Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગેંગસ્ટર અતિક અહમદનો પુત્ર અસદ એનકાઉન્ટરમાં ઠાર, ઉમેશ પાલની હત્યા બાદથી હતો...

    ગેંગસ્ટર અતિક અહમદનો પુત્ર અસદ એનકાઉન્ટરમાં ઠાર, ઉમેશ પાલની હત્યા બાદથી હતો ફરાર: શૂટર મોહમ્મદ ગુલામ પણ માર્યો ગયો

    આ બંને ઉમેશ પાલની હત્યા બાદથી જ ફરાર હતા અને શોધખોળ માટે યુપી પોલીસની ટીમો ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારો ખૂંદી રહી હતી.

    - Advertisement -

    માફિયા ગેંગસ્ટર અતિક અહમદનો પુત્ર અને ઉમેશ પાલ હત્યાકાંડનો આરોપી અસદ યુપી પોલીસના એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. તેની સાથે આ કેસના અન્ય એક આરોપી મોહમ્મદ ગુલામનું પણ એનકાઉન્ટર કરવામાં આવ્યું છે. બંને ઉમેશ પાલની હત્યાના આરોપી હતા. 

    આ બંને ઉમેશ પાલની હત્યા બાદથી જ ફરાર હતા અને શોધખોળ માટે યુપી પોલીસની ટીમો ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારો ખૂંદી રહી હતી. આ બંને ઉપર પાંચ લાખ રૂપિયાનું ઇનામ પણ ઘોષિત કરવામાં આવ્યું હતું. આજે ઝાંસીમાં યુપી એસટીએફે એન્કાઉન્ટરમાં બંનેને ઠાર કર્યા હતા. બંને પાસેથી પોલીસને હથિયારો મળી આવ્યાં છે. 

    ઉમેશ પાલ પર ગોળી ચલાવી હતી

    ગત 24 ફેબ્રુઆરી, 2023ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ નામના વકીલની હત્યા કરી નાંખવામાં આવી હતી. તેઓ 2006ના રાજુ પાલ હત્યાકાંડના મુખ્ય સાક્ષી હતા. ભરબજારમાં ધોળા દહાડે ગોળી મારીને તેમને મારી નાંખવામાં આવ્યા હતા. આ કેસમાં અતિક અહમદના પુત્ર અસદનું નામ ખૂલ્યું હતું. તેણે જ સાગરીતો સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હતો. 

    - Advertisement -

    હત્યાકાંડ બાદથી જ અસદ અન્ય કેટલાક સાગરીતો સાથે ફરાર હતો અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. તેની ઉપર ઉમેશ પાલ પર ગોળી ચલાવવાનો આરોપ હતો. આ કેસમાં પોલીસે અસદ, સદાકત, અરમાન, વિજય ઉર્ફે ઉસ્માન (એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો), અરબાઝ (એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો), સાબિર, કૈસ અહમદ (હાલ જેલમાં), રાકેશ, અરશદ, નિયાઝ વગેરે સામે FIR દાખલ કરી હતી. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઉમેશ પાલ હત્યાકાંડના બે આરોપીઓ એનકાઉન્ટરમાં માર્યા ગયા હતા. જેમાં હત્યા સમયે અસદની ગાડી ચલાવનારો અરબાઝ તેમજ ઉમેશ પાલ પર પહેલી ગોળી ચલાવનારો વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન સામેલ છે. બંને જુદાં-જુદાં એનકાઉન્ટરમાં માર્યા ગયા હતા. હવે આ કેસના અન્ય બે શૂટરો ઠાર મરાયા છે. 

    અતિક અહમદે કહ્યું હતું- માટીમાં તો મેળવી દીધા છે, હવે અમારા પરિવારને બક્ષી દો

    સાબરમતી જેલમાં બંધ અતિક અહમદને યુપી પોલીસ ફરી પ્રયાગરાજ લઇ ગઈ હતી. આ દરમિયાન મીડિયા સાથેની ટૂંકી વાતચીતમાં તેણે કહ્યું હતું કે, સરકારે કહ્યું હતું કે માટીમાં મેળવી દઈશું. હવે માટીમાં તો મેળવી દેવામાં આવ્યા છે. પરંતુ હવે મારા પરિવારના બાળકો અને મહિલાઓને ‘પરેશાન’ ન કરો. ઉલ્લેખનીય છે કે ઉમેશ પાલ હત્યાકાંડ બાદ વિધાનસભામાં બોલતી વખતે યુપી સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, તેઓ માફિયાઓને છોડશે નહીં અને માટીમાં મેળવી દેશે. તેમના આ નિવેદનની ચર્ચા પણ ખૂબ થઇ હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં