દ્વારા નારી સંરક્ષણ ગૃહ કહતે મોકલી આપવામાં આવી હતી.

    જામનગરમાં પણ આંતરધર્મી લગ્ન બાબતે થઇ ચુકી છે ધમાલ

    આ પહેલા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હસથલ ગામે આ જ પ્રકારનો આંતરધર્મી લગ્નનો કિસ્સો સામે આવ્યો હતો. અહીં મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર હિંદુ યુવકના પિતા અને બહેનને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો અને તેમના ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

    પીડિત કિશોર કારસરિયાનો પુત્ર હિરેન અને યુસુફ નોઈડાની પુત્રી મુસ્કાન એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન કરીને ભાગી ગયા હતા. આ દંપતી રાજકોટ શહેરમાં પતિ-પત્ની તરીકે રહેવા લાગ્યા હતા. જોકે, મુસ્કાનના પરિવારને આ વાત ગમી નહોતી.